ઉત્તર પ્રદેશ : એ યુવતીની વાત જે પતિને છૂટાછેડા આપીને પોતાની 'ગર્લફ્રેન્ડ'ને પરણી

લગ્ન કરનારી બન્ને મહિલાઓ Image copyright SAMIRATMAJ MISHRA/BBC

હમીરપુર જિલ્લા મુખ્યાલયથી આશરે 80 કિલોમીટર દૂર રાઠ તહસીલના એક નાના એવા ગામમાં અભિલાષા અને દીપશિખા નામની બે યુવતીઓએ નવેસરથી દાંપત્ય જીવનની શરૂઆત કરી છે.

25 વર્ષીય અભિલાષા અને 21 વર્ષીય દીપશિખાનાં લગ્ન તેમનાં માતાપિતાએ બીજી કોઈ વ્યક્તિ સાથે કરાવી દીધાં હતાં.

છતાં આ બન્ને એકબીજાના પ્રેમમાં એટલી જોડાયેલી હતી કે પોતાના પતિઓને તલાક આપીને પહેલા સાથે રહેવાનું શરૂ કરી દીધું અને પછી લગ્ન કરી લીધા.

અભિલાષા જણાવે છે, "અમે બન્ને એકબીજાને છેલ્લા 6 વર્ષથી ઓળખીએ છીએ અને પ્રેમ કરીએ છીએ."

"અમારા પરિવારજનોને પણ એ વાતની ખબર હતી, એ માટે તેમણે અમારી મરજી વગર અમારાં લગ્ન કરાવી દીધાં હતાં."

"મારા લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા હતા. મેં મારા પતિને આ વિશે જણાવ્યું અને પછી તેમને છૂટાછેડા આપી દીધા. ગત મહિને મેં અને દીપશિખાએ લગ્ન કરી લીધું."

અભિલાષાએ તેના પતિ પાસેથી છૂટાછેડા મેળવી લીધા છે, પરંતુ દીપશિખા કહે છે કે તેમના છૂટાછેડાનો મામલો હજુ કોર્ટમાં પેન્ડિંગ છે, તેઓ પોતાના પતિ સાથે રહેતાં નથી.

લગ્ન બાદ બન્ને યુવતીઓ રાઠ તહસીલના પઠાનપુરા વિસ્તારમાં અભિલાષાના પિતાના ઘરે જ રહે છે. દીપશિખા જણાવે છે, "અભિલાષાના પિતાએ તો અમને રહેવા માટે જગ્યા આપી છે. મારા માતાપિતાએ

અમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યાં છે અને બધા સંબંધ પણ તોડી નાખ્યા છે."

પઠાનપુરામાં અભિલાષાનું ઘર એકદમ કિનારા પર છે. ઘણી ગલીઓમાંથી પસાર થઈને ઈંટથી બનેલા કાચા ઘર સુધી રસ્તો પૂછ્યા વગર પહોંચવું સહેલું નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

'મીડિયાવાળાઓને કારણે બદનામી'

Image copyright SAMIRATMAJ MISHRA/BBC

રસ્તો ગમે તેને પૂછો, તો તે જણાવી દે છે.

પણ જે વ્યક્તિને પૂછવામાં આવ્યું તેઓ મંદ સ્મિત સાથે જોવા મળ્યા. તેનાથી એ ખબર પડી જાય છે કે આ સંબંધ વિશે તેમના વિચાર કેવા છે.

ચાર રસ્તાથી જમણી બાજુ વળતા જ જે યુવકને અભિલાષાનું સરનામું પૂછ્યું તેમણે હસતાહસતા જવાબ આપ્યો, "એ જ ને જે બે છોકરીઓએ લગ્ન કરી લીધા છે?"

અમે અભિલાષાના ઘરે તો પહોંચી ગયા અને ત્યાં એ બન્ને યુવતીઓ સિવાય તેમના પિતા અને ત્યાં હાજર તેમના કેટલાક પાડોશીઓ સાથે પણ મુલાકાત થઈ.

થોડી જ વારમાં ઘરની બહાર ભીડ એકઠી થઈ ગઈ.

આ વચ્ચે દીપશિખા એવું કહીને વાત કરવાની ના પાડી કે મીડિયાના કારણે તેમની બદનામી થઈ રહી છે.

દીપશિખાએ જણાવ્યું, "જે દિવસથી અમે લોકોએ લગ્ન કર્યાં છે અને નોંધણી માટે કચેરી ગયાં, ત્યારથી લોકો અમને વિચિત્ર નજરથી જુએ છે. એ માટે અમે બહાર નીકળતાં પણ નથી."

"અમે બન્ને શિક્ષિત છીએ અને અમારી ઇચ્છા છે કે અમને નોકરી મળી જાય જેથી અમે બીજી કોઈ જગ્યાએ રહીએ અને અમારે કોઈ પર નિર્ભર ન રહેવું પડે."

દીપશિખાએ જણાવ્યું કે તેઓ હાલ B.A. કરી રહ્યાં છે જ્યારે અભિલાષાએ B.A. કરી લીધું છે. હાલ બન્ને પાસે આજીવિકાનું કોઈ સાધન નથી અને બન્ને અભિલાષાના પિતાના ઘરે જ રહે છે.

Image copyright SAMIRATMAJ MISHRA/BBC

અભિલાષાના પિતા અજયપ્રતાપસિંહ ગુડગાંવમાં ખાનગી નોકરી કરે છે. તેમણે બીબીસીને જણાવ્યું કે તેમને આ અંગે ત્યારે ખબર પડી જ્યારે બન્ને મંદિરમાં લગ્ન કરીને ઘરે પરત ફરી.

તેઓ કહે છે, "મારી દીકરીએ છૂટાછેડા તો આપી દીધા હતાં પરંતુ આ સંબંધ વિશે મને કોઈ જાણકારી ન હતી. જ્યારે બન્ને ઘરે વરમાળા પહેરીને પહોંચી ત્યારે મને ખબર પડી. જ્યારે બન્નેએ સાથે રહેવાનો નિર્ણય કરી જ લીધો છે તો શું કરી શકીએ"

તેઓ જણાવે છે કે જ્યાં સુધી આ બન્ને કોઈ નોકરી નથી કરતી ત્યાં સુધી તેઓ તેમને પોતાના ઘરે રાખશે.

તેમને તેનાથી કોઈ સમસ્યા પણ નથી. તેઓ એ વાતની પરવા પણ કરતા નથી કે લોકો શું વિચારે છે.

દીપશિખા જણાવે છે કે અભિલાષાના પરિવારજનો પાસેથી તેમને ખૂબ મદદ મળી છે. નહીં તો તેમના માટે એકલું રહેવું અઘરું બની જાત.

બન્ને યુવતીઓ નજીક- નજીકના ગામની રહેવાસી જ છે અને પઠાનપુરાની બહારની દુનિયા તરીકે તેમણે રાઠ તહસીલ અને હમીરપુર જિલ્લા મુખ્યાલય જ જોયું છે.

આ બન્ને સાથે વાતચીત અને તેમનાં સામાજિક પરિવેશને જોતા વિશ્વાસ કરવો થોડો અઘરો છે કે સજાતીય સંબંધો મામલે તેઓ આટલી સ્પષ્ટતા અને વિચારો સાથે વાતચીત કરશે.

અભિલાષા જણાવે છે, "સુપ્રીમ કોર્ટે સજાતીય સંબંધોને કાયદેસર બનાવી દીધા છે. છતાં અમારાં લગ્નની નોંધણી થતી નથી. અધિકારી કહે છે કે હજુ આદેશ આવ્યો નથી."

હમીરપુરના લગ્ન નોંધણી વિભાગના અધિકારીઓનું કહેવું છે કે હજુ સુધી તેમની પાસે સુપ્રીમ કોર્ટના આદેશ સાથે જોડાયેલો કોઈ શાસનાદેશ આવ્યો નથી.

સબ-રજિસ્ટ્રાર રામકિશોર પાલ કહે છે, "રાઠ કોતવાલી ક્ષેત્રમાં રહેતી બે યુવતીઓ કાર્યાલય પર આવી હતી. તેમણે એકબીજાના ગળામાં વરમાળા પહેરાવી લગ્ન કરી લીધાં હતાં. પરંતુ હજુ સજાતીય લગ્નના રજિસ્ટ્રેશન માટે અમારી પાસે કોઈ માળખું નથી, એ માટે તેમનાં લગ્નની નોંધણી થઈ શકી નથી."

Image copyright SAMIRATMAJ MISHRA/BBC

અભિલાષા જણાવે છે કે પહેલાં તેમને આ અંગે કંઈ પણ કહેવા કે પછી કોઈ પગલું ભરતાં ડર લાગતો હતો પરંતુ ગત વર્ષે મહોબામાં બે યુવતીઓએ સજાતીય લગ્ન કરતાં એમને હિંમત આવી હતી.

તેઓ જણાવે છે, "ત્યારબાદ અમે પણ લગ્ન કરવા વિશે વિચાર્યું અને પછી તમામ અવરોધ અને સમસ્યાઓ વચ્ચે અમે લગ્ન કરી લીધાં."

હમીરપુરમાં સ્થાનિક પત્રકાર અરુણ શ્રીવાસ્તવ કહે છે, "બુંદેલખંડ જેવા વિસ્તારમાં સજાતીય સંબંધો પર વાત કરવી જ મોટી વાત છે. લગ્ન કરી લેવા તો કોઈ ક્રાંતિકારી પગલાંથી ઓછું નથી."

"જ્યારથી આ સમાચાર આવ્યા છે તો ઘણા લોકોને તો વિશ્વાસ નથી થતો. જ્યારે તેઓ પોતાનાં લગ્નની નોંધણી કરાવવા આવી તો લોકો એવી રીતે જોઈ રહ્યા હતા કે જાણે આ છોકરીઓ કોઈ અજાયબી હોય."

"આ યુવતીઓને પૂરો ભરોસો છે કે 'જમાનો કંઈ પણ કહે, બન્ને અંતિમ શ્વાસ સુધી એકબીજાની સાથે રહેશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો