27 ટકા અનામત આપવાની બી.પી.મંડલની ભલામણ, જેના કારણે ભારતની રાજનીતિ બદલાઈ

  • મનીષ શાંડિલ્ય
  • બીબીસી હિન્દી
બી. પી. મંડલ

ઇમેજ સ્રોત, NIKHIL MANDAL/BBC

વર્ષ 1990માં કેન્દ્રમાં વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર હતી. તેમની સરકારે દ્વિતીય પછાત વર્ગ પંચની એક ભલામણને અમલમાં મૂકી હતી. આ દ્વિતીય પછાત વર્ગ પંચને સામાન્ય રીતે મંડલ પંચ તરીકે ઓળખામાં આવે છે.

એ ભલામણ હતી 'અધર બૅકવર્ડ ક્લાસ'(ઓબીસી)ના ઉમેદવારોને તમામ સરકારી નોકરીઓમાં 27 ટકા અનામત આપવાની.

આ નિર્ણયના કારણે ભારતની અને ખાસ કરીને ઉત્તર ભારતની રાજનીતિ તદ્દન બદલાઈ ગઈ. આ પંચના અધ્યક્ષ હતા બિંદેશ્વરી પ્રસાદ મંડલ એટલે કે બી. પી. મંડલ.

2018નું વર્ષ બી. પી. મંડલની જન્મશતાબ્દીનું વર્ષ છે. મંડલનો જન્મ 25 ઑગસ્ટ, 1918માં બનારસમાં થયો હતો.

બી. પી. મંડલ ધારાસભ્ય, સાંસદ, પ્રધાન અને બિહારના મુખ્ય પ્રધાન પણ બન્યા હતા.

ઓબીસીના આઇકન ગણાતા બી. પી. મંડલ

જોકે, ઇતિહાસમાં તેમને નાયક તરીકે અને ખાસ કરીને ઓબીસીના આઇકન તરીકે યાદ કરાય છે. આ સાથે જ દ્વિતીય પછાત વર્ગ પંચના અધ્યક્ષ તરીકે તેમણે કરેલી ભલામણોને કારણે તેમને યાદ કરાય છે.

કટોકટી પછી 1977માં યોજાયેલી ચૂંટણીમાં વિજય બાદ બનેલી મોરારજીભાઈ દેસાઈની સરકારે દ્વિતીય પછાત વર્ગ પંચની રચના કરી હતી.

જનતા પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં જ પછાત વર્ગો માટે પંચની રચના કરવા માટેનું વચન આપ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

હરિયાણાના ભૂતપૂર્વ રાજ્યપાલ ધનિકલાલ મંડલ, મોરારજી સરકારમાં ગૃહ પ્રધાન હતા. તેમણે જ રાજ્ય સભામાં આ પંચની રચનાની જાહેરાત કરી હતી.

ધનિકલાલ હાલમાં 84 વર્ષના છે અને ચંદીગઢમાં રહે છે. તેમને ફોન કરીને મેં સવાલ કર્યો હતો કે પંચના અધ્યક્ષ તરીકે તમે બી. પી. મંડલની પસંદગી કઈ રીતે કરી હતી?

જવાબમાં તેમણે કહ્યું, ''તે વખતે એવું નક્કી થયું હતું કે પંચના અધ્યક્ષ તરીકે કોઈ લાયકાત ધરાવતી વ્યક્તિની નિમણૂક થવી જોઈએ."

"તેઓ (બી. પી. મંડલ) બિહારના મુખ્ય પ્રધાન તરીકે રહી ચૂક્યા હતા. તેઓ પછાત વર્ગના હિતોના તરફદાર પણ હતા. તેઓ માનતા કે પછાત વર્ગોને અનામત મળવી જોઈએ.''

બચપણથી બુલંદ અવાજ

ઇમેજ કૅપ્શન,

નિખિલ મંડલ

બી. પી. મંડલનો જન્મ બનારસમાં થયો હતો. તેમના જન્મના બીજા જ દિવસે તેમના પિતા રાસબિહારી લાલ મંડલનું અવસાન થઈ ગયું. તે વખતે રાસબિહારીની ઉંમર માત્ર 54 વર્ષની હતી.

મંડલ પરિવાર મૂળ તો બિહારના મધેપુરા જિલ્લાના મુરહો ગામનો જમીનદાર પરિવાર હતો.

મધેપુરાથી 15 કિલોમિટર જ દૂર મુરહો ગામ આવેલું છે. આ ગામમાં રહેતા કિરાઈ મુસહર લાલ 1952માં મુસહર જ્ઞાતિના પ્રથમ સંસદ તરીકે ચૂંટણી જીત્યા હતા.

મુસહર જ્ઞાતિ આજેય બિહારની સૌથી પછાત જ્ઞાતિમાં ગણાય છે. કિરાઈ મુસહર સાથે મુરહો ગામના સંસ્મરણો જોડાયેલા છે તે હવે લગભગ ભૂલાઈ ગયા છે.

આ ગામ હવે બી. પી. મંડલના ગામ તરીકે જ જાણીતું થયું છે.

પછાતવર્ગ માટે અવાજ ઉઠાવવાની શાળાથી શરૂઆત

રાષ્ટ્રીય ઘોરીમાર્ગ 107થી ફંટાઈને મુરહો ગામ તરફ આગળ વધીએ એટલે ગામની બહાર જ બી. પી. મંડલના નામનું વિશાળ પ્રવેશદ્વાર બનાવેલું છે. ગામમાં તેમની સમાધી પણ છે.

બી. પી. મંડલનું પ્રાથમિક શિક્ષણ મુરહો અને મધેપુરામાં થયું હતું.

હાઈસ્કૂલનું શિક્ષણ તેમણે દરભંગાના રાજ હાઈસ્કૂલમાંથી લીધું હતું. શાળામાં અભ્યાસ વખતથી જ તેમણે પછાત વર્ગના હકો માટે અવાજ ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું.

જે.ડી.(યૂ)ના પ્રવક્તા ઍડ્વોકેટ નિખિલ મંડલ બી. પી. મંડલના પૌત્ર છે. તેઓ બી. પી. મંડલ જન્મ શતાબ્દી સમારોહના આયોજન માટે મુરહો ગામમાં જ આવ્યા હતા.

નિખિલ મંડલ કહે છે, ''રાજ હાઈસ્કૂલમાં ભણતી વખતે બી. પી. મંડલ હૉસ્ટેલમાં રહેતા હતા. હૉસ્ટેલમાં પ્રથમ સવર્ણ ગણાતી જ્ઞાતિના છોકરાઓને ભોજન આપવામાં આવતું હતું. પછાત વર્ગના વિદ્યાર્થીઓને બાદમાં ભોજન અપાતું હતું."

"શાળામાં પણ ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓ આગલી બેન્ચો પર બેસતા, જ્યારે પછાત જાતિના વિદ્યાર્થીઓ પાછળ બેસતા હતા. તેમણે આ બંને બાબતોનો વિરોધ કર્યો હતો અને તેના કારણે પછાતોને પણ તેમનો સમાન હક મળ્યો હતો.''

બાદમાં ઉચ્ચ અભ્યાસ માટે તેઓ બિહારની રાજધાનીમાં પટણા કૉલેજમાં દાખલ થયા હતા.

કૉલેજ બાદ થોડો સમય માટે તેમણે ભાગલપુરમાં મેજિસ્ટ્રેટ તરીકે કામ કર્યું હતું.

1952માં પ્રથમવાર ચૂંટણી થઈ ત્યારે તેઓ મધેપુરામાંથી કૉંગ્રેસના વિધાનસભ્ય તરીકે જીત્યા હતા.

નિખિલના જણાવ્યા અનુસાર તેમના પિતાને રાજકારણ વારસામાં જ મળ્યું હતું. બી. પી. મંડલના પિતા કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક હતા.

50 દિવસ માટે બન્યા મુખ્યપ્રધાન

ઇમેજ સ્રોત, NIKHIL MANDAL/BBC

બી. પી. મંડલ વર્ષ 1967માં લોકસભાના સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા.

તેઓ હવે કૉંગ્રેસ છોડીને રામમનોહર લોહિયાના સંયુક્ત સમાજવાદી પક્ષમાં જોડાઈને તેના અગ્રણી નેતા બની ચૂક્યા હતા.

1967ની ચૂંટણી પછી બિહારમાં મહામાયા પ્રસાદ સિંહાના નેતૃત્ત્વમાં પહેલી બિનકૉંગ્રેસી સરકાર બની હતી.

બી. પી. મંડલ તેમાં આરોગ્ય પ્રધાન બન્યા હતા. જોકે, આ ગઠબંધન સરકાર હતી અને તેમાં આંતરિક વિખવાદ બહુ હતા. તેથી સરકાર 11 મહિના માંડ ટકી શકી હતી.

દરમિયાન બી. પી. મંડલ પોતાના સમાજવાદી પક્ષથી પણ નારાજ થયા હતા.

તેથી તેમણે અલગ શોષિત દળ બનાવ્યું હતું. બાદમાં કૉંગ્રેસના સમર્થન સાથે તેમણે પહેલી ફેબ્રુઆરી 1968ના રોજ અલગ સરકાર બનાવી અને મુખ્યપ્રધાન બન્યા હતા.

જોકે, તેઓ મુખ્ય પ્રધાન તરીકે માત્ર 50 દિવસ જ રહી શક્યા હતા.

મંડલ મુખ્ય પ્રધાન બન્યા તેના પાંચ દિવસ પહેલાં કાર્યકારી મુખ્ય પ્રધાન તરીકે સતીશ પ્રસાદ સિંહ રહ્યા હતા, તેઓ મંડલના મિત્ર પણ હતા.

તે વખતના ઘટનાક્રમને યાદ કરીને તેઓ કહે છે, ''મુખ્ય પ્રધાન બનતા પહેલાં તેમણે બિહાર વિધાન પરિષદના સભ્ય બનવું જરૂરી હતું."

"એક એમએલસી પરમાનંદ સહાયે રાજીનામું આપ્યું. ત્યાર બાદ મેં કૅબિનેટની બેઠક બોલાવીને મંડલને એમએલસી બનાવવા માટેનો પ્રસ્તાવ મૂક્યો."

"બીજા દિવસે વિધાન પરિષદનું સત્ર બોલાવીને તેમની શપથવિધિ પણ કરાવી લેવામાં આવી. આ રીતે તેમના માટે મુખ્ય પ્રધાન બનવાનો માર્ગ મોકળો કરી દેવાયો હતો.''

ઇંદિરાએ અહેવાલ અમલમાં ના મૂક્યો

ઇમેજ સ્રોત, SHABHU MANDAL/BBC

ઇમેજ કૅપ્શન,

ધનિકલાલ મંડલ

મોરારજી દેસાઈની સરકારે પહેલી જાન્યુઆરી 1979ના રોજ મંડલ પંચની જાહેરાત કરી હતી.

પંચે પોતાનો અહેવાલ પૂરો કરીને 31 ડિસેમ્બર 1980ના રોજ સુપરત કર્યો ત્યારે ઇંદિરા ગાંધીની સરકાર હતી.

મંડલના મિત્ર અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સતીશ પ્રસાદ સિંહ કહે છે, ''1980ની ચૂંટણીમાં હું કૉંગ્રેસની ટિકિટ પર સંસદસભ્ય બન્યો હતો. સરકાર બદલી તે પછી મેં બી. પી. મંડલના કહેવાથી પંચનો કાર્યકાળ લંબાવવા માટે ઇંદિરા ગાંધીને ભલામણ કરી હતી. તેમણે મારી ભલામણ સ્વીકારી લીધી હતી.''

બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગન્નાથ મિશ્ર કહે છે કે તેમને બી. પી. મંડલે હંમેશાં નાના ભાઈની જેવો પ્રેમ આપ્યો હતો.

મિશ્ર કહે છે કે બી. પી. મંડલે પોતાના અહેવાલમાં ઇંદિરા ગાંધીના વખાણ પણ કર્યા હતા.

આ અહેવાલ વિશે ઇંદિરા ગાંધીનો શો અભિપ્રાય હતો તે વિશે જગન્નાથ મિશ્ર કહે છે, ''ઇંદિરા ગાંધીને લાગતું હતું કે સામાજિક સમસરતા માટે આ યોગ્ય નથી. અહેવાલને તરત અમલમાં મૂકવો યોગ્ય નથી એમ તેમને લાગ્યું હતું."

"બાદમાં વી. પી. સિંહ અને દેવી લાલ વચ્ચે ઝઘડો ના થયો હોત તો પંચની ભલામણો અમલમાં આવી ના હોત."

પંચના અધ્યક્ષ તરીકે બી. પી. મંડલની કામગીરીની સમીક્ષા કરતા ધનિકલાલ મંડલ કહે છે, ''તેઓ યોગ્ય રીતે જ કામ કરી રહ્યા હતા, પરંતુ તેમણે અહેવાલ તૈયાર કરવામાં ઘણો સમય લગાડી દીધો હતો."

"હું ગૃહ પ્રધાન તરીકે કહેતો હતો કે તમે ઝડપ કરો, જેથી અમારી સરકાર અહેવાલની ભલામણો પર વિચાર કરી શકે. જોકે, તેમણે કાર્ય પૂર્ણ કરવામાં વધુ કેટલોક સમય લઈ લીધો હતો.''

ધનિકલાલ મંડલનું કહેવું છે કે તેમની સરકાર હતી ત્યારે જ મંડલ પંચનો અહેવાલ મળી ગયો હોત તો, તેમની સરકારે સરકારી નોકરીઓમાં પછાત વર્ગ માટે અનામત લાગું કરી દીધી હોત.

'ઈમાનદાર હતા અને કંજુસ પણ'

ઇમેજ સ્રોત, NIKHIL MANDAL/BBC

ઇમેજ કૅપ્શન,

જગન્નાથ મિશ્રા સાથે બી. પી. મંડલ

બી. પી. મંડલનું જીવન સાદગીભર્યુ હતું અને તેઓ સરળ સ્વભાવના હતા.

નિખિલ મંડલ કહે છે તે પ્રમાણે, ''મારી બહેન પટનાની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં ભણતી હતી. દાદાજીને તક મળે ત્યારે જાતે કાર ચલાવીને તેમને મૂકવા જતા હતા."

"મોટું લાવલશ્કર લીધા વિના જ મધેપુરા આવતા હતા. જમીનદાર પરિવારના હતા, પણ કોઈ ગરીબ વ્યક્તિ આવે ત્યારે તેને પુરા માન-સન્માન સાથે બેસાડીને તેમની વાત સાંભળતા હતા.''

સતીશ પ્રસાદ સિંહ કહે છે, ''તેમનામાં ગુણ ઘણા હતા, પણ કેટલાક અવગુણ પણ હતા. તેઓ હંમેશાં મોઢામોઢ સંભળાવી દેતા હતા."

"સંભળાવી દેવાથી શું થશે તેનો વિચાર કરતા નહોતા. જેમ કે તેઓ મુખ્ય પ્રધાન હતા ત્યારે કોંગ્રેસના એક નેતા વિશે કહી દીધું કે 'બાર્કિંગ ડૉગ્સ સેલ્ડમ બાઇટ્સ'. તેમના આ નિવેદન પછી થોડા દિવસોમાં જ તેમની સરકારને પાડી દેવામાં આવી હતી."

"તેમનો એક એ ગુણ હતો કે બહુ જ ઈમાનદાર હતા. જોકે, થોડા કંજુસ પણ હતા. એક પણ પૈસાનો ખર્ચ કરે નહીં. અમારી બંને પાસે ફિયાટ કાર હતી, પણ તેઓ કહેતા કે સતીશ બાબૂ તમારી કાર નવી છે એટલે આપણે તેમાં જ જઈશું. હું કહેતો કે વાત એવી નથી, પણ તમે પૈસા બચાવવા માગો છો.''

કોસી વિસ્તારમાં જગન્નાથ મિશ્ર અને બી. પી. મંડલના પરિવાર વચ્ચે રાજકીય સ્પર્ધા ચાલતી રહી હતી.

વિવાદનું એક કારણ મધેપુરાને જિલ્લો બનાવવાની માગણીને કારણે ઊભું થયું હતું.

રાજકીય કારણોસર મધેપુરાના બદલે સહરસાને પહેલા જિલ્લો બનાવી દેવાયો હતો.

બાદમાં એંસીના દાયકામાં જગન્નાથ મિશ્ર મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે મધેપુરાનો જિલ્લો બનાવ્યો હતો. તે વખતે મંડલે જાહેરમાં મિશ્રના વખાણ પણ કર્યા હતા.

જગન્નાથ મિશ્ર યાદ કરતા કહે છે, ''મધેપુરાના જિલ્લો બનાવવા માટેના કાર્યક્રમનું આયોજન થયું ત્યારે જે ભીડ એકઠી થઈ હતી તે ઐતિહાસિક હતી."

"મેં મંચ પરથી જ જિલ્લાના ડીએમ-એસપીના નામોની જાહેરાત કરી દીધી હતી. મંચ પર બી. પી. મંડલ પણ હાજર હતા. તેમણે કહેલું કે આ (જગન્નાથ) મારો દીકરો જ છે અને હું તેમને આશીર્વાદ આપું છે. તે મધેપુરા માટે ઘણું બધું કરશે.''

13 એપ્રિલ, 1982માં પટનામાં બી. પી. મંડલનું અવસાન થયું હતું. તે વખતે જગન્નાથ મિશ્ર જ બિહારના મુખ્ય પ્રધાન હતા.

મંડલ પરિવારના સભ્યોની ઇચ્છા હતી કે મધેપુરામાં આવેલા વતનના ગામ મુરહોમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવે.

મિશ્ર કહે છે કે તેમણે પાર્થિવ દેહને ગામ સુધી પહોંચાડવા વિમાનની વ્યવસ્થા કરી હતી. એટલું જ નહીં સ્વંય તેઓ ગામે ગયા હતા.

ઘણી ભલામણો હજીય બાકી છે

ઇમેજ સ્રોત, NIKHIL MANDAL/BBC

ઇમેજ કૅપ્શન,

પત્ની સાથે બી. પી. મંડલ

મંડલ પંચની ભલામણોના આધારે 1990માં ઓબીસી માટે સરકારી નોકરીઓમાં અનામત જાહેર થઈ.

બાદમાં 2006માં મનમોહન સિંહની સરકારે ઉચ્ચ શિક્ષણમાં પણ અનામતની વ્યવસ્થા લાગુ કરી હતી.

મંડલ પંચની સરકારી નોકરીઓમાં પછાત વર્ગો માટેની અનામતની ભલામણ લાગુ પડી તે પછીની પેઢી હવે યુવાન થઈ છે.

તેથી મેં એક યુવાન નેતા અને રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના નેતા સંતોષ યાદવને પૂછ્યું કે યુવાન પેઢી તેમને કઈ રીતે યાદ કરે છે?

સંતોષ યાદવ કહે છે, ''મંડલ કમિશને આ દેશમાં એક નવી ચેતનાનો વિસ્તાર કર્યો હતો. મંડલ પંચ લાગુ થયું ત્યારે અમે બાળવયના હતા. પંચની ભલામણોના અમલ પછી મેં ઘણી સામાજિક હલચલ થતી જોઈ છે. પછાત વર્ગના યુવાનો તેમને એક નાયક, એક આઇકન, એક ઉદ્ધારકના રૂપમાં યાદ કરે છે.''

ઇમેજ સ્રોત, NIKHIL MANDAL/BBC

બીજી બાજુ મંડલ પંચની ઘણી મહત્ત્વની ભલામણોનો હજી પણ અમલ થયો નથી. એ રસપ્રદ વાત છે કે જમીનદાર પરિવારના હોવા છતાં મંડલે જમીન સુધારણા માટેની પણ ઘણી ભલામણો કરી હતી.

રાજકીય વિશ્લેષક મહેન્દ્ર સુમન કહે છે, ''દેશની વિશાળ વસતિનું પ્રતિનિધિત્વ કરનાર પછાત વર્ગને આઝાદીના લગભગ પાંચ દાયકા પછી મંડલ પંચની ભલામણોના કારણે અધિકારો મળ્યા હતા."

"જોકે સામાજિક ન્યાયને વાસ્તવિક રીતે અમલમાં લાવવા માટે પંચની હજી ઘણી ભલામણોનો અમલ કરવો જરૂરી છે."

"શિક્ષણમાં સુધારા, જમીન સુધારણા, પરંપરાગત વ્યવસાય કરતી જ્ઞાતિઓને નવી ટેકનિક અને વેપાર માટે ધિરાણ આપવું, વગેરે ભલામણોનો તેમાં સમાવેશ થાય છે. તેમને લાગુ કરવામાં આવે તો જ સાચા અર્થમાં બી. પી. મંડલને શ્રદ્ધાંજલિ ગણાશે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો