પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ, ભૂપેન હઝારિકાને ભારત રત્ન, ક્યા ગુજરાતીઓને મળ્યા પદ્મ પુરસ્કાર

નાનાજી દેશમુખ, ભૂપેન હઝારિકા અને પ્રણવ મુખર્જી Image copyright Getty Images
ફોટો લાઈન નાનાજી દેશમુખ, ભૂપેન હઝારિકા અને પ્રણવ મુખર્જી

ભારત સરકારે ભારત રત્ન પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જારી એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી.

આ વર્ષે એકસાથે ત્રણ લોકોને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે.

સમાજસેવી નાનાજી દેશમુખને મરણોપરાંત તથા ગાયક ભૂપેન હરાઝારિકાને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવશે.

આ પહેલાં આગળના વર્ષે અટલ બિહારી વાજપેયી અને મદન મોહન માલવિયાને ભારત રત્ન આપવામાં આવ્યો હતો.


ભૂપેન હઝારિકાનું યોગદાન

Image copyright Getty Images
ફોટો લાઈન ભારત રત્ન ભૂપેન હઝારિકા

ભૂપેન હઝારિકા ગાયક અને સંગીતકાર હોવાની સાથે સાથે એક કવિ, ફિલ્મ નિર્માતા, લેખક અને આસામની સંસ્કૃતિ અને સંગીતના એક સારા જાણકાર હતા.

તેમને દક્ષિણ એશિયાના સૌથી લોકપ્રિય સાંસ્કૃતિક વ્યક્તિ તરીકે માનવામાં આવતા હતા.

તેમનું નિધન પાંચ નવેમ્બર 2011ના રોજ થયું હતું.

પોતાની મૂળ ભાષા આસામી સિવાય ભૂપેન હઝારિકાએ હિંદી, બંગાલી સહિત અન્ય ભારતીય ભાષાઓમાં પણ ગીતો ગાયાં હતાં.

તેમને પારંપરિક અસમિયા સંગીતને લોકપ્રિય બનાવવાનો શ્રેય જાય છે.

તેમણે ફિલ્મ 'ગાંધી ટુ હિટલર'માં મહાત્મા ગાંધીનું પસંદગીનું ભજન 'વૈષ્ણવજન તો' ગાયું હતું.

હઝારિકાને અનેક પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

જેમાં પદ્મભૂષણ અને દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડનો સમાવેશ થાય છે.

તેઓ ભારતમાં વાજપેયી સરકારના કાર્યકાળ દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા.

પ્રણવ દા : 50 વર્ષોથી રાજનીતિમાં

Image copyright Getty Images

લગભગ પાંચ દાયકા સુધી દેશની રાજનીતિમાં સક્રિય રહેલા પ્રણવ મુખર્જી ભારતના તેરમા રાષ્ટ્રપતિ રહ્યા હતા.

જોકે, પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ બે વખત રાષ્ટ્રપતિ રહ્યા હતા એટલે આ પદ પર આરૂઢ થનારા તેઓ બારમા વ્યક્તિ હતા.

હાલના વર્ષોમાં નરેન્દ્ર મોદીની નજીકના સંબંધો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય નાગપુર જવાની ચર્ચામાં રહેતા પ્રણવ મુખર્જીને ક્યારેક કૉંગ્રેસ પાર્ટીના સંકટમોચક માનવામાં આવતા હતા.

તેઓ જુલાઈ 1969માં પ્રથમ વાર રાજ્યસભામાં ચૂંટાઈને આવ્યા હતા.

જે બાદ તેઓ 1975, 1981, 1993 અને 1999માં રાજ્યસભા માટે ચૂંટાયા હતા.

તેઓ 980 થી 1985 સુધી રાજ્યમાં વિધાનસભાના નેતા પણ રહ્યા હતા.

મુખર્જી મે 2004માં લોકસભામાં ચૂંટાઈને આવ્યા હતા ત્યારથી તેઓ એ સદનના નેતા હતા.

ફેબ્રુઆરી 1973માં પહેલીવાર તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ મુખર્જીએ લગભગ ચાલીસ વર્ષમાં કૉંગ્રેસની અથવા તેના નેતૃત્વવાળી સરકારોમાં મંત્રી પદ સંભાળ્યું હતું.

2004થી 2014 સુધી યૂપીએ સરકારમાં પ્રણવ મુખર્જી કેન્દ્ર સરકાર અને કૉંગ્રેસ પાર્ટીમાં સંકટમોચક તરીકે કામ કરતા હતા.

જે બાદ તેઓ પાંચ વર્ષ સુધી દેશના રાષ્ટ્રપતિ રહ્યા હતા.


કોણ હતા નાનાજી દેશમુખ

Image copyright Getty Images
ફોટો લાઈન નાનાજી દેશમુખ

11 ઑક્ટબર, 1916માં મહારાષ્ટ્રના હિંગોળી ગામમાં જન્મેલા નાનાજી દેશમુખ મૂળ સમાજસેવી રહ્યા.

આ દરમિયાન તેમનું જોડાણ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને ભારતીય જનસંઘ સાથે પણ રહ્યું હતું.

1977માં જ્યારે જનતા પાર્ટીની સરકાર બની હતી, મોરારજી દેસાઈએ તેમને પોતાના મંત્રીમંડળમાં સામેલ કર્યા હતા.

જોકે, નાનાજી દેશમુખે કહ્યું હતું કે 60 વર્ષથી વધારે ઉંમરવાળા લોકોએ સરકારથી બહાર જઈને સમાજસેવા કરવી જોઈએ.

તેઓ એ ચૂંટણીમાં વલરામપુરથી ચૂંટણી જીતીને આવ્યા હતા.

1980માં સક્રિય રાજનીતિમાંથી તેમણે સંન્યાસ લઈ લીધો પરંતુ દીનદયાળ શોધ સંસ્થાનની સ્થાપના કરીને સમાજસેવા સાતે જોડાયેલા રહ્યા.

અટલ બિહારી વાજપેયી સરકારે 1999માં તેમને રાજ્યસભાના સભ્ય બનાવ્યા અને એ જ વર્ષે તેમને સમાજસેવા માટે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

95 વર્ષની ઉંમરે નાનાજી દેશમુખનું નિધન 27 ફેબ્રુઆરી, 2010માં ચિત્રકુટમાં થયું હતું.


કોને મળ્યા પદ્મ પુરસ્કાર?

આ વર્ષે કુલ 112 લોકોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે.

જેમાં પદ્મવિભૂષણ-4, પદ્મભૂષણ-14 અને 94 લોકોને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે.

લોકકલાકાર તીજાન બાઈ, જિબૂટીના પ્રમુખ ઇસ્માઇલ ઓમર ગુલ્લે, એલ એન્ડ ટીના ચેરમેન અનિલકુમાર નાઇક અને લેખક બલવંત મોરેશ્વરને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવશે.

ઇસરોના વૈજ્ઞાનિક નામ્બી નારાયણ, ભૂતપૂર્વ લોકસભા ડેપ્યુટી સ્પિકર કારયા મુંડા, એક્ટર મોહનલાલ, પત્રકાર કુલદીપ નાયર(મરણોપરાંત), ભારતીય પર્વતારોહક બચેન્દ્રીપાલ અને લોકભાના સાંસદ હુકમદેવ નારાયણ યાદવ સહિત 14 લોકોને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવશે.

આ ઉપરાંત કાદર ખાન(મરણોપરાંત), એક્ટર મનોજ બાજપાઈ, ફૂટબૉલર સુનીલ છેત્રી, ફિલ્મ ડીરેક્ટર પ્રભુ દેવા, ક્રિકેટર ગૌતમ ગંભીર, ગાયક કલાકાર શંકર મહાદેવન અને કુસ્તીબાજ બજરંગ પુનિયા સહિત 94 લોકોને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે.


ક્યા ગુજરાતીઓને મળ્યા પદ્મ પુરસ્કાર

આર્ટ અને પેઇન્ટિંગના ક્ષેત્રમાં યોગદાન બદલ જ્યોતિ ભટ્ટને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

સામાજીક કાર્ય-વિકલાંગની સેવા માટે મુક્તાબહેન પંકજકુમાર ડાગલીને પદ્મ શ્રી આપવામાં આવ્યો છે.

આર્ટ અને લોકકળાના ક્ષેત્રમાં જોરાવરસિંહ જાદવના યોગદાને સન્માનતા પદ્મ શ્રી એનાયત કરાયો છે.

આર્ટ અને પેઇન્ટિંગના ક્ષેત્રમાં અબ્દુલ ગફાર ખત્રીને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.

કૃષિ ક્ષેત્રમાં યોગદાન બદલ વલ્લભાઈ વસરામભાઈને પદ્મ શ્રી એનાયત કરવામાં આવ્યો છે.

આર્કિટેક્ચર ક્ષેત્રમાં યોગદાન બદલ બિમલ પટેલને પદ્મ શ્રીથી સન્માનવામાં આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો