પ્રિયંકા ગાંધી કૉંગ્રેસમાં 'ભૈયાજી' તરીકે શા માટે ઓળખાય છે?

પ્રિયંકા પડદા પાછળની રણનીતિ ? Image copyright GETTY IMAGES

અનેક અટકળોનો અંત લાવતા આખરે પ્રિયંકા ગાંધીની પૉલિટિક્સમાં ઍન્ટ્રી થઈ ગઈ છે.

કૉંગ્રેસે પ્રિયંકા ગાંધીની પૂર્વ ઉત્તર પ્રદેશનાં મહાસચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

પ્રિયંકા ગાંધીની નિમણૂકની સત્તાવાર જાહેરાત ટ્ટિટર પર કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.

ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતથી એમની સક્રિયતા વધતી જોવા મળી હતી. ઉત્તર પ્રદેશમાંથી પ્રિયંકાની માગણી આવી હતી.

રાહુલ ગાંધીની ઇમેજમાં જોવા મળેલી આક્રમકતાની પાછળ પણ તેઓની મહત્તવની ભૂમિકા ગણાય છે.

પ્રિયંકા ગાંધી તરત જ જવાબદારી સંભાળી લેશે એમ કહેવાય છે.

2019ની ચૂંટણી અગાઉ આ નિમણૂક કૉંગ્રેસની કેડરમાં જોશ ભરશે અને રાહુલ ગાંધી માટે ઉપયોગી નીવડશે એમ મનાય છે.

કૉંગ્રેસે પ્રિયંકાને પડદા પાછળ રાખવાની રણનીતિ બદલીને હવે એમને પણ આગળ કર્યાં છે.


પ્રિયંકાની સક્રિયતા

Image copyright PTI

વરિષ્ઠ પત્રકાર અપર્ણા દ્વિવેદીએ અગાઉ બીબીસીને કહ્યું હતું કે, પ્રિયંકા કૉંગ્રેસમાં સક્રિય છે.

તેમણે કહ્યું હતું, "ગત વિધાનસભાની ચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ કૉંગ્રેસ સામે સૌથી મોટો પડકાર મુખ્ય મંત્રીઓની પસંદગીનો હતો અને તેમાં એમણે માતા સોનિયા અને અને ભાઈ રાહુલ ગાંધી સાથે પસંદગીની પ્રક્રિયામાં મહત્ત્વ ભાગ ભજવ્યો હતો."

એવી ચર્ચા થઈ હતી કે નવા મુખ્ય મંત્રીઓનાં નામ પ્રિયંકાની સંમતિ બાદ જ જાહેર કરાયા હતા.

કૉંગ્રેસના સુત્રોના મતે રાજસ્થાનમાં અશોક ગહેલોત પ્રિયંકા ગાંધીની પ્રથમ પસંદગી હતાં અને તેને લીધે જ સચિન પાઇલટે નમતું જોખવું પડ્યું હતું અને ઉપ મુખ્ય મંત્રીના પદથી સંતોષ માનવો પડ્યો હતો.

ગહેલોતના નામની પસદંગી પાછળ રાજસ્થાનમાં રૉબર્ટ વાડ્રા પર ભાજપના શાસનમાં નોંધાયેલા કેસ જવાબદાર હોવાની ચર્ચા છે.

એવી ચર્ચા છે કે ભાજપે રૉબર્ટ વાડ્રા વિરુદ્ધ રાજસ્થાનમાં જમીન ગોટાળાના અનેક કેસ નોંધ્યા હતા.

જમીન ગોટાળામાં વાડ્રાનું નામ અશોક ગહેલોતની સરકારમાં જ બહાર આવ્યું હતું. તેથી પ્રિયંકાની એવી ઈચ્છા હતી કે આ કેસની સંપૂર્ણ વિગતો ગહેલોત જાણતા હોવાથી મુખ્ય મંત્રી તરીકે તેમની જ નિમણૂક થાય.


Image copyright InC

આમ પણ 2019ની ચૂંટણીમાં વધારે બેઠકો જીતવા માટે પ્રિયંકા અનુભવીઓની ભૂમિકા જ મહત્ત્વપૂર્ણ માને છે.

પ્રિયંકા લગભગ પક્ષનાં તમામ વરિષ્ઠ નેતાઓ સાથે સુમેળભર્યા સંબંધો ધરાવે છે.

આ કારણોસર જ મધ્ય પ્રદેશમાં પણ અનુભવી નેતા કમલનાથની મુખ્ય મંત્રી તરીકે પસંદગી કરાઈ હતી.

પ્રિયંકા ગાંધી ઉપરાંત કે. સી. વેણુગોપાલની મહાસચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં પ્રિયંકાની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાની પણ નિમણૂક કરવામાં આવી છે.

આના પરથી એવું તો દેખાઈ જ રહ્યું છે કૉંગ્રેસ 2019ને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે.


શા માટે અદૃશ્ય હતાં પ્રિયંકા?

Image copyright GETTY IMAGES

વરિષ્ઠ પત્રકાર અપર્ણા દ્વિવેદીએ કહ્યું કે રાહુલ ગાંધી કૉંગ્રેસ પ્રમુખ બન્યા ત્યાં સુધી પ્રિયંકા રાજકારણમાં સક્રિય હતાં.

જેમ જેમ રાહુલ ગાંધી સક્રિય થતા ગયા તેમ તેમ પ્રિયકાં સક્રિય રાજકારણમાંથી ગાયબ થવા લાગ્યાં હતાં. એટલે સુધી કે અમેઠી અને રાયબરેલીમાં પણ પ્રિયંકાની ચર્ચાઓ ઓછી થવા લાગી હતી.

હકીકતે કૉંગ્રેસમાં અવારનવાર માંગણીઓ ઊઠી હતી કે 2019ની લોકસભાની ચૂંટણીમાં મોદી સામે ટક્કર આપવા માટે પ્રિયંકાને ચહેરો બનાવવામાં આવે. જોકે, સોનિયા ગાંધી ફક્ત રાહુલને જ નેતૃત્વ સોંપવા માગતાં હતાં.

સોનિયા ગાંધી સારી પેઠે સમજે છે કે પ્રિયંકા જેવો રાજકારણમાં પગ મૂકશે એટલે તરત જ ભાઈ-બહેનની સરખામણી શરૂ થઈ જશે.

પાર્ટીની અંદર જૂથબંધી વધશે જે કૉંગ્રેસ માટે નુકસાનકાર છે. આ સાથે પ્રિયંકા ગાંધીની સક્રિયતાથી રાહુલ ગાંધીના ગ્રાફ પર પણ અસર પડશે.


વાડ્રા પર ભ્રષ્ટાચારનો આક્ષેપ

Image copyright GETTY IMAGES

વરિષ્ઠ પત્રકાર અપર્ણા દ્વિવેદીએ કહ્યું કે પ્રિયંકાના પતિ રૉબર્ટ વાડ્રા પર ભ્રષ્ટાચારના આક્ષેપો તે તેમની સૌથી મોટી નબળાઈ છે.

કદાચ આને લીધે પણ લીધે અત્યાર સુધી કૉંગ્રેસ પ્રિયંકાને રાજકારણથી દૂર રાખવાનું અને પ્રિયંકાએ પોતે પણ અંતર રાખ્યું હશે.

રાજકારણમાં પ્રિયંકા જેમ સક્રિય થશે એમ તરત જ અન્ય રાજકીય પક્ષો વાડ્રાના મુદ્દે તેમને અને કૉંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરશે એવી પણ શક્યતાઓ છે.

પ્રિયંકાની હૅર-સ્ટાઇલ, કપડાં અને વાતચીત કરવાની પદ્ધતિને ચકાસો તો માલૂમ પડશે કે તેમનામાં ઇંદિરા ગાંધીની છબી સ્પષ્ટપણે જોવા મળે છે.

પ્રિયંકા કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવામાં હોશિયાર છે. ભૈયાજી તરીકે ઓળખાતાં પ્રિયંકાને આજે પણ કાર્યકર્તાઓ હથેળી પર રાખે છે.

પ્રિયંકા ગાંધી જ્યારે નાનાં હતાં અને પોતાના પિતા રાજીવ અને માતા સોનિયા સાથે રાયબરેલી જતાં તો તેમના વાળ હંમેશાં નાના રહેતા હતા.

અમેઠી અને રાયબરેલીના પ્રવાસ પર ગામના લોકો રાહુલની જેમ જ પ્રિયંકાને પણ ભૈયા બોલાવતા હતા. થોડા કેટલાક વખતમાં તે નામ બદલીને ભૈયાજી થઈ ગયું.

ત્રણ રાજયોમાં કૉંગ્રેસની જીતે રાહુલ ગાંધીને નિર્વિવાદપણે કૉંગ્રેસના 'ચહેરા' તરીકે સ્થાપી દીધા છે. જાણકારોના મતે પ્રિયંકા સક્રિય થતાં કૉંગ્રેસને ચોક્કસપણે ફાયદો થશે.

એવી ચર્ચા છે કે લોકસભાની ચૂંટણી સુધી પ્રિયંકા પડદા રહે એવી સંભાવનાઓ હતી પણ હવે તેઓ સીધા મેદાનમાં આવતાં 2019માં સમયમાં બંને ભાઈ-બહેન એક વત્તા એક બરાબર અગિયાર તરીકે કામ કરશે એવું લાગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો