ઘોઘા દુર્ઘટના : 'મને તો નજર સામે માત્ર મોત જ દેખાઈ રહ્યું હતું - બોટ ડૂબી પણ હું બચી ગયો'

  • રોક્સી ગાગડેકર છારા તથા અનન્યા દાસ
  • બીબીસી સંવાદદાતા
પ્રોવેશ મિસ્ત્રી

ઇમેજ સ્રોત, Vikram Parmar

ઇમેજ કૅપ્શન,

પ્રોવેશ મિસ્ત્રી છેલ્લા એક વર્ષથી એમ.ટી વરુણમાં રસોઇયા તરીકે કામ કરે છે

"ડીઝલ ટૅન્કનો એ ધડાકો જાણે જીવનના અંતનો ઍલાર્મ હોય તેવું લાગ્યું અને કંઈ પણ વિચાર્યા વગર હું દરિયામાં કૂદી ગયો હતો. મારી નજર સામે માત્ર મારી માતા અને બે દીકરાઓની તસ્વીરો ફરી રહી હતી."

આ શબ્દો એમ. ટી વરુણમાં છેલ્લા એક વર્ષથી રસોઈયા તરીકે કામ કરતા 28 વર્ષનાં પ્રોવેશ મિસ્ત્રીના છે.

એમ. ટી વરુણ ફિનિક્સ મરિન સર્વિસની બોટ હતી, જે 21 ડિસેમ્બરના રોજ ભાવનગર પોર્ટના ઘોઘા ખાતે ડૂબી ગઈ હતી.

કુલ સાત વ્યક્તિઓમાંથી ત્રણ વ્યક્તિ ગૂમ થઈ ગઈ છે, જ્યારે બચી ગયેલી ચાર વ્યક્તિઓમાંથી ત્રણ ભાવનગરની સર ટી. હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પ્રોવેશ મિસ્ત્રી બચી ગયેલા એ ચારમાંથી એક છે, જેઓ હાલમાં દાઝી જતા હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જોકે, તેમની તબિયત હવે સારી છે, અને ડૉક્ટરોનું કહેવું છે કે તેમના હાથ-પગ દાઝી ગયા હોવાથી તેમની સારવાર ચાલી રહી છે.

પ્રોવેશ છેલ્લા એક વર્ષથી ઘોઘા કામ કરે છે, પણ એમનો પરિવાર કોલકત્તાના ભવાનીપુરમાં રહે છે.

પત્ની, બે દીકરા અને માતાને મળીને તેઓ 20 ડિસેમ્બરે જ કામે પરત આવ્યા હતા.

21 ડિસેમ્બરનો તેમનો એ દિવસ દરરોજની જેવો જ હતો. તેમની બોટે અલંગ તરફ જવાનું હતુ,

તેના માટે સ્ટાફના લોકો તૈયારીઓ કરી રહ્યા હતા. બોટ ચાલુ થઈ અને મધદરિયે પહોંચી.

તમે આ વાંચ્યું કે નહીં?

એ પછી સવારે લગભગ 10 વાગ્યે આ બોટમાં એક મોટો ધડાકો થયો હતો.

હાલમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ આ ઘટના પાછળની હકીકત વિશે તપાસ કરી રહ્યું છે.

જ્યારે ઘટનામાં ઇજાગ્રસ્ત લોકો પોતનું જીવન ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

પ્રોવેશની તબિયત બીજા બે લોકો કરતાં સારી છે અને તેઓ ભગવાનનો આભાર માની રહ્યા છે કે તેમને નવું જીવન મળ્યું છે.

જ્યારે બીબીસી ગુજરાતીએ તેમની સાથે વાત કરી તો તેઓ વારંવાર પોતાના બે દીકરાઓની વાત કરી રહ્યા હતા.

ઘટના વિશે વાત કરતા પ્રોવેશે કહ્યું, "બોટ ચાલુ થઈ ત્યારબાદ તરત જ તેમણે દમ આલુ અને રોટલી બનાવવાની તૈયારી હાથ ધરી હતી અને તે દરમિયાન જ એક મોટા બ્લાસ્ટનો અવાજ આવ્યો."

પ્રોવેશ કહે છે, "ડીઝલ ટૅન્ક ફાટી ગઈ હતી, તેની પાસે ઊભેલી ત્રણ વ્યક્તિઓને ભારે ઇજા પહોંચી હતી. મને કંઈ જ સમજાઈ નહોતું રહ્યું."

"થોડી વાર પછી જ બાજુની મોટી શીપમાંથી લોકોનાં અવાજો આવી રહ્યાં હતા, પરંતુ મારે શું કરવું તેનું મને કંઈ જ ભાન નહોતું."

ભગવાને મને નવજીવન આપ્યું

ઇમેજ સ્રોત, PIB

ઇમેજ કૅપ્શન,

મોદીએ ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવાનું ઉદ્ઘાટન કર્યું, ત્યારથી આ શહેર ચર્ચામાં

એમ ટી વરુણમાં બ્લાસ્ટ થયો ત્યારે તે એક મોટા શીપની બાજુમાં આવીને ઉભી રહી ગઈ હતી.

આ શીપમાં હાજર લોકોએ બ્લાસ્ટ પછીની તમામ તસવીરો એક વીડિયોમાં રૅકર્ડ કરી હતી.

બ્લાસ્ટ પછી 2 મિનિટથી પણ ઓછા સમયમાં આ બોટ ડુબી ગઈ હતી.

દરિયામાં એમ.ટી.વરુણના કામ વિશે વાત કરતા પ્રોવેશે કહ્યું કે તેઓ જેટી પરથી મોટી શીપમાં લોકોને લઇ જવાનું અને ત્યાંથી લોકોને જેટી સુધી લાવવાનું કામ કરતા હતા.

પ્રોવેશ અને બીજા ત્રણ લોકોને પોતાનો જીવ બચાવવા માટે માત્ર ૨ મિનિટથી પણ ઓછો સમય મળ્યો હતો.

પોતાની આપવીતી વિશે વાત કરતા તેમણે વધુમાં બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે, "લોકો ચીસો પાડી રહ્યા હતા, કે કુદી જાઓ, કુદી જાઓ."

"મને કંઇ જ સમજાયું નહીં, અને હું પાણીમાં કુદી ગયો હતો. કોઇએ મારા માટે એક ટ્યુબ પણ ફેંકી હતી. હુ તેને પકડીને તરી રહ્યો હતો."

"પરંતુ ત્યારબાદ મારી સાથે શું થયું તે મને કંઈ યાદ નથી. મને તો માત્ર મોત જ દેખાઇ રહ્યુ હતું, મને થયું કે હવે હું નહીં જીવુ."

"વારંવાર મારા બે દીકરાઓ અને મારી માતાની તસ્વીરો મારી સામે આવી રહી હતી. હું મારા ભગવાનનો આભારી છું કે તેમણે મને આ નવજીવન આપ્યું."

એ ક્ષણ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, "બ્લાસ્ટ પછી આગથી બોટની આગળનો ડાબી બાજુનો ભાગ પાણીમાં ડૂબવા લાગ્યો હતો."

"પહેલા તો પાણીમાં કુદવાની હિંમત નહોતી થઈ, પણ પછી મેં વિચાર્યું કે નહીં કુદુ તો હું ચોક્કસ મરી જઇશ."

"અમુક કલાકો બાદ જ્યારે મને ખબર પડવા માંડી કે મારી આસપાસ શું થઇ રહ્યું છે, ત્યારે મે એક પોલીસની બોટને જોઇ."

"જે મને ઉપર ખેંચી રહી હતી. ત્યારબાદ તો મને ઘોઘાની એક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને પછી મને અહીં સર ટી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો."

માત્ર 4 ધોરણ સુધી અભ્યાસ કરનાર પ્રોવેશ પહેલા કોલકત્તામાં એક રસોઇયા તરીકે કામ કરતા હતાં.

વધુ પૈસા મળશે તેવી આશાથી તેઓ ભાવનગરનાં ઘોઘામાં એમ.ટી.વરુણમાં કામ કરવા આવ્યા જ્યાં તેઓ મહિને આશરે રૂપિયા ૭,૫૦૦ કમાય છે.

તેમનું જીવન આ બોટમાં જ છે. બોટની સાથે તેમનો જીવન જરૂરિયાતનો સમાન, જૂની તસ્વીરો, મોબાઇલ ફોન અને તેમની બચત પણ ડૂબી ગઈ છે.

ભાવનગર પોર્ટ ગુજરાત સરકારનાં મુખ્ય પોર્ટમાંથી એક છે

ઇમેજ સ્રોત, Nandan Dave

તેમને ખબર નથી કે હજી કેટલા દિવસો પછી તેઓ પાછા કામ પર લાગી શકશે.

"મારા પરિવારનાં ભરણ પોષણ માટે હુ વધારે રજા નહીં લઈ શકું, નહીંતર અમે બધા ભૂખે મરીશું."

હાલમાં સરકાર કે બીજી કોઇ પણ પ્રાઇવેટ સંસ્થાએ તેમને કે બીજા ઇજાગ્રસ્તોને કોઇ પણ મદદ આપી નથી.

એમ.ટી વરુણ જે કંપનીની શીપ છે તે ફિનિક્સ મેરીટાઇમ સાથે, જ્યારે બીબીસી ગુજરાતીએ વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે ફોન પર વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો.

ફિનિક્સ મેરીટાઇમની જેમ ઘણી કંપનીઓ ગુજરાતનાં પોર્ટ પર પ્રાઇવેટ બોટ ચલાવે છે.

ગુજરાત સરકારના જાહેર એકમ ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તક 10 પોર્ટ છે.

આ તમામ પોર્ટ પર મોટી સંખ્યામાં પ્રાઇવેટ કંપનીઓ પોતાની બોટ દ્વારા મોટી શીપમાં લોડિંગ અને અનલોડિંગનું કામ કરે છે.

ભાવનગર પોર્ટ ગુજરાત સરકારનાં મુખ્ય પોર્ટમાંથી એક છે.

છેલ્લાં 5 વર્ષોથી તેની 'કાર્ગો હેન્ડલિંગ કૅપેસિટી' માં વધારો થયો છે.

વર્ષે 2017-18માં આ પોર્ટે 22 લાખ મેટ્રિક ટન સુધીનો કાર્ગો હૅન્ડલ કર્યો હતો.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા આસિસટન્ટ પોર્ટ ઓફિસર હિરેન સોંદરવા કહે છે કે, "અહીંથી લાઇમસ્ટોન અને કોલસાની આયાત થાય છે અને મીઠાની નિકાસ થાય છે."

"એક સમયે આ પોર્ટ પર ત્રણ થી ચાર મોટી કાર્ગો શીપ પાર્ક કરી શકાય છે."

એમ. ટી. વરુણ એક પ્રાઇવેટ શીપ હોવાથી સોંદરવાને તેના વિશે માહિતી ન હતી.

જોકે, એમ. ટી. વરુણના અકસ્માત વિશે તપાસ કરી રહેલી કમિટીના એક સભ્ય અને મરિન એન્જિનિયર કુલદીપ સિંઘ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે :

"એમ. ટી. વરુણના ડૂબી જવાથી ત્રણ લોકો ગુમ થયા છે, જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત છે. બોટમાં બ્લાસ્ટ થવાને કારણ તે ડૂબી છે, પરંતુ તેના ચોક્કસ કારણોની તપાસ હજી ચાલુ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો