ગુજરાતની નિલાંશી પટેલનો સૌથી લાંબા વાળનો રેકૉર્ડ

ઇમેજ સ્રોત, Twitter
સૌથી લાંબા વાળ ધરાવતી નિલાંશી પટેલ
ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા ગામની ધોરણ 11માં અભ્યાસ કરતી નિલાંશી પટેલે સૌથી લાંબા વાળ ધરાવતી કિશોરી હોવાનો વિશ્વ વિક્રમ સર્જ્યો છે.
ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા તેને આ સિદ્ધિ બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.
આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ નિલાંશીએ કહ્યું હતું કે તે બાળપણમાં ટૂંકા વાળ રાખતી હતી પરંતુ છ વર્ષની ઉંમરથી તેણે વાળ વધારવાનું શરૂ કર્યું હતું.
તે જણાવે છે, "હું નાની હતી ત્યારે એક વખત વાળ કપાવવા ગઈ, એ એટલા ખરાબ કપાયા કે હું દુઃખી થઈ ગઈ અને ત્યારથી મેં મારા વાળ ક્યારેય નહીં કપાવવાનું નક્કી કર્યુ."
નિલાંશી જણાવે છે, "આ લાંબા વાળના શોખ અને માવજત બદલ મને વિશ્વ વિક્રમની ભેટ મળી શકી."
તમે આ વાંચ્યું કે નહીં?
16 વર્ષની નિલાંશીના વાળ 5.7 ફૂટ એટલે કે 170.5 સેન્ટિમીટર લાંબા છે.
નિલાંશી જણાવે છે, "મારા વાળની માવજત લેવામાં અને રોજ ઓળી આપવામાં મારાં મમ્મીનો સૌથી મોટો ફાળો છે. હું અઠવાડિયામાં એક જ વખત વાળ ધોઈ શકું છું. "
નિલાંશીના વાળને સુકાતા લગભગ એક કલાકનો સમય લાગે છે.
21 નવેમ્બરના રોજ રોમ, ઈટાલી ખાતે નિલાંશીના વાળની લંબાઈ માપવામાં આવી.
ત્યારબાદ તેને ટીનઍજમાં સૌથી લાંબા વાળ ધરાવતી છોકરી તરીકે ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્ઝ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું.
નિલાંશી સ્કૅટિંગ, સ્વિમિંગ. ચૅસ, ટેબલ ટેનિસ તેમજ સંગીતનો પણ શોખ ધરાવે છે. તે ટેબલ ટેનિસમાં રાજ્યકક્ષાએ રમી ચુકી છે.
નિલાંશી આજની મહિલાઓને કહે છે, "લાંબા વાળ એ સમસ્યા નહીં પણ સુંદરતા છે. મારા મિત્રો મને 'રપુન્ઝૅલ' કહે છે. "
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો