કુંભમાં આજે પ્રથમ શાહી સ્નાન : ક્યારે થઈ હતી કુંભની શરૂઆત, શું કહે છે ઇતિહાસ?

સાધુ Image copyright Getty Images

સંગમની રેતી પર ફરી એક વખત કુંભનો મેળો સજી ગયો છે. આમ તો આ અર્ધ કુંભ છે પરંતુ ઉત્તર પ્રદેશ સરકારે તેને કુંભ કહેવાની ઘોષણા કરી દીધી છે. એટલું જ નહીં, હવે પૂર્ણ કુંભને મહાકુંભ કહેવામાં આવશે.

યુનેસ્કોએ કુંભ મેળાને વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર ઘોષિત કર્યો છે તો સરકારને લાગ્યું કે આના કરતાં ઉત્તમ બ્રાન્ડિંગનું બીજું કોઈ માધ્યમ હોઈ શકે નહીં. અહીં નિમંત્રણ વગર લાખો લોકો પહોંચી જાય છે.

ચૂંટણીના વર્ષમાં આવેલા આ કુંભ મેળાને કેન્દ્ર અને પ્રદેશની સરકાર કોઈ મેગા ઇવેન્ટથી ઓછું સમજી રહી નથી.

એ જ કારણ છે કે પહેલાંના કુંભમેળા કરતાં આ કુંભમેળો વધારે બજેટ ધરાવે છે.


મત્સ્ય પુરાણ સાથે સંબંધ

Image copyright Getty Images

મત્સ્ય પુરાણ વર્ણિત સમુદ્ર મંથનની કથા અનુસાર અમૃત કળશને મેળવવા માટે રાક્ષસો અને દેવતાઓ વચ્ચે 12 વર્ષ સુધી સંઘર્ષ ચાલ્યો.

આ જ સંઘર્ષમાં ભારતનાં ચાર સ્થળો પર અમૃતના છાટા ઉડ્યા હતા.

આ જ ચાર સ્થળો એટલે કે પ્રયાગરાજ (અલાહાબાદ), હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન. અહીં નદીઓના કિનારે દર 12 વર્ષે કુંભમેળાનું આયોજન થાય છે.

જ્યોતિષ માને છે કે કુંભના આયોજનમાં ગુરુ ગ્રહની સ્થિતિ ખૂબ મહત્ત્વ ધરાવે છે.

જ્યારે આ ગ્રહ મેષ રાશિમાં હોય છે પ્રયાગમાં પૂર્ણ કુંભ અને જ્યારે વૃશ્ચિક રાશિમાં હોય છે તો અર્ધ કુંભ. આ આધારે આ અર્ધ કુંભ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કુંભનું લેખિતમાં પ્રમાણ

Image copyright Getty Images

મહત્ત્વપૂર્ણ વાત એ છે કે અર્ધ કુંભ અને કલ્પવાસની પરંપરા માત્ર પ્રયાગ અને હરિદ્વારમાં જ છે.

ઇતિહાસકારોનું માનવામાં આવે તો કુંભમેળાનું પહેલું વિવરણ મુઘલકાળના 1665માં લખવામાં આવેલા ગેઝેટ ખુલાસાતુ-ત-તારીખમાં મળે છે.

કેટલાક ઇતિહાસકારો આ તથ્યને વિવાદીત ગણાવે છે. તેઓ પુરાણો અને વેદોનો હવાલો આપી કુંભ મેળાને સદીઓ જૂનો ગણાવવાનું ચૂકતા નથી.

પુરાણ વિશેષજ્ઞોનું માનવામાં આવે તો પુરાણોમાં કુંભ શબ્દ તો છે પણ કુંભ મેળાનો કોઈ ઉલ્લેખ નથી.

ઇતિહાસકારો એ પણ માને છે કે 19મી શતાબ્દીમાં 12 વર્ષમાં મળતા ધર્માચાર્યોને જ્યારે લાગ્યું કે તેમણે વચ્ચે પણ એક વખત એકઠું થવું જોઈએ. એટલે છ વર્ષે અર્ધ કુંભની પરંપરાનો ઉમેરો કરાયો.

આ દરેક માન્યતાને કિનારે રાખી ઉત્તર પ્રદેશ સરકારે એ આદેશ આપ્યો છે કે અર્ધ કુંભને કુંભ અને પૂર્ણ કુંભને મહાકુંભ કહેવામાં આવે.

એ વાત અલગ છે કે ગત દિવસોમાં સંગમ તટ પર પોતાના સંબોધનમાં વડા પ્રધાને આ મેળાને અર્ધ કુંભ જ કહ્યો હતો.

કુંભમાં અખાડાનું મહત્ત્વ

Image copyright Getty Images

પ્રયાગરાજના સંગમ તટ પર કુંભમેળો શરૂ થઈ ગયો છે. નાગા બાવાઓને મેળાનું મુખ્ય આકર્ષણ માનવામાં આવે છે.

હાલ તમામ અખાડાના સાધુઓએ કુંભ મેળામાં પહોંચી પોત પોતાની શિબિરોમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે.

સાધુ, સંતો અને ધર્માચાર્યોના આ અખાડાના કેન્દ્રમાં નાગા સાધુ હોય છે.

માનવામાં આવે છે કે સનાતન ધર્મની રક્ષાના ઉદ્દેશથી આ સાઘુઓની પરંપરા શરૂ થઈ હતી.

વર્ષો પહેલાં શરૂ થયેલી અખાડાની આ પરંપરામાં પહેલા દસ જ અખાડા હતા પરંતુ ધીરે ધીરે આ સંખ્યા વધતી ગઈ અને અત્યારે 15 અખાડા જેટલી સંખ્યા છે.

સનાતન ધર્મના શૈવ, વૈષ્ણવ અને ઉદાસીન સંપ્રદાયોના અખાડા સિવાય શીખોનો પણ પોતાનો અખાડો હોય છે, કે જે વર્ષ 1855થી જ કુંભમાં ભાગ લે છે.

પરી અખાડો અને કિન્નર અખાડો

Image copyright Getty Images

સૌથી નવા અખાડામાં મહિલા સાધુઓનો પરી અખાડો અને ટ્રાન્સજેન્ડરનો કિન્નર અખાડો સામેલ છે.

સમાચારોમાં રહેતા આ બન્ને અખાડાને મોટી લડાઈ લડ્યા બાદ કુંભ મેળામાં જગ્યા મળવાનું શરૂ થયું છે.

પરી અખાડાને પ્રયાગમાં 2013માં યોજાયેલા કુંભ મેળામાં માન્યતા મળી ગઈ હતી, જ્યારે કિન્નર અખાડા માટે આ પહેલો કુંભમેળો છે.

આ અખાડો કુંભમેળામાં લોકોને પોતાના તરફ આકર્ષિત કરશે તે તેની રજૂઆતના દિવસે જ નક્કી થઈ ગયું હતું.


કલ્પવાસ

Image copyright Getty Images

પ્રયાગરાજના કુંભમેળાની સૌથી મોટી વિશેષતા અહીં થતો કલ્પવાસ છે.

લાઇફ મૅનેજમૅન્ટ અને ટાઇમ મૅનેજમૅન્ટના ફંડા શીખવતા આ કલ્પવાસ સાથે જોડાવા લાખો લોકો આખા દેશમાંથી અહીં પહોંચે છે.

હવે તો વિદેશીઓ પણ તેનાથી આકર્ષિત થઈ રહ્યા છે.

સરકાર અને ઘણા બધા બાબાઓ સાથે ઘણી અન્ય સંસ્થાઓ અને સંસ્થાનોએ કલ્પવાસની વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે.

ફૂસની ઝૂંપડીઓથી માંડીને ફાઇવ સ્ટાર સુવિધા ધરાવતા રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

એ વાત નક્કી છે કે કુંભમેળાને ભીડનું પર્યાય બનાવવાવાળા ધર્મ અને આસ્થાના બંધનમાં બંધાયેલા અસલી કલ્પવાસીઓની દર વખતે અવગણના થઈ જાય છે.

લાખો લોકોને પોતાની અંદર સમાવી લેવાની શક્તિ ધરાવતા આ કુંભ મેળાને સરકારી વ્યવસ્થાઓએ જાણે હડપી લીધો છે.

એવું લાગી રહ્યું છે કે આપણે કોઈ ધર્મના મેળામાં નહીં, પણ કોઈ પ્રાયોજિત મેગા શોમાં હોઈએ.

હવે આ 'શો' કેટલો તેમનો થઈ શકશે કે જેઓ તમામ મુશ્કેલીઓને સહન કરીને પણ એક એક ક્ષણ જીવવા માટે અહીં આવે છે, તે તો સમય જ જણાવશે.

(ધનંજય ચોપડા લાહાબાદ યુનિવર્સિટીના સેન્ટર ઑફ મીડિયા સ્ટડીઝના પ્રભારી છે.)

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ