જો જો દેશમાં આ ગામનું 'નામ' લેવા જેવું નથી હોં

હરપ્રિત કૌર
ફોટો લાઈન વર્ષ 2016માં હરપ્રિત કૌર નામની યુવતીએ વડા પ્રધાનને લેખિતમાં જણાવ્યું હતું કે તેમને તેમના ગામનું નામ બદલવું છે.

ઉત્તર ભારતમાં હરિયાણા અને રાજસ્થાનમાં કેટલાક ગામ એવા છે જેના નામ ખૂબ જ વિચિત્ર છે.

જેને પગલે ગામવાસીઓ વર્ષોથી શરમ અનુભવી રહ્યાં છે.

બીબીસીના સંવાદદાતા અરવિંદ છાબરાએ ગામના નામ બદલવા માંગતા લોકો સાથે વાતચીત કરી.

વર્ષ 2016માં હરપ્રિત કૌર નામનાં યુવતીએ વડા પ્રધાનને લેખિતમાં જણાવ્યું હતું કે તેમને તેમના ગામનું નામ બદલવું છે.

તેમણે કહ્યું, "મારા ગામનું નામ 'ગંદા' છે."

તેમનું કહેવું છે કે તેમના ગામના નામને કારણે તેઓ જેમને પણ મળે અને ગામનું નામ જણાવે ત્યારે શરમ અનુભવી પડે છે. વળી કટાક્ષનો સામનો પણ કરવો પડે છે.

તેમણે કહ્યું , "સ્થિતિ એવી છે કે તેમના સગાંસબંધીઓ પણ તેમની હંમેશાં મજાક ઉડાવે છે."


વડા પ્રધાનનો હસ્તક્ષેપ

વર્ષ 2017માં વડા પ્રધાને અધિકારીઓને નિર્દેશ આપીને ગામનું નામ બદલવા કહ્યું હતું. આજે અજીત નગર ગામ ગર્વ સાથે રહે છે. તે હરિયાણામાં આવેલું છે.

ગામના સરપંચ લખવિંદર રામે કહ્યું, "તેઓ વર્ષોથી સરકારને ગામનું નામ બદલવા માટે રજૂઆત કરતા હતા અને ધ્યાન આકર્ષવાની કોશિશ કરતા હતા."

"કોશિશ નિષ્ફળ રહેતા અમને લાગ્યું કે જો કોઈ યુવા વ્યક્તિ વડા પ્રધાનને લેખિતમાં રજૂઆત કરે તો કંઈક થઈ શકે છે."

"ગામમાં એક પણ વ્યક્તિ એવી નહોતી જે ના ઇચ્છતી હોય કે ગામનું નામ બદલવામાં આવે."

સ્થાનિકોનું કહેવુ છે કે દાયકાઓ પહેલાં જ્યારે પૂર આવ્યું ત્યારે ગંદા નામ અસ્તિત્વમાં આવ્યું હતું.

પૂર બાદ અધિકારીએ ગામની મુલાકાત લીધી હતી અને તેઓ કાટમાળ અને ગંદકી જોઈને તેને ગંદા નામ આપીને ગયા હતા.

અને ત્યારથી ગામ ગંદા તરીકે ઓળખાવા લાગ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

દીકરીઓને પરણવામાં પણ પરેશાની

વળી રામ અનુસાર આ નામને કારણે ગામની દીકરીઓને પરણવામાં પણ પરેશાની આવી.

કેમ કે કોઈ પણ નહોતું ઇચ્છતું કે આવા નામના ગામથી છોકરી તેમના ત્યાં પરણે.

પરંતુ તેમણે કહ્યું, "હવે અમને નિરાંત છે કેમ કે ગામનું નામ બદલવામાં આવ્યું છે."

પરંતુ ગંદા એક જ ગામ નથી જેનું નામ બદલવા સ્થાનિકોએ રજૂઆત કરી હોય.

ભૂતકાળમાં પચાસથી વઘુ ગામના પ્રતિનિધિઓએ ગામનું નામ બદલવા માટે સરકારને રજૂઆતો કરી હતી.

તેની પાછળના કારણો અલગ અલગ રહ્યા છે. કેટલાક નામ વંશીય તો કેટલાક એકદમ વિચિત્ર તો કેટલાક શરમજનક હતા.

વરિષ્ઠ સરકારી અધિકારી ક્રિશન કુમારે કહ્યું, "લગભગ 40 ગામોની વિનંતી સ્વીકારી લેવાઈ અને અમલ પણ કરી દેવાયો છે."

આ ગામોમાં એક ગામનું નામ કિન્નર હતું. તેનું નામ વર્ષ 2016માં ગૈબી નગર કરવામાં આવ્યું હતું.

વળી રાજસ્થાનમાં અલવર જિલ્લામાં એક ગામ ચોર બસઈ તરીકે ઓળખાતું હતું.

તેને નવું નામ બસઈ આપવામાં આવ્યું.


નામ બદલવાની પ્રક્રિયા

ફોટો લાઈન લુલા આહિર ગામ

પરંતુ ગામનું નામ બદલવાની પ્રક્રિયા એટલી સરળ નથી.

તેના માટે રાજ્ય સરકાર સહમત હોવી જોઈએ અને તેને ધ્યાને પણ બાબત લાવવી પડે છે.

ભારત સરકારને રજૂઆત બાદ જ નામ બદલી શકાય છે. અને સર્વોચ્ચ સત્તા તેની પાસે જ છે.

વળી અંતિમ પરવાગની આપતા પહેલા સરકારે પોતે પણ રેલવે અને પોસ્ટ વિભાગનું ક્લિયરન્સ લેવાનું હોય છે.

સર્વે ઑફ ઇન્ડિયા તરફથી પણ ક્લિયરન્સ લેવાનું હોય છે. આવું એટલા માટે કરવામાં આવે છે જેથી જાણી શકાય કે નવું સૂચિત નામ ભારતમાં બીજા કોઈ સ્થળનું નામ તો નથીને.

હરિયાણાના લુલા આહિર ગામના સ્થાનિકો માટે આ લુલા નામ શરમજનક હતું. તેનું નામ બદલવા તેઓ સરકારી અધિકારીઓ સામે લડાઈ લડી હતી.

તેમણે પહેલાં 2016માં રાજ્ય સરકારને રજૂઆત કરી હતી.

ગામના સરપંચ વિરેન્દ્ર સિંઘે કહ્યું, "અમારે ગામનું નામ દેવ નગર કરવું હતું."

તેમણે છ મહિના સુધી રાહ જોઈ હતી. દેશમાં અન્ય ગામનું દેવ નગર હોવાથી તેમની અરજી નામંજૂર થઈ ગઈ.

નામની મંજૂરીની પ્રતિક્ષા

આથી ગામવાસીઓએ ફરીથી પ્રયાસ કર્યો. તેમણે ક્રિશ્ન નગર નક્કી કર્યું.

સિંઘે કહ્યું, "અમે ફરીથી રજૂઆત કરી અને ફોલો અપ લીધું. પરંતુ અરજી એક વિભાગથી બીજા વિભાગ ફરતી રહી."

જુલાઈ મહિનામાં તેમને લાગ્યું કે તેમની કિસ્મત બદલાઈ ગઈ જ્યારે મુખ્ય મંત્રીએ જાહેરાત કરી કે તેમના ગામને નવું નામ આપવામાં આવી રહ્યું છે.

જોકે, બાદમાં ખબર પડી કે કેન્દ્ર સરકારે હજુ મંજૂરી આપી નથી. કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર અમલીકરણ કરવામાં આવ્યું નથી.

અધિકારીઓએ પુષ્ટિ કરી કે પ્રક્રિયા હજુ ચાલુ છે.

સિંઘે કહ્યું,"અમે રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે પ્રક્રિયા પૂરી થશે. અમે માત્ર ત્યારથી જ રાહ જ જોઈ રહ્યા છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો