ભારતની સ્મૃતિ મંધાનાને આઇસીસીની ક્રિકેટર ઑફ ધ યર

સ્મૃતિ મંધાના Image copyright ALLSPORT/GETTY

ભારતની મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી સ્મૃતિ મંધાનાને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા વન ડે ક્રિકેટ મૅચમાં ક્રિકેટર ઑફ ધ યર તેમજ બેસ્ટ પ્લેયર ઑફ ધ યર જાહેર કરવામાં આવ્યા છે.

સ્મૃતિએ ભારતને ઇંગ્લૅન્ડ, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વિરદ્ધ સિરીઝ જીતાડવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

22 વર્ષના આ ખેલાડીએ વર્ષ 2018માં 12 વન ડે ઇન્ટરનેશનલ મૅચમાં 669 રન કર્યા હતા.

જેમાં 66.90ની ઍવરેજ અને 130.67ના સ્ટ્રાઇક રેટ સાથે સાથે સાત અર્ધસદી, તેમજ આફ્રિકા સામેની સદીનો પણ સમાવેશ થાય છે.

આ ઍવૉર્ડ સ્વીકારતાં સ્મૃતિ મંધાનાએ કહ્યું, "ઍવૉર્ડ્ઝ ખાસ હોય છે, કારણ કે જ્યારે તમે વધુ રન કરો છો, ત્યારે ઇચ્છો છો કે તમારી ટીમ જીતે."

"પણ તમારી મહેનતની જ્યારે આ પ્રકારે નોંધ લેવાય છે, ત્યારે તમને વધુ મહેનત કરીને તમારી ટીમ માટે વધુ સારું કામ કરવાનું પ્રોત્સાહન મળે છે."

આઈસીસીને તેણે જણાવ્યું છે, "આફ્રિકા સામે સદી કર્યાનો મને ખૂબ સંતોષ હતો, તેમજ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પણ સારી રહી. "


અગિયાર વર્ષે ભારતને આ ઍવૉર્ડ ફરી મળ્યો

Image copyright Getty Images

આ સન્માન પ્રાપ્ત કરનારા સ્મૃતિ બીજા ભારતીય ખેલાડી છે.

આ પહેલાં વર્ષ 2007માં ઝુલન ગોસ્વામીને આ ઍવૉર્ડ મળ્યો હતો.

સ્મૃતિએ આઈસીસીને જણાવ્યું હતું, "ઘણા લોકો એવું કહેતાં કે હું ભારતીય પીચ પર સારું પ્રદર્શન કરતી નથી."

"તેથી મારે મારી જાતને સાબિત કરવાની હતી. આ જુસ્સાએ મને સારી ખેલાડી બનાવી."

"ત્યારબાદ વીમેન્સ ટી-20 વર્લ્ડ કપની પહેલી ચાર મૅચ અમારા માટે યાદગાર રહી."

"સ્મૃતિને આઈસીસીની વીમેન્સ ટીમ ઑફ ધ યરમાં પણ હરમનપ્રીત કૌર સાથે સ્થાન મળ્યું છે. "


દ્રવિડે આપેલા બૅટથી વડોદરાની પીચ પર બેવડી સદી

Image copyright Getty Images

2013માં વડોદરાની ઍલેમ્બિક પીચ પર વેસ્ટ ઝોનની અન્ડર-19 વન ડે ટુર્નામેન્ટમાં 138 બૉલમાં 32 ફોર સાથે બેવડી સદી ફટકારીને સ્મૃતિ જાણીતા થયેલા.

એ વખતે ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા એક ઇન્ટરવ્યૂ મુજબ એ મૅચમાં સ્મૃતિ રાહુલ દ્રવિડે તેને ભેટ મળેલા બૅટથી રમ્યા હતા.

રાહુલ દ્રવિડની સાઇન વાળા બૅટ વિશે વાત કરતાં તેમણે કહેલું, "આ જ બૅટથી મેં વન ડે ઇન્ટરનેશનલ અને ટી-20 રમવાની શરૂઆત કરેલી."

"જ્યારથી મેં દ્રવિડ સરના બૅટથી રમવાનું શરુ કર્યું ત્યારથી હું સારો સ્કોર કરું છું. મારી મમ્મી એક વખત બૅંગ્લુરૂ ગઈ હતી, ત્યારે દ્રવિડ સરની મુલાકાત લીધી હતી."

"તેમને જ્યારે મમ્મીએ મારા ક્રિકેટના શોખ વિશે કહ્યું તો દ્રવિડ સરે તેમનું પ્રૅક્ટિસ બૅટ મારા માટે મોકલ્યું હતું."

તમે આ વાંચ્યું કે નહીં?

ભાઈ સાથે બૅટિંગ પ્રેક્ટિસ

Image copyright Instagram/Smriti Mandhana

વન ડે ક્રિકેટમાં સ્મૃતિએ અમદાવાદથી રમવાની શરૂઆત કરેલી તેમજ ટી-20માં વડોદરાથી કરી હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના ઇન્ટરવ્યૂ મુજબ, મહારાષ્ટ્રના સાંગલીના એક વેપારી પિતા ઇચ્છતા હતા કે તેમનાં બંને બાળકો ક્રિકેટમાં આગળ વધે.

પુત્રી સ્મૃતિ આ અંગે જણાવે છે, "મારા પિતા ઇચ્છતા હતા કે અમે બંને ભાઈ-બહેન ક્રિકેટમાં આગળ વધીએ, પરંતુ મારા ભાઈએ ક્રિકેટ રમવાનું છોડી દીધું."

"જોકે, હજુ હું એની બૉલિંગ ઉપર બૅટિંગની પ્રેક્ટિસ કરું છું. હું ખુશ છું કે હું મારા પિતાનું સપનું પુરું કરી શકું છું."

ઇએસપીએનના અહેવાલ મુજબ, સ્મૃતિના ભાઈ શ્રવણ મહારાષ્ટ્ર માટે અન્ડર-16માં રમતા હતા, ત્યારે તેના ભાઈની મૅચ જોવા માટે તે પિતા સાથે જતાં.

સ્થાનિક અખબારોમાં ભાઈ વિશેના સમાચાર છપાતા ત્યારે તે કાપીને સાચવી રાખતા હતા.

સ્મૃતિ જણાવે છે, "એક દિવસ મને થયું કે, મારે પણ તેની જેમ રન બનાવવા જોઈએ."

"મારા પપ્પાએ મને ક્યારેય ના નથી પાડી. એટલે મારો ભાઈ જ્યારે નેટ પ્રેક્ટિસ કરતો ત્યારે મારા પપ્પા મને પણ ધીરે ધીરે બૉલ નાખીને રમાડતા."

સ્મૃતિ જણાવે છે કે પછી મારા પપ્પાએ મને દૂરથી બૉલ નાખવાના શરૂ કર્યા અને એમણે જોયું કે, હું એ બૉલ ફટકારી શકું છું.

સ્મૃતિ જણાવે છે, "મને ત્યારે ખબર નહોતી પડતી કે 'કવર ડ્રાઇવ' કોને કહેવાય અને 'સ્ક્વેર કટ' શું છે.

આમ તો હું રાઇટ હેન્ડર છું, પણ મારા પપ્પાને ડાબા હાથે રમવાનું આકર્ષણ હતું, એટલે હું અને મારો ભાઈ લેફ્ટ હેન્ડર બન્યાં."


ક્રિકેટ માટે વિજ્ઞાનનો અભ્યાસ છોડ્યો

Image copyright Instagram/Smriti Mandhana

ઈએસપીએનમાં લખાયેલાં સ્મૃતિ પરના અહેવાલ મુજબ 15 વર્ષની ઉંમરે સ્મૃતિએ વિજ્ઞાનનો અભ્યાસ છોડીને ક્રિકેટમાં કારકીર્દી બનાવવાનો નિર્ણય કર્યો.

19 વર્ષે તો સ્મૃતિ ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન મેળવી લીધું હતું.

જ્યારે તેના મિત્રો કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી તે અંગે મૂંઝવણ અનુભવી રહ્યા હતા, ત્યારે સ્મૃતિએ પોતાની પરિપક્વ રમત દ્વારા ભારતને ઇંગ્લૅન્ડ સામે જીત મેળવવામાં મદદ કરી હતી.

સ્મૃતિને આ નિર્ણય લેવામાં તેના માતાએ ખાસ મદદ કરી હતી.

મસ્તીખોર સ્મૃતિ

Image copyright Getty Images

પીચ પર એક ગંભીર ખેલાડીની છાપ ધરાવનાર સ્મૃતિ ખરા અર્થમાં એક મસ્તીખોર છોકરી છે.

ઈએસપીએનના અહેવાલ મુજબ, સ્મૃતિના રુમની આસપાસનો એરિયા પ્લેસ્ટેશન એરેના તરીકે ઓળખાય છે.

જ્યાં તે પોતાના મિત્રોને ચેલેન્જ કરતા રહે છે કે મને પકડી પાડો તો આજનું ભોજન મારા તરફથી.

તેઓ અરિજિત સિંઘનાં ગીતો સતત સાંભળતાં રહે છે.

ક્રિકેટની દુનિયામાં મૅચ જેટલો જ ડ્રેસિંગ રૂમનો માહોલ પણ અગત્યનો હોય છે.

સ્મૃતિએ આ અંગે જણાવ્યુ હતું, "હું 16 વર્ષની ઉંમરે 2013માં ક્રિકેટમાં પ્રવેશી, ત્યાર કરતાં અત્યારના માહોલમાં ઘણો ફરક છે."

"અમે લોકો એક પરિવારની જેમ રહીએ છીએ, કારણ કે આ જ પરિવાર છે, જેની સાથે અમે વર્ષનો સૌથી વધુ સમય પસાર કરતા હોઈએ છીએ. "


ફોર્બ્સની યાદીમાં સ્થાન

Image copyright Twitter

એશિયાની ઍન્ટર્ટેઇન્મેન્ટ ઍન્ડ સ્પોર્ટ્સની અન્ડર-30ની યાદીમાં આ વખતે સ્મૃતિ મંધાનાનું નામ સામેલ કરવામાં આવ્યું છે.

મુંબઈની 22 વર્ષના આ ખેલાડી વન ડે ક્રિકેટ મૅચમાં બેવડી સદી ફટકારનારા પ્રથમ મહિલા ખેલાડી છે.

હરમનપ્રીત કૌર બાદ વિદેશી ધરતી પર રમાનારી ટી-20 લીગમાં સ્થાન પામનારા સ્મૃતિ બીજી મહિલા ખેલાડી બન્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો