ઇન્ટરનેટને આધારે બીમારીનો ઇલાજ શોધવો જીવલેણ સાબિત થઈ શકે છે

  • કમલેશ
  • બીબીસી સંવાદદાતા
ઇન્ટરનેટ સર્ફ કરતી છોકરીની તસવીર

દિલ્હીના રહેવાસી અમિત બીમારીનું એક પણ લક્ષણ જણાય તો તેઓ તરત જ ઇન્ટરનેટ પર પહોંચી જાય છે.

ઇન્ટરનેટ પર જણાવવામાં આવેલા લક્ષણોનાં આધારે તેઓ પોતાની બીમારીનું અનુમાન લગાવે છે.

અમિતને થોડાં દિવસોથી માથામાં દુખાવો અને માથું ભારે લાગતું હતું, જ્યારે સામાન્ય દવાથી ઠીક ન થયું તો તેમણે ઇન્ટરનેટ પર સર્ચ કરવાનું શરુ કર્યું.

ઇન્ટરનેટ પર તેમને માથાના દુખાવા માટે માઇગ્રેન અને બ્રેઇન ટ્યૂમર જેવી બીમારીઓની માહિતી પણ મળી.

આનાથી પરેશાન થઈને તેઓ રામ મનોહર લોહિયા હૉસ્પિટલ દોડ્યા અને જીદ કરીને ડૉક્ટર પાસેથી સિટી સ્કેન કરાવવા માટેનું પ્રિસ્કિપ્શન લખાવી લીધું.

એમનું સિટી સ્કેન ટેસ્ટનું પરિણામ સામાન્ય આવ્યું અને થોડાં દિવસોમાં માથાનો દુખાવો પણ જતો રહ્યો.

જોકે, આ દિવસો દરમિયાન અમિત માથાના દુખાવા કરતાં વધારે પરેશાન બીમારીને લઈને રહ્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

અમિતની જેમ ઇન્ટરનેટ પર બીમારી, દવા કે ટેસ્ટ રિપોર્ટ સમજવાનો પ્રયાસ કરતા લોકોની સંખ્યા ઓછી નથી.

ઘણાં લોકો બીમારીઓનાં લક્ષણ અને ઇલાજ શોધવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા છે.

તેઓ બીમારી વિશે ઇન્ટરનેટ પર વાંચે છે અને તેના પર નિષ્કર્ષ કાઢે છે.

આ રિસર્ચના આધારે જ તેઓ ડૉક્ટરને પણ ઇલાજ કરવા માટે કહે છે.

આ પ્રકારના દર્દીઓ સાથે ડૉક્ટર્સનો સંપર્ક થતો હોય છે અને તેમને સમજાવવા ડૉક્ટર્સ માટે પડકારજનક હોય છે.

ડૉક્ટર અને દર્દી બન્ને પરેશાન

ઇમેજ સ્રોત, Getty Images

આ વિશે જ્યારે મેક્સ હૉસ્પિટલમાં મેડિકલ એડવાઇઝર અને ડાયરેક્ટર (ઇંટરનલ મેડિસિન) ડૉ. રાજીવ ડેંગ કહે છે,

"દરેક બીજો દર્દી નેટ અને ગૂગલ પરથી કંઈ ને કંઈ વાંચીને આવે છે. તેના આધારે વિચારે છે અને પછી વિચિત્ર સવાલો કરે છે."

"દર્દી પોતાની ઇન્ટરનેટ રિસર્ચના આધારે જીદ કરીને ટેસ્ટ પણ કરાવે છે અને નાની-મોટી દવા લઈ લે છે."

"ઘણા લોકો સીધા આવીને કહે છે કે અમને કૅન્સર થઈ ગયું છે. ડૉક્ટર પોતે પણ કૅન્સર શબ્દનો ઉપયોગ ત્યાં સુધી કરતા નથી જ્યાં સુધી સંપૂર્ણપણે આશ્વસ્ત થઈ જતા નથી કે તે કૅન્સર છે."

"કેમ કે, તેનાથી દર્દી ડરી જઈ શકે છે."

લોકો દવાઓની ઉપયોગિતા વિશે જાણવા ઉત્સુક હોય છે. તેઓ ઉપયોગથી માંડીને તેના દુષ્પ્રભાવ સુધીની માહિતીઓ ઇન્ટરનેટ પર શોધે છે.

ડૉ. રાજીવ કહે છે કે ભલે વ્યક્તિનો વ્યવસાય ગમે તે હોય, પણ તે પોતાને દવાઓના વિશેષજ્ઞ માનવા લાગે છે.

તેમણે એક ઘટનાનો ઉલ્લેખ કરતા ડૉ. રાજીવે કહ્યું, "એક વખત મારા એક દર્દીના સંબંધીએ ફોન કરીને મને ગુસ્સામાં પૂછ્યું કે તમે આ દવાઓ કેમ લખી? એ સંબંધી વર્લ્ડ બૅન્કમાં કામ કરતા હતા."

"તેમણે કહ્યું કે ઇન્ટરનેટ પર તો લખ્યું છે કે આ ઍન્ટિ-ડિપ્રેશનની દવા છે અને દર્દીને તો ડિપ્રેશન જ નથી, ત્યારે મેં સમજાવ્યા કે દવા માત્ર ઍન્ટિ-ડિપ્રેશનની નથી."

"તેના બીજા કામ પણ છે પણ ઇન્ટરનેટ પર વાંચીને તે સમજી શકાતું નથી."

જો તમે ઇન્ટરનેટ પર 'સિમ્ટમ્પસ ઑફ બ્રેઇન ટ્યૂમર' સર્ચ કરો તો તે માથાનો દુખાવો, ઉલટી, બેહોશી અને ઊંઘની સમસ્યા જેવા લક્ષણ બતાવે છે.

તેમાંથી કેટલાક લક્ષણ બીજી બીમારીઓ સાથે પણ મેળ ખાય છે.

એ જ રીતે માથાના દુખાવા અંગે સર્ચ કરીએ તો માથાના દુખાવા સાથે જોડાયેલી કઈ કઈ બીમારીઓ છે, તેના પર ઢગલાબંધ આર્ટિકલ મળી જાય છે. આનાથી દર્દી ભ્રમમાં પડી જાય છે.

મનોવૈજ્ઞાનિક ડૉ. સંદીપ વોહરા જણાવે છે, "આવા લોકોને જ્યારે પોતાની અંદર કોઈ લક્ષણ દેખાય છે તો તે ઇન્ટરનેટ પર બીજી બીમારીઓ સાથે મેચ કરવા લાગે છે."

"ઇન્ટરનેટ પર નાનીથી માંડીને મોટી બીમારી વિશે જાણકારી આપી હોય છે. દર્દી મોટી બીમારી વિશે વાંચીને ડરી જાય છે."

ડૉ. વોહરા કહે છે કે આનાથી સમસ્યા એ થાય છે કે દર્દીને નકારાત્મક વિચારો આવવા લાગે છે.

તેનાથી ઇલાજમાં મોડું થાય છે, કેમ કે ઘણી વખત દર્દી દવાઓના દુષ્પ્રભાવ વિશે વાંચીને દવા લેવાનું છોડી દે છે.

બિનજરુરી ટેસ્ટ પર ખર્ચ કરે છે અને પોતાનો સમય ખરાબ કરે છે. ગમે તેટલું સમજાવવા પર પણ લોકો સમજવાનો પ્રયાસ કરતા નથી.

વીડિયોથી સર્જરીનો કિસ્સો અને મોત

ઇમેજ સ્રોત, Getty Images

આ માત્ર બીમારીની જાણકારી લેવા સુધી સીમિત નથી, પણ હવે લોકો વીડિયો જોઈને સર્જરી અને ડિલિવરી કરવાનું પણ શીખી રહ્યા છે.

કોઈ ફિલ્મી ગીત અને કુકિંગ રેસિપિના વીડિયોની જેમ તમને સર્જરીના વીડિયો પણ સહેલાઈથી મળી જાય છે.

આવા જ વીડિયોને જોઈને જુલાઈમાં એક પતિએ પોતાની પત્નીની ઘરે જ ડિલિવરી કરવાનો નિર્ણય લીધો.

આ ડિલિવરીમાં બાળકનો જન્મ તો થયો, પણ મેડિકલ કૉમ્પલિકેશનના કારણે માનું મૃત્યુ થઈ ગયું.

પોલીસે મહિલાના પતિની ધરપકડ કરી લીધી છે.

ફૉર્ટિસ લા ફેમમાં ઑબ્સટેટ્રિક્સ ઍન્ડ ગાયનેકોલૉજિસ્ટ ડૉ. મધુ ગોયલ જણાવે છે :

"મારી પાસે આવતાં ઘણાં દંપતી સામાન્ય ડિલિવરીના બદલે સર્જરી કરાવવા માગે છે."

"તેઓ કહે છે કે સામાન્ય ડિલિવરીના દુખાવાને જોઈને તેઓ ડરી ગયા છે. તે લોકો કૉમ્પલિકેશન વાંચીને આવી જાય છે અને ડરી જાય છે."

ડૉ. મધુ ગોયલ કહે છે કે જ્યારથી 3 ઇડિયટ્સ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ઇન્ટરનેટ પર જોઈને ડિલિવરી થઈ શકે છે ત્યારથી ઘણા દર્દી તેને ખૂબ સહેલી માનવા લાગ્યા છે.

પરંતુ જ્યારે કોઈ કૉમ્પલિકેશન થઈ જાય છે તો મા અને બાળકના જીવ જોખમમાં મૂકાઈ જાય છે.

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. રાજીવ ડેંગ કહે છે, "વીડિયો જોઈને સર્જરી કરવી ખૂબ જ વાંધાજનક છે.

"હું ઘણી વખત સર્જરીમાં સામેલ રહ્યો છું, પરંતુ મારી તેમાં વિશેષજ્ઞતા નથી એ માટે હું ક્યારેય જાતે સર્જરી કરવા વિશે વિચારતો નથી."

"તમે પહેલી વખત તો ચા પણ સારી રીતે બનાવી શકતા નથી, તો સર્જરી કેવી રીતે કરશો? આવું કરતા લોકોનું મગજ સામાન્ય ન હોઈ શકે."

ડૉ. ડેંગ કહે છે કે બીમારીમાં સલાહ આપવાનું ચલણ લોકોમાં પહેલેથી જ હતું, પરંતુ ઇન્ટરનેટ આવવાથી તેમાં વધારો થઈ ગયો છે.

તેમાં જાણકારી પણ ખૂબ વધારે મળી જાય છે. લોકો જલદી જાણકારી ઇચ્છે છે.

ડૉક્ટર પાસે જવા માટે રાહ જોવી પડશે અને બહાર જવું પડશે, જ્યારે ઇન્ટરનેટ તરત જ માહિતી ઉપલબ્ધ હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images

એક સવાલ એ પણ છે કે ઇન્ટરનેટ પર આપવામાં આવેલી દરેક જાણકારી પર આંખો મીંચી ભરોસો કરવો કેટલો યોગ્ય છે?

ઇન્ટરનેટ પર કેટલાક ખોટા દાવા કરવામાં આવે છે અથવા કોઈ લૉબી અંતર્ગત ખોટી માહિતી ફેલાવવામાં આવે છે અને તેમના પર કોઈ રોકટોક નથી.

ઇન્ટરનેટ પરથી જાણકારી લેવાના પક્ષને ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (IMA)ના અધ્યક્ષ ડૉ. રવિ વાનખેડકર ખૂબ ખતરનાક માને છે.

ડૉ. વાનખેડકર કહે છે કે પોતાની બીમારી વિશે જાણવાનો દરેક દર્દીને હક છે, પરંતુ મુશ્કેલી એ છે કે નેટ પર આપવામાં આવેલી જાણકારી સાચી હોતી નથી.

ઘણાં પ્રકારની ખોટી વાતો નેટ પર નાખી દેવામાં આવે છે, જેમ કે ચાર મહિનાના બાળકને બચાવવામાં આવ્યું, પરંતુ વાસ્તવમાં એવું થતું નથી.

પછી લોકો અમારી પાસે પણ એવી આશા રાખવા લાગે છે અને ખોટી ચર્ચા કરવા લાગે છે.

તેના કારણે ડૉક્ટર અને દર્દી વચ્ચે ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવી રહી છે.

"દવાઓના ડોક્યુમેંટ્સમાં બધા જ રિએક્શન લખવામાં આવે છે, પરંતુ આ બધા રિએક્શન દરેક વ્યક્તિ પર લાગુ થતા નથી."

"કોઈ રિએક્શન દસ હજારમાંથી કોઈ એકને પણ હોઈ શકે છે, છતાં લોકો ડરના કારણે દવાઓ લેવાનું બંધ કરી દે છે."

શું છે સમાધાન?

બીમારી વિશે ઇન્ટરનેટ પર સર્ચ કરવું કેટલું યોગ્ય છે. શું તેવું જરાય કરવું જોઈએ નહીં?

ડૉક્ટર રાજીવ ડેંગનું માનવું છે, "અમે દર્દીઓને બીમારી પર ધ્યાન ન આપવાનું કહેતા નથી, પરંતુ ઇન્ટરનેટ પર મળેલી જાણકારીનો અર્થ તમારી સમજ હિસાબે ન કાઢો."

"તેનાથી દર્દી અને ડૉક્ટર બન્નેને પરેશાની થાય છે. તેમની પાસે એવા સવાલો હોય છે, જેનો ક્યારેય અંત આવતો નથી."

"ડૉક્ટર ઘણા વર્ષો સુધી ભણે છે, તો તમે થોડાં કલાક એક બીમારી વિશે જાણીને કેવી રીતે બધું સમજી શકો છો."

ડૉ. ડેંગ કહે છે, "તબીબો આવા દર્દીઓને 'નેટ પેશન્ટ' કે 'ગૂગલ ડૉક્ટર' કહેવા લાગ્યા છે. તમે ભરોસા સાથે આવો."

"જ્યારે તમે ડૉક્ટર પર ભરોસો મૂકશો, ત્યારે જ તો ઇલાજ થઈ શકશે."

"ભલે તમે બીજા ડૉક્ટરની પણ સલાહ લો, પરંતુ ઇન્ટરનેટના આધારે નિર્ણય ન લો."

આ તરફ IMAએ ઇન્ટરનેટ પર હાજર સામગ્રી અને ઑનલાઇન કન્સલટન્સીને લઈને એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપ્યો છે.

ડૉ. રવિનું કહેવું છે, "આપણા દેશમાં ટેલી મેડિસીન, ટેલી કન્સલ્ટેશન, ઇન્ટરનેટ કન્સલ્ટેશન પર કોઈ નીતિ બની નથી."

"આ નીતિમાં સહયોગ માટે એક દસ્તાવેજ સરકારને સોંપ્યો છે."

"ઇન્ટરનેટ પર દરેક વસ્તુ પર તો પ્રતિબંધ ન લગાવી શકાય, પરંતુ તેમાં તેનો ઘરે પોતાની મરજી અનુસાર ઉપયોગ ન કરો એવી ચેતવણી ઉમેરી શકાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો