ગુજરાત ફેક ઍન્કાઉન્ટર્સ : તપાસ અહેવાલમાં ટોચના એક પણ નેતા કે અધિકારી દોષિત નહીં

ગ્રાફિક

આગામી લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ માટે રાહતના સમાચાર છે. વર્ષ 2002-2006 દરમિયાન ગુજરાતમાં થયેલાં 17 ઍન્કાઉન્ટર મામલેની તપાસમાં એક પણ ઉચ્ચ અધિકારી કે નેતા સામે કોઈ પુરાવા ન મળ્યા હોવાનું તારણ આવ્યું છે.

નિવૃત્ત ન્યાયાધીશ હરજીત સિંઘ બેદીની સમિતિ દ્વારા કરવામાં આવેલી તપાસમાં રાજ્યના કોઈ પણ વરિષ્ઠ નેતા કે સરકારી અધિકારી અથવા એ સમયના કોઈ પણ સંબંધિત વ્યક્તિ તેમાં દોષિત ઠરી નથી.

જોકે, સમિતિનું કહેવું છે કે ત્રણ કેસમાં ગેરરીતિ રહી છે અને આ કેસ સાથે સંકળાયેલા નીચલા દરજ્જાના પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.

સમિતિએ એવી પણ ભલામણ કરી છે કે આ ત્રણ કેસમાં માર્યા ગયેલી ત્રણ વ્યક્તિના પરિવારને વળતર પણ આપવામાં આવે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે વર્ષ 2002-2006ના સમયગાળા વચ્ચે આ 17 ઍન્કાઉન્ટર થયાં હતાં, જેની તપાસ સમિતિએ કરી હતી.

Image copyright PRIYANKA DUBEY/BBC
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

આ અંગે સુપ્રીમ કોર્ટમાં બે પિટિશન કરવામાં આવી હતી, જેમાં કહેવાયું હતું કે પોલીસ દ્વારા કરવામાં આવેલાં કથિત ફેક ઍન્કાઉન્ટરમાં કેટલાક નિર્દોષ માર્યા ગયા હતા.

આ પિટિશન પત્રકાર બી. જી. વર્ગીસ અને ગીતકાર જાવેદ અખ્તર તથા માનવઅધિકાર કાર્યકર્તા સબનમ હાશમી દ્વારા 2001માં દાખલ કરાઈ હતી. આ પૈકી વર્ગીસનું નિધન થઈ ચૂક્યું છે.

વર્ષ 2012માં બે પિટિશનકર્તા જાવેદ અખ્તર અને વર્ગીસની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નિવૃત્ત ન્યાયમૂર્તિ એચ. એસ. બેદીના વડપણમાં એક મૉનિટરીંગ કમિટીની નિમણૂક કરી હતી.

તેમને આ તમામ ઍન્કાઉન્ટર્સની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

ત્રણ ન્કાઉન્ટર્સ ફેક

Image copyright Getty Images
ફોટો લાઈન સુપ્રીમ કોર્ટ

ફેબ્રુઆરી-2018માં સમિતિએ તેમનો તપાસ અહેવાલ સુપ્રીમ કોર્ટને સુપરત કર્યો હતો.

રિપોર્ટમાં તારણ આપવામાં આવ્યું કે 17 ઍન્કાઉન્ટર્સમાંથી ત્રણ ફેક હતા અને આ કેસમાં સંકળાયેલા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવે છે.

બેદી કમિટીના રિપોર્ટની નકલ બીબીસીએ પ્રાપ્ત કરી હતી. જેમાં લખવામાં આવ્યું છે:

"પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે સમીર ખાન, હાજી ઇસ્માઇલ અને કાસીમ જાફર હુસ્સેન ફેક ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા."

સમિતિએ ત્રણ ઇન્સ્પેક્ટર રૅન્ક સહિત કુલ નવ પોલીસ અધિકારીના નામની સંડોવણી તેમાં નોંધી છે. જોકે, તેમાં કોઈ પણ આઈપીએસ અધિકારીની સંડોવણી કે તેમની સામે કાર્યવાહીની ભલામણ નથી કરી.

બીબીસી સાથેની વાતચીતમાં નામાંકિત ક્રિમિનલ લૉયર ગીતા લુથરાએ કહ્યં:

"...બેદી કમિટીના રિપોર્ટ અનુસાર ત્રણ ઍન્કાઉન્ટર ફેક મળી આવ્યા છે અને તે ત્રણ કેસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે."

"આથી આ ત્રણ કેસની વધુ તપાસ થવી જોઈએ."

Image copyright AFP

ગુજરાતના પૂર્વ ડીજીપી (ડાયરેક્ટર જનરલ પોલીસ) આર. બી. શ્રીકુમારે રાજ્યના પ્રશાસન સામે આરોપ કર્યા હતા કે ઍન્કાઉન્ટરમાં મુસ્લિમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા તેને બેદી કમિટીના રિપોર્ટમાં ફગાવી દેવામાં આવ્યા છે.

સમિતિને તપાસમાં કોઈ પુરાવા નથી મળ્યા જે કોઈ ચોક્કસ સમુદાયના લોકોને નિશાન બનાવી હત્યા કરવામાં આવી હોવાના સંકેત આપતા હોય.

સમિતિએ કહ્યું છે કે ઍન્કાઉન્ટર્સમાં માર્યા ગયેલા લોકો જુદાજુદા સમુદાયના હતા. તેમાંથી મોટાભાગનાનો ક્રિમિનલ રેકર્ડ હતો.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ સૉલિસિટર જનરલ મોહન પરાસરને બીબીસીને કહ્યું કે રિપોર્ટને 'ડિસક્રૅડિટ' (અવિશ્વાસ દર્શાવવાનું) કરવાનું કોઈ કારણ નથી.

"બેદી સમિતિના રિપોર્ટમાં કહેવાયું છે કે મુસ્લિમ સમુદાયને નિશાન નથી બનાવાયો એ સારી વાત છે, કેમ કે એવા આરોપ હતા કે ઍન્કાઉન્ટરમાં મુસ્લિમોને નિશાન બનાવાયા છે."

"હવે પિટિશનકર્તા અને પ્રતિવાદી સહિત વિવિધ પક્ષોની રજૂઆતને સુપ્રીમ કોર્ટ દ્વારા સાંભળવામાં આવશે."

ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટે આ રિપોર્ટને ગુપ્ત રાખવા ગુજરાત સરકારની અરજીને નામંજૂર કરી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે બેદી સમિતિના રિપોર્ટને તમામ સંબંધિત પક્ષ સાથે શૅર કરવામાં આવે.

અધિકારીઓ સામે કાર્યવાહીની ભલામણ

Image copyright Kalpit Bhachech
ફોટો લાઈન સમીર ખાન પઠાણનાં ઍન્કાઉન્ટર બાદ માતાપિતા

બેદી સમિતિ અનુસાર ત્રણ કેસમાં તેમને સત્યતા જોવા નથી મળી. તેની સાથે સંકળાયેલા અધિકારીઓ સામે કાર્યવાહીની ભલામણ કરી છે.

સુપ્રીમ કોર્ટમાં સુપરત કરાયેલા રિપોર્ટમાં ઉલ્લેખ કરાયેલા આ ત્રણ કેસની ટૂંકમાં વિગતો આ મુજબ છે.

જસ્ટિસ બેદી સમિતિએ ઉલ્લેખ કરેલા એક ઍન્કાઉન્ટર મામલે રિપોર્ટમાં કહેવાયું છે કે કાસમ જાફરને વર્ષ 2002માં પોલીસ કસ્ટડીમાં ખોટી રીતે માર મારીને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. વધુમાં સમિતિએ નોંધ્યું છે કે "સાક્ષીઓએ સમિતિ સમક્ષ નિવેદનમાં કહ્યું હતું કે તેમણે પોલીસને લોખંડના સળિયા, સાડીઓ અને દોરડાં લઈ જતા જોઈ હતી."

"મૃતક અને તેના સાથીઓને ગુનેગાર ચિતરવાની કોશિશમાં પણ પોલીસ સફળ નથી રહી કેમ કે તેઓ ગુનામાં સંડોવાયેલા હોય તેવા કોઈ પણ પુરાવા રજૂ કરવામાં નહોતા આવ્યા."

"આથી વર્ષ 2006માં 13મી એપ્રિલના રોજ રૉયલ હોટલમાંથી કરવામાં આવેલી અટકાયત વાજબી નથી."

વર્ષ 2013ની 21મી નવેમ્બરના આદેશમાં સમિતિએ મૃતકના પરિજનોને 14 લાખ રૂપિયાના વળતરનો આદેશ આપ્યો હતો.

Image copyright Getty Images
ફોટો લાઈન ડી.જી વણઝારા

બીજા ફેક ઍન્કાઉન્ટર કેસ હાજી હાજી ઇસ્માઇલના કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં સમિતિ સમક્ષ કોઈ જ રજૂઆત કે સાક્ષી કે પુરાવા રજૂ કરવામાં નહોતા આવ્યા.

પ્રશાંત દયાળના કહેવા પ્રમાણે, "હાજી ઇસ્માઇલ દાણચોર હતા."

"મારી ત્રણ દાયકાની કારકિર્દીમાં મેં ક્યારેય નથી જોયું કે દાણચોર કોઈ સામાન્ય ગુનેગાર કે આતંકવાદીની જેમ પોલીસની ઉપર ફાયરિંગ કરે."

"હવે જસ્ટિસ એચ. એસ. બેદી સમિતિના રિપોર્ટમાં પણ એવી જ વાત બહાર આવી રહી છે."

જે પોલીસની કામગીરી પર સવાલ સર્જે છે. વળી સમિતિને સોંપવામાં આવેલા ફૉરેન્સિક પુરાવાઓમાં પણ છીંડા મળી આવ્યા હતા.

ત્રીજું ફેક ઍન્કાઉન્ટર સમીર ખાનનું હોવાનું કહેવાયું છે. સમિતિ અનુસાર તે વર્ષ 2002માં થયું હતું. પોલીસ અનુસાર તે જૈશ-એ-મહમ્મદના આતંકી હતા.

તેમની ઉપર વીવીઆઈપી લોકોની હત્યાના ષડયંત્રમાં પણ સામેલ હોવાનો આરોપ હતો, જેમાં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી પણ ટાર્ગેટ તરીકે સામેલ હતા એવો આરોપ હતો.

ઉપરાંત સમીરના પરિવારને 10 લાખ રૂપિયાના વળતરને પણ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.


ઍન્કાઉન્ટર્સની પેટર્ન

Image copyright Darshan Thakkar

છેલ્લા લગભગ 30 વર્ષથી ક્રાઇમ રિપોર્ટિંગ કરતા પ્રશાંત દયાળના કહેવા પ્રમાણે, "ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ એ વાત સાબિત કરવામાં નિષ્ફળ રહી હતી કે સમીર ખાને પાકિસ્તાનમાં તાલીમ લીધી હતી."

દયાળના કહેવા પ્રમાણે, "એ યાદ રાખવું ઘટે કે આ તમામ ઍન્કાઉન્ટર વર્ષ 2002ના કોમી હુલ્લડો પછીના છે. "

"આ ત્રણેય ઍન્કાઉન્ટર્સમાં જેમની સામે કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે, તેઓ ગુજરાત પોલીસના નાના ઑફિસર્સ છે."

"પરંતુ જે-તે સમયે તેમના ઉપરી અધિકારીઓ યોગાનુયોગ એ જ અધિકારીઓ હતા કે જેમની ઉપર અન્ય નક્લી ઍન્કાઉન્ટર કેસોમાં તપાસ થઈ હોય કે તેમણે જેલવાસ ભોગવ્યો હોય."

"પરંતુ તપાસમાં તેમાંથી કોઈના પણ નામનો ઉલ્લેખ નથી, જે આશ્ચર્યજનક છે."

દયાળ માને છે કે વરિષ્ઠ અધિકારી તથા નેતાઓને વિશ્વાસમાં લીધા વગર કોઈ ઍન્કાઉન્ટર ન થઈ શકે.


હવે શું?

Image copyright Getty Images

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અજય ઉમટના કહેવા પ્રમાણે, "પોલીસ અધિકારીઓના ભવિષ્યનો આધાર સુપ્રીમ કોર્ટના વલણ ઉપર રહેલો છે."

"સુપ્રીમ કોર્ટ આ રિપોર્ટને સ્વીકારી કે નકારી શકે છે. જો સ્વીકારે તો અગાઉ થયું હતું તેમ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કે સીબીઆઈ દ્વારા તપાસના આદેશ આપી શકે છે."

"આ સિવાય સર્વોચ્ચ ગુજરાત સરકારને નવેસરથી તપાસ કરાવવાના આદેશ પણ આપી શકે છે."

"છતાં વધુ તપાસ થાય તો ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હતી કે કેમ? તે બહાર આવશે."

ઉમટ માને છે કે 2002-2006 દરમિયાનના કેસોની તપાસ થઈ રહી હોવાથી તેની 'ખાસ રાજકીય અસર' નહીં હોય.

સાથે જ ઉમેરે છે કે હજુ આ મામલો 'જો અને તો'ની વચ્ચે ઝૂલી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ