સવર્ણ અનામતથી બીજેપીને ફાયદો કેમ નહીં થાય? દૃષ્ટિકોણ

શાહ મોદી Image copyright Getty Images

પૂર્વ વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહે જ્યારે 1990માં અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે અનામતની નીતિ લાગુ કરી હતી.

જેને આપણે મંડલ કમિશનના રૂપમાં જાણીએ છીએ, ત્યારે તેમના આ પગલાંને માસ્ટરસ્ટ્રોક કહેવામાં આવ્યું હતું.

તેનું કારણ એ હતું કે કોઈ પણ રાજકીય પક્ષ તે સમયે તેનો ખુલીને વિરોધ નહોતો કરી શક્યો.

વર્તમાન સમયમાં ભાજપે સવર્ણ જાતિઓમાં આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જાહેરાત કરી છે.

2019ની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી સરકારનો આ એક મોટો માસ્ટર સ્ટ્રોક ગણાવવામાં આવી રહ્યો છે.


Image copyright Getty Images

વી. પી. સિંહના નેતૃત્વવાળી આ સરકાર તેમના મહત્ત્વપૂર્ણ આ પગલાં બાદ માત્ર એક વર્ષ સુધી જ ટકી શકી હતી.

તેને આ નિર્ણયનો કોઈ વધારે લાભ મળી શક્યો ન હતો પરંતુ મંડલ કમિશન લાગુ કરવાની અસર ઉત્તર ભારત સહિત સમગ્ર દેશની રાજનીતિ પર પડી હતી.

ભાજપના આ પગલાને પણ માસ્ટર સ્ટ્રોક એટલા માટે કહેવામાં આવી રહ્યો છે કે કોઈ પણ પક્ષ તેનો વિરોધ કરવાની હિંમત એકઠી કરી શક્યો નથી.

જેમ કે મંડલ કમિશન તેની જાહેરાત થયા બાદ કેટલાંક વર્ષો પછી જ લાગુ કરી શકાયું હતું.

એવી જ રીતે અનામત સાથે જોડાયેલા આ બિલને લાગુ કરવામાં પણ કેટલોક સમય તો જરૂર લાગશે જ.

તેમાં સામેલ તમામ ટેકનિકલ બાબતો પર વિચાર અને ચર્ચા કરવાની જરૂર પડશે.


કેટલી છે સવર્ણોની સંખ્યા?

Image copyright Getty Images

આ વચ્ચે ભાજપ પણ પોતાના પગલા પર રાજકીય ફાયદો ઉઠાવવાની કોશિશ કરતો જોવા મળી રહ્યો છે.

જોકે, તેનો ખૂબ મોટો ફાયદો મળશે તેવું હાલ તો દેખાતું નથી, તેની પાછળ બે કારણો છે.

પ્રથમ તો દેશમાં સવર્ણોની સંખ્યા ખૂબ વધારે નથી અને બીજું કે આ વર્ગ પહેલાં જ ભાજપને મત આપી રહ્યો છે.

ઉત્તર ભારતની રાજનીતિમાં સવર્ણ જ્ઞાતિઓ મોટી ભૂમિકા ભજવતી હોય છે.

એવો પણ કોઈ અધિકૃત આંકડો હજી આવ્યો નથી કે અલગ-અલગ રાજ્યોમાં કેટલા ટકા સવર્ણો મોજૂદ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

જો આપણે સેન્ટર ફૉર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટી (સીએસડીએસ)ના સર્વેની વાત કરીએ તો તેના અનુસાર દેશનાં અલગ-અલગ રાજ્યોમાં સવર્ણ જ્ઞાતિના લોકોની સંખ્યા 20 થી 30 ટકાની વચ્ચે છે.

હિંદી ભાષી રાજ્યોની વાત કરીએ તો બિહારમાં 18 ટકા, મધ્ય પ્રદેશમાં 22 ટકા, ઉત્તર પ્રદેશમાં 25 ટકા, દિલ્હીમાં 50 ટકા, ઝારખંડમાં 20 ટકા, રાજસ્થાનમાં 23 ટકા, હરિયાણામાં 40 ટકા અને છતીસગઢમાં 12 ટકા સવર્ણ જ્ઞાતિના લોકો છે.

તેના સિવાય કેટલાંક બિન હિંદી ભાષી રાજ્યોમાં પણ સવર્ણોની સંખ્યા ઠીક-ઠીક છે.

જેમાં આસામ 35 ટકા, ગુજરાત 30 ટકા, કર્ણાટક 19 ટકા, કેરળ 30 ટકા, મહારાષ્ટ્રમાં 30 ટકા, ઓડિશામાં 20 ટકા, તામિલનાડુમાં 10 ટકા અને પશ્ચિમ બંગાળમાં 48 અને પંજાબમાં પણ 48 ટકા છે.


સવર્ણો પહેલાંથી જ ભાજપના મતદાતા

Image copyright Getty Images

જ્યાં સુધી અન્ય પક્ષોની વાત છે ત્યાં સુધી તેઓ પણ આ બિલનો વધારે વિરોધ કર્યો નથી જોકે, આ વાતોથી એવું માની લેવું કે ભાજપને આ બિલનો મોટો ફાયદો મળી જશે તો તે એક ભૂલ હશે.

તેની પાછળનું સીધું કારણ એ છે કે જે રાજ્યોમાં ભાજપે વર્ષ 2014માં સારું પ્રદર્શન કર્યું હતું તે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, છતીસગઢ અને કેટલાક અન્ય રાજયો છે.

જેમાં સવર્ણ જ્ઞાતિઓ ભાજપની મજબૂત મતબૅંક રહી છે.

સીએસડીએસનો સર્વે દર્શાવે છે કે હિંદી ભાષી રાજ્યોમાં સવર્ણ જ્ઞાતિઓના મતદાઓએ તમામ ચૂંટણીમાં ભાજપને જ પોતાના મત આપ્યા છે.

આ પગલાનો ભાજપને માત્ર એ ફાયદો મળશે કે સવર્ણ જ્ઞાતિઓના મતદાતઓ જે ભાજપથી નારાજ થઈને તેનાથી દૂર જતા હતા તે પરત આવી જશે.

હાલમાં જ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને મળેલી હાર પાછળ પણ આ એક મોટું કારણ માનવામાં આવતું હતું કે આ રાજ્યોમાં સવર્ણોએ ભાજપને મત આપ્યા નથી.


માપદંડોના આધારે કેટલા સવર્ણોને અનામત?

Image copyright Getty Images

તે ઉપરાંત આ પ્રસ્તાવિત બિલમાં અનામત માટેના જે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, તે એટલા વિસ્તૃત છે કે સવર્ણ જાતિઓનો એક મોટો હિસ્સો તેમાં સામેલ થઈ જશે.

જો આપણે પ્રસ્તાવિત બિલમાં નક્કી કરેલાં માપદંડો પર એક નજર નાખીએ તો જે પરિવારની આવક 8 લાખ રૂપિયાથી ઓછી હશે અથવા જેની પાસે 5 હેક્ટરથી ઓછી ખેતી લાયક જમીન હોય, જેની પાસે 1000 વર્ગ ફૂટથી નાનું મકાન હોય, જેની પાસે નગરપાલિકાના વિસ્તારમાં આવતી 100 ગજથી ઓછી જમીન હોય અથવા નગરપાલિકાના વિસ્તારમાં ન આવતી હોય એવી 200 ગજથી ઓછી જમીન હોય. આ તમામ લોકો આર્થિક આધારે અનામત લેવા માટે યોગ્ય હશે.

આ રીતે સવર્ણ જાતિઓના લગભગ 85 થી 90 ટકા લોકો આ અનામત મેળવવા યોગ્ય થઈ જશે.

જો અહીં એ રાજ્યોની વાત કરીએ કે જ્યાં બીજેપીને બહુમત નથી મળતો જેવા કે, કેરલ. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગણા. ત્યાં આ પગલાની બહુ ઓછી અસર પડશે. આ રાજ્યોના રાજકારણમાં ત્યાંની સ્થાનિક પાર્ટીઓનો જ દબદબો રહે છે.

તો આ રાજ્યોના મતદારો બીજેપી તરફ વળી જશે એ માની લેવું એ બેઇમાની ભરી વાત છે.

એક રીતે એ વાતે સ્પષ્ટ છે કે આ રાજ્યોમાં તો બીજેપી આ માસ્ટર સ્ટ્રોકનો બહુ લાભ નહીં મેળવી શકે.


જ્યાં બીજેપીના મત વધ્યા

Image copyright Getty Images

તે ઉપરાંત અન્ય કેટલાક રાજ્યો પણ એવા છે, જ્યાં 2014ની ચૂંટણી વખતે બીજેપી બહુ મજબૂત નહોતી, જેમકે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા.

આ રાજ્યોમાંથી એવા સંકેત મળે છે કે બીજેપીની મતબૅંક વધી છે. પરંતુ તેની પાછળ સવર્ણ જાતિઓના મત નથી. ત્યાં મતબૅંક વધવાનું કારણ સત્તાધારી પક્ષો તરફ વધેલી લોકોની નારાજગી છે.

જોકે, કેટલાક રાજ્યોમાં બીજેપીએ હિંદુ કાર્ડથી બહુમત પણ મેળવ્યો છે, જેમાં આસામ એક મોટું રાજ્ય છે.

માનવામાં આવે છે કે આ રાજ્યોમાં બીજેપીને 2014 કરતાં વધુ મતો મળશે પણ તેની પાછળ સવર્ણ જાતિઓના મત નહીં હોય.

તેથી કહી શકાય કે બીજેપી સરકારનો સવર્ણ જાતિઓને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવાનો નિર્ણય તેને સરવાળે બહુ વધારે રાજકીય લાભ નહીં અપાવી શકે.

આ બિલ મુદ્દે મીડિયા અને રાજકીય ગલીઓમાં જેટલી હો હા થઈ રહી છે, તેટલા મતની બીજેપીએ અપેક્ષા ન રાખવી જોઈએ.

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ