#10YearChallenge થી બચવું શા માટે જરૂરી છે?

ફોટો

જો તમે ફેસબુક કે ટ્વિટરનો ઉપયોગ કરો છો તો તમને #10YearChallenge વિશે ખ્યાલ હશે.

કદાચ તમે પણ આ ટ્રૅન્ડને અનુસરીને પોતાની 10 વર્ષ કે 20 વર્ષ જૂની તસવીર પોસ્ટ કરી હશે.

પ્રથમ નજરમાં જોઈએ તો આ નવો ટ્રૅન્ડ નુકસાનકારક જણાતો નથી.

સોશિયલ મીડિયા પર વાઇરલ થનારી કે વાઇરલ કરવામાં આવેલી દરેક વસ્તુ પાછળ કોઈ ખાસ વાત જરૂર હોય છે.

શું આ કોઈ બિઝનેસ આઇડિયાનો ભાગ છે?

શું જાણી જોઈને લોકો પાસે પોતાની હાલની અને પહેલાંની તસવીર પોસ્ટ કરાવવામાં આવી રહી છે જેથી ડેટા બૅન્ક તૈયાર થઈ શકે?

શું તેની પાછળ કોઈ કારણ છે? શું આપણે આ ચેલેન્જથી દૂર રહેવું જોઈએ?


ફેસબુકે શું કહ્યું?

Image copyright Getty Images

આ બધા જ પ્રશ્નોના જવાબ શોધતા પહેલાં ફેસબુકના નિવેદન પર નજર કરીએ.

સોશિયલ મીડિયા નેટવર્કનું કહેવું છે કે, ''આ યૂઝર જનરેટેડ મીમ છે, જે પોતાની રીતે જ વાઇરલ થયું છે. ફેસબુકે આ ટ્રૅન્ડ શરૂ કર્યો નથી.''

''મીમ એવા જ ફોટોઝ ઉપયોગ કરે છે, જે પહેલાંથી જ ફેસબુક પર છે. ફેસબુકને તેનાથી કોઈ ફાયદો નથી."

"સાથે જ એ પણ યાદ રાખવું જરૂરી છે કે ફેસબુક યૂઝર કોઈ પણ સમયે ફેશિયલ રિકગ્નિશનવાળું ફિચર ઑન કે ઑફ કરી શકે છે.''

નિવેદનમાં ફેસબુકની વાત સ્પષ્ટ છે, પરંતુ આપણે જો #10YearChallenge ની વાત ન પણ કરીએ તો વર્તમાન કે પૂર્વમાં આવી કેટલીક સોશિયલ ગેમ્સ કે મીમ જોવાં મળ્યાં છે, જે સોશિયલ એન્જિનિયરીંગનો ભાગ હતાં અને જેનો હેતુ ડેટા શોધી અને એકત્ર કરવાનો હતો.

જાણકારોનું માનવું છે કે આ ચેલેન્જ ટાઇમ પાસ કરવા અને આનંદ માણવાની વસ્તુ નથી અને તેનાથી બચીને રહેવું જ સારું છે.


ડરવું જરૂરી છે?

Image copyright Getty Images

સાઇબર લૉના એક્સપર્ટ પવન દુગ્ગલને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ ચેલેન્જથી કોઈ નુકસાન થઈ શકે છે, તો તેમણે જણાવ્યું, ''હાં, સાઇબર અપરાધી તેનો દુરુપયોગ કરી શકે છે.''

પરંતુ 10 વર્ષ જૂની તસવીર સોશિયલ મીડિયામાં અપલોડ કરવાથી શું નુકસાન થઈ શકે છે?

આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, ''અત્યાર સુધી આ રીતે દુરુપયોગનું કોઈ પૂરાવો સામે આવ્યો નથી."

"એક વાત તમે સમજી લેજો કે જે તસવીર હાલ સુધી ઉપલબ્ધ નહોતી તે તસવીર લોકો પોતે અપલોડ કરી રહ્યા છે.''

''જ્યારે આ તસવીર સોશિયલ પર હશે, તો તેમની મૉર્ફિંગ થઈ શકે છે. કોઈ ટાર્ગેટ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.''

ફેશિયલ રિક્ગિનશન અલ્ગોરિધમથી આ મામલો કઈ રીતે જોડાયેલો છે તેના જવાબમાં દુગ્ગલે કહ્યું, ''દુનિયાભરમાં ફેશિયલ રિક્ગિશન અલ્ગોરિધમ પર ખૂબ જ કામ ચાલી રહ્યું છે."

"તેનાથી આ સરળતાથી જાણી શકાય છે કે 10 વર્ષમાં મોંઢાનો દેખાવ કેટલો બદલાય રહ્યો છે.''

''આ તસવીરોની મદદથી ફેશિયલ રિક્ગિનશન પર કામ કરનારી એજન્સીઓ પોતાના સોફ્ટવેરને વધારે મજબૂત અને વધારે સક્ષમ બનાવી શકે છે.''


જૂની તસવીરો શા માટે ખતરનાક?

Image copyright Getty Images

એ તસવીરોનું શું કે જેને આપણે 10 વર્ષ પહેલાં ફેસબુક પર પોસ્ટ કરી હતી.

તે તો પહેલાંથી જ ફેસબુક પર ઉપલબ્ધ હતી પરંતુ તેવામાં હવે શું નુકસાનકારક બની શકે છે?

દુગ્ગલ પ્રમાણે, ''આ વાત સાચી છે કે તે તસવીર પહેલાંથી જ ફેસબુક પાસે હતી, તેના નેજા હેઠળ હતી પરંતુ તે અન્ય જગ્યા પર હતી."

"આ ચેલેન્જમાં તમે પોતાની જૂની તસવીર અને નવી તસવીરની તુલના એકસાથે કરતા જણાવ છો.''

''તમે જ્યારે ફોટોની સરખામણી કરો છો ત્યારે તમે ડેટા સેટ બનાવી રહ્યા છો, જે પહેલાં સોશિયલ મીડિયા વેબસાઇટ પાસે નહોતો પરંતુ હવે તમે એ કામ કરી દીધું છે.''

''એજન્સીઓ માટે આ કમ્પેરેટિવ સ્ટડીનો મામલો છે. અને એ પણ ડર છે કે સાઇબર અપરાધી પણ તેનો ખોટી રીતે ઉપયોગ કરી શકે છે.''

''એટલે એ જરૂરી છે કે આ રીતની ચેલેન્જથી બચવું જોઈએ કેમ કે તમે માત્ર પોતાની તસવીર પોસ્ટ કરી રહ્યાં નથી પરંતુ સંવેદનશીલ માહિતી કંપનીઓ પાસે પહોંચાડી રહ્યા છો."

"જેનો કેટલો ખરાબ રીતે ઉપયોગ થઈ શકે છે તેનો અંદાજ લગાવી શકાતો નથી.''


કઈ કંપનીઓની નજર?

Image copyright Getty Images

દુગ્ગલ જેવા જાણકારોના ચેતવ્યા બાદ પણ કોઈ પણ એવું વિચારી શકે છે કે, કંપનીઓને આનાથી શું ફાયદો થઈ શકે છે અને તેઓ કઈ કઈ જગ્યાએ તેનો ઉપયોગ કરી શકે છે.

દુનિયાના પ્રખ્યાત સામયિક વાયર્ડ પ્રમાણે જો કોઈ તમારી ફેસબુક તસવીરને ફેશિયલ રિકગ્નિશન અલ્ગોરિધમને ટ્રેન કરવામાં ઉપયોગ કરવા ઇચ્છે તો તે શું ખોટું થશે?

એવું જરૂરી નથી. પરંતુ જ્યારે વાત ટૅક્નૉલૉજીની આવે છે તો ત્યારે આપણે તેનો ઉપયોગ કરતા સમયે સાવધ રહેવું જોઈએ કે આપણે ડેટાનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ અને તેનો શું ઉપયોગ થઈ શકે છે?

આ પ્રકારની ચેલેન્જમાં સામેલ ફોટોથી ઉંમર અને ઉંમર સંબંધી બદલાવોની માહિતી મેળવી શકાય છે અને તેનો ઉપયોગ ટાર્ગેટ ઍડ્વર્ટાઇઝમૅન્ટ માટે થઈ શકે છે.

કૅમેરા કે સેન્સરનો ઉપયોગ કરનારી જાહેરાત પોતાના મેસેજિંગને આ આધારે ઢાળી શકે છે.


આગળ શું થશે?

Image copyright Getty Images

વાયર્ડ પ્રમાણે વધતી ઉંમરના આ સબૂત એક સમયે જઈને વીમા અસેસમેન્ટ અને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

એટલે કે તમે તમારી ઉંમરના લોકોની સરખામણીએ વધારે ઝડપથી વૃદ્ધ થઈ રહ્યા છો તો તમે વીમા કંપની માટે સારા ગ્રાહક નહીં રહો.

સામયિકે વર્ષ 2016નો હવાલો આપતા જણાવ્યું કે એમેઝોને ફેશિયલ રિકગ્નિશન સેવાઓ શરૂ કરી હતી અને પછી તેને અમેરિકન સ્ટેટની કાયદાકીય અને સરકારી એજન્સીઓને વેચી હતી. પરંતુ આવી ટૅક્નૉલૉજીએ અંગત માહિતીને લઈને ચિંતા વધારી દીધી છે.

કેમ કે આ ડર હંમેશાં બની રહે છે કે પોલીસ કે બીજી કોઈ એજન્સી ના માત્ર અપરાધી તેમજ સામાન્ય લોકોનો ડેટા પણ ઉપયોગ કરી રહી છે જે અપરાધી નથી. પરંતુ કોઈ રીતે પોલીસ કે સરકાર માટે મુશ્કેલી બની ગઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો