કરન જોહરના શૉને લીધે હાર્દિક-રાહુલે ઑસ્ટ્રેલિયા સામે સિરીઝ ગુમાવી, તપાસ સુધી પ્રતિબંધ

ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ. રાહુલ Image copyright Getty Images
ફોટો લાઈન ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ. રાહુલ

બોલીવૂડ ફિલ્મનિર્માતા કરન જોહરના 'કૉફી વિથ કરન' શૉમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ. રાહુલની મહિલાઓ સંબંધિત વિવાદીત ટિપ્પણીનાં વિવાદને બીસીબીઆઈએ ગંભીરતાથી લઈ તેમનાં પર પ્રતિબંધ જાહેર કર્યો છે.

વહીવટી કમિટિનાં અધ્યક્ષ વિનોદ રાયે પીટીઆઈને કહ્યું કે રાહુલ પંડ્યા અને કેએલ રાહુલ બેઉને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અગાઉ ક્રિકેટ સંચાલન મામલેની 'કમિટી ઑફ ઍડમિનિસ્ટ્રેટર્સ'ના સભ્ય દિયાના એદુલ્જીએ આ મામલે બીસીસીઆઈને કરેલી ભલામણમાં હાર્દિક પંડ્યા અને કેએલ. રાહુલને આગામી કાર્યવાહી સુધી સસ્પેન્ડ કરવાનું કહ્યું હતું. જેને માન્ય રાખવામાં આવ્યું છે.

મીડિયા અહેવાલમાં એવું પણ કહેવાય છે કે બીસીસીઆઈની લીગલ ટીમે બન્ને ક્રિકેટરની ટિપ્પણીને આચારસંહિતાનો ભંગ જાહેર કરવાનો ઈન્કાર કર્યા બાદ આ ભલામણ કરવામાં આવી છે.


આ રીતે મોંઘી પડશે કૉફી

બીસીસીઆઈ ભારતીય ખેલાડીઓ સાથે વાર્ષિક ધોરણે કોન્ટ્રાક્ટ કરતું હોય છે. આ કોન્ટ્રાક્ટમાં પ્રતિ મૅચ ફી અને વાર્ષિક ફી સામેલ હોય છે.

આ મુજબ ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ બી ગ્રેડનો કરાર ધરાવે છે. આ કરાર મુજબ દરેક વન-ડે મૅચ માટે હાર્દિક અને કેએલ રાહુલને 6 લાખ મળવા પાત્ર છે.

ભારતની ટીમ ઑસ્ટ્રેલિયામાં ત્રણ વન-ડે રમવાની છે. આ ત્રણેમાં તેમનો સમાવેશ ગણીએ તો કુલ 36 લાખનું નુકસાન હાર્દિક-રાહુલને આવે. આમ, કૉફીની ચૂસકી અને એમાં થયેલો વિવાદ બેઉને 18-18 લાખમાં પડ્યો એમ કહી શકાય. અલબત્ત, આ ગણતરી અને એમણે આપેલા વિવાદીત નિવેદનને કંઈ જ લેવા દેવા નથી.


કોહલીએ શું જવાબ આપ્યો હતો?

Image copyright Getty Images

આવતીકાલથી ઑસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રૃંખલા શરૂ થઈ રહી છે. મેચના એક દિવસ પૂર્વે પત્રકાર પરિષદમાં ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી.

કોહલીએ કહ્યું, "ભારતીય ક્રિકેટ ટીમના દૃષ્ટિકોણની વાત છે, તો આ પ્રકારની કોઈ પણ ટિપ્પણીનું નિશ્ચિતપણે સમર્થન નહીં કરીશું. આ તેમની વ્યક્તિગત ટિપ્પણી છે."

તેમણે એમ પણ કહ્યું કે આ બાબતને કારણે ટીમના ડ્રેસિંગ રૂમમાં કોઈ અસર નહીં થશે.

કોહલીએ ઉમેર્યું,"જે ઘટના બની છે તેની ગંભીરતા વિશે બન્ને ખેલાડીઓને સમજાઈ ગયું છે."

તેમણે કહ્યું, "આગામી શ્રૃંખલામાં તેમના ટીમમાં સામેલ થવા અંગેનો આધાર બીસીસીઆઈ તેમની સામે શું કાર્યવાહી કરે છે તેના પર છે. અમે બન્ને ખેલાડીને અમારું વલણ જણાવી દીધું છે."

આપને આ પણ વાંચવું ગમશે

સોશિયલ મીડિયામાં પણ ચર્ચા

Image copyright Getty Images

દરમિયાન સોશિયલ મીડિયામાં પણ આ મામલે ચર્ચા ઊઠી છે.

એલિયન મિશન નામના એક યુઝરે લખ્યું,"હાર્દિક પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકી દેવો જોઈએ."

તો એક અન્ય યુઝરે લખ્યું,"હાર્દિકને સજાની વાત સમજી શકાય પરંતુ રાહુલને કેમ? તેણે કોઈ ખરાબ ટિપ્પણી કરી હોય તેવા રિપોર્ટ્સ નથી. કે પછી એ વાત બહાર નથી આવી."

જોયદીપ નામના યુઝરે લખ્યું,"ક્રિકેટર કંઈ પોલિટિકલી સાચું વર્તન કરે એટલા સારા પણ નથી હોતા."

એક અન્ય યુઝરે લખ્યું,"શા માટે કોઈ કરન જોહર વિશે કંઈ નથી બોલતું? તે તેના સ્વાર્થ માટે દરેક પ્રકારના આવા જાતિયતા સંબંધિત પ્રશ્નો પૂછ્યા કરે છે. તે પોતે ચૂપકીદી સેવીને વડા પ્રધાન સાથે તસવીર ખેંચાવે છે."

દીપીકા ભારદ્વાજ નામની યુઝરે પણ કરન જોહરની ભૂમિકા પર સવાલ ઉઠાવતા લખ્યું,"હાર્દિક પંડ્યાની ટીકા વાજબી છે પણ કરન સવાલ પૂછે તેનું શું?"

"તે બોલીવૂડમાં મહિલાઓને સેક્સ અપીલના આધારે જુએ છે. તે પોતાને નારીવાદી કહે છે એટલે તેના વિશે કોઈ કશું નથી કહેતું."

પત્રકાર અને લેખક માધવન નારાયણે પણ ટ્વિટર પર પ્રતિક્રિયા આપતા કહ્યું,"હાર્દિકે ખૂબ જ મૂળભૂત ભૂલ કરી છે. તેણે ટીવી પર દેખાડો કરવાનું નાટક ન કર્યું તે તેની ભૂલ છે."

હર્ષ ગોએન્કાએ લખ્યું,"હાર્દિકની અભદ્ર ટિપ્પણીના કારણે તેનો પરિવાર અને તે પોતે શરમજનક સ્થિતિમાં મૂકાયા છે. ચાહકો અને એડ્વર્ટાઈઝર્સ પણ હવે તેનાથી અંતર રાખશે. આ સજા પૂરતી છે."

"બીસીસીઆઈ તેમને સજા ન આપવી જોઈએ. ક્રિકેટ બહારની ટિપ્પણીના મામલે તેમની એક નાગરિક તરીકેની આઝાદી છીનવી ન લેવી જોઈએ."

શોમાં હાર્દિક પંડ્યાએ શું કહ્યું હતું?

Image copyright Getty Images

હાર્દિક પંડ્યા પોતાના સાથી ક્રિકેટર કે. એલ. રાહુલ સાથે 'કૉફી વિથ કરણ' નામના શોમાં હાજરી આપી હતી.

પંડ્યાએ આ શોમાં પોતાના જીવન વિશે જોડાયેલા કેટલાક સવાલોના જવાબ આપ્યા હતા.

પંડ્યાએ રિલેશનશિપ, ડેટિંગ અને મહિલાઓ સાથે જોડાયેલા સવાલો મામલે કેટલીક વાતો કરી હતી જેનાથી ફૅન્સ હેરાન થઈ ગયા.

પંડ્યાએ કહ્યું કે તેમનો પરિવાર ખૂબ જ ખુલ્લા વિચારો ધરાવે છે.

મણે કહ્યું, "જ્યારે મેં પહેલીવાર છોકરી સાથે શારીરિક સંબંધ બનાવ્યા તો ઘરે આવીને કહ્યું, કરીને આવ્યો છું"

પંડ્યાએ પોતાનો જૂનો સમય યાદ કરતાં કહ્યું કે જ્યારે તેઓ માતાપિતા સાથે પાર્ટીમાં ગયા ત્યારે તેમનાં માતાપિતાએ પૂછયું કે કઈ યુવતીને જોઈ રહ્યો છે? પંડ્યાએ એક બાદ એક યુવતીઓ તરફ આંગળી ચીંધીને કહ્યું કે આ બધી મહિલાઓને.

ઉપરાંત જ્યારે કરણ જોહરે કહ્યું કે જો તમે બંને એક જ છોકરી સામે જોતા હોવ તો કોણ તેને મનાવી લેશે.

જેના જવાબમાં કે. એલ. રાહુલે કહ્યું કે એ તો તે છોકરી પર જ આધારિત છે.

પંડ્યાએ કહ્યું, "નહીં નહીં આવું કંઈ નથી, ટૅલેન્ટ પર હોય છે. જેની મળી તે લઈ જાય."

સચિન પરની કૉમેન્ટ

આ જ શોમાં કરણ જોહરે ક્રિકેટ વિશે પણ સવાલો પૂછ્યા હતા. જેના હાર્દિક પંડ્યાએ આપેલા જવાબોને કારણે ફૅન્સ ગુસ્સે થયા હતા.

કે. એલ. રાહુલ અને હાર્દિક પંડ્યા બંનેએ ધોની અને કોહલી વચ્ચે કોણ સારા કૅપ્ટન છે તેને પસંદ કરવા કહ્યું. બંનેએ તેમાં ધોનીને પસંદ કરેલા.

ત્યારબાદ તેમને સચિન તેંડુલકર અને વિરાટ કોહલીમાંથી કોણ સારા બૅટ્સમેન છે તે પસંદ કરવા કહ્યું.

જેમાં તે બંનેએ વિરાટ કોહલીને સચિન કરતાં સારા બૅટ્સમેન ગણાવ્યા હતા.

આ નિવેદન પણ તેમના ફૅન્સને પસંદ આવ્યું ન હતું અને તેના પર ટીકાઓ થઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો