Fact Check : શું કન્હૈયા કુમારે ઇસ્લામ ધર્મ અપનાવી લીધો?

ફેસબુક પર વાઇરલ થયેલો વીડિયો Image copyright FACEBOOK

જેએનયુના છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર અંગે એક વીડિયો ક્લિપ વાઇરલ થઈ છે. આ વીડિયો ક્લિપમાં દાવો કરવામાં આવ્યો છે કે કન્હૈયા કુમારે ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ ધર્મ અપનાવ્યો છે.

આ વીડિયોને જમણેરી વિચારધારા ધરાવતા સોશિયલ મીડિયા પેજ પર શૅર કરવામાં આવી રહ્યો છે.

વીડિયોને જે શીર્ષક આપવામાં આવ્યું છે, તેમાં લખવામાં આવ્યું છે કે :

"કન્હૈયા કુમારની અસલિયત સામે આવી છે. તેઓ એક મુસ્લિમ છે અને તેઓ એક હિંદુ નામ અપનાવી લોકોને મુર્ખ બનાવી રહ્યા છે. બંધ બારણે યોજાયેલી એક મિટિંગમાં તેમણે તેમના ધર્મ વિશે કબૂલાત કરી હતી. સાચી વાત એ છે કે તેઓ એક મુસ્લિમ છે. તેમની હકીકત લોકો સામે લાવવા માટે આ વીડિયોને વધુમાં વધુ શૅર કરો."

આ જ પ્રકારના શીર્ષક વાપરી આ વીડિયોને જમણેરી વિચારધારા ધરાવતા 10 અલગ અલગ ફેસબુક પેજ પર પ્રમોટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને વૉટ્સએપ ગ્રુપ પર પણ શૅર કરવામાં આવી રહ્યો છે.

પણ સાચી વાત શું છે? આ વીડિયોમાં કન્હૈયા કુમાર કહે છે :

"આ જમીન સાથે આપણો ઇતિહાસ જોડાયેલો છે. આપણે બધા (મુસ્લિમો) અરબ દેશમાંથી આવેલા નથી. આપણે અહીં મોટા થયા છીએ, અહીં શિક્ષણ મેળવ્યું છે. લોકોએ આ ધર્મ (ઇસ્લામ) અપનાવ્યો કેમ કે તે શાંતિની વાત કરે છે, તે સમાનતાની વાત કરે છે. આ ધર્મમાં કોઈ ભેદભાવ નથી અને એ જ કારણ છે કે આપણે તેને અપનાવ્યો છે. બીજા ધર્મોમાં જાતિ પ્રથા છે, કેટલાક લોકોને અછૂત માનવામાં આવે છે. આપણે આ ધર્મ ક્યારેય નહીં છોડીએ. આપણે આપણી જાતને બચાવીશું. આપણે આપણા ધર્મને બચાવીશું અને આપણા દેશને પણ બચાવીશું. અલ્લાહ ખૂબ શક્તિશાળી છે અને તેઓ આપણી રક્ષા કરશે."

તમે આ વાંચ્યું કે નહીં?

આ વીડિયો જોઈને કોઈ પણ માની શકે છે કે કન્હૈયા કુમાર એ વાત પર સ્પષ્ટતા આપી રહ્યા છે કે તેમણે શા માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો.

પણ અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે વાઇરલ ક્લિપ આખું સત્ય દર્શાવતી નથી.

આ વીડિયો કન્હૈયા કુમારની સ્પીચનો એક નાનો ભાગ છે કે જે તેમણે એક ઇવેન્ટમાં આપી હતી. આ કાર્યક્રમનું નામ હતુ "ડાયલૉગ વીથ કન્હૈયા ." આ કાર્યક્રમ 25 ઑગસ્ટ,2018ના રોજ લઘુમતીઓના કલ્યાણ અંગે વાત કરવા યોજાયો હતો.

આ કાર્યક્રમમાં તેમણે ધર્મ પર રાજકારણ અંગે વાત કરી હતી અને જણાવ્યું હતું કે શા માટે ભારત દરેક વ્યક્તિ અને દરેક ધર્મનો દેશ છે. આ જ સંદર્ભમાં તેમણે ભારતના પહેલા શિક્ષણ મંત્રી અબુલ કલામ આઝાદના શબ્દો વાપર્યા હતા.

Image copyright Getty Images

આ વાઇરલ ક્લિપમાં કુમાર અબુલ કલામ આઝાદના શબ્દોને વાપરી પોતાની વાત સમજાવી રહ્યા છે.

આ ક્લિપને ચતુરાઈપૂર્વક એડિટ કરવામાં આવી છે કે જેનાથી એવુ લાગે કે આ શબ્દો તેમના પોતાના છે, અબુલ કલામ આઝાદના નહીં.

આઝાદે હંમેશા હિંદુ- મુસ્લિમ એકતાને પ્રોત્સાહન આપ્યું હતું અને તેઓ 1947માં થયેલા ભારતના ભાગલાની વિરુદ્ધમાં હતા.

આઝાદ માનતા હતા કે હિંદુ અને મુસ્લિમ વર્ષોથી સાથે મળીને ભારતમાં રહેતા હતા, અને તે કોઈ પણ કિંમતે ક્યારેય બદલાવું ન જોઈએ.

Image copyright Getty Images

1946માં કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે તેમણે મોહમ્મદ અલી જિન્ના (પાકિસ્તાનના સંશોધક)ની અલગ મુસ્લિમ રાષ્ટ્રની માગને ફગાવી હતી.

એડિટ કરેલો કન્હૈયા કુમારનો આ વીડિયો ગત વર્ષે પણ ઘણા પ્લેટફોર્મ પર શૅર કરવામાં આવ્યો હતો, જે હવે ફરી વાઇરલ થયો છે.

કન્હૈયા કુમાર નરેન્દ્ર મોદીની ભાજપ સરકારના કટ્ટર ટીકાકાર રહી ચૂક્યા છે. તેમણે વડા પ્રધાન મોદીની તેમજ તેમની પૉલિસીની ઘણી વખત ટીકા કરી છે.

Image copyright Getty Images

તેમણે ભાજપ પર હિંદુત્વનો એજન્ડા અપનાવવી લઘુમતીઓની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપ વડા પ્રધાન મોદીની પાર્ટીએ હંમેશા ફગાવ્યો છે.

કન્હૈયા કુમાર પર ફેબ્રુઆરી 2016માં જેએનયુમાં પ્રદર્શન દરમિયાન દેશ વિરોધી સુત્રોચ્ચાર કરવાના આરોપ લાગ્યા છે.

દિલ્હી પોલીસે હાલ જ કન્હૈયા કુમાર વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો છે જેની સુનાવણી 6 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં થશે.

તેમણે પોતાના પર લાગેલા આરોપ ફગાવ્યા છે અને પોલીસ પર તેમને ખોટી રીતે ફસાવવાના આરોપ લગાવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ