કુંભ મેળા પર 4200 કરોડ રૂપિયા ખર્ચ કરીને સરકારને શું મળે છે?

કુંભ Image copyright Getty Images

પ્રયાગરાજમાં સંગમ કિનારે રેતાળ જમીન પર વસેલા અસ્થાયી કુંભનગરની ઝાકમઝોળ જોઈને કોઈ પણ અંદાજો લગાવી શકે છે કે આ સમગ્ર વ્યવસ્થા માટે સરકારે અબજો રૂપિયાનો ખર્ચ કર્યો છે.

આ તમામ નજારો જોતાં જોતાં એક સામાન્ય વિચાર આવે છે કે આ કુંભનું આયોજન કરવાથી સરકારને પરત શું મળે છે?

શું સરકારને કોઈ આવક અથવા સરકારી તિજોરીમાં કોઈ લાભ થાય છે કે નહીં?

આ તમામ સવાલોના સાથે જોડાયેલા આંકડા સરકાર પાસે નથી.

જોકે, જાણકારોનું કહેવું છે કે સરકારને પ્રત્યક્ષ લાભ ભલે ન થાય પરંતુ પરોક્ષ રીતે આ આયોજન સરકારો માટે નુકસાનકારક ડીલ નથી.


હાલના કુંભનું ગણિત

Image copyright Reuters

ચાલી રહેલા કુંભની વાત લઈએ તો આ વખતે સરકારે કુંભના આયોજન પાછળ લગભગ 4200 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

ગત કુંભ કરતા તે ત્રણ ગણા છે. રાજ્ય સરકારે આ માટે નાણકીય વર્ષ 2018-19ના બજેટમાં 1500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી અને કેટલીક રકમ કેન્દ્ર સરકાર તરફથી પણ આપવામાં આવી હતી.

ભારતીય ઉદ્યોગ પરિસંઘ એટલે કે સીઆઈઆઈના એક અનુમાન અનુસાર 49 દિવસ સુધી ચાલતા આ કુંભમેલામાં રાજ્ય સરકારને લગભગ 1 લાખ 20 હજાર કરોડ રૂપિયાનું રાજસ્વ મળવાની આશા છે.

જોકે, ખુદ સરકારે આ પ્રકારે હજુ સુધી અનુમાન નથી લગાવ્યું પણ મેળાક્ષેત્રના જિલ્લાધિકારી વિજય કિરણ આનંદ કહે છે કે સરકારને આનાથી આવક જરૂર થાય છે.

Image copyright SAMEERATMAJ MISHRA/BBC

બીબીસી સાથેની વાતચીતમાં વિજય કિરણ આનંદ કહે છે કે સરકારને આ આવક બે રીતે મળે છે, એક ઑથૉરિટી દ્વારા થાય છે અને બીજી આવક કેટલીક રીતે રાજ્યના રાજસ્વ ખાતામાં જમા થાય છે.

તેમના અનુસાર,"ઑથૉરિટી મેળાના ક્ષેત્રમાં દુકાનોની મંજૂરી આપી તેને ફાળવે છે, તમામ કાર્યક્રમોની મંજૂરી આપે છે, કેટલાક વેપારી ક્ષેત્રોની ફાળવણી કરવામાં આવે છે તેનાથી થોડી ઘણી આવક થઈ જાય છે."

"આ વખતે અમે લગભગ 10 કરોડની કમાણી કરી છે. પરંતુ પરોક્ષ રીતે તેનાથી રાજ્યની તિજોરીમાં પણ નાણા જાય છે. આ લાભનો આ વખતે અમે અભ્યાસ કરાવી રહ્યા છે."

વિજય કિરણ આનંદ કહે છે કે ગત કુંભ, અર્ધકુંભ અથવા દરવર્ષે પ્રયાગક્ષેત્રમાં યોજાતા મેઘમેળામાં હજુ સુધી આ પ્રકારના આંકડા ભેગા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. જોકે આ વખતે આંકડા કાઢવાનું કામકાજ કરવામાં આવી રહ્યું છે.


રોજગાર-કમાણીના સાધન

Image copyright SAMEERATMAJ MISHRA/BBC

સાઆઈઆઈના એક રિપોર્ટ અનુસાર મેળાના આયોજન સાથે જોડાયેલા કાર્યોમાં 6 લાખથી પણ વધુ કામદારો માટે રોજગાર ઉત્પન્ન થઈ રહ્યો છે.

રિપોર્ટમાં અલગ-અલગ રીતે થનારા રાજસ્વનું આકલન કરવામાં આવ્યું છે.

જેમાં આતિથ્ય ક્ષેત્ર, ઍરલાઇન્સ, પર્યટન વગેરે વિભિન્ન ક્ષેત્રોમાંથી થતી આવકને સામેલ કરવામાં આવે છે.

અહેવાલ અનુસાર આનાથી સરકારી એજન્સીઓ અને વેપારીઓની કમાણી વધશે.

એટલું જ નહીં આ વખતે જગ્યાએ જગ્યાએ લક્ઝરી ટેન્ટ, મોટી કંપનીઓના સ્ટોલના કારણે પણ આવકની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જોકે, લખનૌના આર્થિક પત્રકાર સિદ્ધાર્થ કલહંસ આ આકલનને વધુ વિશ્વાસપાત્ર નથી માનતા.

તેઓ કહે છે,"આ વખતે અર્ધકુંભ છે, સરકાર ભલે તેને કુંભ તરીકે પ્રચાર કરી રહી છે. અર્ધકુંભમાં પણ મોટાભાગના લોકો આસપાસથી આવતા હોય છે."

"જ્યારે કુંભમાં બહારથી આવતા લોકોની સંખ્યા વધારે છે. આથી જે લોકો આવી રહ્યા છે, તેઓ અર્થવ્યવસ્થામાં વધુ યોગદાન આપનારા લોકો નથી."

સિદ્ધાર્થ કલહંસ અનુસાર મોટી કંપનીઓ અહીં માત્ર પ્રચાર-પ્રસારની તક શોધવા જ અહીં આવી છે. તેમને કારોબાર સાથે કોઈ લેવાદેવા નથી. અને તે કમાણી પણ નથી કરી રહી.

તેમના અનુસાર,"નાના વેપારીઓ અને પુરોહિતો જે કમાણી કરે છે તેનાથી પણ સરકારને કંઈકને કઈ કમાણી થાય છે. પણ આ રકમ આયોજનના ખર્ચ સામે ઘણી નાની છે."

વિદેશી પર્યટકોનું આગમન

Image copyright EPA

કહેવામાં આવી રહ્યું છે કે કુંભમાં 15 કરોડ લોકો આવવાની સંભાવના છે અને તેના કારણે કેટલીક ગણના એવી પણ છે કે જો દરેક વ્યક્તિ લગભગ 500 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે તે આ આંકડો લગભગ 7500 કરોડ રૂપિયાના આંકડાને પાર કરી શકે છે.

મેળામાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિક ઑસ્ટ્રેલિયા, યુકે, કૅનાડા, મલેશિયા, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલૅન્ડ, ઝિમ્બાબ્વે અને શ્રીલંકા જેવા દેશોમાંથી પણ આવી રહ્યા છે.

રાજ્ય સરકારના પર્યટન વિભાગે મહેમાના રોકાણ માટે અને અન્ય જગ્યાઓના પ્રવાસ સાથે-સાથે રાખવા સંબંધિત પ્રવાસન પેકેજ પણ તૈયાર કર્યું છે.

વળી ખાનગી ટેન્ટમાં રોકાણનું ભાડું એક દિવસના બે હજાર રૂપિયાથી લઈને 45 હજાર રૂપિયા સુધી હોવાનું જણાવવમાં આવી રહ્યું છે.

કુંભ અને મહાકુંભનું આયોજન ક્રમશઃ છઠ્ઠા અને 12મા વર્ષે થાય છે, જ્યારે આ જ જગ્યા પર પ્રયાગરાજમાં માઘનો મેળો દર વર્ષે યોજાય છે.

સરકારે આ મેળાઓ પર મોટા પ્રમાણમાં ખર્ચ કરે છે.

વરિષ્ઠ પત્રકાર યોગેશ મિશ્ર કહે છે કે સરકારને પ્રત્યક્ષરીતે ભલે વધુ આવક ન થતી હોય પરંતુ પરોક્ષ રીતે પૂરતો લાભ થાય છે.

તેમણે કહ્યું,"સરકારે ક્યારેય આકલન નથી કરાવ્યું પરંતુ મેળા પર ખર્ચ કરવામાં આવેલી રકમ ઘણી વધુ હોય છે. તેનું કારણ એ છે કે સરકારને વિભિન્ન ચેનલોના માઘ્યમથી અને અન્ય રીતે આવક થાય છે."

"જોકે સીધી રીતે જોઈએ તો આ નુકસાન જ છે."


આજ સુધીનો સૌથી મોંઘું તીર્થ આયોજન

Image copyright EPA

યોગેશ મિશ્ર કહે છે કે કુંભ જેવા સાંસ્કૃતિક અને ધાર્મિક આયોજનમાં આવકનું મૂલ્યાંકન નથી કરવામાં આવતું.

પરંતુ જે જગ્યા પર આવું આયોજન કરવામાં આવે છે ત્યાં અર્થવ્યવસ્થામાં ધનનો પ્રવાહ હોય છે.

જેના કારણે સ્થાનિક સ્તરે લોકો લાભ લે છે અને આખરે તમામ રીતે આ લાભ રાજ્ય સરકારને થાય છે.

સીઆઈઆઈના અનુમાન અનુસાર પાડોશી રાજ્યો જેવા કે રાજસ્થાન, ઉત્તરાખંડ અને પંજાબ અને હિમાચલ પ્રદેશના રાજસ્વમાં પણ વધારો શક્ય છે.

કેમ કે, મોટી સંખ્યામાં દેશ વિદેશથી આવતા પર્યટકો આ રાજ્યોમાં ફરવા માટે આવી શકે છે.

કાર્યક્રમ પહેલા રાજ્યના નાણાં મંત્રી રાજેશ અગ્રવાલે કહ્યું,"પ્રદેશ સરકારે અલ્હાબાદમાં કુંભ માટે 4200 કરોડ રૂપિયાની રકમ આપી છે. અને તે આજ સુધીનો સૌથી મોંઘું તીર્થ આયોજન બની ગયું છે."

"ગત સરકારે 2013માં મહાકુંભ મેળા પર લગભગ 1300 કરોડ રૂપિયાની રકમ ખર્ચ કરી હતી."

કુંભ મેળાનું પરિસર ગત વખત કરતાં બેગણી વૃદ્ધિ સાથે 3200 હેક્ટર છે. 2013માં તેનો ફેલાવો 1600 હેક્ટર સુધી હતો.

કુંભ જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજન પર સરકાર ભલે લાભને ધ્યાનમાં રાખીને ખર્ચ ન કરતી હોય પરંતુ જો સરકારી આંકડા ખર્ચના સરખામણીમાં વધુ આવક બતાવે તો નિશ્ચિત રીતે કહી શકાય છે કે સરકારના બન્ને હાથમાં લાડવા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો