નરેન્દ્ર મોદીનું અપમાન કરનાર ઝડફિયાએ જ UPમાં બચાવ્યો ભાજપનો ગઢ

  • પાર્થ પંડ્યા
  • બીબીસી ગુજરાતી

નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભાજપે 303 બેઠકો પર વિજય મેળવ્યો છે. આ સાથે જ ભાજપે લોકસભામાં એકલા હાથે બહુમત મેળવી લીધો છે.

આ ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચામાં રહેલાં રાજ્યોમાં ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ હતાં.

ઉત્તર પ્રદેશમાં માયાવતી અને અખિલેશ યાદવ સાથે મળીને મહાગઠબંધન બનાવ્યું હતું અને કૉંગ્રેસે પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવી જવાબદારી સોંપી હતી.

ભાજપને આ વખત ડર હતો કે તેણે 2014માં જીતેલી 73 બેઠકોને સાચવી નહીં શકે. આ વાત કેટલાક અંશે સાચી પડી છે, કારણ કે આ વખતે ભાજપ અહીં 64 બેઠકો જીતી શક્યો છે.

સપા-બસપાના ગઠબંધનને 15 બેઠકો મળી છે. જ્યારે કૉંગ્રેસ માત્ર રાયબરેલીની એક જ બેઠક જીતી શકી છે.

ભાજપનો ગઢ ઉત્તર પ્રદેશમાં જાળવી રાખવા માટે ગુજરાતના ગોરધન ઝડફિયાને ભાજપે ઉત્તર પ્રદેશમાં મોકલ્યા હતા.

ગોરધન ઝડફિયાને સહપ્રભારી બનાવીને રાજ્યમાં ભાજપને થતું વધારાનું નુકસાન ભરપાઈ કરવામાં ભાજપ સફળ થયો છે.

એક વખત મોદીની સામે પડનારા ગોરધન ઝડફિયાને ભાજપે અહીં ગોરધન ઝડફિયાની જ કેમ પસંદગી કરી હતી?

વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરથી ધારાસભ્ય સુધી

ઝડફિયાની રાજનૈતિક કારકિર્દીની શરૂઆત વિશ્વ હિંદુ પરિષદ(વી.એચ.પી.)થી થઈ હતી, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એ પહેલાં આશરે દોઢ દાયકા સુધી તેઓ વી.એચ.પી.માં સક્રીય રહ્યા હતા.

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પોલિટિકલ એડિટર રહી ચૂકેલા રાજીવ શાહ જણાવે છે કે ગોરધન ઝડફિયા મૂળે વિશ્વ હિંદુ પરિષદના હોવાથી પ્રવિણ તોગડિયાની નિકટના નેતા ગણાતા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

પબ્લિક ઍડમિનિસ્ટ્રેશનમાં અનુસ્નાતકની ડિગ્રી ધરાવતા ગોરધન ઝડફિયા મૂળએ હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા છે.

ઝડફિયાને 1995માં પહેલી વખત ભાજપમાંથી ટિકિટ આપવામાં અને તેઓ ચૂંટાઈ આવ્યા હતા.

જ્યારે ઝડફિયાએ મોદી સરકારમાં મંત્રીપદ ન સ્વીકાર્યું

2002ના રમખાણો વખતે તેઓ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હતા અને 2002ના રમખાણોમાં તેમની ભૂમિકાને શંકાસ્પદ ગણાવી હતી.

2002ના રમખાણો સંદર્ભે ઝડફિયા વિરુદ્ધ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસ.આઈ.ટી.)ની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.

2002ના રમખાણો બાદ ગૃહ રાજ્યમંત્રીના પદ પરથી ગોરધન ઝડફિયાને હટાવી દેવાયા અને તેમના બદલે હાલના ભાજપ અધ્યક્ષ અમિત શાહને ગૃહ રાજ્યમંત્રી બનાવાયા હતા.

રાજીવ શાહ જણાવે છે કે 2002ના રમખાણો વખતે ઝડફિયાનું નામ પણ ઊછળ્યું હતું અને તેમની ભૂમિકા અંગે પ્રશ્નો સર્જાયા હતા.

મંત્રી મંડળનું વિસ્તરણ કરતી વખતે ફરીથી ઝડફિયાને કૅબિનેટમાં સમાવવાનો પ્રસ્તાવ હતો, પરંતુ ઝડફિયાએ મોદી સરકારમાં મંત્રીપદ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.

તેમની ગણતરી નરેન્દ્ર મોદીના વિરોધી કૅમ્પમાં કરાતી હતી.

'જ્યારે ઝડફિયા બેઠકમાં રડી પડ્યા'

એક અરસા દરમિયાન ગોરધન ઝડફિયાની નરેન્દ્ર મોદીના વિરોધી તરીકે ગણતરી થતી હતી.

રાજીવ શાહ કહે છે, "નરેન્દ્ર મોદી અને ગોરધન ઝડફિયા વચ્ચે મતભેદ હતા અને એ મતભેદ એટલી હદે વધ્યો કે ગોરધન ઝડફિયાએ બેઠકમાં રડ્યા હતા અને નરેન્દ્ર મોદી મારા ફોન ટેપ કરે છે એવું પણ કહ્યું હતું."

"નરેન્દ્ર મોદી દ્વારા તેમના વિરુદ્ધ કાવતરું કરાઈ રહ્યું છે, એવું પણ તેમને લાગતું હતું."

આ ઘટના વર્ષ 2005ની છે, જ્યારે ધારાસભ્યોની બેઠકમાં ગોરધન ઝડફિયા રડી પડ્યા હતા.

તેમને એવો આક્ષેપ કર્યો હતો કે તેમના વિરુદ્ધ જાણી જોઈને કાવતરું ઘડવામાં આવી રહ્યું છે અને મોદી સરકાર દ્વારા તેમનો ફોન ટેપ કરાઈ રહ્યો છે.

ઝડફિયાએ ભાજપમાંથી બળવો કર્યો

ગોરધન ઝડફિયાને પ્રવિણ તોગડિયા ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલના પણ નિકટવર્તી ગણવામાં આવે છે.

ગોરધન ઝડફિયાએ ભાજપમાંથી બળવો કર્યો હતો અને મહાગુજરાત જનતા પાર્ટીની સ્થાપના કરી હતી.

ત્યારબાદ કેશુભાઈ પટેલની સાથે મળીને ઝડફિયાએ વર્ષ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી(જી.પી.પી.) સ્થાપી હતી, જેમાં મહાગુજરાત જનતા પાર્ટીનું વિલીનીકરણ થયું હતું.

આ અરસામાં તેમને નરેન્દ્ર મોદી વિરુદ્ધ અનેક નિવેદનો આપ્યાં હતાં.

વર્ષ 2007માં તેમણે એવું પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એવું વિચારે છે કે તેઓ પક્ષ અને લોકશાહીથી ઉપર છે.

પાટીદારોને એકઠા કરવામાં ભૂમિકા

પાટીદાર આંદોલન પાછળના દોરીસંચારમાં ગોરધન ઝડફિયાનું નામ ચર્ચાતું રહ્યું હતું અને પાટીદારોને એકઠા કરવામાં તેમની ભૂમિકા હોવાની પણ ચર્ચા છે.

સૌરાષ્ટ્રના લેઉવા પટેલ સમાજના સંગઠનોમાં તેઓ હોદ્દેદાર રહ્યા છે અને લેઉવા પટેલ મતદારોમાં તેમનું પ્રભુત્વ હોવાની વાત પણ પ્રચલિત છે.

જોકે, પાટીદાર આંદોલન પાછળ તેમનો સીધો દોરીસંચાર હોવાની કોઈ કડી મળતી નથી.

ઝડફિયાની ભાજપમાં ઘરવાપસી

વર્ષ 2014માં ગુજરાત પરિવર્તન પાર્ટી ફરીથી ભાજપમાં વિલીન થઈ ગઈ હતી અને એ સાથે જ ગોરધન ઝડફિયા ભાજપમાં પરત આવ્યા હતા.

ગુજરાત પરિવર્તન પાર્ટી ચૂંટણીમાં સારું પ્રદર્શન કરી નહોતી શકી, કેશુભાઈ અને ગોરધન ઝડફિયાના કેટલાક ખાસ ગણાતા વિસ્તારોમાં પણ ચૂંટણી પ્રદર્શન ખરાબ રહ્યું હતું.

ભાજપમાં પરત આવ્યા ત્યારબાદ ઝડફિયાને કોઈ મહત્ત્વનું પદ આપવામાં નહોતું આવ્યું અને એવું મનાતું હતું કે તેમની રાજકીય કારકિર્દી હવે પૂર્ણ થઈ ગઈ છે.

અમિત શાહની જગ્યા ઝડફિયાને મળી

2019ની લોકસભા ચૂંટણી માટે અલગ-અલગ રાજ્યના પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અમિત શાહ દ્વારા કરવામાં 26 ડિસેમ્બરે આવી છે.

ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે ગોરધન ઝડફિયાની નિમણૂક કરવામાં આવી છે.

2014ની લોકસભા ચૂંટણી વખતે ઉત્તર પ્રદેશના પ્રભારી અમિત શાહ હતા.

2002માં ગોરધન ઝડફિયાને હટાવ્યા બાદ અમિત શાહને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી બનાવાયા હતા અને ઉત્તર પ્રદેશના પ્રભારી પદ પર 2014માં અમિત શાહ હતા અને હવે એ પદ ગોરધન ઝડફિયાને મળ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો