ઔદ્યોગિકીકરણના દસ વર્ષે શું છે સાણંદની દશા અને દિશા?

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

જેને લીધે સાણંદ અને એની આસપાસનો ઔદ્યોગિક વિસ્તાર ખૂબ ચર્ચામાં આવ્યો હતો એ પ્રોજેક્ટ એટલે તાતા કંપનીની નેનો કાર. સમાચાર સંસ્થા પીટીઆઈના સૌજન્યથી 24 જાન્યુઆરીએ આવેલા સમાચાર મુજબ તાતા કંપની એપ્રિલ 2020થી નેનો કારનું ઉત્પાદન અને વેચાણ બંધ કરી શકે છે.

રતન તાતાના ડ્રીમ પ્રોજેક્ટ સમી નેનો કાર 2009માં જ્યારે રજૂ થઈ ત્યારે દેશભરમાં ચર્ચા જગાવી હતી.

તાતા નેનોનો આ પ્લાન્ટ પશ્ચિમ બંગાળના સિંગૂરથી ગુજરાતના સાણંદમાં ખસેડાયો હતો. જોકે, સાણંદમાં એક માત્ર તાતા નેનો જ પ્લાન્ટ નથી આવેલો

અહીં તાતા મોટર્સ કે ફૉર્ડ જેવી મોટી કંપનીઓએ ઉદ્યોગ પ્લાન્ટ આવેલા છે અને છેલ્લા દસકામાં  સાણંદે ગુજરાતના ઉદ્યોગ મથક તરીકે નામના મેળવી છે.

જોકે, અહીં દસ વર્ષના આ ઔદ્યોગિકીકરણે અહીં કેવુંક પરિવર્તન આણ્યું છે? સાણંદમાં ઔદ્યોગિકીકરણના એક દાયકા પછી કેવી છે સ્થિતિ


જમીનોના ભાવો વધ્યા

સાણંદ જીઆઇડીસી(ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન)ના નાકે બોર ગામ આવેલું છે.

ખેતી પર નભતું બોર ગામ હવે ઉદ્યોગોનું ગામ ગણાય છે. આ ગામના મોટા ભાગના ખેડૂતોની જમીન પર હવે ઉદ્યોગો વિકસી ગયા છે.

બોર ગામના વતની ઘેલુભા વાઘેલા પાસે પહેલાં 16 વીઘા જમીન હતી, જેમાં તેઓ ખેતી કરતા હતા.

ત્યારબાદ ઔદ્યોગિક વિકાસને પગલે 12 વીઘા જમીનનું સંપાદન થઈ ગયું.

હવે તેમની પાસે 3 વીઘા જમીન છે. જેમાં તેઓ થોડીઘણી ખેતી કરી લે છે. જ્યારે બાકીની જમીન પર તેમણે 14 ઓરડાઓ ઊભા કરી દીધા છે અને ભાડે આપ્યા છે.

એ ઓરડાઓમાં જીઆઈડીસીમાં કામ કરતા કામદારો ભાડે રહે છે. ઘેલુભાઓ સાણંદમાં સ્ટેશનરીનો સ્ટોર પણ શરૂ કર્યો છે.

ઘેલુભાએ જણાવે છે, "છેલ્લા દસ વર્ષમાં અમારા ગામની જમીનનો ભાવ ભારે ઊંચકાયા છે."

"દસ વર્ષ અગાઉ બોર ગામમાં 1 વીઘા જમીનનો ભાવ 45 હજાર જેટલો હતો. આજે 1 વીઘાનો ભાવ દોઢ કરોડ બોલાય છે."

" સાણંદ હાઇવેને અડીને આવેલા ગામોમાં પણ જમીનના ભાવ ખાસ્સા ઊંચકાયા છે. ઉદ્યોગોથી થોડે દૂર એવા સાણંદના અંતરિયાળ ગામડાંની જમીનના ભાવ પણ દસ વર્ષ અગાઉ વીઘાના 20-25 હજાર હતા, જે હવે 25 લાખ જેટલા બોલાય છે."

"બોરમાં આજથી દસ વર્ષ અગાઉ ચારેક દુકાનો હતી. હવે અઢીસો દુકાનો છે અને શૉપીંગ મૉલ પણ છે. દસેક વર્ષ અગાઉ બોરમાં ચારેક પરિવાર પાસે કાર હતી. આજે બોરના 75 ટકા પરિવાર પાસે કાર છે. મેં પણ 2012માં કાર ખરીદી હતી."

"લોકોને ખેતીની જમીનના સારા પૈસા મળ્યા છે. ઉપરાંત, ગામમાં ઓરડા ભાડે આપવાની નવી રોજગારી પણ વિકસી છે."

"ઉદ્યોગો વિકસતા અન્ય રાજ્યોમાંથી અનેક કામદાર રોજગારી માટે અહીં આવે છે. મેં 14 ઓરડા બનાવ્યા છે. મારી જેમ બીજા ઘણા લોકોએ ઓરડા બનાવીને બિનગુજરાતી કામદારોને ભાડે આપ્યા છે." 

વાતચીત દરમિયાન ઘેલુભા એક મહત્વની માહિતી આપે છે. તેમના મતે 'બોર ગામની વસતી 2000 હજાર જેટલી છે અને 8000 જેટલા બિનગુજરાતીઓ રહે છે.'


સ્થાનિકો અને પરપ્રાંતીઓનાં જૂથ

Image copyright Getty Images

સાણંદ નજીકના મોડાસર ગામના જીતેન્દ્રભાઈ ડાભી  'તાતા મોટર્સ'ના પ્લાન્ટમાં બે વર્ષ કામ કરી ચૂક્યા છે. હવે વૉટર પ્યુરીફાયર સર્વિંસિંગનું કામ કરે છે. તેમના પિતાજી ખેતમજૂર હતા.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જીતેન્દ્રભાઈ કહે છે, "બોર ઉપરાંત ચાંગોદર, મોરૈયા, નવાપુરા, પીલુપુરા, ચાંચરાવાળી વાસણા વગેરે ગામોમાં બિનગુજરાતી લોકો મોટી સંખ્યામાં રહે છે."

"તેથી સાણંદ અને તેની આસપાસમાં જ્યાં ઔદ્યોગિક વિકાસની અસર જોવા મળે છે એ ગામોમાં સ્થાનિક ગુજરાતી અને પરપ્રાંતીઓ, એમ બે જૂથ પડી ગયાં છે."

"જેને પગલે અહીં જૂથબાજી પણ જોવા મળે છે. સ્વાભાવિક છે કે બહારના લોકો અહીં આવે એટલે જૂથ બનાવીને રહે. બિનગુજરાતીઓનો મોટો વર્ગ આ વિસ્તારમાં રોજગારી મેળવે છે."

"બિનગુજરાતી મજૂરવર્ગ મોટે ભાગે પરિવાર વગર રહે છે તેથી આઠ કલાકને બદલે દસ- બાર કલાક પણ કામ કરવાનું હોય તો તેમને વાંધો નથી હોતો. કઈ કંપનીઓને એવા કર્મચારી ન ગમે જે ઓવરટાઇમ કરવા તૈયાર હોય?"

"પરિણામે એવા કર્મચારીની વધારે માગ રહે છે. કંપનીઓ પણ તેઓને પ્રાથમિકતા આપે છે. એને પરિણામે સ્થાનિક લોકોમાં નારાજગી પણ છે."

ઘેલુભા ઉમેરે છે કે "કંપનીઓ પરપ્રાંતીઓની સરખામણીમાં સ્થાનિક માણસોને લેવાનું એટલા માટે પણ ટાળે છે કે સ્થાનિક કર્મચારીઓ જોર બતાવી શકે જ્યારે કે પરપ્રાંતીઓ એવી ગુંજાઇશ ઓછી રહે છે." 

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગયા વર્ષે સપ્ટેમ્બરના અંતમાં એવી જાહેરાત કરી હતી કે ગુજરાતમાં જે ઉદ્યોગો સ્થપાશે કે જે કંપનીઓ સર્વીસ સૅક્ટરમાં આવશે તેમણે 80 ટકા નોકરી ગુજરાતીઓને આપવી પડશે.

તેમણે 25 ટકા નોકરીઓ સ્થાનિકોને આપવાની પણ વાત કરી હતી.

હાલની વાત કરીએ તો જે વિસ્તારમાં ઉદ્યોગો સ્થપાય એ વિસ્તારમાં સ્થાનિક લોકોને સમાવવા ઉદ્યોગોની જવાબદારી બનાવવા સરકાર કાયદો ઘડવાની તૈયારી પણ કરી રહી છે. 


ઔદ્યોગિકીકરણ સમાજ માટે ઘાતક?

Image copyright Getty Images

ગુજરાત ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી જણાવે છે, "સાણંદ અને આસપાસના સ્થાનિક લોકોને એવું લાગે છે કે પરપ્રાંતીઓને કારણે  તેમની રોજગારી છીનવાઈ રહી છે, પરંતુ એની પાછળ ઑટોમેશન બહુ મોટું પરીબળ છે જે દેખાતું નથી."

વાતનો ફોડ પાડતા સાગરભાઈ કહે છે, "સાણંદમાં ઑટોમોબાઇલ ક્ષેત્રની કંપનીઓ છે અને નવી કંપનીઓ પણ આવી રહી છે. ઑટોમોબાઇલ ક્ષેત્રે ઑટોમેશન ખૂબ વધી રહ્યું છે."

"ઑટોમેશનને પગલે મશીન વધારે કામ કરે છે અને કર્મચારીની સંખ્યા ઘટતી જાય છે. આ મુદ્દો માત્ર સાણંદ પૂરતો જ સિમિત્ જ નથી. તમે વિવિધ કંપનીનાં જોબ રીપોર્ટ જુઓ તો માલૂમ પડશે કે નફો અને ટર્ન ઓવર વધે  છે અને તેમાં રોજગારની સંખ્યા ઘટે છે."

તમે આ વાંચ્યું કે નહીં?

"જ્યારે રોજગારી ઘટી રહી હોય અને ખેતીલાયક જમીનને બિનખેતીમાં ફેરવાઈ રહી હોય તો એ અવળું ગણિત કહેવાય."

" જેમકે પાંચ વીધાનું ખેતર હોય અને પરિવારના સાત સભ્યો હોય તો સાતેય લોકો પાંચ વીઘામાં કામ કરતા હોય છે. શું કરો છો? તો કહેવાય છે ખેતી કરે છે."

"દરેકના ભાગે નાનું મોટું કામ આવે છે એટલે માણસ વ્યસ્ત રહે છે. પાંચ વીઘા જમીન જતી રહે તો સાત લોકો બેરોજગાર થઈ જાય છે. પછી કોઈ કહે કે શું કરો તો કહેશે કે છૂટક મજૂરી મળે તો કરીએ છીએ. તેથી ફાટફાટ ઔદ્યોગિકરણ લોકશાહી અને સમાજ બંને માટે ઘાતક છે."


ખેતીનું પ્રમાણ ઘટ્યું

Image copyright Getty Images

સાણંદ અને એની આસપાસના ગામોમાં ડાંગર અને ઘઉંનો પાક લેવાય છે.

મોડાસર ગામના દશરથ ડાભીના પિતા ખેતમજૂર હતા. દશરથભાઈ હાલમાં બૅન્કમાં નોકરી કરે છે.

તેઓ કહે છે,"સાણંદથી વિરમગામ અને સરખેજથી બાવળા સુધીના એટલે કે હાઇવેના કાંઠે જે 24 ગામો છે. ત્યાંના મો઼ટા ભાગના યુવાનો હવે ખેતી કરતા નથી."

"આ વિસ્તારની નવી પેઢીમાં ખેતી પ્રત્યેનો લગાવ ઘટ્યો છે. વીસેક ટકા યુવાનો જ ખેતીમાં રસ લઈ રહ્યા છે. આગામી પંદરેક વર્ષમાં અહીં કોઈ યુવાનો ખેતી સાથે સંકળાયેલા નહીં હોય. "

"સાણંદમાં જે ઔદ્યોગિક વિકાસ થયો છે એ પછી ખેતીની જમીન ઘટવા માંડી છે. જમીન વેચવામાં આવે તો એના ખૂબ સારા ભાવ મળે છે."

"તેથી લોકો જમીન વેચી રહ્યા છે. લોકો પાસે પૈસા આવે પછી બીજા કારોબાર વગેરેમાં રોકાણ કરે છે. નોકરીના નવા વિકલ્પ ઊભા થયા છે."

"તેથી યુવાનો હવે ખેતીમાં રસ લેતા નથી. અગાઉ જે લોકો ખેતમજૂરી કરતા હતા તેઓ પણ હવે ફેકટરી વગેરેમાં નાનામોટા કામ કરવા માંડ્યા છે."

"બીજું કારણ એ પણ છે કે ખેતીમાં નફાનો જે દર હતો તે સતત ઘટી રહ્યો છે. ચોમાસુ નબળું હોય ત્યારે વર્ષ ખરાબ જાય છે."

"એમાં જ્યારે ઉદ્યોગધંધા વિકસ્યા તેથી યુવાનોનો ઝુકાવ એ તરફ વધ્યો. નવી પેઢી ખેતી નહીં કરે. સાણંદ અને આસપાસનો વિસ્તાર હવે ખેતીથી નહી ઉદ્યોગોથી ઓળખાય છે."


'બેરોજગારી અને કાયદાના પ્રશ્નો'

Image copyright Getty Images

સાગર રબારી ચિંતા વ્યક્ત કરે છે, "સાણંદ તાલુકાના યુવાનો ખેતીવિમુખ થઈ ગયા છે, પંદરેક વર્ષ પછી ત્યાં બેરોજગારીનો મોટો પ્રશ્ન સર્જાશે. બેરોજગારીને લીધે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી થશે. "

"જમીનના જે ભાવ વધ્યા એ પછી ખેડૂતો એવું વિચારે છે કે આ વેચીને બીજે ક્યાંક નવું ઘર બનાવીશું. આપણને તો આટલા પૈસા આવી ગયા છે."

"એ લાલચને કારણે પણ યુવાનો ખેતીથી દૂર જઈ રહ્યા છે. સાણંદમાં ઉદ્યોગો વિકસતા રોજગારી ખૂબ મળે છે એ વાત એટલી સાચી નથી, પણ ખેતી પોષાતી નથી એ હકીકત છે."

પરંતુ એમાં ઔદ્યોગિકીકરણનો વાંક કેમ કાઢી શકાય?

આ સવાલનો જવાબ આપતાં સાગર રબારી કહે છે, "જમીનના ભાવ ઉદ્યોગોના આવવાને કારણે વધ્યા છે. તેથી લોકો ખેતી કરવા કરતાં જમીન વેચવા તરફ લલચાયા છે, ખાસ તો યુવાનો લલચાય છે."

" ક્યાંકને ક્યાંક તો નોકરી મળી જશે એવું પણ તેમને લાગે છે. એ પણ જમીન વેચવા માટેનું પરિબળ છે. આજીવિકા પર અસર થઈ છે."

"હવે જમીન જતી રહી એટલે જમીન માલીકનું સ્ટૅટસ ગયું પરંતુ રોકડા પૈસા હાથમાં આવ્યા એટલે લોકોએ કાર લઈ લીધી પછી ખેતમજૂરીએ કેવી રીતે જવાય? આ પ્રકારના પ્રશ્ન પણ ઊભા થયા છે."


'સિંચાઈ માટે કેમ પાણી નથી આપવામાં આવતું?'

Image copyright Getty Images

જિતેન્દ્રભાઈ ડાભી કહે છે, "સાણંદ તાલુકાના 33 ગામોને સિંચાઈનું પાણી મળે એ માટે ફતેહવાડી કૅનાલ છે.એ કૅનાલ મોટે ભાગે ખાલી રહે છે."

"જો આ વિસ્તારના ઉદ્યોગોને પાણી મળી શકતું હોય તો સિંચાઈ માટે કેમ પાણી નથી આપવામાં આવતું?"

સાગર રબારી કહે છે, "ઉદ્યોગોને પાણી મળે છે અને ખેતીને નથી મળતું. એને કારણે ખેતી પોષાતી નથી. જો એ પાણી ઉદ્યોગો ન વાપરતા હોત તો ખેતીને મળતું હોત."

"જો પાણીનો પુરવઠો નિયમિત મળતો હોત તો ખેતી ખોટમાં ન ગઈ હોત. ગૅરંટેડ સિંચાઈ હોય તો ક્યારેય ખેતીને ફટકો ન પડે."

તમે આ વાંચ્યું કે નહીં?

તેઓ ઉમેરે છે, "પાણી પૂરતું છે. સવાલ ગેરવ્યવસ્થાનો છે. છેલ્લાં બે વર્ષની વિગત જોઈએ તો નર્મદાના કમાન્ડ વિસ્તારમાં ગયે વર્ષે 4.75 મિલયન એકર ફૂટ પાણી ભાગમાં આવ્યું હતું."

"એમાંથી 1 મિલિયન એકર ફૂટ પીવાનું પાણી અલગ કાઢી રાખીએ તો પણ 3.75 મિલયન એકર ફૂટ પાણી હતું જ. 6 લાખ હેક્ટર કમાન્ડ વિસ્તાર છે."

"3.75 મિલયન એકર ફૂટ પાણી પુરેપુરૂં આપે તો પણ સરપ્લસ રહે. રહી વાત ફતેહવાડી કૅનાલની તો ફતેહવાડી કૅનાલ ડીકમાન્ડ છે પણ બીજી તરફ સરકારે 40,000 હેક્ટર જમીન નર્મદામાંથી ડીકમાન્ડ કરી છે તો એનો લાભ ફતેહવાડી કૅનાલને મળવો જોઇએ."

"સરકારમાં પાણીનો જે ભ્રષ્ટાચાર છે તે મહેસૂલ વિભાગ પછીના બીજા નંબરે છે."

વાઇબ્રન્ટ સમિટ- 2019 પછી મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે 400થી વધુ કંપનીના રૂપિયા 1,11,000 કરોડનું રોકાણ, એનાં ખાતમુહૂર્ત, ઉત્પાદન, ઉદ્ઘાટન 30 માર્ચ પહેલા કરવામાં આવશે.

જીઆઈડીસીના વાઈસ ચેરમૅન અને મૅનેજીંગ ડિરેક્ટર ડી. થરાને પૂછવામાં આવ્યું કે આમાંથી કેટલું રોકાણ સાણંદમાં થયું છે?

તો તેમણે જણાવ્યું હતું કે "હજી અમે એ આકલન નથી કર્યું કે સાણંદમાં કેટલું રોકાણ થયું છે. અમને પાંચ-સાત દિવસ લાગશે."

2019 અગાઉની જે વિવિધ વાઈબ્રન્ટ સમિટ થઈ છે એમાં કેટલું રોકાણ સાણંદમાં થયું છે એ સવાલના જવાબમાં પણ તેમણે કહ્યું કે "અમે આકલન કરી રહ્યા છીએ."

સાણંદ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશનના પ્રમુખ અજિત શાહે જણાવ્યું હતું કે 'સાણંદની જીઆઈડીસીમાં સરકાર માત્ર મોટા ઉદ્યોગોને જ મહત્ત્વ આપે છે.'

'નાના ઉદ્યોગકારોને મહત્ત્વ મળતું નથી. તેમની સમસ્યા સામે આંખ આડા કાન થાય છે.'

સાણંદમાં અત્યાર સુધીમાં 300 જેટલા ઉદ્યોગકારોએ જમીન પાછી આપી દીધી છે. એમાં મોટા ભાગના લઘુઉદ્યોગકારો હતા.

રાજ્ય સરકાર મોટા ઉદ્યોગોને પ્રાધાન્ય આપે છે, નાના ઉદ્યોગો સરકારની પ્રાથમિકતામાં નથી. આ વિશે ડી. થરાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ