પાણીની તંગી : ગુજરાત માટે નળ સરોવરનું સુકાવું એ આગોતરી ચેતવણી છે?

  • રોક્સી ગાગડેકર છારા
  • સંવાદદાતા, બીબીસી ગુજરાતી
સુકાઈ ગયેલું નળ સરોવર

ગુજરાતના મુખ્ય વેટલૅન્ડમાંનું એક અમદાવાદ પાસેનું નળ સરોવર આ વર્ષે સુકાઈ ગયું છે. જેની સીધી અસર સરોવરની જીવસૃષ્ટી અને વનસ્પતિ પર પડી રહી છે. 120.82 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું નળ સરોવર હાલમાં એક મેદાનમાં ફેરવાઈ ગયું છે.

જોકે, સરકાર પાસે આ નળ સરોવર અને તેનાં જેવાં બીજા વેટલૅન્ડને બચાવવા માટે કોઈ ઠોસ આયોજન નથી.

હાઈકોર્ટની ઝાટકણી બાદ પણ હજુ રાજ્ય સરકારને તે વિશે કામ કરવાનું બાકી છે.

120.82 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું નળ સરોવર હાલમાં એક મેદાનમાં ફેરવાઈ ગયું છે.

અહીં આવતાં ફ્લેમિંગો જેવાં યાયાવર પક્ષીઓ હવે આસપાસનાં બીજાં નાનાં તળાવો તરફ જતાં રહ્યાં છે.

પર્યાવરણવીદોનું માનવું છે કે પાણી સુકાઈ જવાને કારણે નળ સરોવરની જીવસૃષ્ટી અને વનસ્પતિ સંપૂર્ણપણે નાશ પામી છે, જેની અસર આવનારાં વર્ષોમાં થશે.

વરસાદ અને સરકાર પર નિર્ભર નળ સરોવર

નળ સરોવર અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ફેલાયેલું છીછરા પાણીનું વિશાળ તળાવ છે.

જૈવ વિવિધતા ધરાવતા નળ સરોવરને 1969માં પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું.

દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં મધ્ય એશિયા, યુરોપ અને સાઇબેરિયામાંથી હજારોની સંખ્યામાં પક્ષીઓ આવે છે.

ત્યાં પડતી ઠંડીથી બચવા માટે આ પક્ષીઓ નવેમ્બરથી એપ્રિલ સુધી નળ સરોવરને પોતાનું ઘર બનાવે છે.

આ ઉપરાંત સ્થાનિક પક્ષીઓ પણ શિયાળામાં નળ સરોવરમાં આવે છે.

જેમાં જ્યારે પાણી હોય ત્યારે અનેક પ્રકારની જીવસૃષ્ટી પણ વસવાટ કરે છે. જોકે, આ વર્ષે પાણી ન હોવાને કારણે આ જીવસૃષ્ટીનું નિકંદન નીકળી રહ્યું છે.

નળ સરોવર સુકાઈ જવા બાબતે ગાંધીનગર ફૉરેસ્ટ રેન્જના ડિસ્ટ્રિક્ટ ફૉરેસ્ટ ઑફિસર એસ. જે. પંડિતે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે આ વર્ષે ઓછો વરસાદ થયો હોવાને કારણે નળ સરોવરમાં પાણી નથી.

તેમણે કહ્યું, "આસપાસના અંદાજે 3,000 ચોરસ કિલોમીટરના વિસ્તારનું પાણી નળ સરોવરમાં આવતું હતું."

"આ વર્ષે વરસાદ ઓછો થયો હોવાથી ઓછું પાણી નળ સરોવરમાં આવ્યું હતું, જેના કારણે હાલ તે સુકાઈ ગયું છે."

"દર વર્ષે વધારાનું પાણી નર્મદા કૅનાલમાથી છોડવામાં આવે છે પરંતુ આ વર્ષે તે પાણી પણ છોડાયું નથી."

તેમણે કહ્યું કે નર્મદાનું પાણી નળ સરોવરમાં ઠાલવવું કે કેમ તે રાજ્ય સરકારે નિર્ણય કરવાનો હોય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પાણી સુકાઈ જવાથી શું થશે?

પર્યાવરણ નિષ્ણાત મહેશ પંડ્યાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે પાણી ન હોવાને કારણે આસપાસના વિસ્તારોનું ગ્રીન કવર ઘટી રહ્યું છે.

તેમણે કહ્યું, "નળ સરોવર જેવું વેટલૅન્ડ માત્ર પક્ષીઓ કે પ્રવાસનને જ નહીં પરંતુ આખી ઇકોલૉજીને સાચવી રાખે છે."

"પાણી ન હોવાને કારણે આ વર્ષે પક્ષીઓ અન્ય જગ્યાએ જતાં રહ્યાં છે, પરંતુ ત્યાંની વનસ્પતિ સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે."

"આ સરોવરમાં તાત્કાલિક પાણી નાખીને આ વિસ્તારની ઇકોલૉજીને સાચવી રાખવાની જરૂર છે."

નળ સરોવરમાં છેલ્લાં 30 વર્ષોથી ગાઇડ તરીકે કામ કરતા અને પક્ષી ગણતરીમાં નિયમીત રીતે ભાગ લેતા હાસમભાઈ અહીંના મુખ્ય જાણકારોમાંના એક છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "નળ સરોવરમાં 250 જેટલી વિવિધ જાતિનાં પક્ષીઓ વસવાટ કરે છે."

"તેમાં કૉમન કૂટ સૌથી વધારે માત્રામાં આવતું પક્ષી છે, નોર્થન પીનટેઇલ અને ગ્રેટર ફ્લેમિંગો પણ મોટી માત્રામાં નળ સરોવરને પોતાનું ઘર બનાવતાં હોય છે."

નળ સરોવરમાં આશરે 72 પ્રકારની અલગ-અલગ વનસ્પતિ જોવા મળે છે.

જેમાં સેવાળ, સુત્તરીયો સેવાળ, કંટાલ, સુત, પોચીયો જેવી વનસ્પતિ મોટા પ્રમાણમાં શાકાહારી પક્ષીઓને ભોજન પૂરું પાડે છે. અહીં લગભગ છ પ્રકારની માછલીઓ પણ જોવા મળે છે.

આ તમામ જીવસૃષ્ટી નળ સરોવરની આસપાસનાં 82 ગામડાંના લોકોને પણ રોજગારી પૂરી પાડે છે. જોકે, આ વર્ષે નવેમ્બર મહીનાના અંતથી જ અહીંયા જીવસૃષ્ટી બચી નથી અને પક્ષીઓ રહ્યાં નથી.

'પાણી સુકાવાથી કોઈ ફરક નહીં પડે'

વેટલૅન્ડ ઇકોલૉજીસ્ટ અને સ્ટેટ વેટલૅન્ડ કન્ઝર્વેશન ઑથૉરિટીના સભ્ય ડૉ. કેતન ટાટુ કહે છે, "અમુક વર્ષો બાદ એક વખત તો વેટલૅન્ડ સુકાઈ જ જશે."

"જે તે વેટલૅન્ડ અને તેમાં થતી વનસ્પતિ માટે પણ આ પ્રક્રિયા ફાયદાકારક હોય છે."

તેમણે વધુમાં કહ્યું, "નળસરોવરની જમીનની અંદર વનસ્પતિના બીજને સીધો સૂર્યપ્રકાશ મળશે, જેના કારણ હવે પછી વનસ્પતિ ખૂબ જ સારા પ્રમાણમાં થશે."

"વેટલૅન્ડમાં માનવીય દખલ ઓછી કરી દેવી જોઈએ અને હાલની પરિસ્થિતિને સ્વીકારી લેવી જોઇએ."

"જ્યારે નળ સરોવરમાં ફરીથી પાણી આવશે ત્યારે જૈવ વિવિધતા સારી રીતે ખીલી ઉઠશે. પક્ષીઓ થોડા સમય માટે બીજે જતાં રહેશે, તેનાંથી જૈવ વિવિધતાને કોઈ ખાસ ફરક નહીં પડે."

દેશભરમાં આવેલાં વેટલૅન્ડના કુલ વિસ્તારમાંથી 23 ટકા હિસ્સો ગુજરાત એકલાનો છે.

આમાંથી નળ સરોવર આશરે 14,673 હેક્ટર જમીન પર ફેલાયેલું છે.

નળ સરોવર ઉપરાંત ગુજરાતમાં કચ્છનું નાનું રણ, ખીજડીયા, થોળ, પરાઇજ ઇરીગેશન, વઢવાણા ઇરીગેશન, અને નાના કાકરડ જેવી જગ્યાનો મુખ્ય વેટલૅન્ડ તરીકે સમાવેશ કરી શકાય.

ગુજરાત રાજ્યની કુલ જમીનમાંથી આશરે 17.56 ટકા જેટલી જમીન વેટલૅન્ડ છે.

સાઉથ-એશિયા વિસ્તારમાં વેટલૅન્ડના સંવર્ધન પર કામ કરતી વેટલૅન્ડ ઇન્ટરનેશનલ પ્રમાણે વેટલૅન્ડ પૃથ્વીના કુલ વિસ્તારના ખૂબ જ ઓછા પ્રમાણમાં છે.

વેટલૅન્ડ પૃથ્વી માટે આર્ટરીઝ અને વેઇન્સ જેવું કામ કરે છે. જે પ્રાકૃતિક રીતે આપાસના વિસ્તારોમાં પાણીને રિચાર્જ કરે છે અને પાણીને સ્વચ્છ રાખે છે.

વેટલૅન્ડ ઇન્ટરનેશનલ પ્રમાણે વેટલૅન્ડ વગરની પૃથ્વી એટલે પાણી વગરની પૃથ્વી કહેવાય.

સરકાર આ મામલે ગંભીર નથી

પર્યાવરણવીદ મહેશ પંડ્યા માને છે કે ગુજરાત સરકારે આ વેટલૅન્ડના સંવર્ધન માટે અને તેને બચાવવા માટે કોઈ ખાસ પ્રયાસો કર્યા નથી.

2017માં સુપ્રીમ કોર્ટે દેશભરની વેટલૅન્ડના સંવર્ધન માટે કેન્દ્ર સરકારને હુકમ કર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે એક સુઓ મોટો અરજી દાખલ કરીને વેટલૅન્ડના સંવર્ધન માટે રાજ્ય સરકારને જૂન 2017માં નોટીસ પાઠવી હતી અને સંવર્ધનના ભાગરૂપે લીધેલાં પગલાંની માહિતી કોર્ટને જુલાઈ 2018 સુધી આપવાનો હુકમ કર્યો હતો.

હાઈકોર્ટની આ સુઓ મોટો અરજી તરફથી હાજર રહેલા વકીલ ગૌતમ જોશીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે સરકારને નોટસ પાઠવી છે પરંતુ તેનો જવાબ હજી સુધી રાજ્ય સરકારે કોર્ટમાં દાખલ કર્યો નથી.

તેમણે કહ્યું કે રાજ્ય સરકારનો જવાબ આવે ત્યારબાદ જ આ વિશે કોર્ટનું કામકાજ આગળ વધી શકે છે.

આ મામલે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "આ વર્ષે પાણીની તંગી હોવાથી નળ સરોવર સુકાઈ ગયું છે અને તેમાં પાણી નાખવા માટે સરકાર પાસે કોઈ આયોજન નથી."

જોકે, તેમણે એવું કહ્યું કે સરકાર વેટલૅન્ડને સુરક્ષિત રાખવા પ્રતિબદ્ધ છે. પણ, હકીકત એ છે કે સરકાર પાસે દેશની સૌથી વધુ વેટલૅન્ટ ધરાવતા એવા ગુજરાત રાજ્યની વેટલૅન્ડના સંવર્ધન માટે કોઈ ઠોસ આયોજન નથી.

જોકે, રાજ્યમાં પાણીની તંગી હોવાને કારણે જ્યારે સરકાર સિંચાઈ માટે પણ પૂરતું પાણી આપી રહી નથી. ત્યારે નળ સરોવરમાં પાણી નાખવું સરકાર માટે મુશ્કેલ છે.

ઓછો-વધતો વરસાદ હોય તેમ છતાંય નળ સરોવરનામાં પાણી રહેતું હતું.

શા માટે થઈ આવી હાલત?

નળ સરોવરના સુકાઈ જવા વિશે વાત કરતા ખેડૂત આગેવાન અને પાણીની તંગી માટે સરકાર સાથે સતત વાતચીત કરતા રહેતા સાગર રબારી કહે છે, "નળસરોવરમાં મોટાભાગે થોળ તળાવથી

પાણી આવતું હતું, પરંતુ આ બન્ને તળાવો વચ્ચેની કૅનાલોની બિસ્માર હાલત છે."

"ઓછો વરસાદ થયો અને તેના કારણે સરોવર સુકાઈ ગયું કારણ કે આ સરોવરમાં પાણીની બીજી આવકો ધીરે ધીરે બંધ થઈ રહી છે."

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન એસ. એસ. રાઠોડ બીબીસી ગુજરાતીને જણાવે છે કે નર્મદાની કૅનાલોમાં જ્યારે વધારાનું પાણી હોય ત્યારે પાણી આસપાસના સરોવરોમાં ભરાતું હોય છે.

તેમણે કહ્યું, "આ વર્ષે પાણીની આવક ખૂબ ઓછી છે માટે વધારાનું પાણી કૅનાલોમાં નથી."

"1 જુલાઈ 2018થી 30 જૂન 2019 સુધી નર્મદાની કૅનાલોમાં 6.8 મિલિયન એકર ફીટ પાણીની જોગવાઈ છે."

"જે દર વર્ષની સરેરાશ 9 મિલિયન એકર ફીટ કરતાં ઓછી છે."

એક મિલિયન એકર ફીટમાં આશરે 4047 ચોરસ કિલોમીટર જમીનને પાણી આપી શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો