REPUBLIC DAY : આર્મીના આ પ્રથમ મહિલા અધિકારી છે 144 પુરુષ સૈન્ય દળની પરેડનાં કમાન્ડર

ભાવના કસ્તૂરી:
ફોટો લાઈન ભાવના કસ્તૂરી:

લેફ્ટનન્ટ ભાવના કસ્તૂરી ભારતીય સેનાના પહેલા એવાં મહિલા છે, જેઓ આઝાદી પછી પહેલી વાર 144 પુરુષ સૈન્ય દળની પરેડનું નેતૃત્વ કરશે.

26 વર્ષના ભાવના કસ્તૂરી હૈદરાબાદના છે. તેમણે ઉસ્માનિયા વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે. ભાવના અભ્યાસમાં સારા જ હતાં, સાથે સાથે ડાન્સ અને ગીત ગાવામાં પણ સારાં હતાં. તેમણે ક્લાસિકલ ડાન્સમાં પણ ડિપ્લોમાં કર્યો છે.

પરંતુ 23 વર્ષ સુધી સામાન્ય જીવન જીવનારી આ છોકરીને ખબર નહોતી કે તેઓ ક્યારેક ઇતિહાસ પણ રચી શકે છે.

આઝાદીના 71 વર્ષ પછી 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાવના એ પ્રથમ મહિલા બનવાના છે, જેઓ 144 પુરુષ સૈન્યદળની ટુકડીનું નેતૃત્વ કરશે.

ભારતીય આર્મી સર્વિસ કૉર્પ્સના લેફ્ટનન્ટ ભાવના કસ્તૂરી બીબીસીને જણાવે છે કે તેઓ આ તક મેળવીને બહુ જ ખુશ છે.

ભાવના જણાવે છે, "23 વર્ષ પછી આર્મી કૉર્પ્સની ટુકડીને પરેડ કરવાનો મોકો મળ્યો છે અને એનું નેતૃત્વ પણ મારે કરવાનું છે તો આ મારા માટે ખુબ જ ગર્વ કરવાની પળ છે."

પરિવારજનોના સહયોગ સાથે ભાવનાને અહીં પહોંચવાનું મુશ્કેલ લાગ્યું નથી. જોકે, એક છોકરી હોવાનું કેટલાંક લોકોએ વખતો-વખત ચોક્કસ યાદ અપાવ્યું એમ તેઓ જણાવે છે.


'છોકરી છે, ઘરમાં બેસાડો અને લગ્ન કરાવી દો'

ફોટો લાઈન ભાવના કસ્તૂરીની સાથે મીના કોટવાલ

બીબીસી સાથે વાતચીત દરમિયાન ભાવના જણાવે છે, "ઘણાં સંબંધીઓ ઘરમાં કહેતા હતાં, છોકરી છે, ઘરમાં બેસાડો અને લગ્ન કરાવી દો. પરંતુ મારા માતા-પિતાએ ક્યારેય કોઈનું સાંભળ્યું નહીં અને મને આકાશમાં ઉડવા છૂટ્ટી મૂકી દીધી."

"આજે અહીં સુધી પહોંચવામાં જેટલી ખુશી મને છે એનાથી વધુ મારા પરિવારને છે. ઘણાં દિવસો સુધી પરિવારજનો સાથે વાતચીત નથી થતી પરંતુ જે કરું છું એને લીધે તેઓ ગર્વ અનુભવે છે."

ભાવના આગળ ઉમેરે છે કે તેમને પોતાની યાત્રામાં પતિનો પણ ખૂબ સાથ મળ્યો. તેઓ પણ એક આર્મી ઑફિસર છે અને મને સારી રીતે સમજે છે.

ભાવના અભ્યાસમાં પહેલેથી હોશિયાર હતાં પરંતુ ક્યારેય કંઈ આવું નેતૃત્વ કરવાની તક નહોતી મળી. કૉલેજમાં એનસીસીમાં જવાનું મન થયું.

તેઓ કહે છે કે મેં એનસીસીમાં જોડાયા બાદ જાણ્યું કે સેનામાં મહિલાઓ માટે પણ ઘણો સ્કોપ છે અને જ્યારે મહિલાઓ દરેક જગ્યાએ પોતાનો ઝંડો લહેરાવી રહી છે તો આર્મીમાં પણ બહેતર કરી શકે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

'...હવે બસ વધુ નહીં'

ઑફિસર ટ્રેનિંગ એકેડેમી ચેન્નઈમાં છે જ્યાં બહુ જ કડક ટ્રેનિંગ થાય છે. એમાં શારીરિક મહેનત તો હોય જ છે સાથે જ માનસિક કસરત પણ હોય છે.

પોતાની તાલીમના દિવસોના કિસ્સા યાદ કરતા ભાવના કહે છે કે આર્મીની ફરજ અને શિસ્ત બહુ જ કડક હોય છે એટલે એક વાર તો એવું લાગ્યું જે ભાગી જ જાઓ.

પોતાની સૌથી મુશ્કેલ ટ્રેનિંગ બાબતે તેઓ કહે છે, "એક નક્કી સીમમાં 18 કિલોના વજન વાળી એક બેગ અને હાથમાં એક રાઇફલની સાથે 40 કિલોમીટર દોડવાનું હોય છે, જે દરમિયાન મનમાં આવી ગયું હતું કે હવે બધું જ છોડી દઉં... પરંતુ દિમાગમાં એક જ વાત ચાલતી કે ક્યારેય હાર નથી માનવી અને આગળ વધતી ગઈ."

"જ્યારે તમે ટ્રેનિંગ એકેડેમીમાંથી બહાર નીકળો છો ત્યારે સારું લાગે છે. ટ્રેનિંગ એકેડેમીમાં એક સામાન્ય વ્યક્તિ તરીકે જાઓ છો અને 11 મહિનાઓની મહેનત પછી એક અધિકારી બનીને જ નીકળો છો. એ વખતે તમામ થાક અને દુ:ખ કશું જ યાદ નથી હોતું."


પીરિયડ્સ લીવ

દુનિયાબહારના અલગ અલગ કામની કચેરીઓમાં પીરિયડ્સ દરમિયાન મહિલા કર્મીઓને રજાની માંગ ઉભી થઈ રહી છે. પરંતુ ભાવના એને જરૂરી નથી માનતા.

પીરિયડ્સ લીવ ઉપર ભાવના કહે છે કે આ જીવનનું એક સત્ય છે અને એક સૈનિક માટે આ બધી મામુલી તકલીફો છે. એમના અનુસાર આર્મીમાં જેટલી પણ મહિલાઓ હતી એ તમામ એક બીજાને બહુ જ સપોર્ટ કરતી હતી.

તેઓ કહે છે, "જીવન એક જંગ છે અને દરેક વ્યક્તિ જંગ લડે છે પરંતુ આ બધી સમસ્યાઓ સાથે તમે તમારી ફરજથી બચી નથી શકતા. અને જ્યારે તમારે તમારા સપનાઓ સુધી પહોંચવું હોય તો આવાં દુ:ખ આડા નથી આવતા."

ત્રણ વર્ષમાં બદલાઈ ગયું જીવન

Image copyright BHAVANA KASTURI
ફોટો લાઈન પરેડને લીડ કરતા ભાવના કસ્તૂરી

ભાવના જુના દિવસો યાદ કરે છે અને કહે છે કે 23 વર્ષ સુધી સામાન્ય છોકરી હતી, જેને નાચવા-ગાવાની સાથે પરિવાર સાથે વખત વ્યતીત કરવાનું જ ગમતું હતું.

પરંતુ ત્રણ વર્ષમાં અચાનક બહુ જ મોટો ફેરફાર થઈ ગયો અને નવી જવાબદારીઓ મળી ગઈ.

"ગત છ મહિનાથી દિનચર્યા બહુ જ કડક છે પરંતુ એ પહેલા જ્યારે પણ સમય મળતો હતો ડાન્સ અને ગાવાનો અભ્યાસ કરી લઉં છું. એ મારું પેશન છે."

આર્મીમાં પોતાના અનુભવો જણાવતા ભાવના કહે છે, "મારી વિચારધારાની પાછળ હવે ફક્ત હું નહિ બલકે મારી પાછળ ચાલનારા મારા જવાન, તેમનો પરિવાર, આખો દેશ અને તે તમામની જવાબદારી હોય છે."

Image copyright BHAVANA KASTURI

આ બધું કહેતા કહેતા ભાવના થોડાં ભાવુક થઈ જાય છે અને કહે છે, "આજે હું જે છું એ વર્દી છે. આર્મીમાં આવીને હું જણાવી નથી શક્તિ કે હું કેવી લાગણી અનુભવું છું... બસ મારી પાસે શબ્દો જ નથી."

ઘણીવાર માનવામાં આવે છે કે સેના મહિલાઓ માટે નહિ બલકે પુરુષો માટે જ છે.

તેઓ કહે છે, "લોકોમાં એક ગેરમાન્યતા છે કે આર્મીમાં મહિલા-પુરુષમાં અંતર હોય છે જ્યારે ત્યાં ફક્ત એક ઑફિસર જ હોય છે. હું પણ ત્યાં એટલી જ મહેનત કરી રહી છું જેટલી તે સૌ કરે છે. હું અત્યારે કારગિલમાં છું જ્યાં ફરજ બજાવવી સહેલી નથી."

"અને મારી પાછળ મારા 144 જવાન ચાલે છે અને તે સૌ મારી તાકાત છે તેઓ હંમેશા મારી હિંમત વધારે છે, બલકે તેમનો જોશ જોઈને મારામાં પણ જોશ આવી જાય છે અને જાતે જ કદમ આગળ વધવા લાગે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ