વાઇબ્રન્ટ ગુજરાત 2019: 'એ પોલિટીકલ પ્રોજેક્શન છે, પ્રસિદ્ધિનો મેળાવડો છે'

માલ્ટાના વડા પ્રધાન સાથે મોદી Image copyright Getty Images
ફોટો લાઈન માલ્ટાના વડા પ્રધાન સાથે મોદી

વાઇબ્રન્ટ ગુજરાત એક વિભ્રમ ગુજરાત છે. દોરડું હોય અને સાપ દેખાય એને ભ્રમ કહેવાય. દોરડું જ ન હોય અને સાપ દેખાય એને વિભ્રમ કહેવાય. વાઇબ્રન્ટ ગુજરાત એક વિભ્રમ ગુજરાત છે. આ શબ્દો છે અર્થશાસ્ત્રી પ્રોફેસર હેમંતકુમાર શાહનાં.

વાઇબ્રન્ટની વેબસાઇટના દાવા મુજબ દેશની આ સૌથી મોટી બિઝનેસ સમિટ છે.

શેપિંગ અ ન્યૂ ઇન્ડિયાની થીમ પર આ વખતે નવમું વાઇબ્રન્ટ ગુજરાત સંમેલન યોજાયું છે.

આ સમિટમાં વક્તવ્ય આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હતું કે ભારત એક એવો દેશ છે કે જ્યાં ડેમોક્રસી, ડેમોગ્રાફી અને ડિમાન્ડ આ ત્રણેય બાબતોનો સુભગ સમન્વય સુલભ છે.

વાઇબ્રન્ટ ગુજરાતની વેબસાઇટ પર રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીનું મંતવ્ય છે કે ગુજરાત દેશનું મુખ્ય વ્યાપાર મથક છે અને દેશના સામાજિક - આર્થિક વિકાસ માટે રાજ્ય પ્રતિબદ્ધ છે.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા પછી 2003થી રાજ્યમાં દર બે વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન થાય છે.

જોકે, વાઇબ્રન્ટને લીધે રાજ્યમાં જે રોકાણના દાવા થાય છે અને વિકાસની વાતો થાય છે એ વિશે ગુજરાતના અર્થશાસ્ત્રીઓ એક મત નથી.

Image copyright AFP
ફોટો લાઈન રિલાયન્સ જૂથના ચેરમેન મુકેશ અંબાણી - ફાઇલ તસવીર

અર્થશાસ્ત્રી પ્રોફેસર હેમંતકુમાર શાહે બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું, "મૂડી રોકાણ આ પ્રકારની વાઇબ્રન્ટ પરિષદોથી કદી આવતું નથી."

"મૂડી રોકાણ ઉદ્યોગપતિ ત્યારે કરે છે જ્યારે તેને નફો દેખાય છે. આવા વાઇબ્રન્ટ ઉત્સવો નહોતા થતાં ત્યારે પણ ગુજરાત વિકસિત હતું અને મૂડી રોકાણ થતું હતું."

"જો વગર વાઇબ્રન્ટ પરિષદે મૂડી રોકાણ આવતું હોય તો આવી પરિષદો કરવાની જરૂર શું છે? આ પ્રકારની પરિષદ પાછળનો ઉદ્દેશ લોકોને ભરમાવવાનો છે. લોકોને ભ્રમમાં નાખવાનો છે કે અમે આટલું મૂડીરોકાણ લાવીએ છીએ."

ફોરેન્ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ગુજરાત અગાઉ બીજા-ત્રીજા નંબરે રહી ચૂક્યું છે અને અત્યારે પાંચમું છે.

દોરડું હોય અને સાપ દેખાય એને ભ્રમ કહેવાય. દોરડું જ ન હોય અને સાપ દેખાય એને વિભ્રમ કહેવાય. વાઇબ્રન્ટ ગુજરાત એક વિભ્રમ ગુજરાત છે.

પોતાની વાતને સાબિત કરવા માટે પ્રોફેસર હેમંતકુમાર શાહ આંકડાકીય બાબતો રજૂ કરે છે.

તેઓ કહે છે કે 2016-17ની સામાજિક આર્થિક સમીક્ષામાં સરકાર એવું કહે છે કે ગુજરાતમાં જાન્યુઆરી 1983થી ઑગષ્ટ 2016 સુધીમાં એટલે કે 33 વર્ષમાં કુલ 13,85,700 કરોડ રૂપિયાના મૂડી રોકાણના વાયદા થયા.

એમાંથી 30 સપ્ટેમ્બર 2016 સુધીમાં 2,75,880 કરોડનું મૂડી રોકાણ થયું. એટલે કે 19.90 ટકા સુધીનું જ ખરેખર મૂડી રોકાણ ગુજરાતમાં થયું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ત્રણ વાઇબ્રન્ટમાં 86.53 લાખ કરોડ મૂડી રોકાણના સમજૂતીપત્ર

Image copyright TWITTER/GAUTAM_ADANI
ફોટો લાઈન ગૌતમ અદાણી

બીજી તરફ 2013-15-17 એમ ત્રણ વાઇબ્રન્ટ પરિષદમાં 86.53 લાખ કરોડ રૂપિયા મૂડી રોકાણના સમજૂતીપત્ર થયાં.

33 વર્ષમાં 13,85,700 કરોડ રૂપિયાના વાયદા થયા હોય અને મૂડી રોકાણ 3 લાખ કરોડ રૂપિયા થયું હોય તો 3 વર્ષમાં 86 લાખ કરોડ રૂપિયા કેવી રીતે થાય?"

અર્થશાસ્ત્રનાં પ્રાધ્યાપિકા નેહા શાહ કહે છે કે વાઇબ્રન્ટ ગુજરાતને એક પ્લૅટફૉર્મ ચોક્કસ કહી શકાય, પણ એને લીધે જ રોકાણ આવે છે એમ ન કહી શકાય.

જે ઉદ્યોગકારોને રોકાણ કરવું છે તેઓ વાઇબ્રન્ટ વગર પણ કરવાના જ છે. વાઇબ્રન્ટ ગુજરાતને લીધે કોઈ નવી તકો ઊભી થાય છે એવું માનવાને કોઈ કારણ નથી.

નેહા શાહ કહે છે કે વાઇબ્રન્ટમાં જેટલા એમઓયુ(મેમરન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડીંગ) એટલે કે સમજૂતીપત્ર થાય છે એ બધા રોકાણમાં તબદીલ થતાં નથી.

જે રોકાણમાં તબદીલ થાય છે તે બધા લાંબા ગાળે ટકી શકતા હોય એવું પણ દેખાતું નથી.

તેથી વાઇબ્રન્ટ ગુજરાતને કારણે રોકાણ વધ્યું કે રાજ્યની સુખાકારી વધી હોય એવું માની ન શકાય.

આની સાથે જ તેઓ ઉમેરે છે કે વાઇબ્રન્ટ જેવા પ્લેટફોર્મ વગર પણ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ જેવા રાજ્યો સારૂં રોકાણ લાવી જ રહ્યા છે.

Image copyright FB/TNGIM2019

જોકે, અર્થશાસ્ત્રી જયેન્દ્ર તન્ના આ મત સાથે સહમત થતાં નથી.

તેઓ વાઇબ્રન્ટને સફળ ઉપક્રમ દર્શાવતાં કહે છે, "2003થી યોજાતા વાઇબ્રન્ટ મેળાવડાથી ગુજરાતને ખૂબ ફાયદો થયો છે. ઑટોમોબાઇલ ક્ષેત્રે ગુજરાત ખૂબ પાછળ હતું હવે તે એમાં હબ બની ગયું છે એ વાઇબ્રન્ટને કારણે થયું છે."

"એવું જ સૌર ઊર્જાને લગતા ઔદ્યોગિક એકમો માટે પણ કહી શકાય."

"ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે વિદેશની કંપનીઓ ગુજરાતમાં આવીને રોકાણ કરે છે. ટેક્સ્ટાઇલ ક્ષેત્રે પણ વિદેશી મૂડી રોકાણ સારૂં એવું આવ્યું છે.

"પેટ્રોકેમિકલ્સમાં આપણે પ્રગતિ કરી રહ્યાં છીએ. આ બધાનો શ્રેય ચોક્કસપણે વાઇબ્રન્ટને આપી શકાય."

આટલી મોકળાશ અને અનુકૂળતા છતાં વિદેશી રોકાણમાં ગુજરાત કરતાં અન્ય રાજ્યો આગળ છે, એ રાજ્યોમાં વાઇબ્રન્ટ મેળાવડા પણ નથી થતાં.

આ સવાલના જવાબમાં જયેન્દ્ર તન્નાએ કહ્યું હતું કે ભોગોલિક અનુકૂળતા પણ મોટો ભાગ ભજવતી હોય છે. વાઇબ્રન્ટ જેવા ઉપક્રમને પગલે રાજ્યની વ્યાપાર અનુકૂળ ઇમેજનો વ્યાપ વધ્યો છે.

આજે આર્થિક શક્તિને આધારે વિશ્વના દેશો એજન્ડા સેટ કરતા હોય તો અમાં વાઇબ્રન્ટ જેવા ઉપક્રમો દેશ માટે કારગત સાબિત થાય છે.

સરકારનો સફળતાનો દાવો

Image copyright Getty Images

વાઇબ્રન્ટ બાબતે સરકારનો દાવો કાયમ સફળતાનો જ રહ્યો છે.

વાઇબ્રન્ટની સમજૂતીઓ અંગે ચોક્કસ આંકડાઓ મળવા મુશ્કેલ છે અને સરકાર તરફથી પણ આંશિક જાહેરાતો જ કરવામાં આવતી હોય છે.

અહીં ઉલ્લેખનીય છે કે 2017ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અગાઉ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંહે એવું કહ્યું હતું કે અત્યાર સુધી જે સાત વાઇબ્રન્ટ યોજાયા છે એના સમજૂતીપત્રનો સફળતાદર 66 ટકા કરતાં વધુ રહ્યો છે.

એ વખતે જે. એન. સિંહે એમ પણ કહ્યું હતું કે માત્ર ત્રણ વર્ષમાં એટલે કે 2014-15-16માં ગુજરાતમાં 13.45 લાખ નોકરીઓ ફાળવવામાં આવી હતી. એ રીતે ગુજરાત દેશમાં અગ્રસર રહ્યું હતું.


જોબલેસ ગ્રોથ

Image copyright TWITTER/@NARENDRAMODI
ફોટો લાઈન 9મી વાઇબ્રન્ટ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી

જોકે, સરકારના રોજગારીના દાવા વિશે હેમંતકુમાર શાહ કહે છે, "ગુજરાત સરકારનો સામાજિક-આર્થિક રિવ્યૂ 2017-18 અનુસાર 2003થી એટલે કે વાઇબ્રન્ટ પરિષદ શરૂ થઈ ત્યારથી રાજ્યમાં 17,09,881 રોજગારી ઊભી થઈ છે."

"14 વર્ષમાં આની સરેરાશ ગણીએ તો 1,22,000 થાય. વસતિના ધોરણે ગુજરાતમાં દર વર્ષે 11 લાખ લોકો નવા ઉમેરાય છે."

"એની સામે રોજગારી મળે છે એક લાખ બાવીસ હજાર લોકોને. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ગુજરાતમાં વસતી લેખે વાઇબ્રન્ટને કારણે ખૂબ ઓછી રોજગારી ઊભી થાય છે."

"વળી, એવું તો છે નહીં કે વાઇબ્રન્ટ પરિષદ ન કરી હોત તો મૂડી રોકાણ ન થાત. તેથી વાઇબ્રન્ટ મેળાવડાની કોઈ જરૂર નથી."

Image copyright TWITTER/@NARENDRAMODI
ફોટો લાઈન વાઇબ્રન્ટ ગુજરાતના ઉદ્ઘાટન વખતેનું સ્ટેજ

રમેશ બી. શાહ પણ હેમંતકુમાર શાહ સાથે સહમત થાય છે.

તેઓ ગુજરાતના વિકાસને જોબલેસ ગ્રોથ કહે છે. અર્થશાસ્ત્રની ભાષામાં તેઓ કહે છે, "આપણે ત્યાં નાના ખેડૂતો મોટી સંખ્યામાં છે. 80 ટકા ખેડૂતો એવા છે જેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે."

"એટલી જમીનમાં એ પરિવારનું ભરણપોષણ ન કરી શકે. એમને અથવા એમની નવી પેઢીને રોજગારી મળવી જોઈએ. એ હેતુથી અહીં ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે."

"મુદ્દો એ છે કે ગુજરાતમાં નવા જે ઉદ્યોગો સ્થપાય છે એનાથી જેટલી રોજગારી સર્જાવી જોઈએ એટલી સર્જાતી નથી."

"તેથી આ જે વિકાસ છે એ જોબલેસ ગ્રોથ છે. જરૂરિયાત છે એના કરતાં ઓછી રોજગારી સર્જાય તો એને જોબલેસ ગ્રોથ કહેવામાં આવે છે."


આર્થિક ઓછું અને રાજકીય વધારે

Image copyright Getty Images

રમેશ બી. શાહ વાઇબ્રન્ટ ગુજરાત સમિટને એક બિનજરૂરી મેળાવડો ગણાવીને કહે છે કે મહારાષ્ટ્ર કોઈ વાઇબ્રન્ટ મેળાવડા વગર રોકાણમાં નંબર વન રહ્યું છે.

વાઇબ્રન્ટ ગુજરાત એ પોલિટીકલ પ્રોજેક્શન છે, કેવળ પ્રસિદ્ધિ માટેનો મેળાવડો છે.

1970થી ગુજરાતમાં મોટા પ્રમાણમાં મૂડી રોકાણ થતાં જ રહ્યા છે, તેથી ગુજરાત ત્યારથી જ વાઇબ્રન્ટ રહ્યું છે.

રમેશભાઈ આ મેળાવડા શરૂ થયા અગાઉથી ઝડપભેર વિકસિત રાજ્ય બની રહેલા ગુજરાતની વાત કરે છે અને ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસનો યશ અન્ય રાજ્યો કરતાં વીજળીની સારી સગવડ, રસ્તાઓ, માળખાકીય સુવિધાઓને વગેરેને આપે છે.

તેઓ વધુમાં ઉમેરે છે કે વાઇબ્રન્ટ એ જશ કમાવાનો મંચ છે.

અર્થશાસ્ત્રનાં પ્રાધ્યાપિકા નેહા શાહ મુજબ, "વાઇબ્રન્ટ ગુજરાત ઇકૉનૉમિકલ ઓછું અને પૉલિટિકલ પ્રોજેક્શન વધારે છે."

"વાઇબ્રન્ટ ગુજરાત એ એક પ્રકારની રાજકીય ચેષ્ટા છે જે ગુજરાતના એસ્પિરેશનલ મીડલ ક્લાસ એટલે કે જેમની પાસે પૈસો આવ્યો છે એવા મધ્યમવર્ગને અપીલ કરે છે. આની પાછળ રાજકીય ગણતરી એવી છે કે આ વર્ગની વોટ બૅન્કનો ફાયદો થાય અને એવું થઈ પણ રહ્યું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ