કાદર ખાન : કબ્રસ્તાનમાં પ્રેક્ટિસ કરીને કઈ રીતે બન્યા કદાવર અભિનેતા?

કાદર ખાન Image copyright Sarfaraz khan

રાતનો સમો હતો. બૉમ્બેમાં આવેલા યહુદી કબ્રસ્તાનમાં ચોતરફ ગાઢ અંધકાર વ્યાપેલો હતો.

એ સૂનકાર સ્થળે એક બાળક ડાયલૉગ ડિલિવરીની પ્રૅક્ટિસ કરી રહ્યો હતો...

એક રાતે એનો આ રોજિંદો ક્રમ ચાલું હતો કે તેના પર ટૉર્ચલાઇટનો પ્રકાશ પડ્યો. એને પૂછવામાં આવ્યું કે 'કબ્રસ્તાનમાં શું કરી રહ્યો છે?'

બાળક બોલ્યો, "દિવસમાં જે પણ કંઈ સારું વાંચું એ રાતે અહીં આવીને બોલું છું. રિયાઝ કરું છું." બાળકને સવાલ પૂછનારી એ વ્યક્તિનું નામ અશરફ ખાન હતું.

ખાન ફિલ્મોમાં કામ કરતા હતા અને એટલે એણે બાળકને પૂછી લીધું, "નાટકમાં કામ કરીશ?"

બસ, અહીંથી જ શરૂ થયેલી બાળકની એ સફરે દાયકાઓ સુધી હિંદી ફિલ્મોને 'કાદર ખાન'ના નામે ગજવી.


 કબ્રસ્તાનવાળો સીન...

વર્ષો બાદ જ્યારે કાદર ખાને 1977માં 'મુકદ્દર કા સિકંદર' ફિલ્મ લખી તો એમાં એક મહત્ત્વનો સીન લખ્યો, જ્યાં બાળપણમાં અમિતાભ બચ્ચન કબ્રસ્તાનમાં પોતાની માનાં મૃત્યુ પર રડે છે.

એ વખતે ત્યાંથી પસાર થતો એક ફકીર(કાદર ખાન) એ બાળકને કહે છે,

"ઈસ ફકીર કી એક બાત યાદ રખના.

જિંદગી કા સહી લુત્ફ ઉઠાના હૈ તો મૌત સે ખેલો,

સુખ તો બેવફા હૈ ચંદ દિનો કે લિયે આતા હૈ ઔર ચલા જાતા હૈ

દુઃખ તો અપના સાથી હૈ, અપને સાથ રહતા હૈ

પોંછ દે આંસૂ. દુઃખ કો અપના લે. તકદીર તેરે કદમો મેં હોગી ઔર તૂ મકદ્દર કા બાદશાહ હોગા..."

આ સીન કાદર ખાને પોતાના ઘર નજીક આવેલા એ કબ્રસ્તાનમાંથી લીધો હતો.  


ડાયલૉગ કિંગ કાદર ખાન  

Image copyright Sarfaraz khan

કાદર ખાને 70ના દાયકામાં ડાયલૉગ લખવાથી લઈને ફિલ્મોમાં અભિનય કરવા સુધી ભારે નામ કમાયું.  

'ખૂન પસીના,' 'લાવારીસ,' 'પરવરિશ,' 'અમર અકબર ઍન્થની,' 'નસીબ,' 'કુલી' જેવી ફિલ્મોની પટકથા કે ડાયલૉગ લખનારા કાદર ખાને અમિતાભ બચ્ચનની કારકિર્દીને ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

જોકે, આ જ કાદર ખાનનું પ્રારંભિક જીવન અત્યંત સંઘર્ષમય રહ્યું.

એક ઇન્ટરવ્યૂમાં કાદર ખાન જણાવી ચૂક્યા છે કે અફઘાનિસ્તાનમાં તેમના જન્મ પહેલાં તેમના ત્રણ ભાઈઓનાં મૃત્યુ નીપજ્યાં હતાં.

જે બાદ તેમનાં માતાપિતાએ અફઘાનિસ્તાન છોડીને ભારત આવવાનો નિર્ણય લીધો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

થોડા સમયમાં જ તેમના માતાપિતાએ તલાક લઈ લીધા અને સાવકા પિતા સાથે તેમનું બાળપણ દારુણ ગરીબીમાં વીત્યું.

એમ છતાં તેમણે સિવિલ એંજિનયરિંગમાં ડિપ્લૉમા કર્યું અને મુંબઈની એક કૉલેજમાં બાળકોને ભણાવવા લાગ્યા.

કૉલેજમાં એક વખત નાટકની સ્પર્ધાનું આયોજન થયું, જેનાં જજ નરેન્દ્ર બેદી અને કામિની કૌશલ હતાં.

એ નાટ્યસ્પર્ધામાં અભિનેતા-લેખકનું ઇનામ કાદર ખાનને મળ્યું અને એ સાથે જ એક ફિલ્મમાં સંવાદ લખવાની તક પણ સાંપડી.

અને હા, પગાર મળ્યો રૂપિયા પંદર સો પૂરા.

એ ફિલ્મ હતી 1972માં આવેલી 'જવાની દિવાની', સફળ નીવડી અને એ બાદ તેમને 'રફૂ ચક્કર' જેવી ફિલ્મો મળવા લાગી.


મનમોહન દેસાઈએ સોનાની બ્રૅસલૅટ ઉતારીને આપી દીધી...  

Image copyright Sarfaraz khan

કાદર ખાનના જીવનમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે 1974માં મનમોહન દેસાઈ અને રાજેશ ખન્ના સાથે ફિલ્મ 'રોટી'માં કામ કરવાની તક મળી.

મનમોહન દેસાઈને કાદર ખાન પર વિશ્વાસ નહોતો. તેઓ હંમેશાં કહેતા રહેતા કે "તમે લોકો શાયરી તો સારી કરી લો છો પણ મારે તો એવા ડાયલૉગ જોઈએ કે જેના પર લોકોની તાળીઓ પડે."

પછી તો શું જોઈતું હતું? કાદર ખાન જે ડાયલૉગ લખીને ગયા એ મનમોહન દેસાઈએ એટલો પસંદ આવ્યા કે તેઓ ઘરની અંદર ગયા, પોતાની ટૉશિબા ટીવી, 21 હજાર રૂપિયા અને બ્રૅસલૅટ ત્યાં જ કાદર ખાનને ઈનામ તરીકે આપી દીધાં.

પહેલી વખત કાદર ખાનને ડાયલૉગ લખવા માટે એક લાખ રૂપિયાથી વધુ ફી મળી.

બસ, અહીંથી જ શરૂ થઈ મનમોહન દેસાઈ, પ્રકાશ મહેરા અને અમિતાભ બચ્ચન સાથેની તેમની 'શાનદાર સફર.'

કાદર ખાને લખેલી ફિલ્મો અને ડાયલૉગ એક બાદ એક હિટ થવાં લાગ્યાં. 'અગ્નિપથ,' 'શરાબી,' ' 'સત્તે પે સત્તા'... અમિતાભ માટે એક કરતાં એક ચઢિયાતા ડાયલૉગ કાદર ખાને લખ્યા.


 

અભિનયની આવડત

Image copyright Sarfaraz khan

આ સાથે જ ખુદ કાદર ખાનની અભિનેતા તરીકેની કારકિર્દી પૂરપાટ દોડવા લાગી.

1973માં આવેલી ફિલ્મ 'દાગ'માં એક મામૂલી ભૂમિકામાં કાદર ખાન જોવા મળ્યા.

એ બાદ 1977માં અમિતાભ બચ્ચન સાથે પોલીસ ઇન્સ્પેક્ટરની એક નાનકડી ભૂમિકા ભજવવાની તેમને તક મળી અને એ સાથે જ, 'ખૂન પસીના', 'શરાબી', 'નસીબ', 'કુરબાની' જેવી ફિલ્મોની લાઈન લાગી ગઈ.

લોકો ખલનાયકના રૂપે પણ તેમને ઓળખવા લાગ્યા.


અમિતાભ બચ્ચન સાથે મિત્રતા...

Image copyright Getty Images

કાદર ખાનની એક ખૂબી એ પણ હતી કે તેઓ 'લિપ-રીડિંગ' કરી શકતા હતા.

એક ઇન્ટરવ્યૂમાં તેઓ એક કિસ્સો સંભળાવે છે, "શરૂઆતના દિવસોમાં હું જ્યારે મનમોહન દેસાઈના ઘરે જતો તો દૂરથી જોઈને જ એ મને કહેતા કે 'ઉલ્લુ કે પઠ્ઠે કો સમજ મેં નહી આયા, ફિર આ ગયા.' મેં તેમની પાસે જઈને કહ્યું કે તમે આવા શબ્દો બોલ્યા. હું 'લિપ-રીડિંગ' કરી શકું છું. "

બાદમાં આવેલી ફિલ્મ 'નસીબ'માં તેમણે આ સીનનો ઉપયોગ કર્યો, જ્યાં ફિલ્મની અભિનેત્રી ખલનાયકની વાતો 'લિપ-રીડિંગ' થકી જાણી જાય છે.

અમિતાભની કારકિર્દીમાં કાદર ખાને મહત્ત્વની ભૂમિકા ભજવી. એક સમયે કાદર ખાન અને અમિતાભ બચ્ચન વચ્ચે ગાઠ મિત્રતા હતી.

બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કાદર ખાને જણાવ્યું હતું, "હું અમિતાભને લઈને ફિલ્મ બનાવવા માગતો હતો. નામ હતું, 'જાહિલ' પણ એ પહેલાં જ બચ્ચનને 'કુલી' ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈજા થઈ. એ બાદ તેઓ રાજકારણમાં જતાં રહ્યા અને એ ફિલ્મ ક્યારેય બની શકી નહીં. અમારી વચ્ચે ફાટ પણ પડી."


કૉમેડીનો દોર

Image copyright Hamesh Malhotra

1983માં કાદર ખાને ફિલ્મ 'હિંમતવાલા' લખી હતી અને પોતાના માટે કૉમેડીવાળો રોલ પણ.

ત્યાં સુધી તો તેઓ વિલનવાળા મોડમાંથી બહાર આવવા માગતા હતા.

અહીંથી તેમનાં લેખન અને ઍક્ટિંગમાં એક બદલાવનો તબક્કો શરૂ થયો હતો.

સંવાદોમાં કોમળતાની જગ્યા ટપોરીપનવાળા ડાયલૉગે લઈ લીધી.

બીબીસીના ઇન્ટરવ્યૂમાં કાદર ખાન ફિલ્મોની બગડતી ભાષાનો દોષ ખુદને પણ આપે છે.

90ના દશકા સુધી આવતા-આવતા કાદર ખાને લખવાનું ઓછું કરી નાખ્યું હતું પરંતુ ડૅવિડ ધવન અને ગોવિંદા સાથે તેમની જોડી ખૂબ જામતી હતી.

જોકે, ત્યારે પણ પોતાના ડાયલૉગ્સ તેઓ ખુદ જ લખતા હતા.

ખુદે હસવાનું નહીં અને મોઢું આડું-અવળું કર્યા વિના દર્શકોને કેવી રીતે હસાવી શકાય તે ગુરુમંત્ર કાદર ખાન પાસે હતો.


હરફનમૌલા કાદર ખાન

Image copyright Getty Images

કાદર ખાન હરફનમૌલા(દરેક બાબતમાં આવડતવાળી વ્યક્તિ) હતા. ઍક્ટિંગની સાથે-સાથે તેઓ ઉસમાનિયા યુનિવર્સિટીમાં અરબી ભાષા પણ શીખતા હતા.

છેલ્લા એક દાયકાથી કાદર ખાનનો ફિલ્મી દુનિયા સાથેનો જાણે સંપર્ક કપાઈ ગયો હતો. અરબી શીખ્યા બાદ તેઓ ગરીબોનાં કામમાં વધારે વ્યસ્ત રહેવા લાગ્યા હતા.

તબિયત ખરાબ થયા બાદ તેમનો વધારે સમય કૅનેડામાં બાળકો સાથે વિતતો હતો. કાદર ખાને ફિલ્મોમાં લેખન, સંવાદ અને ઍક્ટિંગને પોતાના ઢાળમાં ઢાળ્યાં હતાં.

એક ફિલ્મપ્રેમી હોવાના નાતે મને હંમેશાં લાગતું હતું કે કાદર ખાનની આવડતનો પૂરો ફાયદો કદાચ આપણે ઉઠાવી શક્યાં નથી.

નહીં તો આવા લેખક અને અદાકાર ખૂબ ઓછા જોવા મળે છે જેમના પાસે ભાષા પરની પકડ, સારું લેખન, અનોખો અંદાજ-બધું જ હોય.


અંતમાં યાદ કરીએ કાદર ખાનના એ ડાયલૉગ

Image copyright Empics

ફિલ્મ 'હમ' : મોહબ્બત કો સમજના હૈ તો પ્યારે ખુદ મોહબ્બત કર, કિનારે સે કભી અંદાજે તૂફાન નહીં હોતા. 

ફિલ્મ 'અગ્નિપથ' : વિજય દીનાનાથ ચૌહાણ, પૂરા નામ, બાપ કા નામ દીનાનાથ ચૌહાણ, મા કા નામ સુહાસિની ચૌહાણ, ગાંવ માંડવા, ઉમ્ર 36 સાલ 9 મહીના 8 દિન ઔર યે સોલહવાં ઘંટા ચાલુ હૈ.

ફિલ્મ 'કુલી' : હમારી તારીફ ઝરા લંબી હૈ. બચપન સે સર પર અલ્લાહ કા હાથ ઔર અલ્લાહરખ્ખા હૈ અપને સાથ. બાજુ પર 786 કા હૈ બિલ્લા, 20 નંબર કી બીડી પીતા હું,  કામ કરતા હું કુલી કા ઔર નામ હૈ ઇકબાલ.

ફિલ્મ 'અંગાર' : એસે તોહફે (બંદૂકે) દેને વાલા દોસ્ત નહીં હોતા હૈ, તેરે બાપને 40 સાલ મુંબઈ પર હુકૂમત કી હૈ. ઇન ખિલૌનોં કે બલ પર નહીં, અપને દમ પર.

ફિલ્મ 'સત્તે પે સત્તા' : દારુ-વારુ પીતા નહીં અપુન. માલૂમ ક્યોં? ક્યોંકી દારુ પીને સે લિવર ખરાબ હો જાતા હૈ. વો ઉસ દિન ક્યા હુઆ અપુન દોસ્ત કા શાદી મેં ગયા થા. ઉસ દિન જબરદસ્તી ચાર બાટલી પિલાઈ. વૈસે મૈં દારુ નહીં પીતા ક્યોંકી દારુ પીને સે લિવર ખરાબ હો જાતા હૈ.

ફિલ્મ 'મુકદ્દર કા સિકંદર' : જિંદગી કા સહી લુત્ફ ઉઠાના હૈ તો મૌત સે ખેલો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ