વાઇબ્રન્ટ ગુજરાત 2019 : નરેન્દ્ર મોદી - આવતાં વર્ષે 'ઇઝ ઑફ ડુઇંગ' બિઝનેસમાં ટોપ-50માં લાવવા લક્ષ્યાંક

માલ્ટાના વડા પ્રધાન સાથે મોદી Image copyright Getty Images
ફોટો લાઈન માલ્ટાના વડા પ્રધાન સાથે મોદી

વાઇબ્રન્ટ ગુજરાત 2019 શરૂ થઈ ગયું છે, બપોરના ભાગમાં નરેન્દ્ર મોદી ટોચના ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન મુલાકાત કરશે.

રિપોર્ટ પ્રમાણે, ફાઇટર જેટ રફાલના વિવાદને કારણે લગભગ દર વખતે જોવા મળતા અનિલ અંબાણીને આમંત્રણ આપવામાં નથી આવ્યું.

પ્રાસંગિક ભાષણમાં રૂપાણીએ મોદીનું 'ઘરમાં સ્વાગત' કર્યું હતું.

ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે તા. 18મી જાન્યુઆરીથી તા. 20મી જાન્યુઆરી દરમિયાન 'વાઇબ્રન્ટ ગુજરાત' યોજાઈ રહ્યું છે.

એક વર્ષ છોડીને વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થાય છે, ચાલુ વર્ષે નવમી આવૃત્તિ યોજાઈ રહી છે.


વડા પ્રધાન ભાષણના મુખ્ય મુદ્દા

- આંતરાષ્ટ્રીય સહકાર એ માત્ર દેશની રાજધાની સુધી મર્યાદિત ન રહેતા, રાજ્યોના પાટનગરો સુધી પહોંચી શક્યો છે.

- મારી સરકારનો મંત્ર રિફૉર્મ, પર્ફૉર્મ, ટ્રાન્સફૉર્મ અને ફર્ધર પર્ફૉર્મનો છે.

- વિશ્વ બૅન્ક અને આઈએમએફ તથા રૅન્કિંગ ઍજન્સીઝએ ભારતના અર્થતંત્રમાં વિકાસ કર્યો છે.

- ભારત અગાઉ ક્યારે સજ્જ ન હતું તેટલું હવે ઉદ્યોગ સાહસિક્તા માટે સજ્જ થયું છે.

- આવતાં વર્ષે ભારતને ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસમાં ટોચના 50 રાષ્ટ્રોમાં લાવવાનું લક્ષ્યાંક ધરાવીએ છીએ.

- મધ્યમ વર્ગની ખરીદશક્તિના કારણે ભારતમાં ઉત્પાદક્તા વધી છે.

- ઉદ્યોગ શરૂ કરવા અને બંધ કરવાની વ્યવસ્થા વધુ સરળ અને સુગમ બનાવી છે.

- ડિજિટલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા દ્વારા મૅક ઇન ઇંડિયાને વેગ મળશે અને અમે ભારતને મૅન્યુફેકચરિંગ હબ બનાવવા લક્ષ્યાંક

- 'આયુષ્માન ભારત'ને કારણે મેડિકલ અને આનુષંગિક સેવાઓમાં વિકાસની અમર્યાદિત તકો રહેલી છે.

- ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને ડિમાન્ડને કારણે ભારતમાં રોકાણ કરવું વધુ લાભકારક છે.

- જરૂર પડ્યે હું હંમેશા હાજર રહીશ.


'ગુજરાતી હોવાનો ગર્વ'

Image copyright AFP
ફોટો લાઈન ફાઇલ તસવીર

રિલાયન્સ જૂથના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું :

- ગૌતમભાઈ અદાણીની જેમ હું પણ દરેક વાઇબ્રન્ટમાં હાજર રહ્યો છું. તેઓ ગુજરાતના સપૂત છે અને દેશના દૂરંદેશી ધરાવે છે.

- ગુજરાત એ રિલાયન્સમની 'જન્મભૂમિ અને કર્મભૂમિ' છે. રિલાયન્સ 'ઇન્ડિયા ફર્સ્ટ અને ઇન્ડિયામાં ગુજરાત ફર્સ્ટ'ની નીતિ ધરાવે છે.

- ગુજરાતમાં અમે રૂ. ત્રણ લાખ કરોડનું રોકાણ કર્યું છે, જેના દ્વારા પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ રીતે દસ લાખ રોજગારનું સર્જન કર્યું છે.

- આગામી દાયકામાં રોકાણ અને રોજગારીને બમણાં કરવાનું લક્ષ્યાંક ધરાવે છે.

- મને ગુજરાતી હોવાનો ગર્વ છે અને છ કરોડ ગુજરાતીઓને કહેવા માગીશ કે તમારું સપનું છે.

- આપણે ગુજરાતને વિશ્વનો સૌથી સમૃદ્ધ બનાવવાનો છે, આપણે આ કરી શકીએ છીએ અને કરી શકીશું.

- આ માટે ગુજરાતી યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક્તાને વિક્સાવવાની જરૂર છે.

- જિયો અને રિલાયન્સ કૉમર્સનું ઑનલાઇન પ્લેટફોર્મ ગુજરાતથી શરૂ કરીશું.

- જિયો ગુજરાતમાં 5જી માટે સજ્જ છે.


વાઇબ્રન્ટ ગુજરાત અપડેટ્સ

Image copyright Twitter/Gautam_Adani

- અદાણી જૂથના ગૌતમ અદાણીએ કહ્યું હતું કે 'મારા ગૃહ રાજ્યમાં યોજાતી આ સમિટ માટે ગર્વ અનુભવું છું. મોદીજી, આ સમિટ તમારી દૂરંદેશીનું પ્રતીક છે.''ગુજરાતે નવા ભારતના વિકાસને નવો રાહ દેખાડ્યો છે.'

- અમદાવાદ સ્થિત ટૉરેન્ટ જૂથના વડા સુધીર મહેતાએ કહ્યું કે 'પહેલી સમિટમાં 500 ડેલિગેટ્સ આવ્યાં હતાં અને નવમી સમિટમાં ત્રીસ હજાર ડેલિગેટ્સની હાજરી રોકાણકારોનું રાજ્ય પ્રત્યેનું આકર્ષણ દર્શાવે છે.'

- આદિત્ય બિરલા જૂથના કુમાર મંગલમ્ બિરલાએ કહ્યું હતું કે 'વિશ્વની સૌથી મોટી પ્રતિમા દ્વારા ગુજરાતે 'ભારત અને ભારતીયો'ને ગર્વ કરવાનું કારણ આપ્યું છે.'

'બિરલા જૂથે 1950માં વેરાવળ ખાતે પહેલો પ્લાન્ટ નાખ્યો અને આજે 26 હજાર કર્મચારીઓ કામ કરે છે.'

- ટાટા જૂથના એન ચંદ્રશેખરને કહ્યું, 'ગુજરાતમાં ટાટાના 26 હજાર કર્મચારીઓ કાર્યરત છે તથા ત્રીજા ક્રમાંકનું રોકાણ કરેલું છે.''આ સિવાય ગુજરાતમાં જમશેદજી ટાટાનો જન્મ થયો હોવાથી ગ્રૂપ માટે તેનું સ્થાન વિશેષ છે.'

- સૂઝુકી જૂથના સીઈઓ તોશિહિરો સૂઝુકીએ જાહેરાત કરી હતી કે 2020 સુધીમાં રાજ્યમાં કંપનીનું ત્રીજું યુનિટ કાર્યરત થઈ જશે, જેની વાર્ષિક ક્ષમતા સાડા સાત લાખ યુનિટ્સની હશે.

સૂઝુકી ગુજરાતમાં હાઇબ્રિડ યુનિટ્સ વિકસાવવા માટે ટૉયેટાની મદદથી રોકાણ વધારશે.

- વિજય રૂપાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા કહ્યું કે 'આપના 'ઘરમાં તમારું' સ્વાગત છે અને તમારી દૂરંદેશી ઉપર રાજ્યને આગળ લઈ જવા કટિબદ્ધ છીએ.'


અંબાણી ગેરહાજર

Image copyright Getty Images
ફોટો લાઈન ફાઇલ તસવીર

ન્યૂઝ ઍજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, પાંચ દેશના રાષ્ટ્રાધ્યક્ષો ઉપરાંત 30 હજાર ભારતીય-વિદેશી ડેલિગેટ્સ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યાં છે.

BASF, ડીપી વર્લ્ડ, સુઝુકી, વેનગાર્ડ અને માર્સૅક જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓના CEOs (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર્સ) પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.

આ ઉપરાંત સૉવરિન ફંડ્સ અને પેન્શન ફંડ્સના ઉચ્ચ અધિકારીઓ સાથે વડા પ્રધાન મોદી બેઠક કરશે.

કાર્યક્રમમાં મુકેશ અંબાણી (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ), ઉદય કોટક (કોટક મહિન્દ્રા બૅન્ક), કુમાર મંગલમ્ બિરલા (બિરલા જૂથ), ગૌતમ અદાણી (અદાણી જૂથ), આદી ગોદરેજ (ગોદરેજ જૂથ) અને પંકજ પટેલ પણ હાજર રહ્યા.

જોકે, વર્ષ 2003થી દરેક સમિટમાં હાજર રહેતા અનિલ અંબાણી (એડીએજી જૂથ)ને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

ગુજરાતના મુખ્ય સચિવ મનોજ દાસે અંગ્રેજી અખબાર Times Of Indiaને જણાવ્યું કે "જે ઉદ્યોગપતિ સામે સહેજ પણ શંકા હોય તેમને આમંત્રણ આપવામાં નથી આવ્યું."

ઉલ્લેખનીય છેકે રફાલ સોદામાં અનિલ અંબાણીની કંપનીને લાભ પહોંચાડવાની ચર્ચાને કારણે આમંત્રણ નથી આપવામાં આવ્યું.

આપને આ પણ વાચવું ગમશે

ગુજરાતમાં મોદી

Image copyright Getty Images
ફોટો લાઈન વાઇબ્રન્ટ ગુજરાત ખાતે મૂકવામાં આવેલું બુલેટ ટ્રેન સ્ટિમ્યૂલેટર

નરેન્દ્ર મોદી 17મી જાન્યુઆરીથી ગુજરાતમાં છે અને તેમણે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર 'શૉપિંગ ફૅસ્ટિવલ'નું ઉદ્ઘાટન કરાવ્યું હતું.

આ સિવાય મોદીએ અમદાવાદમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન સંચાલિત 1500 બેડની હૉસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું.

આ પહેલાં મોદીએ કેન્દ્ર શાસિત પ્રદેશ સિલ્વાસાની મુલાકાત લીધી હતી અને ત્યાં જાહેરસભાને સંબોધિત કરી હતી.

ચાલુ વર્ષે ગુજરાતમાં લગભગ બે લાખ વર્ગ મીટર વિસ્તારમાં પ્રદર્શન યોજાઈ રહ્યું છે, જેમાં 25 બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીયલ સૅક્ટર તેમના ઉત્પાદનોનું નિદર્શન કરી રહ્યાં છે.


ગુજરાત મૉડલનું અનુકરણ

Image copyright FB/TNGIM2019

વર્ષ 2003માં ગુજરાતે શરૂઆત કરી, ત્યારબાદ અનેક રાજ્યો દ્વારા ખાનગી તથા વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

આ પછીના દોઢ દાયકા દરમિયાન છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ ભાજપ શાસિત રાજ્યોએ આ પ્રકારની સમિટ્સનું આયોજન કર્યું હતું.

આ સિવાય મમતા બેનરજીના નેતૃત્વવાળી પશ્ચિમ બંગાળની તૃણમુલ કૉંગ્રેસ સરકાર, સમાજવાદી પાર્ટીના કાર્યકાળ દરમિયાન ઉત્તર પ્રદેશ, ઑલ ઇંડિયા અન્ના દ્રમુકના નેતૃત્વવાળી તામિલનાડુ સરકાર પણ સમાન પ્રકારની ઇવેન્ટ્સ આયોજિત કરી ચૂકી છે.

તથા અન્ય પક્ષો દ્વારા શાસિત રાજ્ય સરકારોએ પણ સમાન પ્રકારના પ્રયોગ હાથ ધર્યા હતા.


મોદીનું બ્રેઇન-ચાઇલ્ડ

Image copyright Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારે વર્ષ 2003થી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થાય છે.

ભારતભરમાંથી ગુજરાત ઉદ્યોગપતિઓ માટે 'રોકાણ માટે ફૅવરિટ' રાજ્ય બનાવવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી.

ખાનગી મૂડી રોકાણ, સીધું વિદેશી મૂડી રોકાણ અને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપના ઍજન્ડા સાથે શરૂ થયેલી સમિટમાં હવે આર્થિક અને સામાજિક બાબતો ઉપર પણ મનોમંથન કરવામાં આવે છે.

આ માટે અલગ-અલગ ક્ષેત્રના નિષ્ણાતો અને સક્રિય બુદ્ધિજીવીઓને આમંત્રણ આપવામાં આવે છે.

વરિષ્ઠ પત્રકાર રાજીવ શાહના કહેવા પ્રમાણે, "2002ના હુલ્લડો બાદ ગુજરાતમાં વધુ રોકાણ કરવા માટે ઉદ્યોગપતિઓ ખચકાઈ રહ્યા હતા. ત્યારે આ પ્રકારનું કોઈ આયોજન જરૂરી બની ગયું હતું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો