શું સાચે જ અઘોરીઓ ભયાનક અને ડરામણા હોય છે?

અઘોરી સાધુઓ Image copyright EPA

સાધુઓમાં એક વર્ગથી લોકોમાં ભયની લાગણી જોવા મળતી હોય છે. સાધુઓના આ વર્ગને અઘોરી સમુદાય કહેવામાં આવે છે.

આપણને એવું લાગતું હોય છે કે અઘોરીઓ સાથે અનેક રહસ્યો જોડાયેલાં છે અને અઘોરીઓની દુનિયા રહસ્યોથી ભરપૂર હોય છે, પણ શું આ સાચું છે?

એવી અવધારણા છે કે અઘોરી સાધુઓ સ્મશાનઘાટમાં રહેતા હોય છે. તેઓ સળગતા મૃતદેહો વચ્ચે ભોજન લેતા હોય છે અને ત્યાં જ સૂઈ જતા હોય છે.

એવી પણ વાતો પ્રચલિત છે કે અઘોરીઓ નગ્ન ફરતા હોય છે. માણસનું માંસ ખાય છે, ખોપરીમાં ખાવાનું ખાય છે અને દિવસ-રાત ગાંજાનું સેવન કરતા હોય છે.


અઘોરીઓ કોણ હોય છે?

Image copyright Empics

લંડનમાં 'સ્કૂલ ઑફ આફ્રિકન ઍન્ડ ઑરિએન્ટલ સ્ટડીઝ'માં સંસ્કૃત ભણાવતા જેમ્સ મેલિંસન જણાવે છે :

"અઘોરદર્શનનો સિદ્ધાંત એ છે કે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા અને ઈશ્વરને મળવા માટે શુદ્ધતાના નિયમોથી પર જવું પડે છે."

ઑક્સફર્ડમાં અભ્યાસ કરતા મૅલિંસન એક મહંત અને ગુરુ પણ છે, પરંતુ તેમના સમુદાયમાં અઘોરી સમુદાયની પ્રક્રિયા નિષેધ છે.

કેટલાક અઘોરી સાધુઓ સાથેની વાતચીતના આધારે મૅલિંસન કહે છે :

"અઘોરીઓની રીત એ છે કે સ્વાભાવિક નિષેધોનો સામનો કરીને તેને તોડી નાખવામાં આવે. તેઓ સારા-ખરાબના સામાન્ય નિયમોને નથી સ્વીકારતા."

"આધ્યાત્મિક પ્રગતિ માટેનો તેમનો પથ ઘણો વિચિત્ર હોય છે, જેમાં માણસનું માંસ ખાવું અને પોતાનો મળ ખાવો જેવી મુશ્કેલ બાબતો પણ સામેલ છે."

"પરંતુ તેમનું માનવું છે કે અન્યો દ્વારા ત્યજી દેવાયેલી આ વસ્તુઓનું સેવન કરવાથી તેમને પરમ ચેતના પ્રાપ્ત થાય છે."

આપને આ પણ વાચવું ગમશે

અઘોરીઓનો ઇતિહાસ

Image copyright EPA

તેમના ઇતિહાસની વાત કરીએ તો આ શબ્દ 18મી સદીમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ સંપ્રદાયે એ પ્રક્રિયાઓને અપનાવી છે, જેના માટે કપાલિક સંપ્રદાય કુખ્યાત થયો હતો.

કપાલિક સંપ્રદાયમાં માણસની ખોપરી સાથે સંબંધિત તમામ પરંપરાઓની સાથે-સાથે માણસની બલિ આપવાની પ્રથા પણ હતી.

હવે આ સંપ્રદાય અસ્તિત્વમાં નથી, જોકે અઘોરપંથ કપાલિક સંપ્રદાયની તમામ બાબાતોને પોતાના જીવનમાં વણી લીધી છે.

હિંદુ સમાજમાં મોટાભાગના પંથ અને સંપ્રદાય નિર્ધારિત નિયમોનું પાલન કરતા હોય છે.

સંપ્રદાયોને માનનારા સંગઠનાત્મક ઢબે નિયમોનું પાલન કરે છે. સામાન્ય સમાજ સાથે તાલમેલ જાળવી રાખે છે.

પરંતુ અઘોરીની બાબતમાં આવું નથી. આ સંપ્રદાય સાથે જોડાયેલા સાધુઓ પોતાના પરિવાર સાથે સંબંધ અને સંપર્ક તોડી નાખે છે. અઘોરીઓ બહારના લોકો પર વિશ્વાસ નથી કરતા.

એવું માનવામાં આવે છે કે મોટાભાગના અઘોરીઓ કહેવાતી નાની જ્ઞાતિઓમાંથી આવતા હોય છે.

મૅલિંસન કહે છે,"અઘોરપંથના સાધુઓનાં બૌદ્ધિક કૌશલ્યમાં ઘણું અંતર જોવા મળે છે. કેટલાક અઘોરી એટલી ચપળ બુદ્ધિ ધરાવતા હતા કે રાજાઓને સલાહ આપતા હતા."

"એક અઘોરી નેપાળના રાજાના સલાહકાર પણ હતા."


કોઈ નફરત નહીં

Image copyright Getty Images

અઘોરીઓ પરના એક પુસ્તક 'અઘોરી: અ બાયૉગ્રાફિકલ નૉવલ'ના લેખક મનોજ ઠક્કર જણાવે છે કે લોકોમાં અઘોરી સાઘુઓ વિશે ભ્રામક જાણકારીઓ વધુ છે.

ઠક્કર જણાવે છે, "અઘોરી ઘણા સરળ હોય છે તેઓ પ્રકૃતિ સાથે રહેવાનું પસંદ કરે છે. તેઓ કોઈ પણ પ્રકારની માગણી નથી કરતા."

"તેઓ દરેક વસ્તુને ઈશ્વરના અંશરૂપે જુએ છે. તેઓ કોઈને નફરત નથી કરતા કે ન તો વસ્તુઓને ફગાવે છે."

"આથી તેઓ પશુ અને માણસના માંસ વચ્ચે ભેદ રાખતા નથી. પશુની બલિ તેમની પૂજાની પદ્ધતિનો જ એક મહત્ત્વનો ભાગ છે."

"તેઓ ગાંજાનું સેવન કરતા હોવા છતાં તેમને પોતાના વિશે સંપૂર્ણ ભાન હોય છે."

મૅલિંસન અને ઠક્કર બન્ને નિષ્ણાતો માને છે કે એવા ઘણા ઓછા લોકો છે જેઓ અઘોરી પદ્ધતિનું યોગ્ય રીતે પાલન કરે છે.

તેઓ માને છે કે કુંભમાં આવતા સાધુઓ મોટાભાગે સ્વઘોષિત અઘોરી હોય છે અને કોઈ પણ પ્રકારની દીક્ષા ધારણ નથી કરતા.

વળી કેટલાક લોકો અઘોરી જેવો વેશ ધરીને પર્યટકોનું મનોરંજન કરતા હોય છે. સંગમમાં સ્નાન કરવા આવેલા લોકો તેમને ભોજન અને પૈસા આપતા હોય છે.

કયા ભગવાનની પૂજા કરે છે?

Image copyright Getty Images

અઘોરીઓ સામાન્યતઃ હિંદુ દેવતા શિવની પૂજા કરે છે. તેમને વિનાશના દેવતા કહેવામાં આવે છે. વળી શિવનાં પત્ની શક્તિની પણ પૂજા કરે છે.

ઉત્તર ભારતમાં માત્ર પુરુષો જ અઘોરી સંપ્રદાયના સભ્ય બની શકે છે, પરંતુ બંગાળમાં મહિલાઓ સ્મશાનઘાટ પર જોવા મળતી હોય છે. જોકે મહિલા અઘોરીઓએ વસ્ત્રો પહેરવાના હોય છે.

ઠક્કર કહે છે, "મોટાભાગના લોકો મૃત્યુથી ડરતા હોય છે. સ્મશાનઘાટ મૃત્યુનું પ્રતીક છે, પરંતુ અઘોરીઓની શરૂઆત જ અહીંથી થાય છે."

"તેઓ સામાન્ય લોકોનાં મૂલ્યો અને નૈતિકતાને પડકારવા માગે છે."


સમાજ સેવામાં સામેલ

Image copyright Getty Images

અઘોરીઓને સમાજમાં સામાન્યપણે સ્વીકૃતિ નથી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ સમુદાયએ સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ થવાની કોશિશ કરી છે.

ઘણી જગ્યાએ આ સાધુઓએ લૅપ્રસી (કોઢ)ને અટકાવવા માટેની હૉસ્પિટલનું નિર્માણ કર્યું છે અને તેનું સંચાલન પણ કરે છે.

મિનેસોટા આધારિત મેડિકલ કલ્ચરલ ઍન્ડ ઍન્થ્રોપૉલિજિસ્ટ રૉન બારેટના ઇમોરી રિપોર્ટ સાથે ઇન્ટરવ્યૂમાં જણાવે છે :

"અઘોરી એ લોકો માટે કામ કરી રહ્યા છે, જેમને સમાજમાં અસ્પૃશ્ય માનવામાં આવે છે."

"એક રીતે લેપ્રસીની સારવારના ક્લિનિકોએ સ્મશાનઘાટની જગ્યા લઈ લીધી છે. અઘોરીઓ બીમારીના ડર પર જીત પ્રાપ્ત કરી રહ્યા છે."

સામાન્યપણે અઘોરી સમુદાય સમાજથી અલગ-થલગ છે. પરંતુ કેટલાક અઘોરી સાધુ ફોન અને જાહેર પરિવહનનો ઉપયોગ પણ કરે છે.

વળી સાર્વજનિક સ્થળોએ જતી વખતે કેટલાક સાધુઓ વસ્ત્રો પણ ધારણ કરે છે.

ગે સેક્સની સ્વીકૃતિ નહીં

Image copyright EPA

વિશ્વભરમાં એક અબજથી પણ વધારે લોકો હિંદુ છે, પણ તમામ એક જ પ્રકારની માન્યતા પર આધાર કે વિશ્વાસ ધરાવતા નથી.

હિંદુઓ ધર્મમાં કોઈ પયગંબર કે પુસ્તક નથી જેનું લોકો પાલન કરતા હોય.

આથી અઘોરીઓની સંખ્યાનો અંદાજો લગાવાવો મુશ્કેલ છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે અઘોરીઓની સંખ્યા હજારોમાં હોઈ શકે છે.

કેટલાક અઘોરીઓએ સાર્વજનિક રીતે સ્વીકાર્યું છે કે તેમણે મૃત શરીર સાથે સેક્સ કર્યું છે, પરંતુ તેઓ ગે સેક્સને નથી સ્વીકારતા.

ખાસ વાત એ છે કે જ્યારે અઘોરીઓની મોત થાય છે તે અન્ય અઘોરી તે માંસ નથી ખાતા. તેમને સામાન્યપણે દફનાવવામાં આવે છે અથવા અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ