શું પ્રિયંકા ગાંધીમાં આગામી ઇંદિરા ગાંધી બની શકવાની ક્ષમતા છે?

  • અભિજીત કરંડે
  • બીબીસી મરાઠી
ઇંદિરા ગાંધી અને પ્રિયંકા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 1999, રાયબરેલી. ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો હતો. કૉંગ્રેસના ઉમેદવાર કેપ્ટન સતીશ શર્મા મેદાનમાં હતા, તો ભાજપ તરફથી રાજીવ ગાંધીના પિતરાઈ ભાઈ અરુણ નહેરુ.

તે સમયે 27 વર્ષીય એક યુવાન મહિલા કૉંગ્રેસનો પ્રચાર કરી રહ્યાં હતાં. તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠાં થતાં હતાં. અરુણ નહેરુ રાયબરેલીથી અગાઉ પણ ચૂંટણી જીતી ચૂક્યા હતા.

અરુણ નહેરુના કારણે રાયબરેલીમાં ભાજપ માટે માહોલ બનેલો જોવા મળી રહ્યો હતો.

તેવામાં એ 27 વર્ષીય યુવતીએ એક ચૂંટણી રેલીની વચ્ચે સવાલ પૂછ્યો, "મારા પિતાજી સાથે દગાખોરી કરતા લોકોને તમે અહીં ઘૂસવા કેવી રીતે દીધા?"

આ નિવેદનની ઘણી ચર્ચા થઈ અને તેની ગૂંજ દિલ્હી સુધી સાંભળવા મળી.

બીજા દિવસે અરુણ નહેરુના પ્રચાર માટે અટલ બિહારી વાજપેયી રાયબરેલી પહોંચ્યા. તેમણે પોતાના ભાષણમાં તે યુવતીના નિવેદન પર હલકા ફુલકા અંદાજમાં પ્રતિક્રિયા આપી.

"અમે સાંભળ્યું છે કે આ કોઈનો વિસ્તાર છે. તમે એ વ્યક્તિને અહીં ઘૂસવા કેવી રીતે દીધા?"

ત્યારબાદ ચૂંટણી પ્રચાર ખૂબ જોરથી ચાલી નીકળ્યો અને 'કાંટે કી ટક્કર' પણ જોવા મળી, જ્યારે પરિણામ જાહેર થયા તો લોકો ચકિત થઈ ગયા.

અરુણ નહેરુ ચોથા નંબર પર હતા. કૅપ્ટન સતીશ શર્મા માટે જે યુવતીએ પ્રચાર કર્યો હતો તે યુવતી એટલે પ્રિયંકા ગાંધી.

સામાન્ય રીતે અમેઠી અને રાય બરેલીની બેઠક સુધી મર્યાદિત રહેતા પ્રિયંકા ગાંધી આ વખતે ઔપચારિક રી પક્ષના સક્રિય રાજકારણમાં આવ્યાં છે.

નરેન્દ્ર મોદી અને ભાજપનો ગઢ મનાતા પૂર્વાંચલની (પૂર્વ ઉત્તર પ્રદેશ)ની જવાબદારી પ્રિયંકાને સોંપવામાં આવી છે.

મીડિયામાં ઇંદિરા ગાંધી અને પ્રિયંકા ગાંધી વચ્ચે સમાનતાઓ પર વાત થતી રહે છે.

બન્નેનાં પહેરવેશ, ચાલ, આચરણ, આક્રમકતા, વાત કરવાની કળા જેવા મુદ્દાઓ પર લોકો વાતો કરતા રહ્યા.

અને સવાલ ઊઠ્યો કે કેમ પ્રિયંકા ગાંધી ઇંદિરાની જેમ પ્રિયદર્શીની છે? શું તેઓ ઇંદિરાની જેમ રાજકારણમાં પોતાની અસર છોડવામાં સફળ થઈ શકશે?

તમે આ વાંચ્યું કે નહીં?

ઇંદિરા અને પ્રિયંકાની સરખામણી કેટલી યોગ્ય?

ઇમેજ સ્રોત, Getty Images

રાજકીય વિશ્લેષક રાશીદ કિદવઈ કહે છે :

"ઇંદિરા ગાંધીનાં જમાનામાં અલગ રીતે રાજકારણ થતું હતું. પડકાર પણ અલગ હતા. જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધીના કામ કરવાની રીત અલગ હતી."

"તેમની રાજકીય ઢબ પણ અલગ હતી. સાથે જ લોકોની વચ્ચે જઈને તેમને સમજવાની રીત પણ તેમની અલગ હતી."

"ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધી વચ્ચે પણ આ જ પ્રકારનો ફેર હતો."

"એ જ તફાવત રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીની કાર્યશૈલીમાં પણ છે. તેવામાં ઇંદિરા ગાંધી અને પ્રિયંકાના રાજકારણની પ્રકૃતિ અને શૈલીમાં પણ અંતર છે."

કિદવઈ આગળ કહે છે, "ઇંદિરા અને પ્રિયંકાના પહેરવેશમાં ઘણી સમાનતાઓ છે. તેમની ઘણી બધી વસ્તુઓ એક જેવી છે."

"લોકો ઇંદિરાને પોતાનાં સમજતાં હતાં. તેઓ સહજતાથી હળીમળીને લોકો સાથે વાતો કરતાં હતાં."

"ઇંદિરાના ચહેરા પર લોકોને એવી આશા જોવા મળતી કે તેઓ દેશ માટે ગમે તે કરી શકતાં હતાં. તેમની અંદર વિનમ્રતા હતી."

"પ્રિયંકા આ મામલે ઇંદિરા જેવાં છે. તેઓ પણ લોકો સાથે સારી રીતે વાત કરે છે."

"ઉત્તર પ્રદેશમાં ઇંદિરા ગાંધીની લોકો વચ્ચે જે અપીલ હતી, તેવી જ અપીલ પ્રિયંકાની છે."

"ત્યારે પ્રિયંકાના આવવાના કારણે ઉત્તર પ્રદેશમાં કોઈ ફેરફાર તો જોવા મળશે. ત્યાં મોટો ભાગના લોકો હજુ પણ ઇંદિરા ગાંધીને માને છે."

"પ્રિયંકાનો ચહેરો, તેમની શૈલી અને પહેરવેશથી લોકોને એવું લાગશે કે ઇંદિરા ગાંધી તેમની વચ્ચે છે."

ઇંદિરા જેવો દેખાવ હોવાથી કામ થશે?

ઇમેજ સ્રોત, AFP

તો શું ઇંદિરા ગાંધી જેવા દેખાતાં પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના રાજકીય સમીકરણોને બદલી શકે છે?

ભારતીય જનતા પક્ષ અને નરેન્દ્ર મોદીને હરાવવા માટે શું આટલું પૂરતું છે?

માયાવતી અને અખિલેશ યાદવના ગઠબંધનને તેઓ મ્હાત આપી શકે છે?

સમાજવાદી પક્ષ તથા બહુજન સમાજ પાર્ટીનું સોશિયલ એંજિનયરિંગ ભાજપ ઉપરાંત કૉંગ્રેસ માટે પણ પડકારજનક બની શકે છે.

આ બધા સવાલો અને ઉત્તર પ્રદેશમાં સત્તાના સંઘર્ષને લઈને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ કહે છે:

"પ્રિયંકાજી ભલે ઇંદિરા ગાંધી જેવા દેખાતાં હોય, તેમની હેરસ્ટાઇલ અને પહેરવેશ તેમનાં જેવાં હોય પણ રાજકારણમાં આ બધું વધારે દિવસ ચાલતું નથી."

"તો હું તેમની સરખામણી ઇંદિરા જી સાથે કરીશ નહીં. તેનાં કરતાં વધારે મહત્ત્વપૂર્ણ એ છે કે પ્રિયંકા મૃદુભાષી છે અને લોકોને પોતાના પરિવારના સભ્ય જેવાં લાગે છે."

"કોઈ પણ તેમની સાથે એક જોડાણ અનુભવે છે. કૉંગ્રેસ કાર્યકર્તાઓની ઘણા વર્ષોથી ઇચ્છા હતી કે તેમણે રાજકારણમાં આવવું જોઈએ."

"સક્રિય રાજકારણમાં તેમનાં આગમનને કારણે કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધ્યો છે."

"પરંતુ પ્રિયંકાજી સામે ખૂબ મોટો પડકાર છે, કેમ કે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પક્ષ ખૂબ મજબુત દેખાય છે. માયાવતી અને અખિલેશે એકસાથે આવીને કૉંગ્રેસને દૂર રાખી છે."

"પરંતુ પ્રિયંકાના રાજકારણમાં આવવાના કારણે ભાજપ ચિંતામાં દેખાય છે. પ્રિયંકાના કારણે કૉંગ્રેસની પારંપરિક વોટ બૅન્ક તેમની પાસે પરત ફરશે."

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં જે રીતે કૉંગ્રેસનું પ્રદર્શન રહ્યું હતું, કર્ણાટકમાં ભાજપને સત્તાથી દૂર રાખ્યો હતો, પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કૉંગ્રેસને જીત મળી.. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને પ્રિયંકાને શું ધોનીની જેમ મૅચ ફિનિશર તરીકે ઉતારવામાં આવી રહ્યાં છે?

તેના જવાબમાં ચવ્હાણ કહે છે, "હું તેને ક્રિકેટની પરિભાષા તરીકે જોતો નથી. જીતી ગયા તો કૉંગ્રેસને આનંદ જ થશે."

"પરંતુ જ્યારે કોઈ નેતા હારે છે તો તેમની ખૂબ ટીકા થાય છે અને તેમના પર ઘણા સવાલ ઉઠાવવામાં આવે છે."

પ્રિયંકાને જે જવાબદારી સોંપવામાં આવી છે, તે ખૂબ મહત્ત્વપૂર્ણ છે કેમ કે પૂર્વાંચલના 24 જિલ્લાઓને ભાજપનો ગઢ માનવામાં આવે છે.

વારાણસીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે ચૂંટાયા છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સીટ ગોરખપુર પણ પૂર્વાંચલમાં છે.

2014માં ઉત્તર પ્રદેશમાં ભાજપે 80માંથી 71 બેઠક પર જીત મેળવી હતી.

આગામી ચૂંટણીમાં માયાવતી અને અખિલેશે એક સાથે આવવાનો નિર્ણય લીધો છે, એટલે કૉંગ્રેસ એકલી પડી ગઈ છે.

ટ્રમ્પ કાર્ડ?

ઇમેજ સ્રોત, Getty Images

શું પ્રિયંકાને ઉત્તર પ્રદેશમાં ઉતારવાં કૉંગ્રેસ માટે 'ટ્રમ્પ કાર્ડ' સાબિત થઈ શકે છે?

વરિષ્ઠ પત્રકાર અંબરીશ મિશ્ર કહે છે:

"કૉંગ્રેસી નેતા અને કાર્યકર્તા પ્રિયંકામાં ઇંદિરા ગાંધીની છબી જુએ છે. તેનો મતલબ એ છે કે કાર્યકર્તા ઇંદિરા ગાંધી જેવા જ મજબૂત નેતા ઇચ્છે છે."

"પ્રિયંકા એવાં જ મજબૂત નેતા સાબિત થશે કે નહીં, એ તો સમય જ જણાવશે."

"રાજીવ ગાંધીના નિધન બાદ સોનિયા છથી સાત વર્ષ રાજકારણથી દૂર રહ્યાં. તેઓ કોઈ સાથે વાત કરતાં ન હતાં. કોઈ પ્રતિક્રિયા આપતાં ન હતાં."

"તેનો મતલબ લોકોએ એવો કાઢ્યો કે તેઓ ખૂબ તેજ છે, હોશિયાર છે અને અંતર્મુખી છે, પરંતુ એવું થયું નહીં."

"જો એવું હોત તો કૉંગ્રેસની હાલત એવી ના હોત, જેવી હાલમાં છે."

"તો પ્રિયંકા એક રીતે અનટૅસ્ટેડ મિસાઇલ છે. તેમની અગ્નિપરીક્ષા હજુ બાકી છે."

"કોઈ પણ નિષ્કર્ષ સુધી પહોંચતા પહેલા રાજકારણને લઈને તેમની સમજ, વિચારો અને કાર્યશૈલી પર નજર રાખવી પડશે."

"રાજકીય વિશ્લેષક તેને ટ્રમ્પ કાર્ડ માની રહ્યા છે. ઘણાં લોકો તેમની સરખામણી ઇંદિરા ગાંધી સાથે કરી રહ્યા છે, પરંતુ તેની સાથે એવું પણ થઈ શકે છે કે કૉંગ્રેસમાં સત્તાના બે કેન્દ્ર બની જાય."

શું ભાજપ માટે અડચણ ઊભી થઈ શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images

વરિષ્ઠ પત્રકાર રાજગોપાલન કહે છે કે પ્રિયંકા અને ઇંદિરાની સરખામણી કરવી ખોટી છે.

રાજગોપાલનનું કહેવું છે કે સફરજન અને સંતરાની સરખામણી કરી શકાતી નથી.

તેઓ કહે છે, "ઇંદિરા ગાંધીનો જાદુ અલગ હતો અને તેમનો સમય વીતી ગયો છે. પ્રશ્ન એ છે કે શું પ્રિયંકા આજે નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે છે?"

"જો તેનો જવાબ 'હા' હોય તો તેમણે વારાણસીથી ચૂંટણી લડવી પડશે. મોદીએ સવર્ણોને જે 10% અનામત આપી, તેના બદલામાં આ કૉંગ્રેસનો દાવ છે?"

"ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણ મતદાતાઓની સંખ્યા વધારે છે. પ્રિયંકાની રાજકીય પ્રવેશ માયાવતી અને અખિલેશના સાથે આવવાની વિરુદ્ધનો આ એક દાવ છે, કેમ કે બન્નેએ કૉંગ્રેસને દૂર રાખી છે."

"આ માયાવતીને કૉંગ્રેસ તરફથી મળેલો જવાબ છે. ઇંદિરા ગાંધી ખૂબ મજબૂત હતાં."

"વાજપેયીજીએ તેમને દુર્ગા કહ્યાં હતાં. ઇંદિરા ગાંધી સાથે પ્રિયંકા ગાંધીની સરખામણી કરી શકાતી નથી."

કૉંગ્રેસનો ઉત્સાહ વધશે?

ઇમેજ સ્રોત, Getty Images

પ્રિયંકાના આવવાથી કૉંગ્રેસ કાર્યકર્તાનો શું ઉત્સાહ વધી જશે?

રાજગોપાલનને આ સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, "ઉત્સાહ તો વધશે પણ શું ક્ષેત્રીય પાર્ટીઓ પ્રિયંકાના આવવાથી પોતાનું રાજકીય વલણ બદલશે?"

"આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબૂ નાયડુ કૉંગ્રેસને માત્ર પાંચ બેઠક આપવા તૈયાર છે. મમતા બેનર્જીએ પ્રિયંકાના રાજકારણમાં આવવાનું સ્વાગત કર્યું નથી."

"તો શું પ્રિયંકા ઉત્તર પ્રદેશની ક્ષેત્રીય પાર્ટીઓના મતને કૉંગ્રેસ તરફ ખેંચી શકશે? કે તેમનો પ્રભાવ પૂર્વાંચલ સુધી જ સીમિત રહી જશે."

પરંતુ વરિષ્ઠ પત્રકાર રાશિદ કિદવઈ અલગ મત ધરાવે છે.

તેમણે કહ્યું, "પ્રિયંકા રાજકારણ અંગે સમજ ધરાવે છે. તેઓ પહેલેથી જ કૉંગ્રેસની બૅકઑફિસમાં કામ કરી રહ્યાં છે."

"રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી નક્કી કરવા મામલે કૉંગ્રેસમાં જે ગતિરોધ બનેલો હતો તે પ્રિયંકાએ જ સુલજાવ્યો હતો."

"તેમણે સમસ્યાનું સમાધાન લાવી દીધું અને એવું પણ ન થયું કે કોઈ નારાજ કે અસંતુષ્ટ થઈ ગયા. તેના માટે તેમણે ખૂબ મહેનત કરી."

કિદવઈ કહે છે કે નરેન્દ્ર મોદીની ભાષણ કળાની સમગ્ર દેશમાં પ્રશંસા થાય છે, જ્યારે આ મામલે રાહુલ ગાંધી તેમને ટક્કર આપી શક્યા નથી.

તેમનું કહેવું છે કે આ મામલે પ્રિયંકા કૉંગ્રેસ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.

તેને સમજાવવા માટે તેઓ વર્ષ 2014ની ચૂંટણીનું ઉદાહરણ આપે છે.

તેઓ કહે છે, "ગત ચૂંટણીમાં ભાજપે કહ્યું હતું કે કૉંગ્રેસ હવે વૃદ્ધ થઈ ગઈ છે."

"તેનો જવાબ આપતા એક ચૂંટણી રેલીમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે શું હું તમને વૃદ્ધ લાગું છું?"

"તો આ પ્રકારની નિવેદનબાજી આગામી ચૂંટણીઓમાં પણ જોવા મળશે."

કિદવઈ કહે છે કે ઇંદિરા ગાંધીના કાર્યકાળમાં પણ આ પ્રકારની નિવેદનબાજી અને ટક્કર થતી રહેતી હતી.

ઇંદિરાના સ્થાનનું શું?

ઇમેજ સ્રોત, Reuters

ઇંદિરા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની સરખામણીને લઈને વરિષ્ઠ પત્રકાર અંબરીશ મિશ્ર કહે છે:

"ઇંદિરા ગાંધી જ્યારે સત્તામાં આવ્યાં ત્યારે એ અનુભવ તેમનાં માટે નવો હતો. પહેલાં તેઓ વાત કરતાં તો સહજ દેખાતાં ન હતાં."

"પરંતુ 70ના દાયકામાં તેમણે લોકોનાં મન પર રાજ કર્યું. તેમની લોકપ્રિયતા ચરમસીમાએ હતી."

"તેમની જાદુઈ છબી ઊભી થઈ હતી. તેમની લોકપ્રિયતા આગળ મોદીની લોકપ્રિયતા કંઈ જ ન હતી."

"ઇંદિરા ગાંધીની સામે રામમનોહર લોહિયા જેવા મોટા નેતા હતા. તે છતાં તેઓ સફળતાથી રાજકારણ કરતાં રહ્યાં."

"હાલ કૉંગ્રેસની સામે 'કરો કે મરો'ની સ્થિતિ છે. લોકોનાં મનમાં હજુ પણ ઇંદિરાજીની છબી કાયમ છે."

શું કૉંગ્રેસે પ્રિયંકાને એ વિચારીને લૉન્ચ કર્યાં છે કે તેઓ ઇંદિરા ગાંધીનું સ્થાન ગ્રહણ કરી શકશે? શું તેમની અંદર એવી નેતૃત્વ ક્ષમતા છે?

અંબરીશ કહે છે, "મોદીની સામે કૉંગ્રેસની હાલત ખરાબ થઈ ગઈ છે. રાજકારણમાં પણ એવી જ ચર્ચા થાય છે કે શું ઇંદિરા ગાંધી જેવાં દેખાતાં પ્રિયંકા કૉંગ્રેસની પરિસ્થિતિ સુધારી શકશે?"

"તેનો જવાબ 100 દિવસમાં સામે આવી જશે. હજુ તો દેશમાં ચૂંટણીનો માહોલ ગરમ થવાનો બાકી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો