શું રાહુલ ગાંધી અને પ્રિયંકાએ તેમની ઉંમર ખોટી જાહેર કરી છે?

વાઇરલ સ્ક્રિનશૉટ Image copyright VIRAL SCREEN GRAB

સોશિયલ મીડિયામાં અમુક લોકોએ એવી અફવા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે કે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેમની સાચી જન્મતારીખ જાહેર નથી કરી.

આ લોકોએ લખ્યું છે કે 'રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ઉંમરમાં માત્ર છ મહિનાનો તફાવત કેમ છે? શું ગાંધી પરિવારે અહીં પણ કોઈ છેતરપિંડી કરી છે?'

દક્ષિણપંથી વિચારધારા ધરાવતાં અમુક ગ્રૂપમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનાં વિકિપીડિયા પેજ સાથે ઍડિટ થયેલા સ્ક્રિનશૉટ શૅર કરવામાં આવી રહ્યા છે.

શૅર કરનારા લોકોએ લખ્યું છે, "જન્મતારીખમાં પણ કૉંગ્રેસનો મહાગોટાળો, રાહુલના જન્મના છ મહિના બાદ થયો પ્રિયંકાનો જન્મ."

ટ્વિટર અને વ્હૉટ્સઍપમાં પણ આ સ્ક્રિનશૉટ શૅર કરવામાં આવી રહ્યા છે. અમુક લોકોએ તેમનાં ટ્વીટમાં ઇન્ડિયા ટુડે ગ્રૂપના 'આજ તક' ન્યૂઝ ચેનલનો સ્ક્રિનશૉટ પર શૅર કર્યો છે.

પરંતુ આ દાવા અને પુરાવાઓ પાયાવિહોણા છે. વાસ્તવમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના જન્મ વચ્ચે 18 મહિના અને 24 દિવસનું અંતર છે.

તમે આ વાંચ્યું કે નહીં?


વાસ્તવિકતા શું છે?

Image copyright Getty Images

રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન 1970ના રોજ દિલ્હીમાં થયો હતો. જ્યારે પ્રિયંકાનો જન્મ 12 જાન્યુઆરી 1972ના રોજ દિલ્હી ખાતે થયો હતો.

કૉંગ્રેસની સત્તાવાર વેબસાઇટ પર બન્ને નેતાઓની જન્મતારીખ આપવામાં આવેલી છે.

વિકિપીડિયા ઉપર પણ બન્ને નેતાઓની આ મુજબ જન્મતારીખ આપવામાં આવેલી છે. પરંતુ લોકોએ વિકિપીડિયાના સ્ક્રિનશૉટ શૅર કર્યા છે, જેમાં તસવીરો ઍડિટ કરીને રાહુલ ગાંધીની તારીખ 19 જૂન 1971 કરી દેવામાં આવી છે.

ઍડિટ કરવામાં આવેલી આ નકલી તસવીરોને વ્હૉટ્સઍપ અને સોશિયલ મીડિયામાં શૅર કરવામાં આવી રહી છે, જેને જોઈને લાગે છે કે હાલમાં જ રાજકારણમાં આવેલાં પ્રિયંકા ગાંધી વિરુદ્ધ જાણીજોઈને ખોટી સૂચના ફેલાવવામાં આવી રહી છે.

રાજનીતિમાં આવેલાં પ્રિયંકા ગાંધીને કૉંગ્રેસના નેતાઓ ઔપચારિક રીતે પક્ષનું 'ટ્રમ્પ કાર્ડ' ગણાવે છે.

બીજી તરફ નિષ્ણાતો માને છે કે પ્રિયંકાના સક્રિય રાજનીતિમાં આવવાથી કૉંગ્રેસ પાર્ટીને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ લડવામાં નવી ઊર્જા મળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ