ગુજરાતનો આ પરિવાર 22 દિવસથી દીકરીનો મૃતદેહ કેમ સાચવીને બેઠો છે?

મૃતદેહ Image copyright Shailesh chauhan
ફોટો લાઈન ઘરમાં રખાયેલો મૃતદેહ

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના પંચમહુડા ગામમાં એક પરિવારે પોતાની દિકરીના મૃતદેહને 20 દિવસથી સાચવી રાખ્યો છે.

17 વર્ષનાં પિંકી ગમારનો મૃતદેહ ખેડબ્રહ્મા તાલુકામાં 4 જાન્યુઆરીએ ઝાડ પર લટકેલો મળી આવ્યો હતો.

પોલીસ આ ઘટનાને આત્મહત્યા ગણાવી રહી છે. જોકે, પરિવારજનો આ વાત માનવા તૈયાર નથી.

પરિવારજનોનું કહેવું છે કે પિંકીની હત્યા કરવામાં આવી છે.


શા માટે મૃતદેહને 22 દિવસથી રખાયો છે

Image copyright Shailesh chauhan

પિંકીના પરિવારે જિદ લીધી છે કે મૃત્યુની યોગ્ય રીતે તપાસ ન થાય ત્યાં સુધી તેમની અંતિમક્રિયા નહીં કરાય.

પરિવારે છેલ્લા 20થી વધુ દિવસોથી પિંકીનો મૃતદેહ બરફની પાટ પર ઘરમાં રાખી મૂક્યો છે.

પિંકીના પિતા છત્રા ગમારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, ''આ ન્યાયની લડત છે. જે હાલતમાં તેનો મૃતદેહ મળ્યો હતો તે સૂચવે છે કે આ આત્મહત્યાનો મામલો નથી પરંતુ હત્યાનો મામલો છે.''

તેઓ કહે છે કે જ્યાં સુધી પોલીસ ગુનેગારને સામે લઈને નહીં આવે ત્યાં સુધી હું મારી દીકરીના મૃતદેહને ઘરમાં જ રાખીશ.

તમને આ વાંચવું પણ ગમશે:

છત્રા ગમારે કહ્યું, "પિંકીના મૃતદેહનું બે વખત પંચનામું કરવામાં આવ્યું છે."

"બીજી વખતના પંચનામામાં પિંકીના શરીર પર ઘા જોઈ શકાય છે, હાથ બાંધ્યા હોય એવાં નિશાન જોયાં હતાં. તેની સાથળ, તેના આંતરિક ભાગોમાં ઘા જોયા હતા."

"શરીર પર માર પડેલો છે. પોલીસ અને ડૉક્ટર અત્યારસુધીની તપાસમાં આ બધું દર્શાવી નથી રહ્યાં.''

તેમણે કહ્યું કે પોલીસે એટલું કહીને પંચનામું કરાવ્યું કે પિંકીએ ગળાફાંસો ખાઈ લીધો છે.


કેવી રીતે બની ઘટના?

પરિવારના જણાવ્યા અનુસાર પહેલી જાન્યુઆરીએ કૉલેજના એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ પિંકી બહેનપણીના ઘરે ગયાં હતાં.

છત્રા ગમારે જણાવ્યું, "2 જાન્યુઆરીએ અમને ફોન કર્યો ત્યારબાદ તેની સાથે સંપર્ક થયો નહોતો."

"અમે સગા-સંબંધીઓને ત્યાં તેને શોધતા રહ્યા પણ 4 જાન્યુઆરીએ તેનો મૃતદેહ મળ્યો."

તેઓ કહે છે કે પોલીસે ખેડબ્રહ્મામાં પોસ્ટમૉર્ટમ કરાવ્યું હતું પણ એમાં માત્ર એક ડૉક્ટર જ હતા.

ત્યારબાદ અમદાવાદમાં તેના મૃતદેહનું ફરીથી પોસ્ટમૉર્ટમ કરાવાયું હતું.


ન્યાય માટેની લડત : પિંકીના પિતા

Image copyright Shailesh chauhan

પિંકીના પિતા સીઆરપીએફમાં લાન્સ નાયક તરીકે કામ કરી ચૂક્યા છે.

પરિવારની જવાબદારીને કારણે તેમણે નોકરી છોડી દેવી પડી હતી.

તેઓ છેલ્લાં 25 વર્ષથી પંચમહુડા ગામમાં ખેતી અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

છત્રા ગમાર કહે છે, ''હું ન્યાય માટે લડી રહ્યો છું. ઘરમાં મારી દીકરીનો મૃતદેહ મૂકેલો છે અને આ આટલા દિવસથી હું ઘરે જ છું.''

તેઓ ઉમેરે છે, "દીકરીના મૃતદેહનો નિકાલ કરવા પોલીસ દબાણ કરી રહી છે. પણ ન્યાય ના મળે ત્યાં સુધી હું અંતિમવિધિ નહીં કરું."

પિંકીના પરિવારનું કહેવું છે કે ગામના લોકો અને આદિવાસી સમાજ તેમની સાથે છે અને ન્યાય માટે તેમની સાથે ઊભો છે.

ગામમાં સરપંચ મીના ગમારનો જ્યારે અમે સંપર્ક કર્યો તો તેમણે માત્ર એટલું જ કહ્યું કે પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે, એ સિવાય એમણે કોઈ વિગત આપવાનો ઇનકાર કર્યો.


પોલીસ આ ઘટના વિશે શું કહે છે?

Image copyright Shailesh chauhan

ખેડબ્રહ્મામાં પીએસઆઈ પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું કે પિંકીના મૃતદેહનું ખેડબ્રહ્મામાં પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું પરંતુ તેના પરિવારની માગ હતી કે આ તપાસ ફૉરેન્સિક સાઇન્સ લૅબોરેટરીમાં કરાવવામાં આવે.

વાઘેલાએ કહ્યું, "આ માટે અમે 7 જાન્યુઆરીએ અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલમાં ફરી તપાસ કરાવી હતી."

તેમણે જણાવ્યું કે પ્રાથમિક રિપોર્ટમાં ફાંસીને કારણે મૃત્યુ થયા હોવી પુષ્ટિ કરવામાં આવી છે.

પરંતુ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને આ રિપોર્ટ આવ્યા બાદ આગળની તપાસ હાથ ધરાશે.

સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા ચૈતન્ય મંડલીકે સ્થાનિક પત્રકાર શૈલેષ ચૌહાણને જણાવ્યું કે આ અંગે એડી(અકસ્માતે મૃત્યુ) નોંધીને તપાસ હાથ ધરાઈ હતી.

તેમણે કહ્યું, "જેમાં પરિવારજનોની રજૂઆતને પગલે તપાસ હાથ ધરાઈ છે અને આ મામલામાં કંઈક વધુ નીકળશે તે પ્રમાણે કાર્યવાહી હાથ ધરીશું."

પરિવારનો દાવો છે કે પિંકીના મૃતદેહની આસપાસ મળેલી દારૂની બૉટલો કે સિગારેટના પાકીટની નોંધ લેવાઈ નથી. જોકે, પોલીસ આ વાત સાથે સહમત નથી.

પોલીસે કહે છે, ''જ્યારે મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે પરિવારના લોકો ત્યાં હાજર હતા, એવું કંઈ મળી આવ્યું હોય તો પરિવાર રજૂઆત કરી શકે પણ આવી કોઈ રજૂઆત કરી નથી. અને એ સિવાય તે વખતની ફોટોગ્રાફી કરવામાં આવી છે.''

આ અંગે ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો. તેમણે આ મામલો કોઈ જવાબ આપ્યો નહોતો.


કૉલેજના કાર્યક્રમપહેલાં શું થયું હતું?

પીએસઆઈ પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું, "પ્રાથમિક તપાસમાં જાણ થઈ છે કે ગામની એક વ્યક્તિ સાથે પિંકીને બે વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો."

"31 ડિસેમ્બરે પિંકીના પિતાએ એને એ યુવક સાથે જોઈ હતી અને તેને બહુ માર માર્યો હતો. એ બાદ પહેલી જાન્યુઆરીએ પિંકી કૉલેજના કાર્યક્રમમાં ગઈ હતી.''

તેમણે આગળ જણાવ્યું, "બન્નેએ શારીરિક સુખ માણ્યું હતું. પછી ભય લાગતા આત્મહત્યા કરી લીધી હતી."

જ્યારે પિંકીના પિતાનું કહેવું છે, "સંબંધ હોય તો પણ ગુનેહગારને પકડવો પડે કે નહીં?"

"કોઈ સાથે સંબંધ હોય તો મારી નાખવાનું ના હોય ને! ભાઈ હોય, મા-બાપ હોય, કોઈ પણ ગુનેગાર હોય તો પકડવો પડે કે નહીં?''

પિંકીના પિતાનું કહેવું છે, "કાયદાની દૃષ્ટિએ અમને ન્યાય મળે અને જે ગુનેગાર હોય તેને સજા મળે. બસ, અમારે એટલું જ જોઈએ છે. જીવન બહુ અઘરું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો