સોમનાથ મંદિર પાસેના આસપાસના વિસ્તારમાં માંસના વેચાણ પર પ્રતિબંધ લદાશે?

સોમનાથ મંદિર Image copyright Getty Images

ગુજરાતના દરિયાકિનારે વસેલા સોમનાથના ત્રણ કિલોમીટરના વિસ્તારને આગામી થોડા દિવસોમાં વેજ ઝોન (માંસ વેચવા પર પ્રતિબંધ) જાહેર કરવામાં આવશે તેવી ચર્ચાઓ થઈ રહી છે.

મતલબ કે જો આ વિસ્તારને વેજ. (વેજિટેરિયન) ઝોન જાહેર કરી દેવામાં આવે તો જેટલી પણ માંસ વેચતી દુકાનો, કતલખાનાં, રેકડીઓ અને રેસ્ટોરાં હશે તેનાં લાઇસન્સ રદ કરી તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.

ગુજરાતમાં મત્સ્યઉદ્યોગ માટેનું સૌથી મોટું સ્થળ વેરાવળ છે જે ગુજરાતમાં 80 ટકા માછલીનું ઉત્પાદન કરે છે.

વેજ. ઝોન મુદ્દે છેલ્લા અઢી વર્ષથી પ્રદેશનાં હિંદુ સંગઠનો દ્વારા સરકારને વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે.

એટલું જ નહીં હિંદુ સંગઠનો દ્વારા વેરાવળ અને સોમનાથમાં છેલ્લા અઢી વર્ષથી ઘણી સભાઓ, રેલીઓ અને રામધૂનો જેવા કાર્યક્રમો કરી આ મુદ્દે સરકારનું ધ્યાન ખેંચવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

ત્યારે સવાલ એ છે કે દરિયાકિનારાના આ પ્રદેશનું અર્થતંત્ર નોનવેજ અને એમાં પણ ખાસ કરીને મત્સ્યઉદ્યોગ પર ટકેલું છે.

ત્યારે સરકાર જો આ વિસ્તારને વેજ. ઝોન જાહેર કરે તો પ્રદેશના અર્થતંત્ર અને સામાન્ય લોકોના જીવન પર શું અસર થશે?


શું છે સમગ્ર મામલો?

Image copyright AFP

સોમનાથ સેવા સંઘના અધ્યક્ષ શૈલેષ મેષવાણીયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાતનાં છ સ્થળ ડાકોર, પાલીતાણા, ગીરનાર, દ્વારકા, અંબાજી અને સોમનાથને ધાર્મિક સ્થળ જાહેર કરી ત્યાંના આજબાજુના વિસ્તારમાં માંસ વેચવા પર પ્રતિબંધ લગાવેલ છે.

તેઓ કહે છે, "સોમનાથ સિવાય પાંચયે સ્થળોએ સરાકારના આ અધિનિયમનું પાલન થઈ રહ્યું છે સિવાય કે સોમનાથ."

"સોમનાથ ટ્રસ્ટના ઉચ્ચ સભ્ય પદે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને અડવાણી જેવા નેતાઓ હોવા છતાં વેજ ઝોનની માગને નકારી કાઢવામાં આવી રહી છે."

"અમારી માગ છે કે અહીંના સેન્ટમેરી સ્કૂલથી લઈને પાટણ માર્કેટિંગ યાર્ડના ત્રણ કિલોમીટર વિસ્તારમાં નોન-વેજની ગેરકાયદે દુકાનો અને કતલખાનાં બંધ થવા જોઈએ."

એટલું જ નહીં સોમનાથ મંદિરે જતા રસ્તામાં આવતી નોનવેજ રેસ્ટોરાંઓને પણ બંધ કરવામાં આવે."

કેવી રીતે પ્રતિબંધ?

ગીર-સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ ઝવેરભાઈ ઠક્કરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે વર્ષ 2003માં સોમનાથ અલગ નહોતું થયું અને જૂનાગઢ જિલ્લામાં હતું, ત્યારે સરકારે સોમનાથને 'વેજ. ઝોન' જાહેર કરવાનો ઠરાવ પસાર કર્યો હતો.

ઠક્કર અનુસાર, "સોમનાથ અલગ જિલ્લો બન્યો અને આ મુદ્દે કાર્યવાહી અટકી ગઈ."

"અમે સરકારને વારંવાર રજૂઆત કરી છે અને મુખ્ય મંત્રી વિજય રૂપાણી પણ આ મામલે હકારાત્મક વલણ ધરાવે છે."

આ વિસ્તારમાં ઈંડાની લારીઓ અને નોન-વેજ રેસ્ટોરાં આવેલા છે જે સામાન્ય લોકોની રોજગારીનો મુખ્ય સ્રોત છે.

ઠક્કરની વાત સાથે સમર્થ થતા મેષવાણીયાનું કહેવું છે, "ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાતના છ મંદિર ડાકોર, પાલીતાણા, દ્વારકા, અંબાજી, ગીરનાર અને સોમનાથને તીર્થસ્થાનો જાહેર કરવામાં આવ્યાં હતાં."

"જે અંતર્ગત આ મંદિરોના 500 મીટરની ત્રિજ્યામાં માંસાહારી સામગ્રી વેચવા પર પ્રતિબંધ લગાવી શકાય છે."

"આ અનુસંધાને સોમનાથને છોડતાં પાંચેય ધાર્મિક સ્થળોએ માંસના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે."

આ અંગે ગીર-સોમનાથ જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું, "આ અંગે સરવે કરીને અમે મામલતદાર તથા સરકારને માહિતી મોકલી આપી છે."

"આગામી થોડા સમયમાં જાહેરનામું બહાર પાડી, કેટલો વિસ્તાર વેજ. ઝોન જાહેર કરવો તે અંગે માહિતી બહાર પાડવામાં આવશે."

ચુડાસમાએ ઉમેર્યું હતું કે આ વિસ્તારમાં નોન-વેજ.નું વેચાણ કરનારા નાના-મોટા વેપારીઓની 'વૈકલ્પિક જગ્યા' ફાળવવામાં આવશે.

આ વિશે વધુ વાંચો

Image copyright શૈલેષ મેષવાણીયા
ફોટો લાઈન વર્ષ 2006માં ગુજરાત મેજિસ્ટ્રેટ કચેરી જુનાગઢ દ્વારા આ મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગુજરાત મેજિસ્ટ્રેટ કચેરી જુનાગઢ દ્વારા તારીખ 7-3-2006ના રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

જે અતર્ગત સોમનાથ મંદિરની 500 મીટરની ત્રિજ્યા તેમજ સોમનાથ બસ સ્ટેન્ડ ચોકથી લઈને મંદિર સુધીના વિસ્તારમાં માંસનું વેચાણ કરવા પર પ્રતિબંધ છે.

જાહેરનામા અંતર્ગત જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરશે તેની વિરુદ્ધ મુંબઈ પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 મુજબ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મેષવાણીયાના જણાવ્યા અુસાર ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963 હેઠળ આવી જગ્યાઓને વેજ. ઝોન કરવાની જોગવાઈ છે.


સોમનાથનું મહત્ત્વ કેમ?

Image copyright Getty Images

હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે, ભારતમાં 12 જ્યોતિર્લિંગોમાંથી પ્રથમ સોમનાથ ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લામાં આવેલું છે.

હિંદુઓનું ધાર્મિકસ્થળ હોવાને કારણે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

એટલું જ નહીં સોમનાથ મંદિર વિદેશી પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.

સોમનાથની તવારિખ પર નજર કરવામાં આવે તો સોમનાથ તેની સમૃદ્ધિ માટે જાણીતું હતું.

તેના કારણે મુસ્લિમ આક્રમણકાર મોહમ્મદ ઘોરી સહિત અન્ય આક્રમણકારોએ મંદિર પર ચડાઈ કરી અને તેની લૂંટી લીધું હતું.

સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોને કારણે વર્ષ 1951માં નવા સોમનાથ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ