જ્યારે મહિલા પોલીસના આ ઉમદા કામે બચાવ્યો એક બાળકીનો જીવ

મહિલા કૉન્સટેબલ
ફોટો લાઈન બાળકીને સ્તનપાન કરાવતાં મહિલા કૉન્સટેબલ સંગીતા

બેંગલુરુમાં એક ત્યજી દેવાયેલી બાળકીને મહિલા પોલીસે સ્તનપાન કરાવીને તેનો જીવ બચાવી લીધો છે.

બેંગલુરુની સરકારી હૉસ્પિટલમાં આ બાળકીને દાખલ કરવામાં આવી હતી.

બુધવારે સવારે બેંગલુરના યેલોહંકા વિસ્તારમાં આવેલી હૉસ્પિટલમાં આ બાળકીને લાવવામાં આવી હતી.

જે બાદ સંગીતા હલીમાણી નામનાં મહિલા પોલીસ અધિકારીને આ બાળકી કોણ છે તે અંગેની તપાસ સોંપવામાં આવી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

સંગીતાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "જ્યારે હું ત્યાં પહોંચી, ત્યારે મેં જોયું કે તેને ગ્લુકોઝ પર રાખવામાં આવી હતી."

"મેં ત્યાં કહ્યું કે જો મને રજા આપવામાં આવે તો હું બાળકીને સ્તનપાન કરાવી શકું, કેમ કે મારે ઘરે 10 મહિનાનું બાળક છે."

ત્યજી દેવાયેલી બાળકી સવારે મૉર્નિંગ વૉક કરવા આવતી એક વ્યક્તિને કૃષિ યુનિવર્સિટીના કંપાઉન્ડમાંથી મળી હતી.

25 વર્ષનાં સંગીતા કહે છે, "તે કચરામાં પડી હતી અને બાળકીને કીડીઓ પણ કરડી હતી."

જેવું જ બાળકીને સ્તનપાન કરાવી લેવામાં આવ્યું કે તેને વધારે સારવાર માટે શહેરની વાણી વિલાસ હૉસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી.

ફોટો લાઈન હાલ બાળકી વધારે સારવાર માટે હૉસ્પિટલમાં છે

બાળકીને વધારે સારવારની જરૂરિયાત હતી કારણે કે તેને ચેપ લાગવાની શક્યતા હતી.

યેલાહંકા હૉસ્પિટલનાં ડૉક્ટર આસ્મા તબસ્સુમના જણાવ્યા પ્રમાણે બાળકીને હાઇપોગ્લાઇકેઇમિઆ થયો હતો. જેથી તેનું સુગલ લેવલ ઘટી ગયું હતું.

તેમણે કહ્યું, "અમારી પ્રાથમિક જાણકારી પ્રમાણે એવું લાગે છે કે બાળકી એક દિવસ પહેલાં જન્મી હશે અને તેને 10થી 12 કલાક સુધી કંઈ ફૂડ મળ્યું નથી."

વાણી વિલાસ હૉસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઑફિસર ડૉક્ટર રવિન્દ્રનાથ મેતીના જણાવ્યા પ્રમાણે હવે બાળકીની તબિયત ખૂબ સારી છે.


સ્તનપાને બાળકીને બચાવવામાં મદદ કરી

ફોટો લાઈન મહિલા પોલીસ અધિકારીના સ્તનપાનને કારણે બાળકી બચી ગઈ

બંને ડૉક્ટરોના મત મુજબ સ્તનપાને બાળકીને બચાવી લેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

ડૉક્ટર તબસ્સુમે કહ્યું, "સ્તનપાને ખરેખર ખૂબ મદદ કરી. જેના કારણે બાળકીને ફરીથી ખવડાવવામાં ઘણી મદદ મળી રહેશે."

ડૉક્ટર મેતીના જણાવ્યા પ્રમાણે, "સ્તનપાનને કારણે ઘટી ગયેલા સુગર લેવલને નૉર્મલ કરવામાં મદદ મળી હતી. ઉપરાંત ચામડીના સ્પર્શે પણ બાળકીને બચાવવામાં મદદ કરી હતી."

સંગીતાએ બાળકીની સ્થિતિ જોવા માટે વાણી વિલાસ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.

સંગીતાએ કહ્યું, "ડૉક્ટરે મને કહ્યું કે તે સારી છે, મને હૉસ્પિટલ છોડવાનું મન ન હતું થતું. જ્યારે હું ઘરે આવી અને મારા બાળકને જોયું ત્યારે મારા મનને શાંતિ થઈ."

"મારા પતિએ કહ્યું કે મેં ખૂબ સારું કામ કર્યું છે."

ડૉક્ટરોએ તેમના આ ઉમદા કાર્યની સરાહના કરી છે પરંતુ સંગીતા કહે છે કે તેમને બાળક હોવાથી તે આ બાળકીને દત્તક લઈ શકે એમ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો