વિજય રૂપાણીના દાવાની હકીકત : શું અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં મુસ્લિમો માટે 'અચ્છે દિન' છે?

  • શાદાબ નાઝમી અને મહિમા સિંઘ
  • બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં મુસ્લિમોની સ્થિતિ અંગે પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

શું ગુજરાતના મુસ્લિમોની પરિસ્થિતિ અન્ય રાજ્યોના મુસ્લિમો કરતાં સારી છે?

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવાર (25 ડિસેમ્બર 2018)ના રોજ દાવો કર્યો હતો કે દેશનાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતના મુસ્લિમો સારી રીતે જીવે છે.

વિજય રુપાણીએ આ દાવો સચ્ચર સમિતિના રિપોર્ટનો હવાલો આપીને કર્યો હતો કે જેમાં દેશભરના મુસ્લિમોની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિની તપાસ કરવામાં આવી હતી.

અમે સચ્ચર સમિતિનો વર્ષ 2006નો રિપોર્ટ જોયો અને એ જાણવા પ્રયાસ કર્યું કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ખરેખર મુસ્લિમોની સ્થિતિ કેવી છે.

શિક્ષણ ક્ષેત્રે ગુજરાતના મુસ્લિમોની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

અમદાવાદના રિવર ફ્રન્ટ ખાતે ઇબાદત કરતાં મહિલા.

વર્ષ 2001ની વસતી ગણતરી અનુસાર (વર્ષ 2006નો સચ્ચર સમિતિનો રિપોર્ટ તેના પર આધારિત છે) ભારતમાં મુસ્લિમોનો સાક્ષરતા દર 59.1 ટકા હતો, જ્યારે દેશનો સરેરાશ સાક્ષરતા દર 65.1 ટકા હતો.

2011ની વસતી ગણતરીના આંકડા અનુસાર તો મુસ્લિમોની સાક્ષરતાનો દર વધારે ઉપર પહોંચી ગયો હતો. આ આંકડા અનુસાર મુસ્લિમ સાક્ષરતા દર 81 ટકા અને હિંદુ સાક્ષરતા દર 77 ટકા હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

ગુજરાતમાં કુલ સાક્ષરતા દર 69 ટકા હતો જેમાં મુસ્લિમોનો સાક્ષરતા દર 73.5 ટકા હતો જે હિંદુઓ કરતાં 4 ટકા વધારે હતો.

પરંતુ એવું નથી કે મુસ્લિમોનો સાક્ષરતા દર માત્ર ગુજરાતમાં જ વધારે હતો. કેરળમાં મુસ્લિમોનો સાક્ષરતા દર 89.4 ટકા હતો, તામિલનાડુમાં 82.9 ટકા અને છત્તીસગઢમાં 83 ટકા હતો.

7-16 વર્ષના બાળકો કે જેઓ સ્કૂલે જાય છે, તેમાં પણ કેરળ અને તામિલનાડુના મુસ્લિમ બાળકો આગળ છે. કેરળ અને તામિલનાડુના મુસ્લિમ બાળકો સરેરાશ 5.50 વર્ષ સ્કૂલમાં વિતાવે છે.

જ્યારે ગુજરાતમાં આ આંકડો 4.29 વર્ષનો છે, જે દેશના સરેરાશ એટલે કે 3.96 વર્ષ કરતાં વધારે છે.

ગુજરાતમાં મદ્રેસામાં જતાં બાળકોનો આંકડો સમગ્ર ભારતમાં ઓછો હતો. સૌથી વધારે 25 ટકા બાળકો ઉત્તર પ્રદેશમાં મદ્રેસામાં જાય છે.

જ્યારે એ જાણવાનો પ્રયાસ કર્યો કે કેટલા ટકા મુસ્લિમ બાળકો મેટ્રિક પાસ કરે છે, તેમાં પણ ગુજરાતનું સ્થાન ઉપર ન મળ્યું.

સચ્ચર સમિતિના રિપોર્ટના આધારે જ દેશના સરેરાશ આંકડા સામે ગુજરાતનું પ્રદર્શન સારું છે. પણ એટલું સારું પણ નથી કે તે ટોપ પર હોય. દેશનું સરેરાશ 23.9 ટકા છે.

ગુજરાતમાં 26.1 ટકા મુસ્લિમ વસતીએ 10માની પરીક્ષા પાસ કરી છે. જ્યારે સૌથી વધારે આંધ્ર પ્રદેશમાં 40 ટકા અને સૌથી ઓછા પશ્ચિમ બંગાળમાં 11.9 ટકા લોકોએ 10મા ધોરણ સુધી ભણ્યા છે.

રોજગારીની દૃષ્ટિએ ગુજરાતના મુસ્લિમોની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

સરખેજના રોજા ખાતે નમાઝ અદા કરી રહેલા મુસ્લિમો

2006ની સચ્ચર સમિતિના રિપોર્ટ પ્રમાણે અનુસાર ભારતમાં 64.4 ટકા લોકો પાસે રોજગારી હતી. તેમાંથી 65.8 ટકા નોકરિયાત લોકો હિંદુ હતા જ્યારે 54.9 ટકા લોકો મુસ્લિમ હતા.

જ્યારે તમે ગુજરાતના આંકડા જુઓ છો તો નોકરિયાત વર્ગનો આંકડો વધારે છે. ગુજરાતમાં 70 ટકા લોકો નોકરિયાત હતા જેમાં 71 ટકા લોકો હિંદુ તેમજ 61 ટકા લોકો મુસ્લિમ હતા.

તેનો પણ મતલબ એવો થતો નથી કે નોકરીની દૃષ્ટિએ ગુજરાતમાં મુસ્લિમોની સારી સ્થિતિ છે અને તે સૌથી ઉપર છે. આંધ્ર પ્રદેશમાં 72 ટકા મુસ્લિમો પાસે નોકરી હતી જ્યારે રાજસ્થાન 71 ટકા સાથે બીજા ક્રમાંકે રહ્યું હતું.

ગુજરાત આ મામલે ત્રીજા નંબરે રહ્યું હતું.

ગુજરાત સરકારના વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર કેટલા મુસ્લિમો?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

અમદાવાદની જામા મસ્જિદ ખાતે નમાઝ અદા કરી રહેલા મુસ્લિમ ભાઈઓ

જ્યારે રાજ્ય સરકારના વિભિન્ન વિભાગોમાં મુસ્લિમ કર્મચારીઓની વાત કરવામાં આવે તો, ગુજરાતમાં આ સંખ્યા 5.4 ટકા છે.

આ બાબતે આસામનો નંબર સૌથી ઉપર છે કે જ્યાં 11.2 ટકા રાજ્ય સરકારના કર્મચારીઓ મુસ્લિમ છે. તો પશ્ચિમ બંગાળમાં 2.1 ટકા સાથે આ આંકડો સૌથી નીચે છે.

રાજ્ય સરકારના વિભાગોમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા મુસ્લિમોની વાત કરવામાં આવે તો ગુજરાતનું સ્થાન ખૂબ નીચે છે. ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોમાં માત્ર 3.4 ટકા મુસ્લિમો પાસે ઉચ્ચ હોદ્દા છે. જ્યારે કેરળમાં આ આંકડો 10 ટકા છે.

ટૂંકમાં કહીએ તો ગુજરાતના શિક્ષણ અને સ્વાસ્થ્ય વિભાગમાં ઉચ્ચ હોદ્દાઓ પર રહેલા મુસ્લિમ કર્મચારીઓનો આંકડો ખૂબ નીચે છે.

સ્વાસ્થ્ય વિભાગમાં માત્ર 1.7 ટકા મુસ્લિમો છે જ્યારે શિક્ષણમાં ગુજરાતનું સ્થાન છેલ્લેથી બીજા ક્રમ આવે છે. સ્વાસ્થ્ય વિભાગમાં માત્ર 2.2 ટકા મુસ્લિમ લોકો જ ઉચ્ચ હોદ્દાઓ પર છે.

શિક્ષણ વિભાગમાં ઉચ્ચ હોદ્દાઓ પર સૌથી વધારે મુસ્લિમ લોકો 14.8 ટકા બિહાર રાજ્યમાં છે અને આરોગ્ય વિભાગમાં સૌથી વધારે મુસ્લિમ લોકો કેરળ રાજ્યમાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો