સબરીમાલા : મંદિર પ્રવેશ કરનાર મહિલા માટે ઘરનો દરવાજો થયો બંધ

કનકદુર્ગાની તસવીર Image copyright AFP/getty images
ફોટો લાઈન કનકદુર્ગાની તસવીર

કેરળના સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરી ઇતિહાસ રચનારા મહિલા, કનકદુર્ગાને એમનાં પતિએ ઘરથી બહાર કાઢી મૂક્યાં છે.

આ વર્ષની શરૂઆતમાં 50 વર્ષનાં એક મહિલા સાથે મંદિરમાં પ્રવેશ કરનારાં કનકદુર્ગાએ સબરીમાલા સ્થિત સ્વામી અયપ્પા મંદિરમાં પ્રવેશ કર્યો હતો.

સોમવારે સાંજે કનકદુર્ગા હૉસ્પિટલથી છૂટ્યાં હતાં. આ પહેલાં એમની સાસુ સાથે પણ આ મુદ્દે જીભાજોડી થઈ હતી કે એમણે સ્વામી અયપ્પા મંદિરમાં પ્રાથના કરીને પ્રાચીન પરંપરા તોડી છે.

આ ઝડપમાં કનકદુર્ગાને માથા પર ઈજા થઈ હતી જે બાદ એમને હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.

સમાજસેવિકા તંકાચન વિઠયાટિલે બીબીસીને જણાવ્યું, 'એમને ખબર પડી કે એમનાં પતિએ ઘર છોડી દીધુ છે અને દરવાજા પર તાળું મારી દીધું છે. એ કનકદુર્ગા સાથે વાત નથી કરવા માંગતા. કનકદુર્ગા સાથે પોલીસ પણ હાજર હતી જે એમને સોમવારે રાત્રે એક સરકારી મહિલા સહાયતા કેન્દ્ર પર લઈ આવ્યા.'

જ્યારે કનકદુર્ગા હૉસ્પિટલમાં હતાં ત્યારે જ એમને ખબર પડી ગઈ હતી કે એમના સાસરીવાળા નથી ઇચ્છતા કે એ ઘરે પાછા જાય.

આ જ કારણોસર હૉસ્પિટલથી છૂટ્યાં બાદ તે સૌથી પહેલાં પોલીસ થાણે પહોંચ્યાં હતાં.

મલ્લાપુરમના પોલીસ અધ્યક્ષ પ્રતીશ કુમારે કહ્યુ, 'કનકદુર્ગાનાં પતિ પોલીસ થાણે આવ્યા હતા અને એ નથી ઇચ્છતા કે એમના પત્ની ઘરે પાછા આવે. કનકદુર્ગાનું કહેવું હતું કે એ તેમના પતિ સાથે જ રહેશે. આના પર એમનાં પતિએ કહ્યું હતું કે એ પોલીસ થાણામાં જ રહેશે. અમે બંનેને સમજાવ્યા અને કનકદુર્ગાને કેરળ સરકાર દ્વારા બનાવવામાં આવેલા મહિલા સહાયતા કેન્દ્રમાં મોકલી આપ્યાં.'


મામલો હવે અદાલતમાં જશે

Image copyright Reuters

જિલ્લા પોલીસ પ્રમુખનું કહેવું છે કે કનકદુર્ગાએ આ મામલે ફરિયાદ દાખલ કરી છે અને હવે આ પારિવારિક હિંસાનો મામલો બની ગયો છે. હવે આ બાબત અદાલતમાં પહોંચશે.

કનકદુર્ગાએ તે દિવસે જ ફરિયાદ દાખલ કરાવી હતી જે દિવસે એમના સાસુ સાથે ઝડપ થઈ હતી.

સબરીમાલા મંદિરથી પરત ફર્યા બાદ પ્રદર્શનકારીઓનાં ડરને લીધે તેઓ ઘણાં દિવસો સુધી છુપાઈને રહ્યાં.

જે દિવસે તેઓ ઘરે પહોંચ્યાં ત્યારે તેમને ઘરે પણ વિરોધનો સામનો કરવો પડ્યો.

Image copyright EPA

39 વર્ષનાં કનકદુર્ગા અને 40 વર્ષનાં બિંદુ અમ્મિનીએ બીજી જાન્યુઆરાએ લાંબી યાત્રા કર્યાં બાદ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો.

આ સાથે જ એમણે સુપ્રીમ કોર્ટના ગત વર્ષના ચુકાદાનું પણ પાલન કર્યું જે અનુસાર 10 થી 50 વર્ષની બધી જ મહિલાઓને મંદિરમાં પ્રાથના કરવાની પરવાનગી આપે છે.

મંદિરના પરિસરમાં પ્રવેશતાની સાથે જ આ બંને મહિલાઓએ એ બધા જ રીતિ રિવાજોનું પાલન કર્યું જે મંદિરની 18 સીડીઓ ચઢવા પહેલાંથી ભક્તો માટે જરૂરી હોય છે.

આ પહેલાં પણ તેઓએ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એમને સફળતા મળી નહોતી. આ વખતે એમની સાથે મહિલા પોલીસ પણ સાદા કપડાંમાં હતાં.

24 ડિસેમ્બરે પણ પોલીસની હાજરીમાં કનકદુર્ગા અને બિંદુએ મંદિરમાં જવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે ભાજપ સાથે જોડાયેલો સંગઠન સબરીમાલા કર્મા સમિતિના સભ્યોએ પોલીસનો વિરોધ કર્યો હતો.

આ સમિતિ ગત વર્ષના સુપ્રીમના ચુકાદાનો વિરોધ કરી રહી છે કારણકે એમનું માનવુ છે કે જેઓ માસિક ચક્રમાં પ્રવેશેલી હોય તેવી મહિલાઓને કોઈ પણ રીતે મંદિરમાં પ્રવેશવાથી રોકવી જોઈએ કારણકે એ પરંપરાની વિરુદ્ધ છે.

28 સપ્ટેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચે 4-1ની બહુમતીથી પરંપરાથી પણ ઉપર મહિલાઓના અધિકારોને મહત્તવ આપ્યું હતું.

તંકાચને કહ્યુ, 'બુધવારે કનકદુર્ગા નીચલી અદાલતમાં પોતાના ઘરમાં પ્રવેશ મેળવવાની વાત રજૂ કરશે. હાલ આ મામલે તેઓ કોઈ સાથે વાત કરવા માંગતા નથી.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ