મણિકર્ણિકા : રાણી લક્ષ્મીબાઈ માત્ર ઝાંસી માટે લડ્યાં કે ભારતની સ્વતંત્રતા માટે?

ઝાંસીની રાણીની તસવીર Image copyright PIB

રાણી લક્ષ્મીબાઈના નામ ઉપર બનેલી ફિલ્મ મણિકર્ણિકામાં કંગના રનૌત મુખ્ય ભૂમિકામાં છે.

ભારતની આઝાદીની લડાઈમાં લક્ષ્મીબાઈએ ભાગ લીધો હતો. પરંતુ કેટલાંક એવા લોકો છે, જેમના મતે લક્ષ્મીબાઈ ભારત નહીં, માત્ર ઝાંસીને બચાવવા જ લડ્યાં હતાં.

લક્ષ્મીબાઈ ઝાંસી માટે લડ્યાં હતાં કે દેશ માટે એ સવાલ વારંવાર ઉઠાવવામાં આવે છે. વિનાયક દામોદર સાવરકરે આ યુદ્ધને 1857ના સ્વતંત્રા સંગ્રામનો દરજ્જો આપ્યો હતો.

પરંતુ બ્રિટીશ ઇતિહાસકારોએ આને સ્વતંત્રતાની લડાઈ તરીકે નકારી દે છે અને તેને વિદ્રોહ માત્ર ગણે છે.

ત્યારે લક્ષ્મીબાઈની ભૂમિકાને સમજવા માટે ઇતિહાસની તરફ જવું પડશે.

તમે આ વાંચ્યું કે નહીં?

લક્ષ્મીબાઈની એ છબી...

ઝાંસીનો શંકર કિલ્લો. આગની જવાળાઓમાં ઘેરાયેલું ઝાંસી.

કિલ્લામાંથી અંગ્રેજો ઉપર થતો હુમલો અને અંગ્રેજો દ્વારા કરાતો વળતો હુમલો.

દત્તક લીધેલા દીકરાને પીઠ ઉપર બાંધીને, ઘોડા પર સવાર થતાં રાણી લક્ષ્મીબાઈ.

ઝાંસીની રાણીનું નામ લેતાં જ આપણી આંખો સામે આ દૃશ્ય ખડું થઈ જાય છે. આ જ લડાઈમાં રાણીએ અંતિમ શ્વાસ લીધો હતો.

પરંતુ કથા ફક્ત આ તસવીર પુરતી જ નથી. રાણી લક્ષ્મીબાઈ ઉપર શું વીતી હતી, એને સમજવા માટે આપણે 1857-58ના સમયને જોવો પડશે.

મોરોપંત તાંબે પેશ્વાઓને ત્યાં નોકરી કરતા હતાં. મોરોપંતના ઘરે દીકરીનો જન્મ થયો. નામ રાખવામાં આવ્યું- મણિકર્ણિકા.

મણિકર્ણિકાના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર નેવાલકર સાથે થયા. લગ્ન બાદ મણિકર્ણિકાને લક્ષ્મીબાઈના નામથી ઓળખવામાં આવ્યાં.

1851માં લક્ષ્મીબાઈ અને ગંગાધરને ત્યાં બાળકનો જન્મ થયો પરંતુ ફક્ત ત્રણ મહિનામાં એ નવજાત શિશુનું મૃત્ય નીપજ્યું. કેટલાંક સમય બાદ ગંગાધર રાવની પણ તબિયત લથડી.

20 નવેમ્બર 1853માં ગંગાધર રાવે એક પુત્રને દત્તક લીધો. દત્તક લીધાના બીજા દિવસે ગંગાધર રાવનું પણ મોત નીપજ્યું.

અંગ્રેજી શાસકોએ નાગપુર, તંજાવર, સતારા જેવા મરાઠાઓના રજવાડાઓને સમાપ્ત કરી દીધાં અને બ્રિટીશ કંપનીનો ભાગ બનાવી દીધાં.

ડૅલહાઉઝીનું એ ષડયંત્ર

ગંગાધર રાવના મૃત્યુ પછી ઝાંસીને પણ સમાપ્ત કરવાનું લૉર્ડ ડેલહાઉઝીનું કાવતરું હતું.

તેમણે ગંગાધર રાવના પુત્ર દામોદર રાવને ઝાંસીના વારસ તરીકે સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો. ઝાંસીના વિલયનો આદેશ આપી દીધો.

13 માર્ચ 1854ના રોજ રાણી લક્ષ્મીબાઈને આ આદેશ મળ્યો.

ત્યારે લક્ષ્મીબાઈએ કહ્યું, "મારી ઝાંસી નહીં આપું." આ વાક્યને કારણે લક્ષ્મીબાઈનું નામ ઇતિહાસમાં અમર થઈ ગયું.

આ સ્થિતિમાં શું કરવામાં આવે એ પૂછવા માટે લક્ષ્મીબાઈએ બૅરિસ્ટર જૉન લૅઁગ પાસે સલાહ માગી.

જૉન લૅગે તેમને આ કિસ્સામાં હાલ ચુપ રહેવાની સલાહ આપી. આથી પ્રારંભિક સમયમાં લક્ષ્મીબાઈ બ્રિટીશરોની સાથે વાતચીતથી સમસ્યા ઉકેલ લાવવા પ્રયત્નશીલ રહ્યાં.

પરંતુ જ્યારે તેમને ખાતરી થઈ ગઈ કે વાતચીતથી સમસ્યા હલ નહીં આવે ત્યારે તેમણે બાણપુરના રાજા મર્દાનસિંહને પત્ર લખ્યો.

લક્ષ્મીબાઈનાં પત્રમાં શું હતું?

Image copyright Getty Images

લક્ષ્મીબાઈએ પત્રમાં લખ્યું, "ભારત આપણો દેશ છે. વિદેશીઓની ગુલામીમાં રહેવું સારું નથી. તેમની સામે લડવું સારું."

"ભારત પર વિદેશીઓનું શાસન ના રહે એવી અમારી સલાહ છે. અમને અમારી જાત પર વિશ્વાસ છે અને અમે સૈન્ય તૈયાર કરી રહ્યાં છીએ. કારણ કે અંગ્રેજો સામે લડવું અત્યંત અગત્યનું છે..."

ઇતિહાસકાર યશોધન જોશીએ બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું કે વિદ્રોહ વખતે ફક્ત પોતાના રાજ્યનું ના વિચારતા અંગ્રેજોને આ દેશમાંથી ભગાડી દેવાની મંશા દેખાય છે.

એ પત્ર બાદ ઝાંસી પર પોતાનો અધિકાર જાળવી રાખવા માટે ઝાંસીની રાણીએ અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધનો આરંભ કર્યો. લક્ષ્મીબાઈ પહેલાં નાનાસાહેબ પેશ્વાએ પણ અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ જાહેર કરી દીધું હતું.


'પોતાનાં હક માટે લડ્યાં હતાં રાણી લક્ષ્મીબાઈ'

Image copyright DEVIDAS DESHPANDEY/BBC

'ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ' પુસ્તકનાં લેખિકા પ્રતિભા રાનડે કહે છે કે રાણી લક્ષ્મીબાઈનું માનવું હતું કે ઝાંસીના રજવાડા પર તેમનો અધિકાર છે અને પોતાના અધિકાર માટે તેમણે યુદ્ધ કર્યું હતું.

લેખિકા અનુસાર ઝાંસીનું રજવાડું જ રાણીનું રાષ્ટ્ર હતું. રાષ્ટ્રીયતાને લઈને આજે જે સમજ છે, 1857ના વખતમાં એવી કોઈ સમજ નહોતી.

દિલ્હીના તખ્ત ઉપર કોઈ પણ હોય પરંતુ દરેક રાજા પોતાની જાતને એક સ્વતંત્ર રાજા સમજતા હતા અને એ જ તેમના માટે રાષ્ટ્રીયતા હતી.

ઇતિહાસકાર ડૉ.સુરેન્દ્રનાથ સેન અને આર.સી. મજુમદારે કહ્યું હતું કે અંગ્રેજો સામે દુશ્મનીના કારણે આ વિદ્રોહ થયો હતો.

જોકે, દક્ષિણ ભારતમાં ક્યાંય પણ વિદ્રોહ નહોતો થયો. આ જ આધારે ઘણાં લોકોની ધારણા છે કે ઝાંસીનાં રાણી ફક્ત પોતાના સ્વાર્થ માટે લડ્યાં હતાં.

ઝાંસીની રાણીના વંશજ પ્રમોદ ઝંસીવાલાએ બીબીસી મરાઠી સાથે વાત કરતા કહ્યું કે રાણી લક્ષ્મીબાઈ પર લગાવાયેલો આરોપ રાજકીય કારણોથી પ્રેરિત હોય છે.

તેઓ પૂછે છે, "જો લક્ષ્મીબાઈએ ફક્ત ઝાંસી માટે જ લડવું હોત તો પોતાનો જીવ જોખમમાં ના નાખ્યો હોત."

તેમની લડાઈ દેશ માટે હતી. 17 જૂન, 1858ના રોજ અંગ્રેજો સાથે લડતાં ગ્વાલિયર પાસે તેમનું મૃત્યું થઈ ગયું.

આજે એ જ જગ્યાએ ઝાંસીની રાણીનું એક સ્મારક છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ