આગ્રાથી ગ્રાઉન્ડ રિપોર્ટ : 'મારી દીકરીને જીવતી સળગાવી દેવાઈ, આ રાક્ષસોનું રાજ છે'

Image copyright BBC/DEBALIN ROY

'ઇતિહાસ મેં વહ પહલી ઔરત કૌન થી જીસે સબસે પહલે જલાયા ગયા?

મૈં નહીં જાનતા

લેકિન જો ભી રહી હો મેરી માઁ રહી હોગી,

મેરી ચિંતા યહ કૈ કી ભવિષ્ય મેં વહ આખરી સ્ત્રી કૌન હોગી

જિસે સબસે અંત મેં જલાયા જાયેગા?'

સળગાવીને મારી નાખવામાં આવેલી સંજલિનાં માતા અનીતાનો રડવાનો અવાજ સાંભળીને રમાશંકર 'વિદ્રોહી'ની કવિતાની આ પંક્તિઓ યાદ આવી જાય છે અને એવું લાગે છે જાણે કાનનો પડદો ફાટી જવાનો છે.

એવું લાગે છે કે ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું અને ઉત્તર ભારતમાં વહેતી ઠંડી હવાઓ પણ જાણે 15 વર્ષની સંજલિના મૃત્યુના મરશિયાં ગાઈ રહી છે.

સંજલિ એ છોકરી હતી કે જેમને મંગળવાર, 18 ડિસેમ્બરના રોજ આગ્રા નજીક મલપુર્રા માર્ગ પર જીવતાં જ આગને હવાલે કરી દેવામાં આવી હતી.

"મરતાં પહેલાં મારી દીકરી વારંવાર કહી રહી હતી કે મમ્મી કંઈક ખાવાનું આપ, ભૂખ લાગી છે. પાણી પીવડાવી દે, તરસ લાગી છે. પણ ડૉક્ટરે કંઈ પણ ખવડાવા- પીવડાવાની ના પાડી હતી એટલે હું તેને કંઈ આપી શકી નહીં."

તમે આ વાંચ્યું કે નહીં?

આગમાં સળગેલી અને ભૂખ- તરસથી તડપતી પોતાની દીકરી સંજલિને યાદ કરતાં તેમનાં મા અનીતા તડપી ઊઠે છે.

તેઓ કહે છે, "મારી બિચારી દીકરી ભૂખી- તરસી જ દુનિયામાંથી જતી રહી."

તાજનગરી આગ્રામાં એક તરફ જ્યાં ક્રિસમસ પહેલાંની ચહેલ પહેલ જોવા મળી રહી છે ત્યાં જ આગ્રાથી 15 કિલોમીટર દૂર લાલઊ ગામની જાટવ વસતિમાં માતમનો માહોલ છવાયેલો છે.


'નમસ્તે કહીને નીકળી હતી, પરત ન આવી'

Image copyright BBC/DEBALIN ROY

સંજલિનાં માની આંખો કાળી પડી ગઈ છે. કદાચ છેલ્લાં અઠવાડિયાથી તેઓ સતત રડી રહ્યાં છે.

ખૂબ જ ઢીલા અવાજમાં તેઓ કહે છે, "રોજની જેમ હસતો-રમતો એ દિવસ હતો. સંજલિ હંમેશાંની જેમ મને નમસ્તે કહીને સ્કૂલે ગઈ હતી. કોને ખબર હતી કે તે પરત ફરશે જ નહીં..."

18 ડિસેમ્બરની બપોરે આશરે બપોરે દોઢ વાગ્યા હશે. સંજલિનાં માતા ઘરનું કામ કરી રહ્યાં હતાં ત્યાં જ એક છોકરો દોડતો આવ્યો અને બોલ્યો, "સંજલિને કેટલાક લોકોએ સળગાવી દીધી છે. મેં આગને ઓલવવા પ્રયાસ કર્યો, પણ ન ઓલવી ના શક્યો. તમે જલદી આવો."

આ સાંભળીને સંજલિનાં માતા ભાગીને ત્યાં પહોંચ્યાં.

તેઓ કહે છે, "જઈને જોયું તો મારી દીકરી તકલીફથી તડપી રહી હતી. હું ત્યાં પહોંચી તે પહેલાં જ ત્યાં પોલીસની ગાડી પણ પહોંચી ગઈ હતી. અમે લોકો તેને પોલીસની ગાડીમાં લઈને એસએમ હૉસ્પિટલ પહોંચ્યાં."

"હું તેને પકડીને ગાડીમાં બેઠી હતી. મેં તેને પૂછ્યું કે તેની સાથે આમ કોણે કર્યું. તે બસ એટલું જ બોલી શકી કે હેલમેટ લગાવીને લાલ બાઇક પર બે લોકો આવ્યા હતા. જેમણે તેના પર પેટ્રોલ જેવી વસ્તુ છાંટી આગ લગાવી અને ખાડામાં ધકેલી દીધી."

Image copyright BBC/DEBALIN ROY

જે રસ્તા પર સંજલિને સળગાવવામાં આવી હતી, તે મલપુરા રોડ લાલઉ ગામને જોડે છે અને સંજલિનું ઘર અહીંથી લગભગ 3 કિલોમીટર દૂર છે.

આ રસ્તાના કિનારે હજુ પણ તે સળગેલી ઝાડીઓ અને રાખ જોવા મળે છે, જેમાં સંજલિને ધકેલી દેવામાં આવી હતી.

આશ્ચર્યની વાત એ છે કે આ ઘટના ભરબપોરે ઘટી હતી, જ્યારે સંજલિ સાઇકલ પર શાળાએથી ઘરે જઈ રહી હતી.

આશ્ચર્યની વાત એ પણ છે કે આ રસ્તો ક્યારેય વેરાન રહેતો નથી. અહીં બન્ને તરફથી વાહનોની અવર જવર ચાલુ જ રહે છે.


'આઈપીએસ કે પાલટ બનવા માગતી હતી સંજલિ'

Image copyright BBC/DEBALIN ROY

એસએમ હૉસ્પિટલના ડૉક્ટર જ્યારે પરિસ્થિતિ સંભાળી ન શક્યા તો સંજલિને દિલ્હીની સફદરગંજ હૉસ્પિટલમાં રૅફર કરવામાં આવી.

સંજલિનાં મા કહે છે, "તે સતત મને કહી રહી હતી કે મા, જો હું જીવતી રહીશ તો ન્યાય માટે હું જાતે લડીશ, અને જો ન બચી શકું તો તમે મારા માટે લડજો."

"મારી બાળકી તો જતી રહી પરંતુ હવે મારે તેને ન્યાય અપાવવા માટે લડાઈ લડવી પડશે."

સંજલિનાં મા પોતાની દીકરીને યાદ કરતાં કહે છે, "તે ભણતી હતી, કૉચિંગમાં જતી હતી, હોમવર્ક કરતી હતી, ભાઈ-બહેનો સાથે રમતી હતી, ઘરકામમાં મને મદદ પણ કરતી હતી. જ્યારે મારા અને તેના પપ્પા વચ્ચે ઝઘડો થતો, તો સંજલિ મને મનાવીને ખવડાવતી હતી... હવે કોણ કરશે આ બધું?"

સંજલિના પિતા હરેંદ્રસિંહ જાટવ કહે છે, "મારી દીકરી હોશિયાર હતી. કંઈક સારું કરવા માગતી હતી. પાઇલટ કે આઈપીએસ બનવાની વાત કહેતી હતી... હમણાં તો તમે બધાં લોકો અમારી પાસે આવી રહ્યા છો."

"દરરોજ મોટી સંખ્યામાં મીડિયાકર્મીઓ આવી રહ્યા છે, સંબંધીઓ આવી રહ્યા છે તો અમને કંઈ વધારે ખબર પડતી નથી. થોડાં દિવસો બાદ જ્યારે કોઈ નહીં આવે, ત્યારે અમારા પર ખરેખરો પહાડ તૂટી પડશે."

સંજલિનાં મોટા બહેન અંજલિ ક્યારેક લોકોને ફોન કૉલ્સના જવાબ આપે છે તો ક્યારેક માને સંભાળે છે.

અંજલિએ બીબીસીને જણાવ્યું, "તે મને કહેતી હતી કે તમને દસમા ધોરણમાં 81 ટકા મળ્યા હતા, હું 90 ટકા લાવીને બતાવીશ. તે કંઈક અલગ કરવા માગતી હતી. જીવનમાં આગળ વધવા માગતી હતી."

સંજલિનાં મૃત્યુ બાદ હવે પાંચ ભાઈ- બહેનોમાંથી ચાર બચ્યા છે. બે બહેનો અને બે ભાઈ.

સંજલિની શાળા 'અશર્ફીદેવી છિદ્દૂસિંહ ઇન્ટરમીડિઍટ કૉલેજ'માં વિજ્ઞાન ભણાવતાં તેમના શિક્ષક તોરનસિંહનું કહેવું છે કે તેમણે સંજલિને ક્યારેય તણાવમાં જોઈ નથી. તે એક ખુશમિજાજી અને રમતિયાળ વિદ્યાર્થિની હતી.


'કોઈની સાથે દુશ્મની ન હતી'

Image copyright BBC/DEBALIN ROY

સંજલિની મિત્ર અને શાળાએ તેની સાથે જતી દામિની કહે છે કે આ ઘટના બાદ આસપાસ રહેતી છોકરીઓએ શાળાએ જવાનું બંધ કરી દીધું છે.

દામિનીએ બીબીસીને કહ્યું, "અમે બધી છોકરીઓ ખૂબ ડરેલી છીએ. કોની સાથે કઈ ઘટના ઘટની જાય કોઈ જાણતું નથી."

ત્યાં રહેતી કેટલીક બીજી મહિલાઓએ જણાવ્યું કે છોકરીઓ તો ઠીક, પણ સાતમા- આઠમા ધોરણમાં ભણતા છોકરાઓએ પણ સ્કૂલે જવાનું બંધ કરી દીધું છે.

સંજલિએ મૃત્યુ પહેલાં પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે હુમલાખોરોને ઓળખતી નથી. તેમનાં પરિવારનું કહેવું છે કે તેની કોઈ સાથે દુશ્મની કે મતભેદ નહોતાં.

સંજલિના પિતા હરેંદ્રસિંહ જાટવ કહે છે, "હું દરરોજ સાંજે બાળકોને બોલાવીને પૂછતો હતો કે તેમનો દિવસ કેવો રહ્યો. કોઈએ કંઈ કહ્યું તો નથી ને અથવા કોઈએ હેરાન નથી કર્યાંને? જો એવું કંઈ હોત તો સંજલિએ મને ચોક્કસ જણાવ્યું હોત."

Image copyright BBC/DEBALIN ROY

આશરે 200-250 ઘર ધરાવતા લાલઉ ગામમાં વસતિનો એક મોટો ભાગ જાટ અને જાટવ છે.

જાટવનો સંબંધ દલિત સમાજ સાથે છે અને સંજલિ પણ જાટવ પરિવારની હતી.

જોકે, સંજલિના પિતા હરેંદ્રનું કહેવું છે કે ગામમાં સારા-ખરાબ બધા પ્રકારના લોકો છે, પરંતુ તેમને પોતાની દીકરીની હત્યા પાછળ કોઈ જાતિ સંબંધિત કારણ લાગતું નથી.

આ સમગ્ર મામલાએ વધુ એક વળાંક ત્યારે લીધો જ્યારે સંજલિના પિતરાઈ ભાઈ યોગેશે સંજલિનાં મૃત્યુની બીજી સવારે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી.

યોગેશનાં મા રાજન દેવીનો આરોપ છે કે પોલીસે યોગેશને ટૉર્ચર કર્યા એ માટે આઘાતમાં આવીને તેમણે આત્મહત્યા કરી લીધી.

આ તરફ પોલીસે અપરાધના આઠમા દિવસે પ્રેસ કૉન્ફરન્સ કરીને મૃત યોગેશને જ આરોપી જાહેર કરી દીધો.


પોલીસનું શું કહેવું છે?

Image copyright BBC/DEBALIN ROY

એસએસપી (આગ્રા) અમિત પાઠકે બીબીસીને જણાવ્યુ, "યોગેશ તરફ અમારી શંકાની સોઈ જવાનાં એક નહીં ઘણાં કારણો છે. શંકા કરવાનું પહેલું કારણ એ કે તેણે આત્મહત્યા કરી. કદાચ તે સંજલિ તરફ આકર્ષિત હતા અને સંજલિએ ના પાડતા તેમણે આ પગલું ઉઠાવ્યું."

પોલીસે યોગેશ સિવાય તેમના વધુ એક પિતરાઈ ભાઈ આકાશ અને યોગેશના જ વધુ એક સંબંધી વિજયની ધરપકડ કરી છે.

યોગેશને મુખ્ય આરોપી માનવાના પક્ષમાં પોલીસે કંઈક આવી દલીલો રજૂ કરી છે :

  • પોલીસનું કહેવું છે કે તેમને યોગેશના ઘરેથી પત્રો મળ્યા છે જે તેમણે સંજલિ માટે લખ્યા હતા.
  • યોગેશના ફોન કૉલ્સની ડિટેલ અને વૉટ્સએપ મેસેજ.
  • યોગેશના ફોનમાં સંજલિની તસવીરો જેમાં તેમની સ્કૂલ ડ્રેસ પહેરેલી પણ એક તસવીર છે.
  • પોલીસના જણાવ્યા અનુસાર યોગેશે સંજલિને એક સાઇકલ ભેટમાં આપી હતી અને સાથે જ એક નકલી સર્ટિફિકેટ પણ બનાવીને આપ્યું હતું કે જેથી સંજલિ ઘરમાં સાઇકલને ઇનામ કહી શકે.
  • પોલીસનું કહેવું છે કે યોગેશને ક્રાઇમ પેટ્રોલ જોવાનો શોખ હતો અને એવું શક્ય છે કે અપરાધની યોજના બનાવવા પાછળ આ એક કારણ પણ રહ્યું હોય.
  • પોલીસના જણાવ્યા અનુસાર અન્ય બે આરોપીઓએ કબૂલાત કરી છે કે આ અપરાધ કરવા માટે યોગેશે જ તેમની ઉશ્કેરણી કરી હતી અને તેના બદલામાં 15 હજાર રૂપિયા આપવાની વાત પણ કહી હતી.

પોલીસની દલીલથી અસંતુષ્ટ સંજલિનો પરિવાર

Image copyright BBC/DEBALIN ROY

સંજલિના માતાપિતા અને તેમનો પરિવાર પોલીસની આ દલીલો સાથે સહમત નથી.

સંજલિના પિતા હરેંદ્રસિંહ જાટવે બીબીસીને કહ્યું, "પોલીસ મને અડધી રાત્રે મલપુરા પોલીસ સ્ટેશન લઈ ગઈ. ત્યાં મને કહેવામાં આવ્યું કે હું કંઈ ન બોલું, બસ ચુપચાપ સાંભળું. તેમણે મને એક છોકરો બતાવ્યો જે ડરીને નીચે બેઠો હતો. એવું લાગતું હતું કે જાણે તેને ખૂબ મારીને ધમકાવવામાં આવ્યો હતો."

તેમના જણાવ્યા અનુસાર, "પોલીસકર્મીઓના પૂછવા પર એ છોકરાએ આખી કહાણી એ રીતે સંભળાવી જાણે તેની પાસે બધુ રટાવડાવામાં આવ્યું હોય. એક મહિના પહેલાં કામથી પરત ફરતી વખતે મારા પર બે લોકોએ હુમલો કર્યો હતો. તેમણે કોઈ વસ્તુથી મારા માથા પર હુમલો કર્યો હતો. એ છોકરાએ કહ્યું કે એ હુમલાને પણ તેણે જ (યોગેશ અને બાકી બે આરોપીઓ) કરાવ્યો હતો. પોલીસે મને એ છોકરા સાથે કોઈ વાત કરવા ન દીધી."

પોલીસના દાવાથી અસહમતી વ્યક્ત કરતા હરેંદ્રસિંહ કહે છે, "મારા પર હુમલો રાત્રે 9 વાગ્યાની આસપાસ થયો હતો અને એ છોકરાએ કહ્યું કે તેમણે હુમલો સાંજે 6 વાગ્યે કર્યો હતો. ત્યાં જ મેં પોલીસની ખોટી વાતને પકડી લીધી."

"પોલીસે મને ફોનમાં પત્રોની તસવીર બતાવી. અસલી પત્રો ન બતાવ્યા. પછી હું કેવી રીતે માનું કે એ પત્રો યોગેશે લખ્યા? બાકી બે આરોપીઓને પણ તેઓ અમારા સંબંધી બતાવી રહ્યા છે, જ્યારે અમે તેમને ક્યારેય મળ્યા પણ નથી."

યોગેશનાં મા રાજનદેવીનું પણ માનવું છે કે તેમનો દીકરો પહેલાં જ મૃત્યુ પામ્યો છે અને પોલીસ અસલી ગુનેગારને પકડી શકતી નથી એટલે મૃત્યુ પામેલી વ્યક્તિ પર અપરાધનો બોજ ઠાલવી મામલો નિપટાવવા પ્રયાસ કરી રહી છે.

રાજન દેવી કહે છે, "તમે મારો ભરોસો ન કરો, સમગ્ર વિસ્તારને પૂછો કે યોગેશ કેવો છોકરો હતો. મારો દીકરો તો મરી ગયો પરંતું હું ઇચ્છું છું કે અસલી ગુનેગાર ઝડપાઈ જાય જેથી સંજલિને ન્યાય મળે અને મારા દીકરાના પરનો આ દાગ ભૂંસાઈ જાય."

શું ઇચ્છે છે સંજલિનો પરિવાર?

સંજલિનાં મા રડતાં રડતાં કહે છે, "જ્યારથી મારી દીકરી ગઈ છે, મારા ઘરમાં સરખી રસોઈ બની નથી. ગુનેગારને ફાંસી મળશે ત્યારે જ મારી દીકરીને ન્યાય મળશે."

આ તરફ સંજલિનાં પિતા મામલાની તપાસ સીબીઆઈ કરે એવું ઇચ્છે છે.

આગ્રાના જિલ્લા અધિકારી રવિકુમાર એમજીએ સંજલિના પરિવારને 50 હજાર રૂપિયાનું વળતર આપ્યું છે.

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ પણ પરિવારને પાંચ લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો છે.

જોકે, આ પૈસા ક્યારે અને કેવી રીતે મળશે, એ વિશે સંજલિના પરિવારજનોને કોઈ જાણકારી નથી.


મામલાનો જાતિવાદીઍંગલ અને રાજકારણ

Image copyright BBC/DEBALIN ROY

જોકે, સંજલિનો પરિવાર ઘટના પાછળ કોઈ જ્ઞાતિ સંબંધિત કારણ ન હોવાનું વાત કરી રહ્યો છે.

ઘણી રાજકીય પાર્ટીઓ તેમાં જ્ઞાતિનો એંગલ સામેલ કરવા પ્રયાસ કરી રહી છે.

સંજલિનો સંબંધ દલિત પરિવાર સાથે હતો, ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદે કહ્યું કે જો જલદી કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તો આખો દેશ થંભી જશે.

ભીમ આર્મીએ મંગળવારના રોજ આગ્રા બંધનું આહ્વાન પણ આપ્યું હતું.

આ સિવાય ભીમ આર્મીના સભ્યોએ સંજલિને ન્યાય અપાવવાની માગ કરતા કૅંડલ લાઇટ માર્ચ પણ કાઢી હતી.

ગુજરાતથી દલિત નેતા જિગ્નેશ મેવાણીએ કહ્યું છે, "સંજલિના મુદ્દે ટીવી ચેનલોએ મૌન સાધ્યું છે. આ શરમજનક છે."

આગ્રાથી લોકસભા સાંસદ અને અનુસૂચિત જાતિ પંચના અધ્યક્ષ રામશંકર કઠેરિયાએ સંજલિના પરિવાર માટે 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.

આ તરફ વિસ્તારના લોકોએ રાજ્યમાં કાયદા વ્યવસ્થા અને મહિલાઓની સુરક્ષા મામલે યોગી સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.

સંજલિના પિતાએ કહ્યું, "તેઓ કહે છે, બેટી બચાઓ-બેટી પઢાઓ. હું મારી દીકરીને ભણાવી રહ્યો હતો પરંતુ તેને બચાવી ન શક્યો. આ રાક્ષસોનું રાજ છે."

સંજલિના ઘરની બહાર એકત્રિત ભીડમાંથી ઘણા લોકો બોલી ઉઠે છે, "યોગીજીએ સરકાર બન્યા બાદ ઍન્ટી-રૉમિયો સ્ક્વૉડની વાત કરી હતી. માંડ માંડ એક અઠવાડિયા સુધી કેટલાક પોલીસકર્મીઓ સ્કૂલ- કૉલેજની આસપાસ જોવા મળ્યા."

"રૉમિયોના નામ પર કેટલાક નિર્દોષોને પણ જેલમાં નાખી દીધા ત્યારબાદ બધું જ શાંત. હવે ઍન્ટી-રૉમિયો સ્કવૉડ ક્યાં છે, કોઈને કંઈ ખબર નથી. અમને તો ક્યાંય દેખાતી નથી."


'આગળ ગમે તે થાય, સંજલિ તો જતી રહી'

Image copyright DEBALIN ROY/BBC

સંજલિનાં મા એ નાના એવા ઓરડામાં માથા પર હાથ રાખીને બેઠાં છે.

તેમની આંખોનાં આંસૂ ગાલ પલાળતા વહી રહ્યાં છે અને તેઓ તેને લૂંછવાનો પ્રયાસ પણ કરતાં નથી.

બસ ધીમા અવાજે કહે છે, "હવે આગળ ગમે તે થાય, સંજલિ તો જતી રહી..."

એ જ નાના ઓરડામાં એક ખાટલો પડ્યો છે, જેના પર એક નાનું ટૅડી બૅઅર ઊંધુ પડ્યું છે, જાણે સંજલિના જવાથી દુઃખી હોય.

ખાટલા નીચે સંજલિના જૂતાં રાખવામાં આવ્યા છે, જાણે તે સંજલિના પરત ફરવાની રાહ જોઈ રહ્યાં હોય.

કબાટમાં સંજલિની તસવીરો પર ચઢાવવામાં આવેલી ગુલાબની પાંખડીઓ જાણે પોતે તેનાં મૃત્યુના સમાચાર પર વિશ્વાસ કરી ન શકતી નથી.

સંજલિના પરિવારજનો પાસેથી વિદાય લઈને અમે બહાર નીકળીએ છીએ તો કેટલાક લોકો તાપણું કરી રહ્યા છે.

ખુલા આકાશ નીચે ત્યાં પણ સંજલિની ચર્ચા થઈ રહી છે.

મને ફરી વિદ્રોહીની કવિતા યાદ આવે છે :

'ઔરત કી લાશ ધરતી માતા કી તરહ હોતી હૈ,

જો ખુલે મેં ફૈલ જાતી હૈ, થાનો સે લેકર અદાલતો તક.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ