મોદી-શાહને આમંત્રણ આપ્યાં વગર રાજ ઠાકેરના પુત્રના 'ભવ્ય લગ્ન'

અમિત ઠાકરે અને મિતાલી બોરૂડે Image copyright SWANAND KAMAT

મહારાષ્ટ્ર નવ નિર્માણના અધ્યક્ષ રાજ ઠાકરેના પુત્રના અમિત ઠાકરેના મિતાલી બોરૂડે સાથે મુંબઈમાં 'કૌટુંબિક કાર્યક્રમ' દરમિયાન શાહી અંદાજમાં અંદાજમાં લગ્ન લેવાયાં.

ઠાકરેના પુત્રના આ લગ્ન સમારોહમાં રાજકારણીઓ, ફિલ્મ કલાકારો, ઉદ્યોગપતિઓ અને ક્રિકેટરો હાજર રહ્યા.

લગ્નમાં મહારાષ્ટ્રના રાજનેતાઓને પણ આમંત્રણ પાઠવાયાં હતાં.

રાષ્ટ્રવાદી કૉંગ્રેસના શરદ પવારને અપાયેલું આમંત્રણ અને લગ્નમાં હાજર રહેવા માટે ભારપૂર્વકના કરાયેલા આગ્રહે રાજ ઠાકરેની ભવિષ્યની રાજકીય મનસાને ઉજાગર કરી દીધી.

જોકે, આ લગ્નમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને આમંત્રણ નહોતું અપાયું.

જેને પગલે રાજકીય વિશ્લેષકો અમિત ઠાકરેના આ લગ્નને રાજ ઠાકરેની 'મૅરેજ ડિપ્લોમસી' પણ ગણાવી રહ્યા છે.

મહારાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર સંદિપ પ્રધાન બીબીસી સાથેની વાતચીતમાં ભારતમાં ઉદ્યોગપતિઓ કે રાજકારણીઓનાં ઘરે યોજાતાં લગ્નોને 'વૅડિંગ ડિપ્લોમસી' ગણાવે છે.

પ્રધાન કહે છે, "ભારતમાં રાજનેતા કે ઉદ્યોગપતિઓના સંતાનોનાં લગ્ન નક્કી થતાંની સાથે જ વૅડિંગ ડિપ્લોમસી શરૂ થઈ જતી હોય છે."

"ઉદ્યોગપતિઓ વેપારી અને આર્થિક સંબંધોને ધ્યાનમાં રાખીને લગ્ન નક્કી કરતા હોય છે. એવી જ રીતે રાજકારણીઓ પણ રાજકીય સંબંધોને ધ્યાનમાં રાખીને સંતાનોનાં લગ્નો ગોઠવતા હોય છે."


શક્તિ પ્રદર્શનનો અવસર?

પ્રધાન આવા લગ્નોને શક્તિ પ્રદર્શનનો અવસર પણ ગણાવે છે.

તેઓ ઉમેરે છે, "રાજકારણીઓને ઘરે યોજાતાં આવાં લગ્નો શક્તિનું પ્રદર્શન કરવાની પણ એક તક હોય છે."

"લગ્ન વખતે ઘરે આવતા રાજનેતાઓ, મહેમાનોની યાદી થકી રાજકીય શક્તિ પણ દર્શાવાતી હોય છે."


'ભવ્ય આયોજન'

રાજનેતાઓના સંતાનોનાં લગ્નો પાછળ થતો ખર્ચ છાશવારે ચર્ચા જગાવતો જ રહે છે અને તેમાં મહારાષ્ટ્રીયને નેતાઓ પણ બાકાત નથી.

પંકજ મૂંડે, પૂનમ મહાજન, નિખિલ ગડકરી, ધનંજય મૂંડનાં લગ્નો પણ આ યાદીમાં જ મૂકી શકાય.

તમે આ વાંચ્યું કે નહીં?

મહારાષ્ટ્રના જ અન્ય એક વરિષ્ઠ પત્રકાર સંદિપ આચાર્ય જણાવે છે, "રાજ ઠાકરેને ભવ્ય વસ્તુઓ ગમે છે એટલે તેમના પુત્રના લગ્નનું આયોજન પણ ભવ્ય જ કરાયું."

"રાજે પોતાના પુત્રના લગ્નની કંકોત્રી સૌ પ્રથમ મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરમાં આપી હતી અને એ બાદ ઉદ્યોગપતિ રતન તાતાને નોતર્યા હતા."

પુત્રના આ લગ્ન માટે રાજ ઠાકરે શિવ સેનાના વડા ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ પાઠવીને પણ ચર્ચા જગાવી હતી.


મોદી-શાહને આમંત્રણ નહીં

Image copyright TWITTER / @MNSADHIKRUT

એક સમયે નરેન્દ્ર મોદીના પ્રશંસક ગણાતા રાજ ઠાકેરેના આ ઘરના પ્રસંગમાં વડા પ્રધાનને આમંત્રણ નહોતું પાઠવાયું.

આ અંગે વાત કરતા પ્રધાન જણાવે છે, "પુત્રના લગ્નમાં રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને આમંત્રણ નથી પાઠવ્યું એ સહજ છે."

"જે રીતે દરરોજ રાજ ઠાકરે નરેન્દ્ર મોદીનું કાર્ટુન બનાવી કટાક્ષ કરી રહ્યા છે, તે જોતાં એમને આમંત્રણ ના પાઠવાયું એમાં કોઈ નવાઈ નથી લાગતી."

"હાલમાં ચૂંટણી આવી રહી છે ત્યારે રાજનેતાઓ દ્વારા ભરાતા દરેક પગલાનો અર્થ નીકળતો હોય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો