હાર્દિક પટેલ અંગે અમિત શાહ માલદાની રેલીમાં ખોટું બોલ્યા?

માલદાની રેલીમાં અમિત શાહ Image copyright Getty Images
ફોટો લાઈન માલદાની રેલીમાં અમિત શાહ

ભાજપ અધ્યક્ષ અમિત શાહે વિપક્ષી નેતાઓ પર આરોપ લગાવ્યો છે કે યુનાઇટેડ ઇન્ડિયા રેલીમાં તેમણે ભારત માતા કી જય અને જય હિંદ જેવા સૂત્રોનો ઉચ્ચાર કર્યો ન હતો. આ રેલીમાં હાર્દિક પટેલ પણ સામેલ હતા.

રેલીનું આયોજન પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ કર્યું હતું.

જેમાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ, ડીએમકે લીડર એમ. કે. સ્ટાલિન, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવ, પાટીદાર નેતા હાર્દિક પટેલ, કૉંગ્રેસ પાર્ટી નેતા મલ્લિકાર્જુન ખડગે અને એનસીપી નેતા શરદ પવાર જેવા નેતાઓ જોડાયા હતા.

દરેક નેતાએ સાથે મળીને આગામી લોકસભાની ચૂંટણીમાં અમિત શાહના ભાજપ સામે લડવાનું એલાન કર્યું હતું.

તેની પ્રતિક્રિયાના ભાગરૂપે અમિત શાહે માલદામાં આયોજિત રેલીમાં નેતાઓની ટીકા કરી કહ્યું હતું કે તેમણે રેલી દરમિયાન એક વખત પણ જય હિંદનો ઉચ્ચાર કર્યો ન હતો.

તેમણે કહ્યું કે મહાગઠબંધન વિપક્ષી પાર્ટીઓ માટે એક પ્રસંગ છે અને તેઓ દેશને પ્રેમ કરતા નથી.

અમિત શાહે લગાવેલા આરોપને ભાજપના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ પણ કરવામાં આવ્યો હતો.

પણ શું તેમણે કરેલો આ દાવો સાચો છે?

તો અમિત શાહનો આ દાવો એકદમ ખોટો છે.

અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે રેલીમાં વિપક્ષી નેતાઓએ ભારત માતા કી જય અને જય હિંદનો ઉચ્ચાર કર્યો હતો.

પાટીદાર નેતા હાર્દિક પટેલે તેમની સ્પીચ ભારત માતા કી જય અને જય હિંદ સાથે પૂર્ણ કરી હતી.

હાર્દિક પટેલ વર્ષ 2017માં યોજાયેલી ગુજરાતની ચૂંટણી સમયથી ભાજપ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે.

તેમનો કોઈ પાર્ટી સાથે સંબંધ નથી પણ તેમનો દાવો છે કે તેમની પાસે ગુજરાતના પટેલ સમાજનું સમર્થન છે. ગુજરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે.

આ તરફ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ પણ પોતાની સ્પીચ જય હિંદ અને વંદે માતરમ્ સૂત્ર સાથે પૂર્ણ કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright Social Media Grab

અમિત શાહની માલદા રેલી પહેલાં એક ન્યૂઝપેપરમાં પણ આજ તક ન્યૂઝચેનલનાં એન્કર શ્વેતા સિંહની તસવીર સાથે આ જ પ્રકારનો દાવો કર્યો હતો.

આ તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ હતી.

આ ક્લિપ જમણેરી વિચારધારા ધરાવતા સોશિયલ મીડિયાના પેજ પર ખૂબ શૅર કરવામાં આવી હતી.

આ તસવીર વાઇરલ થયા બાદ પત્રકાર શ્વેતા સિંહે ટ્વિટર પર સ્પષ્ટતા પણ આપવી પડી હતી.

ટ્વીટના માધ્યમથી તેમણે એ વાતને નકારી કાઢી છે કે આવું કોઈ ટ્વીટ તેમણે કર્યું હતું કે સુત્રોચ્ચાર અંગે શંકા વ્યક્ત કરી હતી.

ભાજપ અને વિપક્ષ વચ્ચે પ્રચાર યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ યુદ્ધમાં દેશભક્તિનો મુદ્દો કેન્દ્રમાં આવી ગયો છે.

ઘણા ભાજપ નેતા એવા છે કે જેમણે કહ્યું છે કે જે લોકો વંદે માતરમ્ અને જય હિંદ કહેતા નથી તેઓ "રાષ્ટ્ર વિરોધી" છે.

આ મુદ્દો મોટી તકરાર ઊભી કરે છે, ખાસ કરીને મુસ્લિમ નેતાઓ વચ્ચે.

AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ઘણી વખત કહ્યું છે કે વંદે માતરમ્ ઉચ્ચારવું તે તેમના ધર્મની વિરુદ્ધ છે.

તેઓ કહે છે, "વંદે માતરમ્ આપણું રાષ્ટ્ર ગીત છે. પણ રાષ્ટ્રગાનની જેમ આ ગીત ગાવું કોઈ ફરજિયાત નથી."

વર્ષ 2017માં ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા તેમણે કહ્યું હતું, "અમે મુસ્લિમો માત્ર અલ્લાહને માનીએ છીએ. અમે મક્કા કે મોહમ્મદ પૈગમ્બરની પ્રશંસા કરતા નથી."

"તેનો એ મતલબ નથી કે અમે અમારા દેશને પ્રેમ કરતા નથી. ઇતિહાસ સાક્ષી છે કે અમે દેશ માટે બધું જ તજી દીધું છે અને હજુ પણ એમ કરવા તૈયાર છીએ. ભારતના બંધારણે અમને ધર્મની સ્વતંત્રતા આપી છે."

Image copyright Getty Images

વિશ્લેષકો માને છે કે ભાજપે વંદે માતરમ્ અને ભારત માતા કી જયનો મુદ્દો વિપક્ષ પર પ્રહાર કરવા માટે ઉઠાવ્યો તેમાં કોઈ નવી વાત નથી.

પણ હાલ જે મુદ્દો સામે આવ્યો છે, તેમાં ભાજપના પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ખોટા સાબિત થયા છે અને તેમનો દાવો ખોટો સાબિત થયો છે.

ભાજપના કોઈ પણ મોટા નેતાએ અમિત શાહના શબ્દો અંગે કોઈ સ્પષ્ટતા આપી નથી.

અમિત શાહે કરેલો ખોટો દાવો હજુ પણ ભાજપના ટ્વિટર હૅન્ડલ પર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ