બાપુ બોલે તો : શું દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી 'રેસિસ્ટ'- કાળાંધોળાંના ભેદભાવમાં માનનારા હતા?

બાપુ બોલે તો

આફ્રિકાના દેશ ઘાનામાં આવેલી 'યુનિવર્સિટી ઑફ ઘાના'માંથી આ મહિને (12 ડિસેમ્બર, 2018ના રોજ) ગાંધીજીનું પૂતળું હટાવી લેવામાં આવ્યું.

કારણ? યુનિવર્સિટીના અધ્યાપકો અને ઘણા વિદ્યાર્થી માને છે કે ગાંધીજી રેસિસ્ટ હતા-કાળાંધોળાંના વંશીય ભેદભાવમાં માનનારા હતા.

એવા જણનું પૂતળું યુનિવર્સિટીમાં શી રીતે રાખી શકાય? સરકારે એ પૂતળું બીજે રાખવાનો નિર્ણય કર્યો છે.

(તેમાં જોકે ગાંધીજી વિશેના અભિપ્રાય કરતાં ભારત સાથેના સંબંધની ભૂમિકા વધારે લાગે છે.)


વંશવાદનો આરોપ

Image copyright Getty Images

ગાંધીજી પર વંશવાદી-રેસિસ્ટ હોવાનો આરોપ પહેલી વારનો નથી.

આફ્રિકાના બીજા દેશ માલાવીમાં ભારતની વર્તમાન સરકારે કન્વેન્શન સૅન્ટર બાંધવા માટે એક કરોડ ડૉલર આપ્યા. તેના બદલામાં માલાવીની સરકાર ગાંધીજીનું પૂતળું ઊભું કરવાની હતી.

પણ કેટલાક સ્થાનિકો દ્વારા તેનો વિરોધ થતાં, એ પૂતળાનું કામકાજ હાલ અટકી ગયું છે. ગાંધીજીને રેસિસ્ટ જાહેર કરતાં લખાણો અને પુસ્તકો પણ છેલ્લાં થોડાં વર્ષોમાં આવતાં રહ્યાં છે.

ગાંધીજીના ફેરમૂલ્યાંકન કે વાસ્તવિક મૂલ્યાંકનનો દાવો કરતાં એવાં લખાણમાં તેમની પર થતા મુખ્ય આરોપઃ

(1) ગાંધીજીએ આફ્રિકાના સ્થાનિક લોકો વિશે અનેક વાર અપમાનજનક શબ્દો વાપર્યા હતા-તેમને ઉતરતા-અસભ્ય-અસંસ્કૃત ગણાવતાં વિધાન કર્યાં હતાં.

(2) ભારતીયોની અધિકારો માટેની લડાઈમાં તેમણે આફ્રિકાના સ્થાનિક કાળા લોકોને કદી સામેલ ન કર્યા. બલ્કે, ભારતીયોને તેમનાથી અળગા જ રાખ્યા. કાળા લોકોને થતા અન્યાયનો સવાલ ઉપાડવાની તો વાત જ ક્યાં?

(3) તેમની ભૂમિકા અંગ્રેજી સામ્રાજ્યને મદદરૂપ થવાની-તેના વફાદાર તરીકેની જ રહી.

તમે આ વાંચ્યું કે નહીં?

ફોટો લાઈન જોહાનિસબર્ગનો ગાંધી ચૉક જ્યાં ગાંધીજીની ઓફિસ હતી

આ પ્રકારના આરોપો ધરાવતું એક જાણીતું પુસ્તક છે 'ધ સાઉથ આફ્રિકન ગાંધી : સ્ટ્રેચર-બૅરર ઑફ ઍમ્પાયર' (લેખકોઃ અશ્વિન દેસાઈ, ગુલામ વાહેદ).

બીજાં કેટલાંક લેખકો ગાંધીજીને જ્ઞાતિવાદી અને વંશવાદી--ટૂંકમાં, તમામ પ્રકારના ભેદભાવથી ખદબદતા જણ તરીકે રજૂ કરે છે.

ઓળખના રાજકારણની અણી બરાબર નીકળી હોય, ત્યારે ઇતિહાસના મુલ્યાંકનોમાં 'વિલન કે હીરો?'

એવા જ વિકલ્પ અપાતા હોય છે અને બેમાંથી એક જ જવાબની અપેક્ષા રખાય છે.

પરંતુ હકીકતો એટલી સપાટ હોય એવું જરૂરી નથી.

અપમાનજનક શબ્દપ્રયોગો

Image copyright Getty Images

'ધ હિંદુ'માં પ્રગટ થયેલા ત્રણ અભ્યાસીઓના એક લેખમાં, ગાંધીજીએ કાળા લોકો માટે વાપરેલા શબ્દ Kaffir (કાફિર) વિશે વિગતે વાત કરવામાં આવી છે.

(વૉઝ ગાંધી અ રેસિસ્ટ? ડિસેમ્બર 3,2016) 'કાફિર' કે 'કાફર' ઇસ્લામના સંદર્ભે અલ્લાહમાં ન માનનાર માટે છે, પરંતુ એક સમયે તે ધાર્મિક સિવાયના સંદર્ભે પણ પ્રચલિત હતો અને દક્ષિણ આફ્રિકાના સ્થાનિક લોકો માટે પ્રચલિત રીતે વપરાતો હતો.

'ઍન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા'ની 1902ની આવૃત્તિમાં તે છૂટથી વપરાયેલો છે--અને રાજકારણના નહીં, માનવવંશશાસ્ત્ર (ઍન્થ્રોપોલોજી) વિશેના લખાણમાં.

તેમ છતાં, અસમાનતા સામે લડનારના ધોરણે જોતાં તે શબ્દ બેશક અપમાનજનક હતો.

દક્ષિણ આફ્રિકામાં પછીનાં વર્ષોમાં ગાંધીજી સ્થાનિક કાળા લોકો માટે 'નેટિવ' જેવા શબ્દ પણ વાપરતા હતા.

તેને ગાંધીજીનો દંભ ગણવો કે તેમની સમજમાં થયેલો વધારો? એ જાતે નક્કી કરી શકાય એમ છે.

ચડિયાતાપણાનો ખ્યાલ

Image copyright GANDHI FILM FOUNDATION

ગાંધીજીનાં દક્ષિણ આફ્રિકાનાં ઘણાં લખાણોમાં સ્થાનિક કાળા લોકો માટે અસંસ્કૃત કે ઉતરતા કે અસભ્ય જેવા અભિપ્રાય વ્યક્ત થયેલા જોવા મળે છે.

આવાં અવતરણ તેમને રેસિસ્ટ જાહેર કરી દેવા માટે માટે પૂરતાં નીવડે એમ છે.

'ઇકોનૉમિક એન્ડ પોલિટિકલ વીકલી'માં પ્રગટ થયેલા એક લેખમાં નિશિકાંત કોલગેએ આરોપનાં બીજાં પાસાંની સાથે, ગાંધીજીના અભિપ્રાયોની પણ તપાસ કરી છે.

(વૉઝ ગાંધી અ રેસિસ્ટ? : હિઝ રાઇટિંગ્સ ઇન સાઉથ આફ્રિકા, 30 જાન્યુઆરી 2016, પૃ.88-93) તેની પરથી બે હકીકત સ્પષ્ટ થાય છેઃ

(1) દક્ષિણ આફ્રિકામાં કામગીરી દરમિયાન ઘણાં વર્ષો સુધી ગાંધીજીના મનમાં આફ્રિકાના કાળા લોકો અસંસ્કૃત કે અસભ્ય છે, એવો ખ્યાલ હતો અને તે ખ્યાલ દક્ષિણ આફ્રિકામાં હતા, ત્યારે જ બદલાયો પણ ખરો.

એટલે ગાંધીજીનાં જૂનાં અવતરણના આધારે તેમને રેસિસ્ટ પુરવાર કરી જ શકાય અને એ સાચું પણ ગણાય.

પણ દક્ષિણ આફ્રિકાના તેમના આખા સમયગાળાને ધ્યાનમાં લેવામાં આવે અને તેમાં તેમની ગતિ જોઈએ, તો સ્વીકારવું પડે કે આ મુદ્દે ગાંધીજીની સંવેદનશીલતા વધી હતી- તેમનો અભિપ્રાય બદલાયો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

(2) ભારતીયો અને આફ્રિકાના કાળા લોકોને અલગ ગણવા જોઈએ, એવું ગાંધીજીને મુખ્યત્વે ત્યારે જ લખવાનું થતું, જ્યારે દક્ષિણ આફ્રિકાની અંગ્રેજ સરકાર ભારતીયોને-સ્થાનિકોને એક લાકડીએ હાંકે.

એટલે કે, આમ કરવા પાછળ રેસિઝમ નહીં, રાજકીય સમજ કહો કે ગણતરી કહો, તે જવાબદાર હતી.

દક્ષિણ આફ્રિકાના અંગ્રેજી રાજમાં બંને પ્રજાનું સ્થાન જુદું જુદું હતું.

જેલમાં ગાંધીજીએ ભારતીયોને સ્થાનિક કાળા લોકોથી અલગ રાખવાની માગણી કરી હતી, એ વાતને પણ ગાંધીજીના રેસિસ્ટ હોવાના પુરાવા તરીકે રજૂ કરવામાં આવે છે.

પરંતુ જેલમાં તેમને પોતાને કાળા કેદીઓના હિંસક અનુભવો થયા હતા, એની વાત થતી નથી.

દક્ષિણ આફ્રિકાની રંગભેદવિરોધી લડતના નેતા નેલ્સન મંડેલાએ કહ્યું હતું કે ગાંધીજી બધા કાળા લોકોની નહીં, જેલમાં રહેલા ગુનેગાર કાળા લોકોની વાત કરી રહ્યા હતા.

મંડેલાએ એમ પણ કહ્યું હતું કે 'ગાંધીજીને એ પૂર્વગ્રહો માટે માફ કરવા જોઈએ અને તેમને એ સમય તથા સંજોગોના સંદર્ભે આંકવા જોઈએ.'


સ્થાનિકો માટે કેમ ન લડ્યા?

Image copyright Getty Images

ગાંધીજીનાં દક્ષિણ આફ્રિકાનાં વર્ષો વિશેના પુસ્તક 'ગાંધી બીફોર ઇન્ડિયા'માં રામચંદ્ર ગુહાએ 'આફ્રિકન પોલિટિકલ ઑર્ગેનાઇઝેશન' (APO) વિશે લખ્યું છે.

'કલર્ડ' (ધોળા લોકો સિવાયના સ્થાનિક લોકો)ની આ સંસ્થા અને તેના આગેવાન ડૉ. અબ્દુલ્લા અબ્દુરહેમાન પ્રત્યે ગાંધીજીને ઘણો ભાવ હતો.

છતાં ત્યાં વસતા ભારતીયોએ APOથી અળગા રહીને શાણપણનું કામ કર્યું છે, એવું ગાંધીજીને લાગ્યું હતું. તેમણે લખ્યું હતું, 'આ (કલર્ડ) લોકોને અને ભારતીયોને પડતી તકલીફો લગભગ એકસરખી છે, પરંતુ તેના ઉકેલ જુદા જુદા છે.

એટલે બંનેએ પોતપોતાના કેસ પોતાની યથાયોગ્ય રીતે લડવા જોઈએ.

આપણે (ભારતીયો) આપણી તરફેણમાં 1857નો રાણીનો ઢંઢેરો ટાંકી શકીએ છીએ (જેની અંતર્ગત ભારતીયો બ્રિટિશ સામ્રાજ્યના પ્રજાજન બન્યા), જ્યારે કાળા લોકો એવું કરી શકતા નથી.

તેમની પાસે મજબૂત દલીલ એ છે કે તે આ ભૂમિનાં સંતાન છે.

તે એમ પણ કહી શકે છે કે તેમની જીવન જીવવાની રીત સંપૂર્ણપણે યુરોપિયન છે. આપણે (બ્રિટનમાં રહેલા) ભારત માટેના ગૃહપ્રધાન (સૅક્રેટરી ઑફ સ્ટેટ ફોર ઇન્ડિયા)ને રજૂઆત કરી શકીએ છીએ.

એ લોકો તેમને કહી શકતા નથી. (કારણ કે આફ્રિકાનો હવાલો તેમની પાસે નથી, જ્યારે બ્રિટિશ સામ્રાજ્યના ભારતીય પ્રજાજનોનો હવાલો તેમની પાસે છે.) એ લોકો ખ્રિસ્તી છે.

માટે આ કામ માટે તેમના ધર્મગુરુઓનો સહારો લઈ શકે છે. આપણને એવી મદદ મળે એમ નથી.' (ગાંધી બીફોર ઇન્ડિયા, પૃ.189)

અંગ્રેજી રાજનું સમર્થન?

Image copyright PrAMOD KAPOOR

રેસિસ્ટ હોવાના આરોપ સાથે તેને સીધો સંબંધ નથી, છતાં આરોપનામું મુકવાનું જ હોય, તો આ વાત પણ કેમ બાકાત રહી જાય?

ગાંધીજીએ પહેલા વિશ્વયુદ્ધમાં અંગ્રેજી રાજ માટે સૈન્યભરતીનું કેમ કામ ઉપાડ્યું હતું?

એ સવાલનો જવાબ આ શ્રેણીમાં અગાઉ આપ્યો હતો.

તેમાં નોંધ્યા પ્રમાણે, ફક્ત દક્ષિણ આફ્રિકામાં જ નહીં, ભારત આવ્યા પછી પણ, જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો ત્યાં સુધી ગાંધીજી અંગ્રેજી રાજના વફાદાર પ્રજાજન હતા.

તેમને લાગતું હતું કે આદર્શ-ઉત્સાહી પ્રજાજન બનીને અંગ્રેજો પાસેથી નાગરિક અધિકાર મેળવી શકાશે.

તેમની આ લાગણીને કાળા-ધોળાના ભેદ સાથે કશો સંબંધ ન હતો.

તેમણે કાળા આફ્રિકનોના વિરોધમાં નહીં, સામ્રાજ્યના વફાદાર નાગરિક તરીકે પોતાની ભૂમિકા નક્કી કરી હતી.

સાથોસાથ, સ્થાનિક (કાળા) ઝુલુ લોકોએ બળવો કર્યો ત્યારે ગાંધીજી અંગ્રેજો વતી ઍમ્બુલન્સ કોર્પ્સમાં સામેલ થયા ખરા, પણ યુદ્ધભૂમિ પર તેમણે બ્રિટિશ સૈનિકોની સાથોસાથ કાળા સૈનિકોને પણ સેવા-સારવાર આપી હોવાનું નોંધાયેલું છે. (ગાંધી બીફોર ઇન્ડિયા, પૃ. 194)

વિશ્લેષણ

Image copyright AFP

ગાંધીજીની જે રીતે પ્રતિષ્ઠા થઈ અને બબ્બે વિશ્વયુદ્ધોથી ખરડાયેલા વીસમી સદીના લોહીયાળ ઇતિહાસમાં સત્ય-અહિંસાની અને નૈતિક બળની વાત કરનાર ગાંધીજીને જે મહત્ત્વનું સ્થાન મળ્યું, તેને ધ્યાનમાં રાખતાં, દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કાળા લોકો માટે પણ કેમ કંઈ ન કર્યું, એવો ધોખો કરી શકાય.

કાળા લોકોની અવદશાના તેમણે કરેલા છૂટાછવાયા ઉલ્લેખ કે પ્રયાસ ઓછા ને અપૂરતા લાગી શકે.

પરંતુ એ લાગણીથી દોરવાઈને તેમને વંશવાદી તરીકે ખપાવી દેવા, એ બીજો અંતિમ છે અને તથ્યોની રીતે એ સાચો પણ નથી.

તે સમયની દક્ષિણ આફ્રિકાની-ભારતની રાજકીય સ્થિતિ અને ભારતીયો માટેની લડતમાં પણ ગાંધીજીના મર્યાદિત હેતુઓ ધ્યાનમાં લીધા પછી, રેસિસ્ટનો આરોપ ટકે એમ નથી.

(દક્ષિણ આફ્રિકામાં લડત આઝાદી માટેની કે સમાનતા માટેની પણ નહીં, બ્રિટિશ નાગરિક તરીકેના સમાન અધિકારો માટેની હતી)

એવી જ રીતે, દક્ષિણ આફ્રિકાના કાળા લોકો વિશેના તેમના અગાઉના અભિપ્રાયો વિશે બેશક વાંધો પાડી શકાય. તેની ટીકા કરી શકાય. તે સ્વીકારવી પણ પડે.

પરંતુ અત્યારે વાત કરવી હોય ત્યારે મનગમતા સમયગાળાને બદલે, આખા સમયની વાત કરવી પડે અને તેમાં દક્ષિણ આફ્રિકાનિવાસ દરમિયાન જ ગાંધીજીના બદલાયેલા અભિપ્રાયોને પણ ધ્યાને લેવા પડે.

એ અભિપ્રાયોમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાના લોકો માટે પણ સમભાવ રાખતા થયા હોય :

'બધી જાતિઓ એકછત્ર નીચે આવે અને ચામડીનો રંગ જોયા વિના સૌને નાગરિક તરીકેના એક સરખા અધિકાર મળે' એવી આકાંક્ષા સેવતા થયા હોય (ગાંધી બીફોર ઇન્ડિયા, પૃ. 293) તો?

ગાંધીજીના આવા બદલાયેલા અભિપ્રાયોને નજરઅંદાજ કરીને, તેમને રેસિસ્ટ ઠરાવી દેવાથી લોકોનું ધ્યાન તો ખેંચી શકાય, પણ સચ્ચાઈથી દૂર નીકળી જવાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો