જ્યોર્જ ફર્નાન્ડિઝ : એ સમયે ઇંદિરા ગાંધી જ્યોર્જ ફર્નાન્ડિઝનું ઍન્કાઉન્ટર કરાવવા માગતા હતા?

જર્યોજ ફર્નાનડિઝ Image copyright Getty Images

ભારતના પૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિઝે (88) 29 જાન્યુઆરીના રોજ મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા.

જ્યોર્જ ફર્નાન્ડિઝ ઘણા સમયથી અલઝાઇમર (સ્મૃતિભ્રંશ)ના રોગથી પીડાતા હતા.

જ્યોર્જના ભાઈ માઇકલના પત્ની ડોનાના કહેવા પ્રમાણે, "જ્યોર્જ ફર્નાન્ડિઝની ફ્લૂની સારવાર ચાલી રહી હતી. મંગળવારે સવારે તેમને દિલ્હીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા."

જ્યોર્જની નજીક મનાતા જયા જેટલીના કહેવા પ્રમાણે :

"જ્યોર્જ ફર્નાન્ડિઝ ઇચ્છતા હતા કે તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવે. જીવનના અંતિમ દિવસો દરમિયાન તેઓ ઇચ્છતા હતા કે તેમને દફન કરવામાં આવે.

આથી, તેમના પાર્થિવદેહના અગ્નિસંસ્કાર કરીને તેમના અસ્થિની દફનવિધિ કરવામાં આવશે."

વર્ષ 1998માં ભારતે રાજસ્થાનના પોખરણ ખાતે પાંચ અણુ પરીક્ષણ કર્યા ત્યારે અને કારગીલ સંઘર્ષ થયો ત્યારે જ્યોર્જ ફર્નાન્ડિઝ દેશના સંરક્ષણ પ્રધાન હતા.


3 જૂન 1930ના રોજ જ્યોર્જ ફર્નાન્ડિઝનો જન્મ થયો હતો.

બિહારની નીતિશ કુમાર સરકારે બે દિવસના શોકની જાહેરાત કરી છે.

1973ની રેલવે હડતાળ બાદ જ્યોર્જ ફર્નાન્ડિઝ ભારતના એક મોટા નેતા તરીકે ઊભરી આવ્યા હતા.

જનતાદળ યુનાઇટેડના નેતા અલી અનવરના કહેવા પ્રમાણે, હવે એ પેઢીના બહુ થોડા સમાજવાદી નેતા બચ્યા છે.


એ ચૂંટણી જેને જ્યોર્જને નેતા બનાવી દીધા

જ્યોર્જ ફર્નાન્ડિઝ Image copyright GEORGE FERNANDES/FACEBOOK

રાષ્ટ્રીય સ્તર પર જ્યોર્જ ફર્નાન્ડિઝની સૌથી પહેલી ઓળખાણ થઈ હતી 1967માં, જ્યારે તેમણે મુંબઈ દક્ષિણ લોકસભા બેઠક પરથી કૉંગ્રેસના કદાવર નેતા એસ. કે. પાટીલને હરાવ્યા હતા.

ત્યારથી જ તેમનું નામ 'જ્યોર્જ ધી જાયન્ટ કિલર' પડ્યું હતું. એ જમાનામાં જ્યૉર્જ મ્યુનિસિપલ કાઉન્સિલમાં કાઉન્સિલર હતા.

જાણીતા પત્રકાર અને જ્યોર્જ ફર્નાન્ડિઝના નજીકના સહયોગી રહેલા વિક્રમ રાવ યાદ કરે છે, "મેં એસ. કે. પાટીલના પત્રકાર સંમેલનમાં એક શરારત કરી હતી."

"મેં કહ્યું હતું, તમે તો મુંબઈના બેતાજ બાદશાહ છો. સાંભળ્યું છે કે કોઈ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ ફર્નાન્ડિઝ તમારી સામે ચૂંટણી લડી રહ્યા છે."

"પાટીલે ઉલટાનો મને જ સવાલ કરી દીધો કે એ કોણ છે જ્યોર્જ ફર્નાન્ડિઝ?"

"પછી મેં તેમને જરા તંગ કરવા માટે એક વધુ સવાલ કર્યો, તમને તો કોઈ હરાવી શકતું નથી, પરંતુ જો તમે હારી ગયા તો?"

"ત્યારે એસ. કે. પાટીલે ખૂબ અભિમાન સાથે જવાબ આપ્યો હતો કે જો ભગવાન પણ આવી જાય તો મને હરાવી શકે નહીં."

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

1974ની રેલવે હડતાળ

જ્યોર્જ ફર્નાન્ડિઝ Image copyright WWW.GEORGEFERNANDES.ORG

કે. વિક્રમ રાવ જણાવે છે, "બીજા દિવસે મુંબઈના તમામ અખબારોની હેડલાઇન હતી, ઇવન ગોડ કેન નોટ ડિફિટ મી સેઇઝ પાટીલ."

"તેમની આ ટિપ્પણી પર જ્યોર્જ ફર્નાન્ડિઝે પોસ્ટર છપાવ્યાં હતાં કે જેમને ભગવાન પણ નથી હરાવી શકતા તેમને તમે હરાવી શકો છો."

આ શરૂઆત હતી પાટીલના પતનની અને જ્યોર્જના ઉદયની.

પાટીલ જ્યોર્જ ફર્નાન્ડિઝથી 42 હજાર મતોએ ચૂંટણી હારી ગયા હતા.

જ્યોર્જ ફર્નાન્ડિઝને નજીકથી જાણનારા એક વધુ પત્રકાર વિજય સંઘવી કહે છે, "તેમને 'મુંબઈના સિંહ'કહેવામાં આવતા હતા."

"જ્યારે તેઓ ગર્જના કરતા તો જાણે સમગ્ર મુંબઈ ધ્રૂજી જતી હતી."

"તેઓ હડતાળ જરૂર કરાવતા, પરંતુ જો હડતાળ ત્રણ દિવસથી વધારે ચાલતી તો તેઓ ખુદ મજૂરોની વસતીમાં ભોજન લઈને પહોંચી જતા હતા."

જ્યોર્જ ફર્નાન્ડિઝને બીજી વખત રાષ્ટ્રીય સ્તર પર ત્યારે હેડલાઇન્સમાં જગ્યા મળી જ્યારે તેમણે આપબળે ભારતમાં રેલવે હડતાળ કરાવી હતી.

આઝાદી બાદ ત્રણ વેતન આયોગ આવી ચૂક્યાં હતાં, પરંતુ રેલવે કર્મચારીઓના વેતનમાં કોઈ નોંધપાત્ર વધારો જોવા મળ્યો ન હતો.

જ્યોર્જ નવેમ્બર 1973થી ઑલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના અધ્યક્ષ બન્યા અને એવું નક્કી કરવામાં આવ્યું કે વેતન વધારવાની માગને લઈને હડતાળ કરવામાં આવે.


ઇંદિરાએ જ્યોર્જની હડતાળ કચડી

જ્યોર્જ ફર્નાન્ડિઝ Image copyright WWW.GEORGEFERNANDES.ORG

એ જ્યોર્જની કમાલ હતી કે ટૅક્સી ડ્રાઇવર, ઇલેક્ટ્રિસિટી યુનિયન અને ટ્રાન્સપૉર્ટના યુનિયન પણ તેમાં સામેલ થઈ ગયાં હતાં.

મદ્રાસની કોચ ફેક્ટરીના દસ હજાર મજૂર પણ હડતાળના સમર્થનમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.

ગયામાં રેલવે કર્મચારીઓએ પોતાના પરિવારો સાથે રેલના પાટા પર કબ્જો કરી લીધો હતો.

એક સમયે તો જાણે સમગ્ર દેશ થંભી ગયો હતો.

સરકાર તરફથી હડતાળ પ્રત્યે કડક વલણ અપનાવામાં આવ્યું હતું.

કેટલીક જગ્યાએ તો રેલવે ટ્રેકને ખોલાવવા માટે સેનાને તહેનાત કરવામાં આવી હતી.

ઍમનેસ્ટી ઇન્ટરનેશનલના રિપોર્ટ પ્રમાણે, હડતાળને તોડવા માટે 30,000થી વધારે મજૂર નેતાઓને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા.

ઇંદિરા ગાંધીની સરકારે ખૂબ જ ક્રૂરતાથી આ હડતાળને કચડી નાખી હતી.

વિક્રમ રાવ જણાવે છે, "શ્રમજીવી આંદોલનના ઇતિહાસમાં કોઈ હડતાળ આટલી બેરહમ કચડવામાં આવી ન હતી."

"ત્યાં સુધી કે અંગ્રેજોએ પણ આટલી ક્રુરતા ક્યારેય બતાવી ન હતી. જ્યોર્જને પણ જેલમાં નાખી દેવામાં આવ્યા હતા."

વિજય સંઘવી જણાવે છે, "રેલવે હડતાળ દરમિયાન જ ઇંદિરા ગાંધીએ પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું."

"તેનાથી સમગ્ર દુનિયા ચોંકી ગઈ હતી, પરંતુ ભારતના લોકો પર તેની કોઈ ખાસ અસર પડી ન હતી. તે દિવસોમાં ટોપ હેડલાઇન રેલવે હડતાળ જ હતી."

લાઇન
લાઇન

જ્યારે જ્યોર્જના એન્કાઉન્ટરનો હતો ડર

જ્યોર્જ ફર્નાન્ડિઝ Image copyright WWW.GEORGEFERNANDES.ORG

25, જૂન, 1975માં જ્યારે ઇમર્જન્સની ઘોષણા થઈ તો જ્યોર્જ ફર્નાન્ડિઝ રાત્રે 11 વાગ્યા સુધી પ્રતિપક્ષના કાર્યલયમાં જ હતા. તેઓ ત્યાં જ ઊંઘી ગયા.

બીજા જ દિવસે સાડા પાંચ વાગ્યે ભુવનેશ્વરની ફ્લાઇટ પકડી, ત્યાં જઈને જ તેમને જાણકારી મળી કે ઇમર્જન્સી લાગી ગઈ છે.

વિજય સંઘવી જણાવે છે, "ત્યાંથી તેઓ કાર દ્વારા દિલ્હીમાં આવ્યા અને સીધા જ મારા ઘરે આવ્યા હતા."

"તેમણે કહ્યું કે કેટલાક દિવસો હું તમારી સાથે રહીશ, તે બાદ જ્યોર્જ દિલ્હીથી વડોદરા ગયા હતા."

કે. વિક્રમ રાવ કહે છે, "ઇમર્જન્સીની ઘોષણ થયા બાદ અચાનક વડોદરામાં એક સરદારજી મારા ઘરે પહોંચ્યા."

"જ્યોર્જે ખૂબ જ સારો વેશ ધારણ કર્યો હતો, જોકે, હું તેમને ઓળખી ગયો."

"કેમ કે તેઓ જ્યારે હસતા હતા ત્યારે તેમના ગાલ પર ખંજન(હસતી વખતે ગાલમાં પડતા ખાડા) પડતાં હતાં."

"મેં તેમને કહ્યું હતું કે જ્યોર્જ તમે ખૂબ સારા લાગો છો. ત્યારે જ્યોર્જે કહ્યું 'હું પોતાના દેશમાં જ શરણાર્થી બની ગયો છું' તેમનું વાક્ય માર્મિક હતું."

"જ્યારે જ્યોર્જની કલકત્તાના એક ચર્ચમાં ધરપકડ કરવામાં આવી તો એ રાત્રે તેમને ગુપ્ત રીતે મિલિટરી વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા."

કે. વિક્રમ રાવ Image copyright WWW.GEORGEFERNANDES.ORG
ફોટો લાઈન કે. વિક્રમ રાવ

કે. વિક્રમ રાવ જણાવે છે, "ઇંદિરા ગાંધી ત્યારે મૉસ્કોના પ્રવાસ પર હતાં. તેમની પાસેથી ફોન પર નિર્દેશ લેવામાં કેટલીક વાર લાગી."

"આ દરમિયાન ચર્ચના પાદરી વિજયને કોલકત્તામાં બ્રિટિશ અને જર્મન ઉપ રાજદૂતાવાસને જણાવી દીધું હતું કે જ્યોર્જની ધરપકડ કરી લેવામાં આવી છે."

"પાદરીએ એવી પણ જાણકારી આપી હતી કે એ નક્કી છે કે તેમને ઍન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવશે. આ સમાચાર તરત લંડન (ઇંગ્લૅન્ડ) અને બૉન (જર્મની) પહોંચી ગયા."

"બ્રિટનના વડા પ્રધાન જેમ્સ કૈલાઘન, જર્મન ચાન્સલર વિલી બ્રાન્ડ અને ઑસ્ટ્રેલિયાના ચાન્સલર બ્રૂનો ક્રાએસ્કી કે જેઓ સોશિયાલિસ્ટ ઇન્ટરનેશનલના નેતા હતા."

"આ ત્રણેય નેતાઓએ એકસાથે ઇંદિરા ગાંધીને મૉસ્કોમાં ફોન પર ગંભીર પરીણામોની ચેતવણી આપી અને કહ્યું કે જ્યોર્જને મારી નાખવામાં આવશે તો તેમની સાથેના સંબંધો ખરાબ થઈ જશે."

"સારી વાત એ હતી કે ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓથી ડરતાં હતાં."

"આ જ કારણ હતું કે જ્યોર્જનું ઍન્કાઉન્ટર કરવામાં આવ્યું નહીં અને તેમને તિહાડ જેલમાં લઈ જવામાં આવ્યા."

લાઇન
લાઇન

તિહાડમાં દિવાળી

જ્યોર્જ ફર્નાન્ડિઝ Image copyright Getty Images

વર્ષ 1977માં જ્યારે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી તો જ્યોર્જ જેલમાં હતા તો પણ તેમણે મુઝફ્ફરપુરમાંથી (તત્કાલીન અવિભાજીત ઉત્તર પ્રદેશ) ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો.

કે. વિક્રમ રાવ જણાવે છે, "અમે બધા તિહાડ જેલના 17માં નંબરના વૉર્ડમાં હતા."

"અમે તિહાડ જેલ આવનારા એક ડૉક્ટરને સાધ્યા અને એ રાત્રે તેઓ આવ્યા તો એ નક્કી કરીને આવ્યા કે તે સમયે મુઝફ્ફરનગરમાં કોણ લીડ કરી રહ્યું છે."

"ત્યારે તેમણે અમને કહ્યું હતું કે જ્યોર્જ એક લાખ મતોથી ત્યાં લીડ કરી રહ્યા છે."

"હું જેલમાં ગુપ્ત રીતે એક નાનકડું ટ્રાન્સજિસ્ટર લઈ ગયો હતો."

"અમે સવારે 4 વાગ્યે 'વૉઇસ ઑફ અમેરિકા'માં સાંભળ્યું કે ચૂંટણી એજન્ટે રાયબરેલીમાં ફરીથી મતોની ગણતરીની માગ કરી છે.

"આ સાંભળતા જ હું ઊછળી પડ્યો, કેમ કે હારનારા લોકો જ બીજી વખત મતગણતરીની માંગ કરે છે."

"મેં તરત જ ખાટલા પર સૂતેલા જ્યોર્જને જગાડીને સમાચાર આપ્યા કે ઇંદિરા ગાંધી હારી ગયાં છે."

"સમગ્ર જેલમાં જાણે દિવાળી જેવો માહોલ થઈ ગયો અને અમે લોકો એકબીજાને ગળે મળવા લાગ્યા."

વર્ષ 1977માં જનતા મંત્રીમંડળમાં જ્યોર્જને પહેલા સંચારમંત્રી અને પછી ઉદ્યોગમંત્રી બનાવ્યા હતા.

જ્યારે જનતા પાર્ટીમાં ફૂટ પડવાની શરૂઆત થઈ તો તેમણે સંસદમાં મોરારજી દેસાઈનો જબરદસ્ત બચાવ કર્યો હતો.

પરંતુ 24 કલાકની અંદર જ જ્યોર્જ ચરણસિંહના પક્ષમાં પહોંચી ગયા.

આ રાજકીય સમરસોલ્ટથી જ્યોર્જની ખૂબ જ મજાક થઈ હતી, પરિસ્થિતિ તો એવી આવી કે ચરણસિંહે તેમને પોતાના મંત્રીમંડળમાં પણ લીધા ન હતા.


લૈલા કબીર સાથે લગ્ન

લૈલા કબીર અને જ્યોર્જ ફર્નાન્ડિઝ Image copyright WWW.GEORGEFERNANDES.ORG
ફોટો લાઈન લૈલા કબીર અને જ્યોર્જ ફર્નાન્ડિઝ

નહેરુના મંત્રીમંડળમાં શિક્ષણમંત્રી રહેલા હુમાયુ કબીરની પુત્રી લૈલા કબીર સાથે જ્યોર્જની મુલાકાત 1971માં કલકત્તાથી દિલ્હી આવતી વખતે ઇન્ડિયન ઍરલાઇન્સની એક ફ્લાઇટમાં થઈ હતી.

દિલ્હી પહોંચ્યા બાદ જ્યોર્જે લૈલાને તેમના ઘર સુધી મૂકી આવવાની દરખાસ્ત કરી, જેની લૈલાએ ના પાડી દીધી.

જોકે, ત્રણ મહિના બાદ જ્યોર્જે તેમની સામે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો અને જેમનો તેમણે સ્વીકાર કરી લીધો.

દિલચસ્પ વાત એ છે કે તેમનાં લગ્નમાં રાજકીય રીતે તેમના ઘોર વિરોધી ઇંદિરા ગાંધીએ પણ હાજરી હતી.

પરંતુ 1984માં આવતા આવતા જ્યોર્જ અને લૈલાના સંબંધોમાં તિરાડ પડવા લાગી હતી.


જ્યોર્જની જિંદગીમાં જયા જેટલીનો પ્રવેશ

જયા જેટલી અને જ્યોર્જ ફર્નાન્ડિઝ Image copyright JAYA JAITLY

વર્ષ 1977માં જ્યોર્જ ફર્નાન્ડિઝની મુલાકાત પ્રથમ વખત જ્યા જેટલી સાથે થઈ હતી.

તે સમયે તેઓ જનતા પાર્ટી સરકારમાં ઉદ્યોગમંત્રી હતા અને જયાના પતિ અશોક જેટલી તેમના સ્પેશિયલ આસિસ્ટન્ટ હતા.

જ્યાએ જ્યોર્જની સાથે કામ કરવાનું શરૂ કરી દીધું અને 1984 આવતા સુધીમાં જ્યોર્જ જયાને પોતાના દાંપત્ય જીવનની વાતો પણ કરવા લાગ્યાં.

જ્યોર્જનું દાંપત્ય જીવન એ સમયે ખૂબ ચડાવ-ઉતારમાંથી પસાર થઈ રહ્યું હતું.

જ્યા કહે છે, "તે સમયે તેમનાં પત્ની હંમેશાં બીમાર રહેતાં હતાં અને લાંબા સમય સુધી બ્રિટન અને અમેરિકા ચાલ્યાં જતાં હતાં."

"જ્યોર્જ જ્યારે બહાર જતા હતા તો તેમના પુત્ર શૉનને મારે ત્યાં મૂકી જતા હતા."

મેં જ્યારે જયા જેટલીને પૂછ્યું કે જ્યોર્જ માત્ર તમારા મિત્ર હતા કે તેનાથી પણ વધારે?

લૈલા કબીર સાથે જ્યોર્જ ફર્નાન્ડિઝ Image copyright WWW.GEORGEFERNANDES.ORG
ફોટો લાઈન લૈલા કબીર સાથે જ્યોર્જ ફર્નાન્ડિઝ

જયાનો જવાબ હતો, "ઘણા પ્રકારના મિત્રો હતા અને મિત્રતાના પણ ઘણા સ્તર હોય છે."

"મહિલાઓને એક પ્રકારના બૌદ્ધિક સન્માનની જરૂરત હોય છે."

"આપણા પુરુષ પ્રધાન સમાજમાં ઘણા લોકો વિચારે છે કે મહિલાઓ કમજોર દિમાગ અને શરીરની હોય છે."

"જ્યોર્જ એકમાત્ર શખ્સ હતા જેમણે મને વિશ્વાસ અપાવ્યો હતો કે મહિલાઓની પણ રાજકીય વિચારધારા હોય છે."

"બીજું તેમની વિચારધારા ખૂબ જ માનવતાવાદી હતી. એકવાર તેઓ જેલમાં હતા અને પંખાની ઉપર બનેલા ચકલીના માળામાંથી તેમનાં બે-ત્રણ બચ્ચાં નીચે પડી ગયાં."

"બચ્ચાં ઊડી શકતાં ન હતાં. તેમણે પોતાની ટોપીથી એક માળો બનાવ્યો અને તેને પાળ્યાં હતાં."

"તેઓ ક્યાંય પણ જતા તો તેમના ખિસ્સામાં બે ટૉફી રાખતા હતા. ઇન્ડિયન્સ ઍરલાઇન્સની ફ્લાઇટમાં એ ટૉફીઓ મફતમાં મળતી હતી."

"તેઓ બાળકોને જોતાં જ તેમને ટૉફીઓ આપી દેતા હતા. આ જ બાબતોએ અમને બંનેને જોડ્યાં હતાં. તેમાં રોમાન્સને કોઈ જ જગ્યા ન હતી."


એક વિદ્રોહી રાજનેતા

જ્યોર્જ ફર્નાન્ડિઝ Image copyright WWW.GEORGEFERNANDES.ORG

જ્યોર્જ ફર્નાન્ડિઝ એક વિદ્રોહી રાજનેતા હતા અને જેમને પરંપરાઓમાં વિશ્વાસ ન હતો.

હેરી પોર્ટરનાં પુસ્તકોથી લઈને મહાત્મા ગાંધી અને વિસ્ટર્ન ચર્ચિલના જીવન સુધીનાં પુસ્તકો વાંચવાનો તેમને ખૂબ જ શોખ હતો.

તેમની એક મોટી લાઇબ્રેરી હતી અને જેનું એકપણ પુસ્તક એવું ન હતું જે તેમણે વાંચ્યું ના હોય.

જ્યા જેટલી કહે છે, "પોતાની જિંદગીમાં ના તો તેમણે કોઈ ખભો ખરીદ્યો કે ના તો કોઈના ખભાનો ઉપયોગ કર્યો. પોતાનાં કપડાં તેઓ ખુદ ધોતા હતા."

"લાલુ યાદવે એકવાર પોતાના ભાષણમાં કહ્યું હતું કે જ્યોર્જ બિલકુલ બોગસ વ્યક્તિ છે."

"તેઓ ધોબીને ત્યાં કપડાં ધોવડાવે છે અને તેમાં માટી ભેળવીને તેને નિચોવીને ફરી પહેરી લે છે."

જયા જેટલીએ જણાવ્યું, "જ્યારે આ બધું ટીવીવાળાઓએ સાંભળ્યું તો જ્યોર્જ સાહેબ પાસે આવ્યા અને બોલ્યા કે તેમને કપડા ધોતા ફિલ્માવી શકીએ."

"જ્યોર્જને આ સાંભળીને ખૂબ જ મજા આવી અને રાજીવ શુક્લાના રૂબરૂ પોગ્રામ માટે લુંગી પહેરીને પોતાનાં ગંદા કપડાં ધોવા માટે તૈયાર થઈ ગયા."

"જ્યોર્જને ખાવાનો ખૂબ જ શોખ હતો. ખાસ કરીને કોંકણની માછલીઓ અને ક્રેબ્ર કરી તેમને ખૂબ પસંદ હતી."

"1979માં અમે એકવાર ટ્રેડ યુનિયનની બેઠકમાં ભાગ લેવા માટે મુંબઈ ગયાં હતાં."

"ત્યાં તેઓ અમને અશોક લંચ હોમ નામની એક જગ્યા પર લઈ ગયા. ત્યાં અમને માછલી કરી ખવડાવી હતી."

"મને ખૂબ સારું લાગ્યું જ્યારે તેમણે ડ્રાઇવરને પણ પોતાની સાથે બેસાડીને જમાડ્યો હતો."


સુરક્ષાગાર્ડ વિનાના સંરક્ષણ મંત્રી

જ્યોર્જ ફર્નાન્ડિઝ Image copyright WWW.GEORGEFERNANDES.ORG

જ્યોર્જ ફર્નાન્ડિઝ એકલા એવા મંત્રી હતા જેમના નિવાસ સ્થાન પર કોઈ ગેટ કે સુરક્ષા ગાર્ડ ન હતા.

તેમના ઘરે કોઈ પણ લોકો સીધા જ જઈ શકતા હતા. તેની પાછળ પણ એક કિસ્સો છે.

જયા જેટલી કહે છે, "જ્યોર્જ સાહેબના ઘરની સામે ગૃહ મંત્રી શંકરરાવ ચ્વહાણ રહેતા હતા."

"તેમની સાથે ખૂબ મોટો સિક્યૉરિટી બંદોબસ્ત ચાલતો હતો. જ્યોર્જ સાહેબ એ સમયે વિપક્ષમાં બેસતા હતા."

"જ્યારે પણ ચ્વહાણે સંસદ જવા માટે ઘરેથી નીકળવાનું થતું હતું, તેના સુરક્ષાકર્મીઓ જ્યોર્જ ફર્નાન્ડિઝનો ગેટ બંધ કરી દેતા હતા."

"જેના કારણે તેમના ઘરમાંથી કોઈ અંદર-બહાર જઈ શકતું ન હતું."

"એક દિવસ જ્યોર્જને આ વાતને લઈને ગુસ્સો આવ્યો. તેમણે કહ્યું કે ચ્વહાણ સાહેબની જેમ મારે પણ સંસદ જવું જરૂરી છે."

"જો તેમની સુવિધા માટે મને ઘરમાં બંધ કરી દેવામાં આવે તો હું આ વાતનો સ્વીકાર કરી શકું નહીં."

"તેમણે પોતાના ઘરનો ગેટ તોડાવી નાખ્યો અને પોતાના ઘરે ક્યારેય પણ કોઈ ગાર્ડ રાખ્યો ન હતો."

"વાજપેયી સરકારમાં સંરક્ષણમંત્રી બન્યા બાદ વાજપેયી સહિતના નેતાઓએ તેમને સુરક્ષાકર્મી રાખવાનો અનુરોધ કર્યો હતો."

"જોકે, તેમણે તેમની વાત માની ન હતી. તેમણે ગાર્ડ રાખવાની શરૂઆત ત્યારે કરી જ્યારે સંસદ પર હુમલો થયો હતો."

"ત્યારે મેં તેમને કહ્યું કે જ્યોર્જ ફર્નાન્ડિઝને માર્યા જશે એ મોટી વાત નહીં હોય પરંતુ દેશના સંરક્ષણમંત્રી માર્યા જશે એ મોટી વાત હશે."


તહલકા સ્ટિંગ જેના કારણે જ્યોર્જે રાજીનામું આપવું પડ્યું

જયા જેટલી અને જ્યોર્જ ફર્નાન્ડિઝ Image copyright JAYA JAITLY

જયા જેટલીની રાજકીય કારકિર્દીને ત્યારે ખૂબ મોટો ધક્કો લાગ્યો જ્યારે 'તહલકા' પત્રિકાએ સ્ટિંગ ઑપરેશન કરીને તેમના પર કેટલાક સંરક્ષણ સોદાઓમાં લાંચ લેવાનો આરોપ લગાવ્યો.

જયા જેટલી કહે છે, "જે લોકોએ સ્ટિંગ કર્યું, તેમને હું પહેલા ક્યારેય મળી ન હતી."

"વચ્ચેની વાતચીતમાં મેં તેમને પૂછ્યું કે શું હું આ મેડમને આપી દઉં? તેઓ શું આપી રહ્યા હતા તેની મને ખબર ન હતી."

"તેમણે પહેલાં કહ્યું હતું કે તેઓ પાર્ટી માટે કંઈક આપવા માગે છે."

"પાર્ટીને ડોનેશન આપવું કોઈ ગેરકાનૂની વાત નથી. જ્યારે તેમણે કહ્યું તો મેં કહ્યું કે મૈસૂર મોકલાવી દો જ્યાં અમારા એક મંત્રી સંમેલન કરાવી રહ્યા છે."

"તેના પર તેમણે ત્રણ વાર અચ્છા-અચ્છા કહ્યું, તેઓ વાતો વાતોમાં કહેવા લાગ્યા કે અમે સંરક્ષણ મંત્રાલયમાં કેટલીક પરેશાનીઓ થઈ રહી છે."

"મેં તરત કહ્યું કે સંરક્ષણ મંત્રાલયવાળા શું કરે છે તેની મને ખબર નથી."

જ્યોર્જ ફર્નાન્ડિઝ Image copyright WWW.GEORGEFERNANDES.ORG

"મને નથી ખબર કે તેઓ અમારી વાત નથી સાંભળી રહ્યા અને અમારી કોઈ ચિઠ્ઠીનો જવાબ આપી રહ્યા નથી."

"તેઓ એવો આભાસ આપી રહ્યા હતા કે તેમની સાથે ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે અને મંત્રાલયના લોકો ભ્રષ્ટાચારમાં લિપ્ત છે."

"મેં એટલું જ કહ્યું કે જો કોઈ ખોટું કામ થઈ રહ્યું છે તો હું જોઈશ કે તે લોકો બધાને બરાબર નજરથી જુવે."

"બાદમાં તેમણે કહાણી બનાવી કે સંરક્ષણમંત્રીના ઘરે બેસીને હું હંમેશાં પૈસા લીધા કરું છું."

સચ્ચાઈ જે પણ હોય જયા જેટલીએ તેની મોટી રાજકીય કિંમત ચુકાવવી પડી હતી.

તેમને પાર્ટીના અધ્યક્ષ પદ પરથી હટવું પડ્યું હતું, ના તેમને પરંતુ જ્યોર્જ ફર્નાન્ડિઝે પણ સંરક્ષણમંત્રીના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

લાઇન
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો