ચંદીગઢમાં હોટલના સ્ટાફ દ્વારા બ્રિટિશ મહિલાનું જાતીય શોષણ, રેપની ફરિયાદ નોંધાઈ

પ્રતીકાત્મક તસવીર Image copyright SPL

ચંદીગઢની એક હોટલમાં એક બ્રિટિશ મહિલા સાથે કથિત જાતીય શોષણની ઘટના સામે આવી છે.

મહિલાએ હોટલના એક કર્મચારી પર આરોપ લગાવ્યો છે. પોલીસે મહિલાની ફરિયાદને આધારે દુષ્કર્મનો કેસ નોંધ્યો છે અને આરોપીની તપાસ શરૂ કરી છે.

પોલીસ અનુસાર આ ઘટના ચંદીગઢના ઇન્ફર્મેશન ટેકનૉલૉજી પાર્ક સ્થિત એક જાણીતી હોટલની છે. પીડિત મહિલાની ઉંમર 50થી 60ની વચ્ચે હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

મહિલાની ફરિયાદને આધારે તેઓ 20 ડિસેમ્બરના રોજ હોટલમાં મસાજ કરાવવા માટે ગયાં હતાં ત્યારે તેમની સાથે જાતીય શોષણની ઘટના બની હતી.

મહિલાએ 28 ડિસેમ્બરના રોજ આઈટી પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ મામલાની તપાસ કરી રહેલાં પોલીસ અધિકારી હરજીત કૌરે બીબીસીને જણાવ્યું કે પોલીસ આરોપીની તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની ઉંમર 20 વર્ષ છે અને તે શહેર પાસેની કૉલોનીમાં રહે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

દુષ્કર્મનો મામલો

Image copyright BBC/GETTY

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ મામલામાં જાતીય સંબંધ બન્યા નહોતા છતાં દુષ્કર્મના કાયદા અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે.

હરજીત કૌરે જણાવ્યું, "આ કેસમાં આંગળીઓનો ઉપયોગ કરાયો છે. દેશમાં રેપના કાયદામાં થયેલા સંશોધન મુજબ આ મામલો પણ આઈપીસીની કલમ 376 અંતર્ગત નોંધવામાં આવ્યો છે."

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં થયેલા નિર્ભયા કાંડ બાદ રેપના આ કાયદામાં સંશોધન કરવામાં આવ્યું હતું.

હરજીત કૌરે જણાવ્યું કે પીડિત મહિલા પોલીસ તપાસમાં મદદ કરી રહ્યાં છે. તે મહિલા તેમના મિત્ર સાથે બ્રિટનથી ચંદીગઢ આવ્યાં હતાં.

કૌરે એવું પણ જણાવ્યું કે પીડિત મહિલા ભારતમાં છે કે નહીં તે અંગે પોલીસને કોઈ જાણકારી નથી.

ઉલ્લેખનીય છે કે પોલીસે પીડિત મહિલાનું નિવેદન મૅજિસ્ટ્રેટ સમક્ષ પહેલાં જ નોંધી લીધું હતું.

આ મામલાની તપાસમાં સામેલ ઇન્સ્પેક્ટર લખબીર સિંઘે બીબીસીને જણાવ્યું, "આવા મામલાઓમાં પીડિતાની ઓળખ છતી નથી કરાતી એટલા માટે તે મહિલા બ્રિટનમાં ક્યા રહે છે તે અંગે અમે કંઈ ના કહી શકીએ."

આ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ એકઠા કરી હોટલના સ્ટાફનાં નિવેદનો પણ લીધાં છે.

બીબીસીએ આ સંબંધે હોટલના જનરલ મૅનેજરનો સંપર્ક સાધાવાનો પ્રયાસ કર્યો પરંતુ હોટલ તરફથી કહેવામાં આવ્યું કે તેઓ નિવેદન આપવા ઉપલબ્ધ નથી.

દસ દિવસમાં બીજો મામલો

દેશમાં 10 દિવસમાં આવો બીજો મામલો સામે આવ્યો છે. આ પહેલાં ગોવામાં બ્રિટનનાં 48 વર્ષનાં મહિલા પર્યટક સાથે રેપ અને લૂંટ કરવાની ઘટના સામે આવી હતી.

દેશમાં મહિલાઓ માટે કાયદા કડક કરવામાં આવ્યા છે પરંતુ તેમ છતાં તેમની સાથે હિંસા, રેપ અને જાતીય શોષણ જેવી ઘટનાઓ બની રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો