મેલબર્ન ટેસ્ટ : 40 વર્ષમાં પહેલી વખત સળંગ બે વિજય, સિરીઝમાં 2-1થી આગળ

  • પ્રદીપ કુમાર
  • બીબીસી સંવાદદાતા
જસપ્રીત બુમરાહ

ઇમેજ સ્રોત, Reuters

મેલબોર્ન ખાતે આયોજિત બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ત્રીજી મેચ ભારતે યજમાન ઑસ્ટ્રેલિયાને 137 રને પરાજય આપ્યો છે.

બોક્સિંગ ડે પર શરૂ થયેલી ટેસ્ટ મેચના પરિણામ બાદ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે તેઓ ફાઇનલ મેચ માટે તૈયાર છે. જ્યારે ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન ટીમ પાઈને હતાશા વ્યક્ત કરી છે.

આ સાથે લગભગ ચાલીસ વર્ષ જૂના રેકર્ડની ભારતે બરાબરી કરી છે, જ્યારે ભારત સળંગ બે ટેસ્ટ મેચ જીત્યું હોય.

ઇશાંત શર્મા અને શમીએ 2-2 વિકેટ ઝડપી, જયારે ગુજરાતી બૉલર જસપ્રીત બુમરાહે મેચમાં સૌથી વધુ નવ વિકેટ (86 રન) ખેરવી.

બુમરાહને 'પ્લેયર ઑફ ધ મેચ'નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે.

ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ જાન્યુઆરી ત્રીજી તારીખે સિડનીમાં યોજાશે. આ સિરીઝમાં ભારત 2-1થી આગળ રહ્યું છે.

આમ દરેક સ્પેલમાં જસપ્રીત બુમરાહે ભારતને કામયાબી અપાવી છે.

એવી સફળતા અપાવી છે કે એમના ત્રીજા સ્પેલ બાદ ઑસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન માઇકલ કલાર્કે કમેન્ટ્રી કરતાં કહ્યુ કે "બુમરાહ એમને રેયાન હૈરિસની યાદ અપાવે છે, જેમને વિકેટની જરુર હોય ત્યારે બોલિંગ આપતા હતા."

142 કિલોમીટર પ્રતિકલાકનો બોલ ફેંક્યા બાદ જે રીતે એમણે તરત જ બીજો બોલ 115 કિલોમીટર પ્રતિકલાકનો ફેંકીને શૉન માર્શને આઉટ કર્યા તેને જોઈને ક્રિકેટના નિષ્ણાતો એમના વખાણ કરી રહ્યા છે.

ગજબનું નિયંત્રણ

ઇમેજ સ્રોત, Getty Images

એવું કહેવામાં આવે છે કે જસપ્રીત બુમરાહ બૉલ પર ગજબ નિયંત્રણ ધરાવે છે.

25 વર્ષીય જસપ્રીત બુમરાહે પોતાની આ ખાસિયત સમય સમયે જાહેર કરતા રહ્યા છે, પરંતુ આનો પ્રથમ પાઠ તેઓ પોતાના મા પાસેથી શીખ્યા હતા.

6 ડિસેમ્બર 1993માં અમદાવાદના એક બિઝનેસ પરિવારમાં જન્મેલા જસપ્રીત બુમરાહે જિંદગીમાં અનેક ચડતી-પડતી જોઈ છે.

ફકત સાત વર્ષની ઉંમરે જસપ્રીતના પિતાનું અવસાન થયું હતું. એમના માતા દલજિત બુમરાહ જેઓ એક પ્રાથમિક શાળામાં આચાર્યા હતાં.

દલજિતે એકલા હાથે પોતાના બાળકોને મોટાં કર્યાં.

જસપ્રીત બુમરાહ બાળપણથી જ ટીવી પર જોઈને ઝડપી બૉલર્સની નકલ કરવા લાગ્યા હતા અને પોતાના ઘરની દીવાલ પર ઝડપી બૉલિંગનો અભ્યાસ કરતા હતા.

દડો વારંવાર દીવાલે અથડાવાના અવાજથી એમના માતા એક દિવસ ખૂબ જ પરેશાન થઈ ગચા અને એમણે કહ્યું કે, "જો અવાજ ઓછો થાય તો જ રમી શકો છો, નહીં તો રમવાનું બંધ."

આપને આ પણ વાંચવું ગમશે

બુમરાહની અનોખી તરકીબ

ઇમેજ સ્રોત, Jasprit Bumrah Facebook page

રમવાનું ચાલુ રાખવા માટે બુમરાહે અનોખી રીત શોધી કાઢી.

તેઓ સતત કોશિશ કરીને દડો ફકત ત્યાં જ ફેંકવા લાગ્યા કે જયાંથી દીવાલ શરુ થતી હતી.

મતલબ, જયાં સપાટી અને દીવાલ મળતા હતા, ત્યાં દડો ફેંકવા માંડ્યા.

આને લીધે અવાજ એકદમ ઓછો થઈ ગયો અને બુમરાહની પ્રેક્ટિસ ચાલુ રહી.

બાળપણથી ઝડપી બૉલર્સની નકલ કરતા બુમરાહની ઍકશન કયારે અનોખી બની ગઈ એ તો એમને પણ નથી ખબર, પરંતુ જો તમે એમની ઍકશન જુઓ તો લાગે કે આ કંઈક અલગ છે.

આ અનોખાપણું જ આગળ જતા એમના જીવનની ઓળખાણ બનવાનું હતું.

એમની અજીબોગરીબ ઍકશનને લીધે ઘણી વાર બૅટ્સમૅન ભરમાઈ જાય છે.

શાળાકીય ક્રિકેટથી જ બુમરાહની ઓળખ એવી બની કે એમને ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના કૅમ્પ માટે પસંદ કરવામાં આવ્યા.

પછી તેઓ એમ. આર. એફ. ફાઉન્ડૅશન પણ પહોંચ્યા અને જોતજોતામાં તો ગુજરાતની અંડર-19ની ટીમમાં સ્થાન પામ્યા.

અંડર-19ની પોતાની પ્રથમ જ મૅચમાં બુમરાહે જયારે બૅટ્સમેનોને પરેશાન કરવાનું શરુ કર્યું, એટલે ગુજરાતના રણજી ટ્રોફીના કોચ હિતેશ મજૂમદાર અને ટીમ મૅનેજમૅન્ટે એમને સૈયદ મુશ્તાક અલી ટી-20માં મોકો આપવાનો નિર્ણય કર્યો.

2013નું એ વર્ષ હતું. આ મોકાનો ફાયદો ઉઠાવી બુમરાહે ગુજરાતની ટીમને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો.

ફાઇનલમાં એમણે ત્રણ વિકેટ ઝડપી હતી જોકે, એમની કિસ્મત જરા અલગ રીતે ચમકી.

એ વખતે મુબંઈ ઇન્ડિયન્સના કોચ જૉન રાઇટ પૂણેમાં ચાલી રહેલી સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટ જોવા પહોંચ્યા હતા અને એમની નજર જસપ્રીત બુમરાહ પર ઠરી ગઈ.

એમણે બુમરાહનો કોન્ટ્રાક્ટ મુંબઈ ઇન્ડિયન્સ સાથે કરાવ્યો અને જોતજોતાંમાં બુમરાહ એ ડ્રેસિંગ રુમમાં પહોંચ્યા, જયાં સચિન તેંડુલકર જેવા દિગ્ગજ અને લસિથ મલિંગા જેવા શાનદાર ખેલાડીઓ હતા.

સિતારાઓની સોબતની બુમરાહ પર અસર

ઇમેજ સ્રોત, EPA

આ સિતારાઓની સોબત કેવો કમાલ કરી શકે છે એનો અનુભવ બુમરાહને પહેલી મેચમાં જ થઈ ગયો.

બુમરાહને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુની સામે આઇપીએલ મેચમાં ઉતારવામાં આવ્યા.

શરૂઆતના ત્રણ બૉલ બાઉન્ડ્રી ફટકારી વિરાટ કોહલીએ બુમરાહનું સ્વાગત કર્યું.

હેરાન પરેશાન અને અચાનક લાઇમલાઇટમાં આવેલા બુમરાહને સમજમાં નહોતું આવી રહ્યું કે કરવું શું.

આ મુશ્કેલ સમયમાં સચિન તેંડુલકરે એમને સલાહ આપી, "ફકત એક સારો બૉલ તમારી મેચ બદલી દેશે, સહેજપણ ફિકર ન કરો."

આખરે થયું પણ એવું જ કે બુમરાહે એ જ ઓવરમાં વિરાટ કોહલીને એલબીડબલ્યૂ (લેગ-બિફોર વિકેટ) આઉટ કરી દીધા.

ડૅબ્યૂ મેચમાં જ એમણે ત્રણ વિકેટ ઝડપી હતી.

એમની આ કામયાબી પર અમિતાભ બચ્ચને પણ ટ્ટીટ કરીને એમને વધામણી આપી હતી.

અચાનક જ જસપ્રીત બુમરાહ ફૉર્મમાંથી બહાર નીકળી ગયા અને ફિટનેસની સમસ્યા પણ એમને પરેશાન કરવા લાગી.

જોકે, એમની પર મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો ભરોસો બરકરાર રહ્યો.

લસિથ મલિંગાની પાસેથી એમને યૉર્કર અને સ્લૉ બૉલના ગુણ શીખવામાં વાર ન લાગી.

તેઓ પોતાના હથિયારને વધુ ઘાતક બનાવવામાં કામિયાબ રહ્યાં, પણ એમની બૉલિંગ ઍકશન સૌથી મોટી ગૂંચ સાબિત થતી રહી.

આ વખતે મૅલબર્ન ટેસ્ટના ત્રીજા દિવસની રમત બાદ એમણે કહ્યું:

"બાળપણથી હું અનેક ઝડપી બૉલર્સને જોઈને શીખતો રહ્યો છું, પણ આ ઍકશન કેવી રીતે ડૅવલપ થઈ એ નથી ખબર."

"હું જયાં પણ ગયો ત્યાં કોઈપણ કોચે મને એ બદલવા માટે નથી કહ્યું."

"લોકોએ ફકત એટલું જ કહ્યું કે શરીરને મજબૂત બનાવો કેમ કે એમને લાગતુ હતું કે શરીર પર જોર પડવાને લીધે મારી ઝડપ નબળી થઈ જશે."

બુમરાહને પોતાની ફિટનેસ સંબંધિત મુશ્કેલીઓનો અંદાજો ભલે ન રહ્યો હોય, પણ એમને પોતાના હુન્નર પર પૂરો ભરોસો હતો.

આ ભરોસા સાથે જ તેઓ જ્યારે નેશનલ ક્રિકેટ અકાદમીમાં ભારતના બૉલિંગ કોચ ભરત અરુણને મળ્યા તો એમણે પણ બુમરાહના અસલ અંદાજ પર ભરોસો રાખ્યો.

આ બધી વાતોએ એટલી અસર કરી કે 2016માં તેઓ ટી-20 ટીમમાં પસંદગી પામ્યા અને પછી એ જ વર્ષે જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીમાં સમાવવામાં આવ્યા.

જોતજોતામાં તેઓ ભારતીય ક્રિકેટ ટીમના સૌથી ઝડપી બૉલર તરીકે સ્થાપિત થયા.

યથાવત્ રહેશે જાદુ?

ઇમેજ સ્રોત, AFP

એક સવાલ ઉભો હતો કે શું ટેસ્ટ મેચમાં બુમરાહનો આવો જાદુ યથાવત્ રહેશે?

આ સવાલનો જવાબ ભારતીય ક્રિકેટને 2018માં મળ્યો.

જાન્યુઆરીમાં ટેસ્ટ મેચમાં ડૅબ્યૂ કરનારા બુમરાહ પોતાની બૉલિંગ થકી સતત ટીમ ઇન્ડિયા માટે ભરોસાપાત્ર સાબિત થયા.

મૅલબર્ન ટેસ્ટની પ્રથમ ઇનિંગ સુધી ગણીએ તો બુમરાહ ફકત નવ મેચમાં 45 વિકેટ ખેરવી ચૂક્યા છે.

આ કોઇપણ ભારતીય બોલર્સ માટે એક રૅકર્ડ છે. આનાથી પહેલાં પોતાના ડૅબ્યૂ વર્ષમાં દિલીપ દોશીએ સૌથી વધારે 40 વિકેટ ઝડપી હતી.

જોકે, દુનિયાભરના બૉલર્સની સરખામણીએ હજી બુમરાહ ચોથા સ્થાને છે.

1981માં ડૅબ્યૂ કરનારા ઑસ્ટ્રેલિયન બૉલર ટૈરી ઍલ્ડરમૈને 54 વિકેટ ઝડપી હતી.

ત્યારબાદ 1988માં ડૅબ્યૂ કરનારા કર્ટની ઍમ્બ્રોજે 49 વિકેટ ઝડપી હતી અને 2010માં ડૅબ્યૂ કરનારા ઇંગ્લૅન્ડના સ્ટીવન ફિને 46 વિકેટ ઝડપી હતી.

(હાલ ચાલુ ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં બુમરાહે બે વિકેટ ઝડપતાં આ રૅકર્ડ તોડી દીધો છે.)

મૅલબર્ન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ ઝડપનારા બુમરાહે અન્ય એક સિદ્ધિ પણ મેળવી છે, જે અગાઉ ભારતના તો શું પણ કોઈ એશિયન બૉલર્સ મેળવી નથી શક્યા.

એક જ કેલેન્ડર વર્ષમાં બુમરાહે ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને દક્ષિણ આફ્રિકામાં એક દાવમાં પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધી મેળવી છે.

2018માં જોહાનિસબર્ગમાં 54 રનમાં પાંચ વિકેટ બાદ ટ્રેંટ બ્રિજમાં 85 રનમાં પાંચ વિકેટ અને હવે મૅલબર્નમાં 33 રનમાં છ વિકેટ.

બુમરાહે ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈ આપી છે.

તેઓ વર્તમાન સમયમાં સતત 140 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે બૉલિંગ કરી શકે છે અને પોતાના વૈવિધ્યથી દુનિયાની કોઇપણ ટીમના બૅટ્સમૅનોના ક્રમને વેર-વિખેર કરી શકે છે.

એમણે સમયને પારખીને ફકત પોતાની ફિટનેસ બહેતર કરી છે એટલું જ નહીં, એમણે બૉલિંગમાં સ્વિંગર અને બાઉન્સર જેવા હથિયારોને પણ ધાર આપી છે.

એમને એ વાતનો અહેસાસ ચોક્કસ હશે કે ફકત અનોખી બૉલિંગ ઍકશનને આધારે તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબો સમય કામયાબી નહીં મેળવી શકે.

અંજામ સુધીની મજલ હજી લાંબી

ઇમેજ સ્રોત, Getty Images

મૅલબર્ન મેચમાં ત્રીજા દિવસની રમત પૂરી થયા બાદ બુમરાહે કહ્યું હતું:

"હું હજી સુધી ભારતમાં ટેસ્ટ નથી રમ્યો પણ દક્ષિણ આફ્રિકા, ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં રમ્યો છું, તો મને ઘણું શીખવા મળ્યું છે. શરુઆત સારી છે, જોઈએ આગળ શું થાય છે."

બુમરાહની અત્યાર સુધીની સફરમાં એ દરેક બાબતો સામેલ છે જે એક ખેલાડીને ચૅમ્પિયન બનાવે છે.

જીવનના શરુઆતના દિવસોમાં સંઘર્ષ, સંઘર્ષના સમયમાં ભટકયા વિના લક્ષ્ય પર નજર અને અને લક્ષ્યને પામવા માટે રાત-દિવસ મહેનત તેમજ દરેક પળે નવીન પ્રયોગો અપનાવવાનું કૌશલ એ એમની સફરની ખાસિયત છે.

જો બુમરાહ પોતાને ટકાવી રાખશે તો એમની સફળતાઓનો ગ્રાફ ભારતીય ક્રિકેટને આસમાન પર પહોંચાડી શકશે.

બુમરાહ માટે અસલી પડકાર એ જ છે કે એમણે શરુઆતના દિવસોમાં જે આશા બંધાવી છે તેને અંજામ સુધી લઈ જવા માટે એમણે લાંબો સમય પોતાના પગ ક્રિકેટના મેદાન પર ખોડી રાખવા પડશે.

અને એ ત્યારે જ શક્ય છે, જયારે તેઓ પોતાની ફિટનેસ સાથે પ્રતિપળ શીખતા રહેવાનો એમનો જુસ્સો અને હુન્નરની સાધનાની કોશિશ જાળવી રાખશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો