જયંતી વિશેષ : જયારે ગાલિબે કહ્યું હવે અત્યારે અકબરના ગુણ ગાવાનો શું મતલબ છે?

ગાલિબ

ઇમેજ સ્રોત, VIKAS TRIVEDI/BBC

'ગંજિના-એ-મઅ'ની કા તિલિસ્મ ઇસકો સમઝિયે, જો લફ્ઝ કે ગા઼લિબ મેરે અશઆર મેં આવે

આજે જેમની જયંતી છે તે ઉર્દૂ ભાષાના પ્રખ્યાત શાયર મિરઝા ગા઼લિબનો આ શેર છે.

આ શેરનો અર્થ થાય છે, જે મારી કવિતાની પંક્તિમાં આવે છે એવા શબ્દોને અર્થોના ખજાનાનો જાદુ સમજો.

ગાલિબે જયારે આ શેર લખ્યો હશે ત્યારે કદાચ એમને એ વાતનો અંદાજ પણ નહીં હોય કે કયારેક કોઈ એમનો એમના શબ્દોના ખજાનાનો જાદુ સમજીને ભારતમાં ઇસ્લામમાં આધુનિક શિક્ષણનો પાયો નાખશે.

ભારતમાં ઇસ્લામમાં આધુનિક શિક્ષણની શરુઆત કરવાનો શ્રેય જેમને આપવામાં આવે છે તે સર સૈયદ અહેમદ ખાને ગાલિબના શબ્દોનો અર્થપૂર્ણ જાદુ પકડી લીધો.

ગાલિબના શબ્દોની પ્રેરણા જેમાં છે તે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી એ ભારતમાં આધુનિક શિક્ષણ માટેની ખૂબ મોટી સાંકેતિક ઘટના ગણાય છે.

"આઇન-એ-અકબરી"નાઅનુવાદની એ ઘટના

ઇમેજ સ્રોત, Getty Images

સર સૈયદ અહેમદ ખાન પરની વેબસાઇટ ગાલિબ અને આધુનિક શિક્ષણને જોડતી આ ઘટના 1855માં બની હતી.

વાત જાણે એમ હતી કે મુસ્લિમ સ્કૉલર સર સૈયદ અહેમદ ખાને અબુ ફઝલની પ્રખ્યાત ચોપડી 'આઇન-એ-અકબરી'નો અનુવાદ કર્યો હતો.

'આઇન-એ-અકબરી' એ બાદશાહ અકબરનું બંધારણ ગણાય છે. સર સૈયદ અહેમદ ખાનનો પરિવાર બાદશાહનો માનીતો પરિવાર હતો.

સર સૈયદ અહમદ ખાન ખૂબ જ ઉત્સાહથી અનુવાદ લઈને ગાલિબ પાસે ગયા અને તેની પ્રસ્તાવના લખી આપવા માટે વિનંતી કરી.

કવિતા સ્વરુપે ભાષામાં લખાયેલી પ્રસ્તાવનામાં ગાલિબે લખ્યું, "અત્યારે જયારે આધુનિક વિશ્વનું બંધારણ કોલકાતામાં લખાઈ રહ્યું છે ત્યારે અકબરના ગુણ ગાવાનો શું મતલબ છે?"

જાહેર છે કે કવિ ગાલિબ અંગ્રેજોના આગમન સાથે બદલાઈ રહેલા આધુનિક સમાજને સમજી રહ્યા હતા અને એમનો ઇશારો ભવ્ય ભૂતકાળથી આગળ વધીને આધુનિક વિદ્યાઓ દ્વારા ભવિષ્ય તરફ જોવાનો હતો.

તમને આ વાંચવું પણ ગમશે:

સર સૈયદ શબ્દોનો જાદુ સમજયા

ઇમેજ સ્રોત, Aligrah Muslim University Website

એક પ્રતિભાશાળી કવિનો શબ્દોનો મર્મ સર સૈયદ અહેમદ ખાન સમજી ગયા.

સર સૈયદ અહેમદ ખાન વિદ્વાન વ્યકિત હતી અને એમણે ધાર્મિક તથા સાંસ્કૃતિક બાબતો પર અનેક પુસ્તકો લખ્યાં હતાં.

એ પછીનો સમય 1857ના બળવાનો હતો જેમાં સર સૈયદ અહેમદ ખાન બ્રિટિશોની તરફ હતા.

જોકે, બળવામાં થયેલી કત્લેઆમ અને અંગ્રેજોની નીતિઓને સમજતાં એમને વાર ન લાગી અને એ પછી એમણે અંગ્રેજોની નીતિની ટીકા કરતો 'અસબાબ-એ-બગાવત-એ-હિંદ' નામનો આકરો લેખ લખીને બ્રિટિશ સંસદને મોકલી આપ્યો.

1864માં એમણે 'વૈજ્ઞાનિક સમાજ'ની સ્થાપના કરી અને 1875માં આધુનિક શિક્ષણ આપતા મદરેસાની શરુઆત થઈ.

આને ગાલિબની પ્રસ્તાવનાની અસર કહો કે ન કહો પણ એમની નજર ભૂતકાળ અને મુઘલ પરિવારથી આગળ વિસ્તરી ચૂકી હતી.

એમણે 1858માં મોરાદાબાદમાં મુસ્લિમ યુનિવર્સિટી શરુ કરવાના પ્રયાસો શરુ કર્યા.

એવો જ પ્રયાસ 1963માં ગાઝીપુરમાં પણ કર્યો અને આખરે 1877માં અલીગઢમાં કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ જેવી સંસ્થાના સ્વપ્ન તરીકે 'મુહમેડન એન્ગ્લો ઑરિએન્ટલ કૉલેજ' શરુ થઈ જે આગળ જતાં આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે.

આજે 467 હેકટરમાં ફેલાયેલી આ યુનિવર્સિટીમાં મેડિકલથી લઈને ઇજનેરી સુધી તમામ કોર્સ ચાલે છે અને વર્ષે 30,000 વિદ્યાર્થીઓ ભણે છે.

ભારતીય હોકીના જાદુગર મેજર ધ્યાનચંદથી લઈને સરહદના ગાંધી ગણાતા ખાન અબ્દુલ ગફાર ખાન, પૂર્વ રાષ્ટ્રપતિ ઝાકિર હુસેન, ફિલ્મસર્જક કે. આસિફ અને કવિ જાવેદ અખતર વગેરે અનેક નામી લોકો આ સંસ્થામાંથી ભણી ચૂકયા છે.

અલબત્ત, જેમ બનારસ હિંદુ યુનિવર્સિટી ફકત હિંદુઓની નથી તેમ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ફકત મુસ્લિમોની નથી.

આજે પણ અનેક કોમના વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે. છેક, શરુઆતથી એક વિષય તરીકે સંસ્કૃત પણ ભણાવવામાં આવે છે.

"આઇન-એ-અકબરી"ના એ અનુવાદ પર ગાલિબે મર્મસભર ઇશારો ન કર્યો હોત અને શાગિર્દ સર સૈયદ અહેમદ ખાન એને સમજી ન શકયા હોત તો ઈસ્લામમાં આધુનિક શિક્ષણનું ચિત્ર અલગ જ હોત.

જોકે, એ સમયના આધુનિક કોલકાતાની વાત ગાલિબે ફકત સર સૈયદ અહેમદ ખાનને લખી આપેલી પ્રસ્તાવના સુધી જ સીમિત નથી.

આધુનિક કોલકાત્તા ગાલિબના શેરમાં એ સિવાય પણ દેખાય છે. આ જુઓ,

કલકત્તે કા જો ઝિક્ર કિયા તુ ને હમ-નશી

ઇક તીર મેરે સીને મેં મારા કિ હાય હાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો