રાજસ્થાનથી લાપતા વ્યકિત વૉટ્સઍપ દ્વારા બેંગ્લુરુથી મળી આવી, બે દાયકાથી વિખૂટા પિતા-પુત્રનો મિલાપ

હૉસ્પિટલમાં મહાવીરસિંહ Image copyright Mahavir singh's family
ફોટો લાઈન મહાવીર સિંહ

"ભગવાનનો આભાર. સોશિયલ મીડિયાનો આભાર." બેંગલુરુની એક મોટી હૉસ્પિટલમાં હિતેન્દ્ર સિંહ આવું કહે છે. તેમની પાસે આવું કહેવાનું બહુ મોટું કારણ છે.

તેઓ આ વાત ત્યાં ઇલાજ કરાવવા ગયેલાં મહાવીર સિંહ ચૌહાણના કારણે કહે છે, જેઓ વૉટ્સઍપની મદદથી 20 વર્ષે પોતાના પરિવારને મળી શક્યા.

મહાવીરના કાકાના દિકરા ભાઈ હિતેન્દ્ર સિંહએ બીબીસીને કહ્યું:

"ઘણી વખત આપણે સોશિયલ મીડિયાના દુરુપયોગ વિશે સાંભળીએ છીએ, પણ અમારા પરિવાર અને અમારા ગામને તેનું બહુ હકારાત્મક પરિણામ મળ્યું છે."

રાજસ્થાનના સમૃદ્ધ પરિવારના મહાવીર સિંહ ધાતુનો વેપાર કર. ધંધામાં મોટું નુકસાન થવાથી તેઓ 1998માં મુંબઈથી લાપતા થઈ ગયેલા.

આ નુકસાનના કારણે પરિવારના લોકો દ્વારા અપમાનના ડરથી તેઓ રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં આવેલા ઝાબ ગામ જવાને બદલે પોતાના પરિવારને જાણ કર્યા વિના બેંગ્લુરુ ચાલ્યા ગયા.

ત્યાં જઈને દેશભરમાં ગુલાબની ખેતી માટે જાણીતા ડોડાબલ્લાપુરમાં તેમણે ડ્રાઇવર અને ફોટોગ્રાફરની નોકરી કરી. પછી ગુલાબના એક ખેતરમાં સુપરવાઇઝર તરીકે કામ કર્યું.

ગયા અઠવાડિયે શનિવારની સવારે તેમના એક સહકર્મી રવિએ તેમને જમીન પર પડી ગયેલા જોયા. તેમનો જમણો હાથ અને પગ કામ કરતા નહોતા.

રવિએ તરત મહાવીર સિંહના જૂના મિત્ર અને વ્યવસાયે ફોટોગ્રાફર કિશોર સિંહ દફ્તરીને ફોન કર્યો.


Image copyright Mahavir singh's family
ફોટો લાઈન મહાવીર સિંહનું લાઇસન્સ

રવિ તેમને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા, જ્યાંથી તેમને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅન્ટલ હેલ્થ ઍન્ડ ન્યુરો સાયન્સીઝમાં જવાની સલાહ આપવામાં આવી.

દફ્તરી જણાવે છે, "તેઓ છેલ્લા થોડાં અઠવાડિયાથી નબળા પડી ગયેલા અને તેમની તબિયત બરાબર નહોતી. તેમણે પીઠના દુઃખાવાની ફરિયાદ કરેલી અને એટલે જ રાત્રે પડી ગયા."

આ દરમિયાન મહાવીર સિંહના અન્ય એક મિત્ર પાસેથી કિશોર સિંહને તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ મળ્યું.

તેના પર મહાવીર સિંહના પિતાનું નામ લખ્યું હતું અને તેઓ ઝાલોરના રહેવાસી છે એવી માહિતી પણ મળી.

કિશોરે ત્યારબાદ ઝાલોરના વધુ એક વ્યક્તિનો સંપર્ક કર્યો.

તેમણે કહ્યું, "અમે રાજસ્થાન સમાજ નામના એક ગ્રૂપમાં શનિવારે સાંજે એક મૅસેજ કર્યો. દસ મિનિટની અંદર અમને કૉલ આવવા લાગ્યા. અંતે તેમના દીકરા પ્રદ્યુમ્નને કૉલ કર્યો."

તમે આ વાંચ્યું કે નહીં?

કિશોરે જણાવ્યું કે ત્યારબાદ રાતભર મહાવીરના સંબંધીઓના ફોન આવતા રહ્યા.

રવિવારે પ્રદ્યુમ્ન સિંહે પોતાના પિતાના ચરણ સ્પર્શ કર્યા. તેમણે છેલ્લે પોતાના પિતાને જોયા ત્યારે તેઓ માત્ર ચાર વર્ષના હતા.

પિતા ગાયબ થયા ત્યારે તેમનો એક નાનો ભાઈ પણ હતો. તે માત્ર એક વર્ષનો હતો.

પ્રદ્યુમ્ન કહે છે કે મહાવીર સિંહના હાવ-ભાવ એવાં હતાં કે જેને રજૂ કરવા તેમની પાસે શબ્દો નથી. તેઓ પણ પોતાના પિતાને જોઈને ભાવુક અને નિઃશબ્દ થઈ ગયેલા.

પ્રદ્યુમ્ન કહે છે, "અમને તેમના મળવાની કોઈ જ આશા નહોતી. અમારા માટે આ બહુ જ મોટી વાત છે. તેમણે મને ઓળખી લીધો તેનો મને ખૂબ આનંદ છે."

તેઓ કહે છે, "આટલા વર્ષોમાં મેં મારી માને ક્યારેય કશું જ નથી પૂછ્યું. અમને ખબર હતી કે શું થયું છે."

મહાવીર સિંહ હાલ બેંગ્લુરુની ઍપોલો હૉસ્પિટલના આઈસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ)માં છે, જ્યાં તેમની સારવાર ચાલે છે.

હૉસ્પિટલના એક ડૉક્ટરે પોતાની ઓળખ ન આપવાની શરતે કહ્યું, "અમને શંકા છે કે કરોડરજ્જૂ પર દબાણ આવવાને કારણે તેમના હાથ પગમાં નબળાઈ આવી ગઈ છે."

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો