મુખ્ય મંત્રી વિજય રુપાણી અને કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે એફઆઈઆરનો આદેશ

મુઝફ્ફરપુરની અદાલતે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રુપાણી અને કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે.
આ આદેશ ગુજરાતમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલાઓની ઘટનાઓ અંગે છે.
સામાજિક કાર્યકર તમન્ના હાશમીએ કરેલી પિટિશન સબબ આ આદેશ કરવામાં આવ્યો છે.
મુઝફ્ફરપુર (વેસ્ટ)ના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાબા આલમે કાંટી પોલીસ સ્ટેશનને ઇન્ડિયન પીનલ કોડની સેકશન 153, 295 અને 504 મુજબ ગુનો દાખલ કરવા કહ્યું છે.
વિજય રુપાણી અને અલ્પેશ ઠાકોર પર શાંતિ ડહોળવાન ઇરાદે તોફાનોને ઉશ્કેરવાનો આરોપ છે.
ગત વર્ષે ગુજરાતમાં હિંમતનગરમાં બનેલી એક ઘટનાનો લીધે પરપ્રાંતીયો પર હુમલાઓના અનેક બનાવો બન્યા હતા.
આ બનાવો બાદ ગુજરાતમાંથી પરપ્રાંતીયોએ મોટા પાયે પલાયન કર્યુ હતું.
પરપ્રાંતીયોનું અપમાન
વિજય રૂપાણી અને અલ્પેશ ઠાકોર સામે મુઝફ્ફર કોર્ટમાં આ ફરિયાદ તમ્મના હાશ્મી નામના સામાજિક કાર્યકર્તાએ કરી હતી.
પટનાના તમ્મના હાશ્મીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું,"મેં ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કોર્ટમાં ફરિયાદ કરી હતી. ગુજરાતમાં બિહારના લોકો પર અત્યાચાર થયો. તેઓ બિહાર આવ્યા તેમની સાથે મેં વાતચીત કરી હતી."
"એક વ્યક્તિના કારણે તમામ સાથે અત્યાચાર કરવામાં આવ્યો. જેમાં મુખ્ય મંત્રી રૂપાણીએ છુટો દોર આપ્યો હતો. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં ન આવી હતી."
"વળી અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાએ બળતામાં ઘી ઉમેર્યું હતું. બિહારના લોકો ભગાડવામાં આવ્યા હતા. મેં લોકો સાથે વાતચીત કરી તેમણે જ મને કહ્યું કે બિહારીઓને મારો એવું કહીને મારવામાં આવ્યા હતા."
"કોર્ટમાં મારી ફરિયાદ મામલે સુનાવણી ચાલી રહી હતી. અને આખરે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે."
અમિત શાહ સામે પણ કર્યો છે કેસ
વધુમાં તેમણે જણાવ્યું,"નેતાઓ સમાજમાં ભાષા અને પ્રાંતના આધારે ભાગલા પડાવવા માંગે છે. વળી બિહારના લોકોનું અપમાન કરવામાં આવે છે."
"અગાઉ રાજ ઠાકરે સહિતના નેતાઓએ આવા નિવેદન આપી ચૂક્યા છે. આથી હું અદાલતના દ્વાર ખટખટાવું છે."
"હું એક સામાજિક કાર્યકર્તા છું અને ફરાંત હક-એ-હિંદુસ્તાન નામના સંગઠનનો રાષ્ટ્રીય સંયોજક છું. આ એક સામાજિક સંગઠન છે."
વળી તમ્મના હાશ્મીએ અમિત શાહ સામે પણ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી છે. આ વિશે વધુમાં તેમણે કહ્યું,"અમિત શાહ પકોડા વેચવા મુદ્દે સંસદમાં નિવેદન આપ્યું હતું. જે અપમાનજનક હતું. આ મામલે મેં ફરિયાદ કરી છે. તેની પણ સુનાવણી ચાલુ છે."
"ઉપરાંત કૉંગ્રેસના કમલનાથ, અશ્વિની ચૌબે સહિતનાઓ સામે ફરિયાદ કરૂ ચૂક્યો છું."
"બિહારી લોકો કોઈનો રોજગાઈ છીનવી નથી લેતા. તેમનું વારંવાર અપમાન થવું અયોગ્ય છે. હિંદુસ્તાન બધાનું છે."

આ બાબતે અમે અલ્પેશ ઠાકોરનો પ્રયાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમણે ફોન રિસીવ કર્યો નહોતો.
તમે આ વાંચ્યું કે નહીં?
- સરદારની પ્રતિમા MADE IN CHINA કે INDIA?
- 'રાજકારણ' વચ્ચે પરપ્રાંતીયોનું પલાયન યથાવત્
- ગુજરાતી સમાજના તાણાવાણામાં પરપ્રાંતીયોનું સ્થાન
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો