દિલ્હીમાં સફાઈ કામદારનું ગટરમાં ગૂંગળાવાથી કેવી રીતે મૃત્યુ થયું? : ગ્રાઉન્ડ રિપોર્ટ

પ્રતીકાત્મક તસવીર Image copyright AFP

દિલ્હીની તિમારપુર ઝૂપડપટ્ટીની સાંકડી શેરીઓથી પસાર થઈને અમે કિશનલાલના ઘર તરફ જઈ રહ્યાં હતા, ત્યાં જ કેટલાંક બાળકોએ આવીને પૂછ્યું, "તમે પણ ત્યાં જાઓ છો, જેનું મૃત્યુ થયું છે?"

આ બાળકો અમને એ કિશનલાલના ઘરે લઈ જાય છે, જેમનું મૃત્યુ ગત 20 જાન્યુઆરીના રોજ ગટરમાં સફાઈ દરમિયાન થયું હતું.

કિશનલાલ અભણ હતા. તેમના ઘરના દરવાજાની બહાર શિક્ષિત ભારતનું પોસ્ટર લાગેલું હતું.

આ શિક્ષિત ભારતનાં પોસ્ટરની સંભાવના કિશનલાલનાં બાળકોની ભીની આંખમાં ત્યારે તરી આવી જ્યારે તેમણે કહ્યું, "પપ્પા ઇચ્છતા કે અમે કોઈ દિવસ તેમના જેવું કામ ન કરીએ. તેઓ અમને ખૂબ ભણાવવા-ગણાવવા માગતા હતા. તેઓ ઇચ્છતા કે અમે ભાઈ-બહેન એક દિવસ અધિકારી બનીએ."

કિશનલાલનાં પત્ની ઇંદુ દેવી તેમાનાં ત્રણ બાળકો અને પાડોશની મહિલાઓ સાથે લગભગ 6x8ના ઓરડામાં બેઠાં હતાં.

પરિવારના મોભી અને એકલા માથે પરિવાર ચલાવનારી વ્યક્તિનાં મૃત્યુનું દુખ ઓરડામાં દેખાઈ આવતું હતું. સાથે જ દેખાતી ગરીબી, લાચારી અને ભવિષ્યની ચિંતા પણ.

વર્ષ 2019માં એક વ્યક્તિનું ગટર સફાઈ કરતી વખતે મૃત્યુ થયું. આ વિચારીને 'પ્યાસા' ફિલ્મમાં સાહિર લુધિયાનવીનું લખેલું ગીત માનસમાં ઊપસી આવે છે :

"જરા ઇસ મુલ્ક કે રહબરોં કો બુલાઓ, યે કૂચે, યે ગલિયાં, યે મંઝર દીખાઓ,

જિન્હેં નાઝ હૈ હિંદ પર ઉનકો લાઓ, જિન્હેં નાઝ હૈ હિંદ પર કહાં હૈં...કહા હૈં...કહા હૈં?"


પરિવાર સાથે ઝઘડીને આવ્યા હતા દિલ્હી

ઈંદુ સાથે બેઠેલી મહિલાઓએ ફરિયાદના સૂરમાં કહ્યું કે 'કોઈ આ ગરીબને ન્યાય પણ અપાવશો કે માત્ર આમ જ આવી રહ્યા છે?'

કંઈક પૂછતાં પહેલાં ઈંદુ પાસે બેઠેલી એક મહિલા કહે છે, "તમે માત્ર આ ગરીબને એક સારી નોકરી અપાવી દો, જેથી કરીને તે તેમનાં બાળકોને ઉછેરી શકે."

કિશનલાલ મૂળ છત્તીસગઢના હતા. ત્યાં રોજગારી નહોતી એટલે દિલ્હી આવી ગયા હતા.

એમનાં પત્ની ઈંદુદેવી જણાવે છે, "પરિવાર સાથે લડીને અમને પણ સાથે લાવ્યા હતા. તેઓ કોઈ દિવસ કામને નકારતા નહોતા. ક્યારેક મિસ્ત્રી તરીકે તો ક્યારેક ગટરની સફાઈ માટે જતા રહેતા."

"ઘણા દિવસો પછી આ કામ મળ્યું હતું. 16 જાન્યુઆરીથી કામ કરતા હતા અને દરરોજ પૈસા પણ મળતા હતા."

ગટરની સફાઈ દરમિયાન તેમનું મૃત્યુ થયું તે સમયે તેમની પાસે કોઈ સુરક્ષાનું સાધન પણ નહોતું.

ઈંદુ જણાવે છે, "માલિક સફાઈ માટે દોરડું પણ નહોતા આપતા. તેમની પાસે માત્ર એક પંજી (કચરો ખેંચનાર) હતો જે માલિક આપતા હતા. વાંસ પણ જાતે જ લઈ જવો પડતો હતો."

'ઉત્તર દિલ્હી નગર નિગમ' અંતર્ગત આવનારા આ વિસ્તારની સફાઈ 'સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગ' કરાવી રહ્યો હતો.

આ કામ માટે કિશન સિવાય અન્ય ચાર વ્યક્તિ અઝિજુલ (40 વર્ષ), મનોજ (35 વર્ષ), ઉમેશ (62 વર્ષ), અને રાજુ (35 વર્ષ) દરરોજની માફક કામ પર નીકળ્યા હતા

રસ્તાની એક તરફ કિશનની ઝૂપડપટ્ટી અને બીજી તરફ બુરાડી ગટર અને તેમાં સામેલ થતી અન્ય નાની ગટરો.

મનોજ બીબીસીને જણાવે છે, "કિશન અને કાકા (ઉમેશ) ગટરમાં ઊતર્યા હતા. કિશન બે ડગલાં આગળ હતા. સફાઈ દરમિયાન અચાનક પાણીનો વેગ વધ્યો. કિશન અંદર ગયા તો ગટરના છેડે કચરો ફસાઈ ગયો જેના કારણે તેઓ ત્યાં જ ફસાઈ ગયા અને તેમને ગુંગળામણ થવા લાગી અને તેમનો જીવ જતો રહ્યો."

બહાર હાજર રહેલા સાથીઓએ કિશનને થોડી વાર શોધ્યા પરંતુ તેઓ ના મળ્યા. ત્યારબાદ તેમણે આ ઘટનાની સૂચના અન્ય સાથી દિલીપને કરી.

દિલીપી ફરી વખત કિશનને શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ કિશનનો કોઈ પતો ના લાગ્યો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી.

દિલીપ જણાવે છે કે અકસ્માત એકથી દોઢ વાગ્યાની વચ્ચે થયો હતો. તેઓ કહે છે, "થોડીવાર સુધી કિશનને શોધવામાં આવ્યા પરંતુ અમે અસફળ રહ્યા. પોલીસના આવતા જ અમને કામ આપનારા અનિલ ત્યાંથી નાસી ગયો."

તમે આ વાંચ્યું કે નહીં?

'માગવા છતાં ઉપકરણો નહોતાં આપતા'

ઇન્સ્પેક્ટર પીએસ યાવદ જણાવે છે કે પોલીસને આ ઘટનાની જાણ ત્રણ વાગ્યાની આસપાસ થઈ.

તેઓ કહે છે, "જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો કિશન ગટરમાં ફસાયેલા હતા. પરિસ્થિતિને જોતા અમે દિલ્હી અગ્નિશામક સેવા અને રાષ્ટ્રિય આપદા પ્રતિક્રિયા દળ (એનડીઆરએફ)ને બોલાવી."

ઘટનાસ્થળ પર હાજર મનોજ બીબીસીને જણાવે છે કે સફાઈ માટે ઉપકરણો માગતા તો આપતા નહોતા.

તેઓ ઉમેરે છે, "આ કામ અમે હાથ દ્વારા કરતા હતા. આ વખતે મેં માસ્ક માગ્યું હતું તો તેમણે કહ્યું કે વધુ કામ નથી, એમ જ કરી લો."

ઉત્તર દિલ્હીના ડીસીપી નુપુર પ્રસાદ કહે છે કે મૅન્યુઅલ સ્કૅવેન્જર્સ અધિનિયમની જોગવાઈ 7 અને 9 અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે, કારણ કે ઘટનાસ્થળ પર હાજર પાંચ સફાઈકર્મીઓને ફેસ માસ્ક, ગૅસ સિલિન્ડર, ગણવેશ વગેરે આપવામાં નહોતા આવ્યા.

આ સિવાય આગળની તપાસ ચાલી રહી છે.


શા માટે ઉપકરણ જરૂરી છે?

ફોટો લાઈન દિલીપ, મનોજ, રાજુ અને ઉમેશ

એનડીઆરએફની ટીમને લીડ કરનારા શ્રીનિવાસન જણાવે છે કે આ ઘટનાની જાણકારી અમને ચાર વાગે મળી પરંતુ કિટ અને ટીમ તૈયાર કરવામાં અડધો કલાક જતો રહ્યો.

શ્રીનિવાસન કહે છે, "એ ટનલ 40થી 45 ફૂટ લાંબી હતી પરંતુ ઊંડાઈ માત્ર બે-ત્રણ જ ફૂટ હતી. પરંતુ અંદર કચરાને કારણે તેમાં ના બેસીને જઈ શકાય કે ના તો ઊભા રહીને."

તેઓ ઉમેરે છે, "ઘટના બાદ ટીમના સુરક્ષા દળો ઘસડાતા અંદર ગયા હતા."

"40 ફૂટ અંદર ગયા બાદ કચરાનો ઢગલો મળ્યો જ્યાં કિસન ત્યાં ફસાયેલા હતા. તેને બહાર કાઢવામાં સાડા ચાર કલાક લાગી ગયા."

તેઓ કહે છે કે ગટરમાં ઝેરી ગૅસ હોય છે જેના કારણે જીવ જઈ શકે છે. તેના માટે ફેસ માસ્ક, ગણવેશ, ઓક્સિજન ગૅસ સિલિન્ડર, અને ઝેરી ગૅસનું પ્રમાણ બતાવતાં ઉપકરણની જરૂર પડતી હોય છે.

ગૅસ સિલિન્ડર માત્ર 20 મિનિટ સુધી ચાલે છે એટલા માટે તેટલા સમયમાં જ બહાર આવી જવાનું હોય છે. બચાવ ટીમમાં છ ડીપ ડાઇવર છે, જે એક પછી એક અંદર ગયા હતા.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
કેવી રીતે થાય છે તમારી ગટરો સાફ અને શું થાય છે તેમને સાફ કરતા લોકોના હાલ. અહીં જુઓ.

'સરકાર કંઈ કરતી કેમ નથી?'

સફાઈ કર્મચારી આંદોલનના બેજવાડા વિલ્સન જણાવે છે કે 2013માં કાયદો બનાવી દેવામાં આવ્યો હતો કે મૅન્યુઅલી સીવર કામ કરવું ગેરકાયદે છે તો પણ આ કામ કરવામાં આવી રહ્યું છે.

તેઓ ઉમેરે છે, "સફાઈ દરમિયાન કિશન અને તેમના સાથીઓ પાસે ઉપકરણના નામે કંઈ નહોતું. જો સરકાર પાસે સુવિધા નથી તો આ બંધ કરી દેવું જોઈએ. જોકે, ઉપકરણ હોય તો પણ ગટરમાં અદંર જઈને સફાઈ કરાવવી ગેરકાનૂની છે."

વિલ્સન ઉમેરે છે, "સરકાર આ લોકો પર ધ્યાન નથી આપતી કારણ કે તેમને કોઈ સરકારી ફાયદો નથી થતો. જોકે આ કામ બંધ કરવા માટે કડક પગલાં લેવા જોઈએ અને તેમના પુનર્વસન માટે પણ કામ કરવું જોઈએ. પરંતુ તેઓ આ બીજા પર નાખવાના પ્રયાસો કરે છે અને મુદ્દાઓ પાછળ ધકેલાય છે."

તેઓ ગંભીર થઈને કહે છે કે જો કોઈ પણ પ્રકારની ઈમરજન્સી હોય તો આ કામ એનડીઆએફનું છે જે સંપૂર્ણ તૈયારી સાથે આ કામને અંજામ આપે છે.


કો જવાબદાર?

દિલ્હીની ગટર અને તેમનાં નિર્માણ કાર્યો 'દિલ્હી જળ બોર્ડ' અંતર્ગત આવે છે, પરંતુ જ્યારે આ મામલે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે તેઓ આ આ અંગે અજાણ છે.

નામ ન જણાવવાની શરત પર 'દિલ્હી જળ બોર્ડ'નાં એક અધિકારી કહે છે કે તેઓ આ કામ નહોતા કરાવી રહ્યા.

તેઓ કહે છે, "અહીં ફ્લડ ડિપાર્ટમેન્ટનું કામ ચાલી રહ્યું હતું જેના વિશે અમને કોઈ જાણકારી નહોતી."

વિસ્તારના મેયર આદેશ ગુપ્તા કહે છે, "વિસ્તાર મારી અંતર્ગત આવે છે પરંતુ મામલો દિલ્હી સરકારનો છે, જ્યાં ફ્લડ કંટ્રોલનું કામ ચાલી રહ્યું છે."

આ અંગે બીબીસીએ દિલ્હી સરકારના સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગ સાથે પણ વાત કરી. તેમણે કબૂલ્યું કે આ કામ તેમનું જ હતું.

સિંચાઈ અને પૂર કંટ્રોલ વિભાગના વહીવટી ઍંજિનયર નરેન્દ્ર ભાગલ જણાવે છે કે જે કામ કરવામાં આવ્યું છે તે તેમની ફરજનો ભાગ નથી.

તેઓ કહે છે, "અમે જે કૉન્ટ્રાક્ટ આપ્યો હતો, તે બહારથી સફાઈ કરવાનો હતો. ગટરની અંદર જવાની વાત જ નહોતી થઈ. બહારથી જ ગટરની કોથળીઓ અને અન્ય કચરો ઉપાડવાનો હતો."

"અમારું કામ ગટરની બહાર કચરો સાફ કરવાનું છે પરંતુ આ કામ ડ્યૂટીથી અલગ હતું. આ બધું રવિવારના રોજ થયું જ્યાં અમારો સ્ટાફ પણ હાજર નહોતો."

"અમારા કામમાં વ્યક્તિને પાણીમાં જવાની પરવાનગી નથી. જે પણ કામ કરવાનું હોય છે તે ગટરની બહારથી જ કરવાનું હોય છે."

દિલ્હીમાં પહેલાં થયેલાં મૃત્યુનું શું?

ફોટો લાઈન પરિવાર સાથે કિશનલાલ

ગત વર્ષે ગટર અને સેફ્ટી-ટૅન્ક સાફ કરતી વખતે ઘણાં મૃત્યુ થયાં, જેમાં મોતીનગર વિસ્તારની એક સોસાયટીમાં સીવર ટૅન્ક સાફ કરતી વખતે છમાંથી એક મજૂરનું મૃત્યુ થયું હતું.

બીબીસીએ પોલીસ સાથે આ અંગે વાત કરી. મોતીનગરના એસએચઓ સંદીપકુમાર જણાવે છે કે આ કેસમાં ચાર્જશીટ દાખલ થયેલી છે. જોકે, તેઓ હાલમાં જ ફરજમાં જોડાયા છે એટલા માટે તેમને આ અંગે કોઈ વધુ માહિતી નથી.

બીબીસીએ પાંચ મૃતકોમાંથી એકના પરિવાર સાથે વાતચીત કરી હતી.

મૃતક વિશાલનાં બહેન સત્યા જણાવે છે કે આ મામલે પાંચ લોકોની ધરપકડ થઈ હતી પરંતુ થોડા સમય બાદ ત્રણને છોડી મુકવામાં આવ્યા હતા.

સરકારની મદદ અંગે સત્યા જણાવે છે કે દિલ્હી સરકારે શરૂઆતમાં 10 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, જે દરેક પીડિતના બૅન્ક એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવે છે.

બીજી તરફ પશ્ચિમ ડાબરી વિસ્તારમાં 37 વર્ષના અનિલનું ગટર સફાઈ દરમિયાન મૃત્યુ થયું હતું. આ અંગે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો.

ડાબરી પોલીસ સ્ટેશનના એસએચઓ વિજય પાલે જણાવ્યું કે આ કેસમાં સતબીર કલા નામની વ્યક્તિની ધરપકડ થઈ છે, જેમણે અનિલ પાસે સફાઈ કરાવી હતી.

આ સાથે આગળની કાર્યવાહી ચાલી રહી છે.

બિનસરકારી સંસ્થા 'પ્રૅક્સિસ'ના એક અહેવાલમાં જણાવાયું છે કે દર વર્ષે દિલ્હીમાં લગભગ 100 જેટલા ગટર સફાઈ કર્મચારી કામ દરમિયાન ઝેરી ગૅસને કારણે મૃત્યુને ભેટે છે.

વર્ષ 2017માં જુલાઈ-ઑગસ્ટના માત્ર 35 દિવસ દરમિયાન 10 સફાઈકર્મીઓનાં મૃત્યુ થયાં હતાં.

'સફાઈ કર્મચારી આંદોલન' મુજબ તેમણે વર્ષ 1993થી અત્યાર સુધી સમગ્ર ભારતમાં લગભગ 1500 મૃત્યુનાં દસ્તાવેજો એકઠા કર્યાં છે પરંતુ સાચી સંખ્યા આનાથી ક્યાંય વધુ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ