માયાવતીના વાળ કે ચહેરાની મજાક કેમ ઉડાવે છે મહિલા નેતા?

સાધના સિંહ અને માયાવતી Image copyright SADHNA SINGH FB/GETTY IMAGES

તમે પણ કદાચ સાંભળ્યું હશે કે ભારતીય જનતા પક્ષનાં મહિલા ધારાસભ્ય સાધના સિંહે કહ્યું કે તેમને સમજાતું નથી કે બહુજન સમાજ પાર્ટીનાં નેતા માયાવતી 'મહિલા છે કે પુરુષ' અને તેમણે 'સત્તા માટે આબરુ વેચી દીધી છે'.

સાધના સિંહે હવે પોતાની ટિપ્પણી માટે માફી માગી લીધી છે પણ માયાવતીનાં રુપ પર અને મહિલા જેવા ન લાગવા પર, મહિલા નેતાએ ઘણી વખત ટિપ્પણી કરી છે. દરેક વખત ટિપ્પણી પહેલા કરતાં વધારે ખરાબ હોય છે.

પણ તેનું કારણ સમજ્યા પહેલા એ પણ જણાવી દઈએ કે મહિલાઓ જ શું, પુરુષો પણ તેમાં કંઈ પાછળ નથી.

જ્યારે 1990ના દાયકામાં માયાવતીએ પહેલી વખત વાળ કપાવ્યા હતા તો સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવે તેમને 'પાંખ કપાયેલાં મહિલા' કહ્યાં હતાં.

એટલે સારી ભારતીય મહિલાઓ વાળ રાખે છે, વાળ કાપી નાખે તો 'પાંખ કપાયેલી' પાશ્ચાત્ય સભ્યતા વાળી બની જાય છે.

1995માં જ્યારે ઉત્તર પ્રદેશની ગઠબંધન સરકાર પાસેથી બહુજન સમાજ પાર્ટીએ સમર્થન પાછું ખેંચી લીધું તો ત્યારબાદ સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ રાજ્યના ગેસ્ટહાઉસમાં રોકાયેલા માયાવતી પર હુમલો કર્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

'સુંદર મહિલા' અને બળાત્કાર

Image copyright PTI

હુમલા બાદ મુલાયમ સિંહ યાદવ વિરુદ્ધ અપરાધિક કેસ દાખલ થયો હતો.

પત્રકાર નેહા દીક્ષિતના પ્રમાણે 20 વર્ષ બાદ પણ તે મામલો કોર્ટમાં લંબિત છે.

માયાવતી પર પોતાના લેખમાં તેમણે જણાવ્યું છે કે બળાત્કારના આરોપ બાદ મુલાયમ સિંહ યાદવે એ જ વર્ષે મૈનપુરીમાં એક રેલીમાં કહ્યું હતું, "શું માયાવતી એટલાં સુંદર છે કે કોઈ તેમનો બળાત્કાર કરવા માગશે?"

એટલે કે 'સુંદર' મહિલાઓ પર જ બળાત્કાર થાય છે, મહિલા સુંદર ન હોય તો બળાત્કારને લાયક નથી અને પોતાની સુંદરતાના કારણે મહિલા જ પોતાના બળાત્કાર માટે જવાબદાર છે.

નિવેદનો બીજા નેતાઓનાં પણ છે પણ વારંવાર એ વાત કહેવાનો શું ફાયદો.

એટલું જાણવું બસ છે કે માયાવતી પર મહિલાઓ જ નહીં પરંતુ પુરુષો પણ 'સેક્સિસ્ટ' ટિપ્પણીઓ કરતા રહે છે.

એવી ટિપ્પણીઓ કે જે મહિલાઓ વિશે રુઢિવાદી વિચારધારાને આગળ લઈ જાય છે.

મહિલા, મહિલાની વિરુદ્ધ કેમ?

Image copyright AFP

હરી ફરીને સવાલ એ જ થાય છે કે એક મહિલા, મહિલા વિરુદ્ધ કેમ બોલી? અને તેનો જવાબ એટલો પણ અઘરો નથી.

તમે સહજતાથી એ માની શકો છો કે મુલાયમ સિંહ યાદવ સહિત અન્ય પુરુષ નેતા પોતાના પાલનપોષણ અને સમાજમાં પ્રચલિત જૂના વિચારોના પગલે આ બધું કહે છે, તો મહિલાઓ પણ એ જ રાજકીય માહોલ તરફ જઈ રહી છે.

સમાજ જ્યારે પુરુષ પ્રધાન હોય છે તો મહિલાઓને, ખાસ કરીને દલિત મહિલાઓને નીચી નજરે જોવી એ સામાન્ય લાગવા લાગે છે.

સાધના સિંહે જ્યારે માયાવતીના 'કપડાં ફાટી જવાના કારણે તેમનાં કલંકિત મહિલા' હોવાની વાત કરી તો કદાચ એ વિચાર્યું નહીં હોય કે તેમની વાતનો આશય એ છે કે બળાત્કાર પીડિત મહિલા હંમેશાં માટે 'કલંકિત' થઈ જાય છે.

કે પછી જ્યારે વર્ષ 2014માં ભારતીય જનતા પક્ષનાં પ્રવક્તા સાયના એન. સી.એ જયપુરમાં એક સંમેલનમાં કહ્યું હતું કે તેમને ખબર નથી પડતી કે માયાવતી 'હી' છે કે 'શી'.

શાયના ફેશન ડિઝાઇનર પણ છે અને માયાવતીનાં પહેરવેશ, હેર સ્ટાઇલ પર તેમની આ ટિપ્પણીએ સમજ વ્યક્ત કરે છે કે મહિલા તરીકે ઓળખ મેળવવા માટે એક પ્રકારનો પહેરવેશ અને શ્રૃંગાર જરુરી છે.

ડાબેરી નેતા કવિતા કૃષ્ણનનના જણાવ્યા અનુસાર તેનો એ મતલબ પણ હતો કે, "સત્તા પુરુષોનું અધિકાર ક્ષેત્ર છે અને માયાવતી પરિણીત નથી, તેમનાં નાના વાળ છે. સાડી પહેરતાં નથી. એ માટે તેઓ વુમનલી વુમન છે."

જાતિ અને વર્ગ

Image copyright FACEBOOK/SADHANABJP

માયાવતી એકમાત્ર એવા મહિલા નેતા નથી જેમનાં વિરુદ્ધ 'સેક્સિસ્ટ' ટિપ્પણી કરવામાં આવી હોય- પછી મહિલાઓ દ્વારા હોય કે પુરુષો દ્વારા.

માયાવતીએ તો તેમનાં દલિત હોવાના કારણે સાંસદ અને મુખ્ય મંત્રી પદ સુધી પહોંચવા છતાં જાતિગત ભેદભાવ સામે લડવું પડી રહ્યું છે.

પત્રકાર અજૉય બોસે તેમનાં જીવન પર પોતાના પુસ્તક, 'બહેનજી : અ પૉલિટિકલ બાયોગ્રાફી ઑફ માયાવતી'માં તેનો ઉલ્લેખ કરાયો છે.

તેઓ લખે છે કે સંસદમાં મહિલા નેતાઓ માયાવતી વાળોમાં તેલ લગાવીને આવતાં, તો હસતાં હતાં.

ફરિયાદ પણ કરતાં હતાં કે માયાવતીને ખૂબ પરસેવો આવે છે એ માટે તેમણે સારું પરફ્યૂમ વાપરવું જોઈએ.

કૉંગ્રેસ નેતા રીટા બહુગુણા જોશીએ વર્ષ 2009માં તે સમયના ઉત્તર પ્રદેશનાં મુખ્ય મંત્રી માયાવતીને બળાત્કાર પીડિતાઓ માટે વળતરની રકમ વધારવાના સંદર્ભમાં કહ્યું હતું કે માયાવતીને શરમનો અનુભવ કરાવવા માટે 'તેમનાં પર વળતરની રકમ ફેંકીને કહેવું જોઈએ કે જો તમે બળાત્કાર માટે રાજી થઈ જાવ તો તમને એક કરોડ રૂપિયા આપીશ'.

જેવું મેં પહેલાં કહ્યું હતું, દરેક ટિપ્પણી જૂની ટિપ્પણી કરતા ખરાબ હતી.

આ પુરુષ અને મહિલાની પ્રતિસ્પર્ધાની નહીં, આપણા રાજકારણ અને સમાજની વાત છે.

'મહિલા જ મહિલાની વિરુદ્ધ થઈ જાય છે', જેવા હલકા તર્કની પાછળ છૂપવું ક્યાં સુધી યોગ્ય ગણાવશો.

રાજકારણની ગલીઓમાં વહેતી હવા આપણા દરેક નેતાઓએ બદલવી પડશે. પાલનપોષણ અને રુઢિવાદી વિચારધારાને પાછળ છોડી મહિલાઓ તેમજ તથાકથિત નિચલી જાતિ પ્રત્યે સમાનતા, માન અને સંવેદનશીલતા દરેકે લાવવી પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો