લોકસભા ચૂંટણી 2019 : ગુજરાતમાં 23મી એપ્રિલે મતદાન, કુલ સાત તબક્કામાં મતદાન

 • ટીમ બીબીસી ગુજરાતી
 • નવી દિલ્હી
ગુજરાતમાં મતદાન

આગામી લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં યોજાશે અને 23 મે 2019ના રોજ પરિણામની જાહેરાત થશે. ગુજરાતમાં 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે

ક્યા રાજ્યમાં ક્યારે યોજાશે મતદાન?

EVMની સાથે VVPAT

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

EVMની સાથે VVPATનો ઉપયોગ થશે

 • તમામ પોલિંગ સ્ટેશન ઉપર EVM (Electronic Voting Machine)ની સાથે VVPAT (Voter Verifiable Paper Audit Trail) યુનિટનો ઉપયોગ થશે.
 • 1950 નંબર ઉપર SMS કરીને મતદાર યાદીમાં નામ છે કે નહીં, તેની ખાતરી કરી શકાશે 
 • લગભગ 10 લાખ પોલિંગ સ્ટેશન ઉપર મતદાન થશે, જે ગત વખતની સરખામણીએ 10.1 ટકા વધુ છે 
 • તહેવારો અને પરીક્ષાઓને ચૂંટણીની તારીખો જાહેર કરવામાં ઘ્યાનમાં રાખ્યા
 • આશરે 90 કરોડ મતદાતા પોતાના મતનો ઉપયોગ કરશે
 • જો ઉમેદવારે ફૉર્મ અધૂરું છોડ્યું હશે તો તેની ઉમેદવારી રદ થઈ જશે 
 • રાત્રે 10 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ નહીં થઈ શકે
 • દોઢ કરોડ મતદાતા 18 થી 19 વર્ષ ઉંમરની વચ્ચેના
 • લોકસભાની સાથે પાંચ રાજ્યોમાં પણ વિધાનસભા ચૂંટણી થશે
 • ઍન્ડ્રૉઇડ ઍપ ડાઉનલોડ કરીને મતદાતા ક્યાંય આદર્શ આચારસંહિતાનો ભંગ થતો હોય તો તેની જાણ (નામ આપીને કે ગુપ્ત રીતે) ચૂંટણી પંચને કરી શકશે. ફરિયાદના 100 મિનિટમાં અધિકારીએ કાર્યવાહી હાથ ધરવાની રહેશે  
 • ઇલેક્શન કાર્ડના વિકલ્પરૂપે ઓળખના 11 પુરાવા માન્ય ગણાશે 
 • ફેસબુક, ટ્વિટર, યૂટ્યુબ અને ગૂગલે લેખિત ખાતરી આપી છે કે માન્યતા પ્રાપ્ત જાહેરાત જ તેમના પ્લૅટફૉર્મ ઉપરથી પ્રકાશિત થશે. માન્યતા પ્રાપ્ત વ્યક્તિ, એજન્સી કે કંપની પાસેથી જ જાહેરાત લેશે
 • તમામ પ્લૅટફૉર્મ્સ ચૂંટણી અધિકારીની વિનંતીના આધારે વાંધાજનક સામગ્રીને તત્કાળ હટાવી લેશે

ગુજરાતમાં મતદાન અને સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. 16મી લોકસભા દરમિયાન ભાજપને તમામ 26 બેઠકો મળી હતી.

રાજ્યની સ્થાપનાથી અત્યારસુધીનું કોઈપણ પક્ષનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. ભાજપની સામે એ પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો પડકાર હશે.

વડા પ્રધાન મોદી ઉત્તર પ્રદેશના વારાણસી ઉપરાંત ગુજરાતની વડોદરા બેઠક ઉપરથી પણ ચૂંટણી લડ્યા હતા અને બંને બેઠકો પરથી જીત્યા હતા.

જોકે, બાદમાં તેમણે વડોદરાની બેઠક ખાલી કરી હતી અને વારાણસીની બેઠક ઉપરથી સાંસદ તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.

કુલ 26માંથી બે બેઠકો અનુસૂચિત જાતિ તથા ચાર બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આદર્શ આચારસંહિતા શરૂ

ચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચવાની તારીખથી લઈને મતદાનની તારીખની વચ્ચે આદર્શ રીતે 14 દિવસનો ચૂંટણીપ્રચારનો સમય મળવો જોઈએ.

28મી માર્ચે ગુજરાતમાં ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડશે અને તા. 23મી એપ્રિલે મતદાન થશે.

આ સિવાય ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવાથી લઈને ઉમેદવારી દાખલ કરવાની વચ્ચે સાત દિવસનો ગાળો આપવામાં આવે છે.

આમ ચૂંટણી ઉમેદવારીને લગતી ઔપચારિક્તાઓ પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા 21 દિવસ રાખવામાં આવે છે.

મે, 2019 પહેલાં 17મી લોકસભાની ચૂંટણી યોજીને પરિણામોની જાહેરાત કરી દેવા પડશે.

વર્ષ 2014માં 16મી લોકસભાનું ગઠન થયું હતું, તેના માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત પાંચમી માર્ચે જાહેર કરવામાં આવી હતી.

16મી મેના દિવસે ચૂંટણી પરિણામો સાથે 72 દિવસનું 'ચૂંટણીચક્ર' પૂર્ણ થયું હતું.

વર્ષ 2009માં 15મી લોકસભાના ગઠન માટે બીજી માર્ચના દિવસે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી.

16મી મેના દિવસે પરિણામ જાહેર થયાં હતાં, એ સમયે કુલ પાંચ તબક્કામાં મતદાન થયું હતું અને તેની પ્રક્રિયા 75 દિવસ સુધી ચાલી હતી.

કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચનાના આધારે તમામ રાજ્યો (તથા કેન્દ્રશાસિત પ્રદેશો)ના મુખ્ય સચિવોની બદલીની પ્રક્રિયા તા. 28મી ફેબ્રુઆરી પહેલાં પૂર્ણ કરી દેવામાં આવી છે.

શા માટે લાંબોગાળો?

ઇમેજ સ્રોત, Getty Images

જો અમેરિકા વિશ્વની સૌથી જૂની લોકશાહી છે, તો ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જેમાં અંદાજે 90 કરોડ લોકો મતાધિકારનો પ્રયોગ કરશે.

ભારત જેવા ભૌગોલિક, સાંસ્કૃતિક, ધાર્મિક વૈવિધ્ય ધરાવતા દેશમાં એકસાથે ચૂંટણી યોજવી સ્વાભાવિક રીતે શક્ય નથી.

ચૂંટણીની તારીખો નક્કી કરવા માટે ચૂંટણી પંચ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષાઓ (જેમ કે, બોર્ડની પરીક્ષાઓ), સ્થાનિક મહત્ત્વપૂર્ણ તહેવાર (જેમ કે, ગુજરાતમાં નવરાત્રી), સ્થાનિક વાતાવરણ (જેમ કે, શિયાળા દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોમાં હીમવર્ષા) જેવાં પરીબળોને ધ્યાને લેવામાં આવે છે.

જો ઉપરોક્ત પરીબળોને અવગણવામાં આવે તો તેની સીધી અસર મતદાનની ટકાવારી પર થઈ શકે છે, જે ઉમેદવારના વિજય-પરાજયને અસર કરી શકે છે.

આ સાથે જ આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ઓડિશા તથા જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પણ યોજાશે.

આથી, સ્થાનિક સંજોગોને ધ્યાને લઈને વિધાનસભા ચૂંટણીની તારીખો અને તબક્કા નક્કી કરવામાં આવશે.

ચૂંટણી તૈયારીઓમાં સરળતા રહે અને બમણી મહેનત ન થાય તે માટે વિધાનસભાની ચૂંટણી માટે અલગ EVM ઉપર વોટિંગ કરવાનું રહે છે.

આ વખતે તેની સાથે VVPAT યુનિટ પણ જોડાયેલું હશે.

બેઠકો અને અનામત. . .

ભારતની લોકશાહી વ્યવસ્થા બ્રિટનના વેસ્ટમિન્સ્ટર મૉડલ પર આધારિત છે. બ્રિટનમાં એક જ દિવસમાં મતદાન થાય છે.

સાંજ પડતા ઍક્ઝિટ પોલ આવવા લાગે છે અને રાતોરાત ગણતરી પૂર્ણ કરી દેવાય છે, બીજા દિવસે સવાર સુધીમાં ચૂંટણી પરિણામ પણ મળી જાય છે.

ભારત દેશના ભૌગોલિક વ્યાપને કારણે અને સુરક્ષા વ્યવસ્થાને જાળવી રાખવા માટે તબક્કાવાર મતદાન કરાવવામાં આવે છે.

દેશમાં અનુસૂચિત જાતિ (84 બેઠક) તથા અનુસૂચિત જનજાતિ (47 બેઠકો) માટે કુલ 131 બેઠકો અનામત રાખવામાં આવી છે.

કુલ 543 બેઠકોમાંથી કોઈ પણ પક્ષ (કે ગઠબંધન)ને સત્તા સુધી પહોંચવા માટે 272 બેઠકો મેળવવી રહે.

બંધારણીય જોગવાઈ મુજબ લોકસભાની બેઠકોની મહત્તમ સંખ્યા 552 હોય શકે.

ચૂંટણીની જાહેરાત પછી

ઇમેજ સ્રોત, Getty Images

ચૂંટણીની જાહેરાત સાથે જ 'આદર્શ આચાર સંહિતા' અમલમાં આવી જાય છે.

કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર મતદારોને 'આકર્ષિત' કે 'પ્રભાવિત' કરી શકે તેવી જાહેરાત ન કરી શકે. આ સિવાય લોકહિતની કોઈ યોજનાનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કે ઉદ્ઘાટન ન કરી શકે.

ત્યારબાદ તમામ સરકારી સંસાધનો (જાહેર મેદાન, હેલિપેડ, સરકારી પ્રસાર માધ્યમો ઉપર પ્રચાર સમય) વગેરે ઉપર તમામ માન્યતા પ્રાપ્ત પક્ષોનો અધિકાર સમાનપણે રહે છે.

તમામ તબક્કાનું મતદાન પૂર્ણ ન થઈ જાય, ત્યારસુધી ઈવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ને સીસીટીવી, કેન્દ્રીય સુરક્ષાબળ અને બહુસ્તરીય સુરક્ષાની વચ્ચે સીલબંધ રૂમમાં સુરક્ષિત રીતે સાચવી રાખવામાં આવે છે.

કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ પ્રમાણે, અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થાય, તે પછી જ ઍક્ઝિટ પોલ્સ બહાર પાડી શકાય છે.

અંતિમ તબક્કાના બેથી ત્રણ દિવસની અંદર મતગણતરી હાથ ધરવામાં આવે છે.

ઇમેજ સ્રોત, FB@NitinPatel

અગાઉ જ્યારે બૅલેટપેપર દ્વારા મતદાન થતું, ત્યારે પરિણામોનું વલણ જાણવામાં સાંજ પડી જતી અને પરિણામો સ્પષ્ટ થતા દિવસો નીકળી જતા.

જ્યારે ઈવીએમ મારફત મતગણતરી થવાથી બપોર સુધીમાં પરિણામોનાં વલણોના અણસાર મળી જાય છે અને સાંજ સુધીમાં પરિણામો સ્પષ્ટ થઈ જાય છે.

ઈવીએમ મારફતે મતદાન થવા છતાંય સુરક્ષાબળોના જવાનો તથા સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બૅલેટ દ્વારા મતદાન કર્યું હોય છે, તેની સૌપ્રથમ ગણતરી હાથ ધરવામાં આવે છે.

બે ઍગ્લો-ઇંડિયન સાંસદોની નિમણૂક સરકારની ભલામણના આધારે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો