અગસ્તા વેસ્ટલૅન્ડ હેલિકૉપ્ટર સોદા મામલે મિશેલે 'મિસિસ ગાંધી'નું નામ લીધું : ઈડીનો દાવો

ક્રિશ્ચિયન મિશેલ Image copyright Getty Images
ફોટો લાઈન ક્રિશ્ચિયન મિશેલ

અગસ્તા વેસ્ટલૅન્ડ હેલિકૉપ્ટર ખરીદી મામલે કથિત રીતે વચેટિયાની ભૂમિકા નિભાવનાર ક્રિશ્ચિયન મિશેલને શનિવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હજાર કર્યા હતા.

ઇન્ફૉર્સમન્ટ ડિરેકટરેટ (ઈડી)એ જણાવ્યું છે કે ક્રિશ્ચિયન મિશેલે કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે.

ઈડી પ્રમાણે મિશેલે પોતાના નિવેદનમાં 'શ્રીમતી ગાંધી'ના નામનો ઉલ્લેખ કર્યો છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે મિશેલે આ નામ કયા સંદર્ભે લીધું છે.

Image copyright Reuters

પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર બીબીસીના સહયોગી પત્રકાર સુચિત્ર મોહંતીએ જણાવ્યું કે મિશેલને સાત દિવસના રિમાન્ડ પર મોકલી દેવાયા છે.

અદાલતે એવો પણ આદેશ આપ્યો છે કે મિશેલના વકીલ જ્યારે પણ તેમની સાથે મુલાકાત કરે ત્યારે એક નિશ્ચિત અંતર રાખે.

તમે આ વાંચ્યું કે નહીં?

અદાલતે મિશેલના વકીલોને મળવાનો સમય પણ નક્કી કર્યો છે, હવે તેઓ દરરોજ સવારે એમને સાંજે માત્ર 15 મિનિટ માટે જ મુલાકાત લઈ શકશે.

સુચિત્ર મોગંતીએ જણાવ્યું કે ઈડી ઇચ્છતું હતું કે મિશેલના વકીલો સાથેની મુલાકાત પર પ્રતિબંધ લાદવામાં આવે, ઈડીને ભય છે કે વકીલો થકી બહારના લોકો તેમને સંદેશ મોકલી શકે છે.


ડિસેમ્બરની શરૂઆતમાં ભારત લાવ્યા

Image copyright Getty Images

ક્રિશ્ચિયન મિશેલને 5 ડિસેમ્બરે દુબઈથી ભારત લવાયો હતો.

એ વખતે સીબીઆઈએ જણાવ્યું કે મિશેલને ભારત પ્રત્યાર્પણ કરવાનું ઑપરેશન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના માર્ગદર્શનમાં ચલાવાયું હતું.

મિશેલને ભારત લાવવા માટે સીબીઆઈના જોઇંટ ડાયરેક્ટર સાઈ મનોહરની આગેવાનીમાં અધિકારીઓની એક ટીમ દુબઈ ગઈ હતી.

57 વર્ષના મિશેલની અપીલ કોર્ટમાં ખારિજ થયા બાદ સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ) સરકારે મિશેલના પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી હતી.

મિશેલને ભારત લવાયો એના એક દિવસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચૂંટણી પ્રચાર રેલીમાં કહ્યું હતું, 'રાઝદાર આવી ગયો છે, હવે તમામ રાઝ ખૂલી જશે.'


અગસ્તા વેસ્ટલૅન્ડ મામલો શું છે?

Image copyright LEONARDO COMPANY

બ્રિટીશ-ઇટાલિયન કંપની અગસ્તા વેસ્ટલૅન્ડ સાથે થયેલા 77 કરોડ ડૉલરના આ સોદા પર લાંખોરીના આરોપ લાગ્યા હતા.

ભઆરત સરકારે વર્ષ 2010માં 12 વીવીઆઈપી હેલીકૉપ્ટરોની ખરીદીનો સોદો કર્યો હતો.

અગસ્તા વેસ્ટલૅન્ડનો સોદો અપાવવામાં કથિત રીતે મિશેલે વચેટિયાની ભૂમિકા નિભાવી હતી અને ભારતીય અધિકારીઓને કથિત રીતે લાંચ આપવાની માહિતી 2012માં સામે આવી હતી.

આ 12માંથી ત્રણ હેલીકૉપ્ટર ભારત પહોંચી ચૂક્યા હતા પણ સોદાની કિંમતમાં ગડબડની માહિતી બહાર આવતા બાકીનાં નવ હેલીકૉપ્ટર ભારત લાવવા પર પ્રતિબંધ મુકાયો હતો.

ફિનમૅકાનિકા ઇટાલીની કંપની અગસ્તા વેસ્ટલૅન્ડની સહયોગી કંપની છે અને આ સોદામાં 30 ટકા ભાગીદારી ઇટાલીની સરકારની છે.

આ સોદાના એક વર્ષ બાદ ઇટાલીના મીડિયામાં એવા અહેવાલ આવ્યા કે યુરોપમાં બે વચેટિયાઓની ધરપકડ કરાઈ છે. જેમણે આ સોદો કરાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

એવું માનવામાં આવે છે કે એ પૈકી એક કથિત વચેટિયો ક્રિશ્ચિયન મિશેલ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ