આ રીતે સપ્તક બન્યું છે અમદાવાદની 'વાઇબ્રન્ટ' ઓળખ

સપ્તક Image copyright Saptak archives
ફોટો લાઈન સપ્તકના વિદ્યાર્થીઓ

સમગ્ર દુનિયામાં વેપારી પ્રજા તરીકે ગુજરાતીઓની એક છાપ રહી છે. તેથી જ દુનિયાભરમાં પોતાના મધુર સિતારવાદન અને તેમાં નવતર પ્રયોગો માટે જાણીતા પંડિત રવિશંકર પ્રથમ વખત અમદાવાદ આવ્યા ત્યારે તેમણે કહેલું કે 'અમદાવાદ માટે સંગીત એટલે રૂપિયે કી ઝનકાર.'

સંગીત મહોત્સવ સપ્તક દ્વારા અમદાવાદે આ મહેણું ભાંગી નાખ્યું છે અને ધીમે ધીમે શાસ્ત્રીય સંગીતમાં અમદાવાદ આખા દેશમાં વાઇબ્રન્ટ બની ગયું છે. વાઇબ્રન્ટ ગુજરાત બિઝનેસ સમીટ ગુજરાતની ધંધાકીય ઓળખ છે કે નહીં એ વિશે અનેક લોકોમાં મતભેદ છે પણ સપ્તકે ચોક્કસ પોતાને અમદાવાદની વાઇબ્રન્ટ ઓળખ તરીકે સ્થાપિત કર્યું છે.

છેલ્લાં 40 વર્ષથી જાણીતા સિતારવાદક મંજુ મહેતા અને તેમના પતિ તબલાવાદક સ્વ. પંડિત નંદન મહેતાના પ્રયત્નોથી સપ્તકે શાસ્ત્રીય સંગીતના કેન્દ્ર તરીકે આગવી છાપ ઊભી કરી છે.

દર વર્ષે 1થી 13 જાન્યુઆરી દરમિયાન આ સમારોહ યોજાતો સપ્તક સમારોહ હમણાં જ પૂરો થયો છે ત્યારે એની આ ખાસિયતો માણવા જેવી છે.


આવી રીતે સપ્તકની શરૂઆત થઈ

Image copyright Saptak archives
ફોટો લાઈન અનુશ્કા શંકર

39 વર્ષ પહેલાં પંડિત રવિશંકરનાં શિષ્યા મંજુ મહેતા અને પંડિત કિશન મહારાજના શિષ્ય પંડિત નંદન મહેતાએ પોતાના ગુરુઓને આમંત્રણ આપીને એક નાની બેઠકનું આયોજન કરેલું.

જેમાં માત્ર મિત્રો અને પરિવારજનો હાજર હતા.

ધીરે-ધીરે તેમાં આમંત્રિતો માટેની બેઠકો ઉમેરાઈ, શ્રોતાઓની સંખ્યા વધતા આયોજન સ્થળ પણ બદલાતાં રહ્યાં.

હવે 1થી 13 જાન્યુઆરી સુધી દર વર્ષે અમદાવાદ ખાતે યોજાતો આ સપ્તક સંગીત સમારોહ યોજાય છે.

જેમાં દરરોજના લગભગ બેથી અઢી હજાર શ્રોતાઓ આવે છે. આ મહોત્સવ દરમિયાન 500 જેટલાં વિદેશી મહેમાનો પણ આવે છે.

સપ્તક સ્કૂલ ઑફ મ્યુઝિકના ડિરેક્ટર પ્રફુલ્લ અનુભાઈ જણાવે છે, "આજથી લગભગ 15થી 20 વર્ષ પહેલાં કાશીરામ હૉલમાં પંડિત હરિપ્રસાદ ચૌરસિયા અને ઉસ્તાદ ઝાકીર હુસેને જુગલબંદી કરી હતી."

Image copyright Saptak archives
ફોટો લાઈન વિદૂષી મંજૂ મહેતા, પં.વિશ્વમોહન ભટ્ટ, પં.રાજન સાજન મિશ્રા, ઉસ્તાદ ઝાકીર હુસૈન, પં.કિશન મહારાજ, પં.હરિપ્રસાદ ચૌરસિયા

"પંડિત ચૌરસિયાએ આલાપ વગાડવાનો શરૂ કર્યો. તેઓ હંમેશાં લાંબો આલાપ(રાગના વાદનની શરૂઆત, જેમાં રાગનો પરિચય મળે છે અને રાગ વિસ્તાર થાય છે.) વગાડે છે."

"પછી તેમણે ગત(જેમાં રાગના સ્વરો સાથે તાલ વાદન પણ જોડાય છે) શરૂ કરી અને ઝાકીરે તબલાં વગાડવાનાં શરૂ કર્યાં."

"આ કાર્યક્રમ પૂરો થયા બાદ પંડિતજી બૅકસ્ટેજ આવ્યા, મને અને નંદનભાઇને મળ્યા અને કહ્યું કે આ ઑડિયન્સ સપ્તકમાં જ મળી શકે."

"ઝાકીર હુસેન જેવા કલાકાર સ્ટેજ પર હોય, જેને સાંભળવા જ લોકો મોટી સંખ્યામાં આવતા હોય."

"ઝાકીરે પોણા કલાક સુધી માત્ર સ્ટેજ પર બેસવાનું જ હોય અને તબલાં ન વગાડે અને છતાં ઑડિયન્સ શાંતિથી સાંભળે એ સમજ સપ્તકના ઑડિયન્સમાં છે."

એ લોકો ઝાકીર..ઝાકીર..ની બૂમો નહીં પાડે."


આયોજનના પાયામાં મહિલાઓ

Image copyright Saptak archives
ફોટો લાઈન પંડિત જસરાજ

આજે મંજુ મહેતાની પુત્રીઓ હેતલ મહેતા જોશી અને પૂર્વી મહેતા સપ્તકરૂપી વારસો આગળ ધપાવી રહ્યાં છે.

સપ્તક ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી મંજુ મહેતા જણાવે છે, "અમે છ મહિના પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ."

"ખાસ તો કાર્યક્રમમાં ગાયન અને અલગ પ્રકારનાં વાદ્યો એમ બૅલેન્સ જાળવવું પડે છે, જેથી શ્રોતાઓનો રસ પણ જળવાઈ રહે."

હેતલ મહેતા જોશી જણાવે છે, "અમારા પાંચ ટ્રસ્ટીઓમાં ત્રણ મહિલાઓ છે, મંજુબહેન, રૂપાંદેબહેન અને ભારતીબહેન. તે ઉપરાંત પ્રફુલ્લ અનુભાઈ અને ડી. ડી. ત્રિવેદી છે."

"કલાકારોને ફોન કરીને તેમની તારીખો મેળવીને તેમને બુક કરવાથી લઈને તેમને મંચ પર પહોંચાડવાની સમગ્ર જવાબદારીમાં મંજુબહેનનો સક્રિય ફાળો હોય છે."

હેતલબહેન ઉમેરે છે, "હવે એ શિસ્ત અને મૂલ્યો જાળવવાની જવાબદારી અમારી છે."

સમગ્ર સમારોહના કાર્યક્રમો અને જે-તે દિવસના શિડ્યૂલિંગનું કામ મંજુબહેન અને તેમનાં બંને પુત્રીઓ મળીને જ કરે છે.

આ વાર્ષિક સમારોહ દરમિયાન લગભગ 150 વિદ્યાર્થીઓ અને વૉલન્ટિયર્સ વ્યવસ્થામાં મદદ કરે છે.


ગુરુ-શિષ્ય પરંપરા

Image copyright Saptak archives
ફોટો લાઈન કૌશિકી ચક્રવર્તી

13 દિવસ સુધી ત્રણ કે ચાર સેશન્સમાં કાર્યક્રમો યોજાય છે, જેમાં શિષ્યો કે, સપ્તક સ્કૂલ ઑફ મ્યુઝિકના વિદ્યાર્થીઓ, દિગ્ગજ કલાકારોના શિષ્યો અને પછી દિગ્ગજ કલાકારો એ પ્રકારે ક્રમ ગોઠવાય છે.

સંગીત મહોત્સવ દરમિયાન યુવા કલાકારોને દિગ્ગજોને રૂબરૂ સાંભળવાની તથા તેમની સાથે સંગત કરવાની તક પણ મળે છે. બેઠક વ્યવસ્થા પણ એ રીતે જ ગોઠવવામાં આવે છે.

આ અંગે પ્રફુલ્લ અનુભાઈ કહે છે, "આગળ સંગીત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કલાકારો બેસે છે. જેમની સાથે પ્રસ્તુતિ દરમિયાન કલાકારનો આઈ કૉન્ટેક્ટ રહે."

"પછી એ લોકો મોડા આવે અને આગળ બેસીને ખોટી જગ્યાએ માથું હલાવે તો કલાકાર અને અન્ય શ્રોતાઓ કોઈને ન ગમે."

"આજે પણ મુખ્ય મંત્રી, રાજ્યપાલ કે અન્ય કોઈ ઉચ્ચ અધિકારી આવે તો તેમના માટે અલગથી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી."


નંદનભાઈ પંડિત જસરાજને જ રાજ્યપાલ પાસે લઈ ગયા

Image copyright Saptak archives
ફોટો લાઈન વિદૂષી મંજૂ મહેતા

વ્યવસ્થા અને સંગીતને પ્રાધાન્ય બાબતે પ્રફુલ્લભાઈ જણાવે છે, "35 વર્ષ પહેલાં એક સમારોહ દરમિયાન રાજ્યપાલ શારદા મુખર્જીએ સમારોહમાં આવવાનો પ્રસ્તાવ મૂક્યો."

"તેઓ પોતે પણ ગાયક હતાં. તેથી અમે એમના માટે વ્યવસ્થા કરી અને તેમની પાછળ એડીસી બેઠાં."

"તેમણે આ સમગ્ર કાર્યક્રમ મણ્યો પણ એમની હાજરીના કારણે સમગ્ર કાર્યક્રમ ઔપચારિક થઈ ગયો."

"પછીનાં વર્ષે આર. કે. ત્રિવેદી રાજ્યપાલ તરીકે આવ્યા અને તેમણે કાર્યક્રમ સાંભળવા આવવાની ઇચ્છા દર્શાવી."

"ત્યારે નંદનભાઈએ કહ્યું કે તમારે અહીં સુધી આવવાની જરૂર નથી, જસરાજજી જ આપને ત્યાં આવી જશે."

"બીજા દિવસે નંદનભાઈ પંડિત જસરાજને રાજભવનમાં લઈને ગયા અને ત્યાં એમણે ગાયન પ્રસ્તુત કર્યું."

"એ પછી દિલીપ પરીખ, સુરેશ મહેતા, ચીફ જસ્ટિસ કે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી બધા જ આવી ગયા પણ કોઈ માટે ક્યારેય અલગ સોફા કે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવ્યા નથી."


આયોજન અને પડકાર

Image copyright Saptak archives
ફોટો લાઈન પંડિત રવિશંકર

છેલ્લાં 39 વર્ષની સપ્તકનું આયોજન કોઈ પણ સરકારી સહાય કે સ્પૉન્સરશિપ વગર થાય છે.

પંડિત રવિશંકર, પંડિત ભીમસેન જોશી, પંડિત જસરાજ, પંડિત શિવકુમાર શર્મા, વિદુષી શોભા ગુર્તુ, વિદુષી ગિરિજા દેવી, વિદુષી કિશોરી આમોનકર, વિદુષી પ્રભા અત્રે, ઉસ્તાદ અમજદ અલી ખાન,

પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન, પંડિત કિશન મહારાજ, પંડિત રાજન સાજન મિશ્રા, ઉસ્તાદ ઝાકીર હુસેન, ઉસ્તાદ વિલાયત ખાન અને ઉસ્તાદ શુજાત ખાન, પંડિત વિશ્વ મોહન,

ભટ્ટ, પંડિત અજોય ચક્રબર્તી જેવા દિગ્ગજો પર્ફૉર્મ કરી ચૂક્યાં છે.

શુભા મુદ્ગલ, કૌશિકી ચક્રવર્તી, ઉસ્તાદ રાશીદ ખાન, અમાન અને અયાન અલી બંગશ કે પછી બોમ્બે જયશ્રી જેવા યુવા કલાકારો પણ સપ્તકના મંચ પરથી પોતાની કલા રજૂ કરી ચૂક્યાં છે.

આ વ્યવસ્થા અંગે મંજુ મહેતા જણાવે છે, "અમે આ સમગ્ર આયોજનમાં કોઈ જ એજન્સીની મદદ નથી લેતાં. સમગ્ર વ્યવસ્થા અને આયોજન સપ્તક પરિવાર દ્વારા થાય છે."

આ અંગે પ્રફુલ્લભાઈ જણાવે છે, "શરૂઆતમાં બીજા કે ત્રીજા વર્ષે અમે ફંડ ઉઘરાવેલું. ત્યારે એ લોકોએ બેસવાની અલાયદી વ્યવસ્થાની માગ કરી. અમે એ વાત સ્વીકારતા નથી, વહેલાં તે પહેલાંના ધોરણે જ લોકો બેસે છે."

"હવે લોકો આ બાબત સ્વીકારે છે અને આવી કોઈ માગ કરતા નથી."


સપ્તક સ્કૂલ ઑફ મ્યુઝિક

Image copyright Saptak archives
ફોટો લાઈન શુભા મુદ્ગલ

1981માં પંડિત નંદન મહેતા અને મંજુ મહેતાએ સપ્તક સ્કૂલ ઑફ મ્યુઝિકની શરૂઆત કરી હતી.

77 વિદ્યાર્થી સાથે શરૂ થયેલી સ્કૂલમાં આજે 450થી વધુ વિદ્યાર્થીઓ સંગીતની તાલીમ લે છે.

સપ્તકના મેનેજિંગ સેક્રેટરી ટ્રસ્ટી સંદીપ જોશી જણાવે છે, "અત્યાર સુધીમાં લગભગ 600થી વધુ શિષ્યો સંગીતની તાલીમ મેળવી ચૂક્યા છે. તેમાંથી લગભગ 78 પ્રૉફેશનલ કલાકાર છે."

"તેમાંથી 15થી 20 વિદ્યાર્થી એવા છે, જે આજે દિગ્ગજ કલાકારો સાથે સંગત કરે છે. તો 5થી 7 વિદ્યાર્થી એવા છે, જે વ્યક્તિગત રજૂઆત કરતા થઈ ગયા છે."

સંદીપ જોશી જણાવે છે, "કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ એવા પણ છે, જે સપ્તક સમારોહને સાંભળવા માટે અમદાવાદ આવ્યા હતા અને પછી સપ્તક સ્કૂલમાં સંગીતની તાલીમ લેવા માટે જોડાઈ ગયા હોય."


જ્યારે ઝાકીર હુસેને નંદનભાઈ પાસે ગાડી માગી

Image copyright Saptak archives
ફોટો લાઈન ઉસ્તાદ ઝાકીર હુસૈન

મંજુ મહેતા જણાવે છે, "પંડિત નંદન મહેતા અને ઉસ્તાદ જેમ તબલાંના મહારથીઓ એમ જ એ બંને ક્લાસિક કારના પણ શોખીન. પંડિત નંદન મહેતાની એક કાર ઝાકીર હુસેનને ને ગમી ગઈ અને નંદનભાઈએ એવી જ એક કાર ઉસ્તાદને ગિફ્ટ કરી હતી."

"પંડિત નંદન મહેતાના પિતાએ 1956માં એક 1100 મૉડલેની ક્લાસિક ફિયાટ કાર ખરીદી હતી. જેને 1981માં પંડિત નંદન મહેતાએ મૉડિફાઈ કરાવી."

"સપ્તકમાં એક વખત આવ્યા ત્યારે ઉસ્તાદે આ કાર જોઈ અને તેમને ગમી ગઈ અને નંદનભાઈ પાસે આ કાર માગી."

"પિતાની કાર હોવાથી નંદનભાઈએ કાર આપી શકે તેમ ન હોવાથી તેમણે અદ્દલ એવી જ બીજી કાર બનાવડાવીને ઝાકીરભાઈને મોકલી આપી."

"જોકે, ઝાકીરભાઈ વ્યસ્તતા અને ભારતમાં લાંબો સમય ન રહી શકવાને કારણે તેમણે એ કાર પરત મોકલી અને અમદાવાદ આવે ત્યારે ચલાવતા."

સંગીત ક્ષેત્રે પ્રદાન આપવા બદલ મંજૂબહેનને વર્ષ 2018નો તાનસેન ઍવૉર્ડ એનાયત થયો છે.


કૉલ પર કલાકાર હાજર

Image copyright Saptak archives
ફોટો લાઈન ઉસ્તાદ અલ્લારખા ખાં, પં.ભીમસેન જોશી, પં.કિશન મહારાજ, પં. સાજન મિશ્રા

હેતલ મહેતા જોશી જણાવે છે, "મંજૂબહેનના એક કૉલથી કલાકારો વિના શરતે તારીખો આપી દે છે. ક્યારેય કોઈ મેઇલ કે પત્ર વ્યવહાર કરવા પડ્યા નથી."

"મંજુબહેન એક જાણીતા સિતારવાદક અને રૂપાંદેબહેન એક ગાયિકા છે. જો અમે કલાકારો ન હોત અને માત્ર આયોજક હોત તો કદાચ આ શક્ય ન હોત."

મંજુબહેન જણાવે છે કે અમે માત્ર સંગીતના પ્રચાર પ્રસારનું કામ કરીએ છીએ તેથી કલાકારો પણ માત્ર ટોકનમાં જૂના સંબંધોનું માન રાખીને જ આવે છે.


ગૃહિણીઓની સંગીતમાં રુચિ

Image copyright Saptak archives
ફોટો લાઈન વમેન ટ્રાયો પર્ફોર્મન્સ

સંદીપ જોશી જણાવે છે, "જોકે, હવે યુવાનોમાં શાસ્ત્રીય સંગીત શીખવાનું પ્રમાણ વધ્યું છે પણ ગૃહિણીઓ પણ સંગીત શીખી રહી છે."

"સપ્તક સ્કૂલ ઑફ મ્યુઝિકમાં 45ની આસપાસ ઉંમર હોય એવી 25થી 30 મહિલાઓ આવે છે."

"તેમાંથી છ બહેનો ગાયન, 10-12 બહેનો હાર્મોનિયમ અને સાત-આઠ બહેનો સિતારવાદન શીખે છે."

"તેમાંથી કેટલાંક તો એવા છે, જે ઘણાં વર્ષથી સંગીત શીખી રહ્યાં છે."

"કેટલાક એવા પણ યુવા કલાકારો છે, જેઓ પહેલાંથી જ પ્રૉફેશનલી કામ કરતા હોય અને બાદમાં પોતાના કૌશલ્યમાં વધારો કરવાના કે સંગીતને વધુ સમજવાના હેતુથી શાસ્ત્રીય સંગીત શીખવા આવ્યા હોય.

જેમકે, સની શાહ, આદિત્ય ગઢવી અને પૂજા વજીરાણી."


સપ્તક આર્કાઇવ્ઝ

Image copyright Saptak archives
ફોટો લાઈન પંડિત નંદન મહેતા અને મંજૂમહેતા

સપ્તક દ્વારા મ્યુઝિક સ્કૂલ ચાલે છે અને દર વર્ષે બે સંગીત સમારોહ - સપ્તક સંકલ્પ સમારોહ અને વાર્ષિક સમારોહનું આયોજન થાય છે, તે ઉપરાંત સપ્તક પાસે એક સમૃદ્ધ આર્કાઇવ્ઝ છે.

સપ્તક સંકલ્પ સમારોહમાં યુવા પેઢીના કલાકારો અથવા જે દિગ્ગજો છે, તેમના શિષ્યો અને તેમને સમકક્ષ કલાકારોને એક મંચ પૂરો પાડવામાં આવે છે.

તે ઉપરાંત દર વર્ષે પંડિત નંદન મહેતા શાસ્ત્રીય તાલ વાદ્ય સ્પર્ધાનું પણ આયોજન થાય છે.

જેમાં સમગ્ર દેશમાંથી તાલ વાદકો ભાગ લે છે. તેના વિજેતાઓને સપ્તકના વાર્ષિક સમારોહ વખતે પોતાની કલા રજૂ કરવાની તક મળે છે.

સપ્તક સંસ્થાનાં 25 વર્ષ પૂરાં થયાં ત્યારે 2004માં સપ્તક આર્કાઇવ્ઝની શરૂઆત થઈ.

જેમાં સંગીતનો સંગ્રહ હોવાની સાથે નાની નાની સંગીતની બેઠકો અને લેક્ચર ડેમોન્સ્ટ્રેશનનું પણ આયોજન થાય છે.

આ આર્કાઇવ્ઝમાં અલભ્ય કૅસેટ્સ, સ્પૂલ (કૅસેટની રીલ જેવી વીડિયો કે ઑડિયોની મોટી રીલ) અને એલપી (ગ્રામૉફોનમાં વગાડવાની રેકર્ડ) સહિત ડિજિટલ ફૉર્મમાં લગભગ 950 કલાકારોના 6,000 કલાકનું રેકૉર્ડિંગ છે.

વિતેલાં વર્ષોના સપ્તક સમારોહના ઑડિયો અને વીડિયો રેકોર્ડિંગ્ઝ પણ ત્યાં સાંભળી અને જોઈ શકાય છે.


સપ્તક સાથે સંકળાયેલા કેટલાક કિસ્સા

Image copyright Saptak archives
ફોટો લાઈન પંડિત નંદન મહેતા

- પંડિત રાજન સાજન મિશ્રા અને પંડિત વિશ્વમોહન ભટ્ટ સહિતના કલાકારોને 13 જાન્યુઆરીએ સપ્તક પૂરો થયા બાદ અમદાવાદની ઉત્તરાયણની મજા માણવી ગમે છે.

- સપ્તક સંગીત સમારોહ યોજાય છે, ત્યારથી તેની બહાર મળતું ગરમ દૂધ અને પાન પણ જાણીતા છે, ત્યારે વિવિધ કલાકારોની કલકત્તી, કાથા, મીઠાં જેવા પાનની પસંદ પણ રસપ્રદ છે.

- પ્રભા અત્રે અને બિરજુ મહારાજ બે એવા કલાકારો છે, જેમની પ્રસ્તુતિ પહેલાં તબિયત નાજૂક હોવા છતાં તેઓએ મંચ પર આવીને પોતાના શ્રોતાઓ સાથે પૂરતો ન્યાય કર્યો છે.

- ગ્રીનરૂમમાં બિરજુ મહારાજે પોતાના શિષ્યો અને અન્ય મુલાકાતીઓને બાળપણનો કિસ્સો સંભળાવતાં કહેલું કે બાળપણ બહુ ગરીબીમાં વિત્યું. દુકાને કોઈ વસ્તુ લેવા જતો, ત્યારે દુકાનદાર કહેતો, નાચ તો જ વસ્તુ આપું.

- જ્યારે એક વખત પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ તેમના બાળપણની બહુ જાણીતા વાત જણાવતાં કહેલું કે તેમના પરિવારમાં તો બધા કુસ્તીબાજ અને પહેલવાન લોકો હતા, ત્યારે સંગીત શીખવાની વાતમાં તેમને બહુ વિરોધનો અને પિતાજીના ગુસ્સાનો સામનો કરવો પડેલો.

- બેગમ પરવીન સુલતાનાની જેમ કિશોરી આમોનકર પણ અમદાવાદની બજારમાંથી ખરીદી કરવાના શોખીન હતાં.


દેશના અન્ય મ્યુઝિક ફેસ્ટિવલઃ

- ડોવરલેન મ્યુઝિક ફૅસ્ટિવલ - કલકત્તા

- હરિવલ્લભ સંગીત સંમેલન - જાલંધર

- સવાઈ ગાંધર્વ ભીમસેન જોશી ફૅસ્ટિવલ - પુણે

- આઈટીસી સંગીત સમારોહ - કલકત્તા

- સ્વામી હરિદાસ સમારોહ - પુણે

- પંડિત મોતીરામ મણિરામ સંગીત સમારોહ - હૈદરાબાદ

- વિરાસત ફૅસ્ટિવલ - દેહરાદૂન

- શ્રી રામ સેવામંડળી ફૅસ્ટિવલ - ચેન્નઈ

- મદ્રાસ મ્યુઝિક સીઝન - ચેન્નાઈ

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
એન્જિનિયરની નોકરી છોડી 1 રૂપિયામાં સંગીત શીખવે છે આ વ્યક્તિ

શાસ્ત્રીય સંગીતની પદ્ધતિઓ

ભગવતી પ્રસાદ પરમારની 'સંગીત સારંગ' પુસ્તિકામાં લખાયેલી માહિતી અનુસાર ભારતીય શાસ્ત્રીય સંગીતમાં બે મુખ્ય પદ્ધતિઓ છે.

ઉત્તર હિંદુસ્તાની અથવા હિંદુસ્તાની સંગીત અને કર્ણાટકી અથવા દક્ષિણ ભારતીય સંગીત.

સામાન્ય રીતે ભારતના વિવિધ પ્રદેશોમાં પ્રચલિત સંગીત શૈલીના આધારે તેના પ્રકાર નક્કી કરવામાં આવ્યા છે.

હિન્દુસ્તાની અને કર્ણાટકી સંગીત પદ્ધતિના કેટલાક રાગ અલગ છે, તો કેટલાક રાગો એવા પણ છે, જે બંને પદ્ધતિમાં ગાવા તથા વગાડવમાં આવે છે.

હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં મુખ્યત્ત્વે હાર્મોનિયમ, તબલાં, પખાવજ જેવાં વાજિંત્રોનો ઉપયોગ થાય છે.

જ્યારે કર્ણાટકી સંગીત પદ્ધતિમાં મુખ્યત્ત્વે વાયોલિન, મૃદંગમ, ઘટમ જેવા વાદ્યોનો ઉપયોગ થાય છે.


શાસ્ત્રીય સંગીતનાં વાદ્યોના પ્રકાર

સંગીત સારંગ પુસ્તિકામાં જણાવ્યા અનુસાર શાસ્ત્રીય સંગીતમાં ચાર પ્રકારનાં વાજિંત્રોનો ઉપયોગ થાય છે, ઘન વાદ્ય, શુષિર વાદ્યો, તંતુ વાદ્યો અને વિતત વાદ્યો.

ઘન વાદ્ય : ધાતુની મદદથી બનેલાં અને એકબીજા સાથે અથવા અન્ય કોઈ સાધન સાથે અથડાવીને વાગતાં વાદ્યોને ઘન વાદ્ય કહેવામાં આવે છે. જેમ કે, મંજીરા, ઘુઘરા, ઝાંઝ.

શુષિર વાદ્યો : હવા ભરીને, હવાના ગુંજારવથી વાગતાં વાદ્યને શુષિર વાદ્ય કહેવાય છે. તેમાં વાંસળી, શંખ, રણશિંગુ, શરણાઈ, સેક્સૉફોન જેવાં વાજિંત્રોનો સમાવેશ થાય છે.

તંતુ વાદ્યો : તારની મદદથી અને તારના ઝણઝણાટથી જેમાં સ્વર ઉત્પન્ન થાય છે, એ વાજિંત્રોને તંતુ વાદ્ય કહેવાય છે. જેમ કે, સિતાર, વિણા, તાનપુરો, વાયોલિન, સરોદ, સંતુર

વિતત વાદ્યો : ચામડાથી મઢેલાં અને થાપ મારીને વગાડવામાં આવતાં વાદ્યોને વિતત વાદ્યો કહેવામાં આવે છે. જેમાં ઢોલ, તબલાં, નગારાં, પખવાજ, મૃદંગ, ઝેમ્બે જેવાં વાજિંત્રોનો સમાવેશ થાય છે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
બે પાકિસ્તાની બહેનોની ગરીબીથી કોક સ્ટુડિયો સુધીની સફર

સંગીતમાં લયના પ્રકારો

શાસ્ત્રીય સંગીતમાં ત્રણ પ્રકારના લય હોય છે. વિલંબિત લય, મધ્ય લય અને દ્રુત લય.

વિલંબિત લય : વિલંબિત લયમાં માત્ર સ્વરો હોય છે, તેની સાથે ઘણી વખત તાલ નથી હોતો. તેનાથી રાગનો પરિચય આપવામાં આવે છે.

કોઈ પણ રાગનો આલાપ વિલંબિત લયમાં રજૂ થાય છે.

મધ્ય લય : વિલંબિત લયથી બમણી ગતિએ થતી રજૂઆતને મધ્યલય કહે છે.

દ્રુત લય : મધ્યલયથી બમણી ગતિએ અથવા સૌથી ઝડપી ગતિએ રજૂ થતા ગાયન અથવા વાદનને દ્રુત લય કહેવામાં આવે છે.


શાસ્ત્રીય સંગીતનાં ઘરાના

સંગીત સારંગ પુસ્તિકા અનુસાર, હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ગાયન અને વાદનની વિવિધ શૈલીના આધારે તેને અલગ અલગ ઘરાનામાં વહેંચવામાં આવે છે.

જેમાં ખયાલ ગાયનમાં ગ્વાલિયર ઘરાના, આગ્રા ઘરાના, કિરાના ઘરાના, જયપુર અત્રોલી ઘરાના, પતિયાલા ઘરાના, બનારસ ઘરાના અને મેવાતી ઘરાના મુખ્ય છે.

તબલાં વાદનમાં દિલ્હી ઘરાના, અજરાળા ઘરાના, લખનૌ ઘરાના, બનારસ ઘરાના અને પંજાબ ઘરાના જાણીતા છે.

સિતાર વાદનમાં ઇમદાદખાની ઘરાના, મૈયર ઘરાના, સેનિયા ઘરાના અને જયપુર ઘરાના જાણીતા છે.


વ્યક્તિના મન અને આરોગ્ય પર શાસ્ત્રીય સંગીતની અસર

Image copyright Saptak archives
ફોટો લાઈન ડૉ. પાર્થ માંકડ

અમદાવાદમાં મ્યુઝિક યુફોનિયા હીલિંગ મ્યુઝિક થૅરપી ક્લિનીક ઍન્ડ રિસર્ચ સેન્ટરના ડૉ. પાર્થ માંકડ જણાવે છે, "સંગીતમાં માત્ર રાગની અસર નથી હોતી."

"જે તે રાગ કયા વાજિંત્ર પર અને કયા લયમાં વાગે છે તેના પર તેની અસરનો આધાર હોય છે."

ડૉ. પાર્થ માંકડ જણાવે છે, "સ્ટ્રેસ, ચિંતા કે ડિપ્રેશનમાં રાગ યમન, પીલુ, કાફી અને રાગ આહિર ભૈરવ જેવા રાગ મધ્ય લય કે દ્રુત લયમાં સાંભળી શકાય છે. ખાસ કરીને આહિર ભૈરવ રાગ એન્ટી-ડિપ્રેશન રાગ તરીકે કામ કરે છે."

"ગર્ભવતી મહિલાઓને નવ મહિનાના સમય ગાળામાં અલગ-અલગ પડાવ પર અલગ પ્રકારની જરૂરિયાતો હોઈ શકે છે.

આ સ્થિતિમાં સામાન્ય રીતે તો કોઈ પણ સારું સંગીત ઉપયોગી થઈ શકે છે."

Image copyright Saptak archives
ફોટો લાઈન પ્રફુલ્લ અનુભાઇ

"તેઓ કોઈ મંત્રોચ્ચાર સાથેનું સંગીત સાંભળી શકે કારણ કે મંત્રોના ધ્વનિની પણ ખાસ અસર હોય છે. એ ઉપરાંત તેઓ મલ્હાર, યમન અને ભૈરવી જેવા રાગો સાંભળી શકે છે."

"યાદશક્તિ અને એકાગ્રતા માટે વિદ્યાર્થીઓ તંતુ વાદ્ય વધારે સાંભળી શકે છે. ખાસ કરીને સિતારમાં દ્રુત લયમાં રાગ હમીર કે દરબારી કાનડા સાંભળી શકે છે."

આ બાબતે ડૉ. પાર્થ માંકડ આઇઆઇટી દિલ્હી ખાતે હાથ ધરાયેલા અભ્યાસને ટાંકતા કહે છે, "તાજેતરમાં આઈઆઈટી દિલ્હીમાં શાસ્ત્રીય રાગોની વિદ્યાર્થીઓના જીવન પર અસર અંગે એક અભ્યાસ હાથ ધરવામાં આવેલો."

"જેમાં વિદ્યાર્થીઓના બે જૂથમાંથી એકને સિતાર પર રાગ દરબારી કાનડા સાંભળવા કહેવામાં આવેલું. ત્યારબાદ બંને જૂથને નિબંધ લખવાનું કહેવાયું."

"જે વિદ્યાર્થીઓ રાગ સાંભળીને આવેલા તેઓ વધુ સર્જનાત્મક હતા."

"સવારે આહિર ભૈરવ રાગ સાંભળીને દિવસની શરૂઆત કરવાથી તમે સમગ્ર દિવસ દરમિયાન તમારી જાતને ઊર્જાસભર અનુભવી શકો છો. તેનાથી શરીરની કાર્યક્ષમતા વધારી શકાય છે."

"જ્યારે વહેલી સવારે પાંચ થી છ વાગ્યા દરમિયાન જો રાગ લલિત સાંભળવામાં આવે તો તમે વધુ હકારાત્મકતા અને આધ્યાત્મિકતાનો અનુભવ કરી શકો છો."

વાજિંત્રોની અસર અંગે ડૉ. પાર્થ માંકડ જણાવે છે, "સિંતાર સાંભળવાથી હકારાત્મકતા અને ઊર્જાનો અનુભવ થાય છે. વાંસળી શાંતિનો અનુભવ કરાવે છે, જ્યારે સારંગી અને વાયોલિન જેવાં વાદ્યો પેઇન રિલીસ તરીકે કામ કરી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો