ભાજપને ગુજરાતમાં 'બૂથ મૅનેજમૅન્ટના નિષ્ણાત' ઓમ માથુર 26 સીટ જીતાડી શકશે ?

  • જય મિશ્રા
  • બીબીસી ગુજરાતી
ઓમ પ્રકાશ માથુરની તસવીર

ઇમેજ સ્રોત, om prakash mathur/ facebook

ઇમેજ કૅપ્શન,

ઓમ પ્રકાશ માથુર

ભારતીય જનતા પક્ષે બુધવારે 17 રાજ્યોમાં વર્ષ 2019ની લોકસભા ચૂંટણી માટે પ્રભારીઓની નિયુક્તિ કરી છે.

અહેવાલો મુજબ, ભારતીય જનતા પક્ષે ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી ગોરધન ઝડફિયાની ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે નિયુક્તિ કરી છે, જ્યારે ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવની બિહારના પ્રભારી તરીકે નિયુક્તિ કરી છે.

ઉત્તર પ્રદેશના પ્રભારી અને ગુજરાત રાજ્યના વર્ષ 2002-2008 સુધી પ્રભારી રહી ચૂકેલા ઓમ પ્રકાશ માથુરની ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્તિ કરાઈ છે.

રાજકીય નિષ્ણાતો મુજબ, ઓમ પ્રકાશ માથુરની આ નિયુક્તિ પાછળ ભાજપનું ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતવાનું લક્ષ્યાંક છે.

ગુજરાતના રાજકીય નિષ્ણાતો ઓમ પ્રકાશ માથુરને બૂથ મૅનેજમૅન્ટના નિષ્ણાત માને છે. તેમણે ભાજપના પ્રમુખ અમિત શાહ સાથે 'બુથ જીતા તો ચુનાવ જીતા'નો નારો આપ્યો હતો.

આ નારો આપનારા ઓમ પ્રકાશ માથુર ગુજરાત ભાજપને વર્ષ 2019ની લોક સભા ચૂંટણીમાં ધાર્યું પરિણામ અપાવી શકશે કે નહીં? ઉપરાંત તેમની ગુજરાતમાં પ્રભારી તરીકેની ફરી નિમણૂક પાછળ ભાજપનું શું ગણિત છે તેના વિશે રાજકીય વિશ્વલેષકોએ માહિતી આપી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

કોણ છે ઓમ માથુર

ઇમેજ સ્રોત, om praksh mathur/facebook

રાજ્ય સભાના સાંસદ ઓમ પ્રકાશ માથુર ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. નેશનલ પૉર્ટલ ઑફ ઇન્ડિયાના રેકૉર્ડ મુજબ તેમનો જન્મ વર્ષ 1952માં 12મી ઑગસ્ટે થયો હતો.

રાજસ્થાનના પાલી જિલ્લાના બાલી ગામે જન્મેલા ઓમ પ્રકાશ માથુરે જયપુરની રાજસ્થાન યુનિવર્સિટીમાંથી બી.એ.નું શિક્ષણ મેળવ્યું છે.

ઓમ પ્રકાશ માથુર વર્ષ 2008માં રાજ્ય સભાના સાંસદ બન્યા હતા. વર્ષ 2008-2009 સુધી તેઓ સરકારની કૅમિકલ અને ખાતરને લગતી સમિતિના સભ્ય હતા જ્યારે વર્ષ 2009માં તેઓ રેલવેની સમિતિના સભ્ય પણ હતા.

ઓમ પ્રકાશ માથુર વર્ષ 2002થી વર્ષ 2008 સુધી ગુ ગુજરાત ભાજપના પ્રભારી હતા. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં અને વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ તેઓ ગુજરાતના પ્રભારી હતા.

શા માટે ફરી નિયુક્તિ ?

ઇમેજ સ્રોત, om prakash mathur/facebook

ઓમ પ્રકાશ માથુરની ગુજરાત ભાજપના પ્રભારી તરીકેની પુન:નિયુક્તિને રાજકીય વિશ્લેષકો જુદીજુદી રીતે મૂલવી રહ્યા છે.

રાજ્યના રાજકીય નિષ્ણાતોના મતે ઓમ પ્રકાશ માથુરની નિયુક્તિનો એક સંદેશ એ પણ છે કે ગુજરાતમાં ભાજપ પડકાર અનુભવી રહ્યો છે.

રાજ્યના વરિષ્ઠ પત્રકાર અજય ઉમટના મતે ઓમ પ્રકાશ માથુર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નજીકના નેતા છે.

માથુર સામે ગુજરાતમાં ભાજપને ફરીથી 26 બેઠકો સુધી લઈ જવાનો પડકાર રહેશે.

તેમણે કહ્યું, "ઓમ પ્રકાશ માથુરની નિયુક્તિ લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં ગ્રાઉન્ડ વર્ક કરવા માટે કરાઈ છે. રાજ્યમાં ભાજપ સામે જે પડકારો છે તેને ઓમ માથુર સમજી શકે તેમ છે."

"ઓમ પ્રકાશ માથુરે અગાઉ ગુજરાતમાં કામ કર્યું હોવાથી તેઓ છેવાડાના કાર્યકર્તા અને ભાજપની સાથે સંકળાયેલી સંસ્થાઓ વચ્ચે તાલમેલ સાધી શકે છે."

"તેમની નિયુક્તિ થવું સૂચવે છે કે ગુજરાતમાં ભાજપની સ્થિતિ પડકારજનક છે."

"બૂથ જીત્યું તો ચૂંટણી જીતી આ રણનીતિ આપનારા માથુર અસંતુષ્ટોને સમજાવી અને ભાજપ સાથે જોડી રાખવાનો અનુભવ ધરાવે છે."

અજય ઉમટના મતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ધાર્યું પરિણામ ન મળતા ભાજપ લોકસભાની ચૂંટણીમાં જોખમ લેવા માગતો નથી અને તેથી જ ફરીથી તેમણે ગુજરાતમાં કામ કરી ચૂકેલા નેતાની પ્રભારી તરીકે વરણી કરી છે.

ચૂંટણી પહેલાં અનેક પડકાર

ઇમેજ સ્રોત, om prakash mathur/facebook

ગુજરાતના ભાજપ પ્રભારી માટે લોકસભાની ચૂંટણી પહેલાં અનેક પડકારો હોવાનું નિષ્ણાતો માને છે.

રાજકીય વિશ્વલેષકોના મતે ઓમ પ્રકાશ માથુર સામે રાજ્યના સંગઠન ઉપરાંત સરકાર અને મુખ્ય મંત્રી તેમજ ઉપમુખ્ય મંત્રી વચ્ચેના મતભેદો પડકારજનક રહેશે.

રાજકીય વિશ્વલેષક ડૉક્ટર જયેશ શાહના મતે ઓમ માથુર માટે ભાજપના આંતરિક જગડાઓ પડકારજનક રહેશે.

તેમણે કહ્યું, "હાલમાં ગુજરાતમાં કૉંગ્રેસ અને ભાજપ બંને પક્ષોમાં આંતરિક સમસ્યાઓ છે, જોકે ભાજપમાં કૉંગ્રેસ જેવી સ્થિતિ નથી."

"ગુજરાત ભાજપમાં હજુ પણ નરેન્દ્ર મોદીના આદેશ પર તમામ લોકો એક થઈ જાય છે."

"રાજ્યમાં મુખ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રી વચ્ચેનો ખટરાગ અવારનવાર ચર્ચામાં આવે છે. આ સ્થિતિમાં ઓમ પ્રકાશ માથુર માટે આ સ્થિતિ પડકારજનક રહેશે."

ડૉ. શાહના મતે પણ ઓમ પ્રકાશ માથુર ગુજરાત ભાજપના તાલુકા સ્તરના કાર્યકર્તાઓ સુધીનો સંપર્ક ધરાવે છે તેથી ગુજરાતમાં તેમની નિયુક્તિ કરાઈ છે.

રાજસ્થાનમાંથી રાજીનામું

વર્ષ 2009માં તેમના અધ્યક્ષ તરીકેના સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણીઓ યોજાઈ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી હારી હતી.

આ ચૂંટણીમાં રાજસ્થાનમાં નબળો દેખવા થવાના કારણે ઓમ પ્રકાશ માથુરે પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામું સોંપ્યુ હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો