શું નીતિન ગડકરી અમિત શાહ અને નરેન્દ્ર મોદી સામેનો RSSનો પ્લાન બી છે?

નીતિન ગડકરી Image copyright Getty Images

"સપનાં દેખાડનારા નેતા લોકોને સારા લાગે છે પણ દેખાડેલાં સપનાં પૂરા ન થાય તો જનતા એમની પિટાઈ પણ કરે છે."

આ નિવેદન કેન્દ્રીય પ્રધાન અને સંઘની નજીક ગણાતા નીતિન ગડકરીનું છે.

નીતિન ગડકરીએ આગળ એમ પણ કહ્યું "એટલે સપનાંઓ એટલા જ દેખાડો જેટલાં તમે પૂરાં કરી શકો. હું સપનાઓ દેખાડનારાઓમાંથી નથી. હું જે કહું છું તે 100 ટકા ડંકાની ચોટે પૂરું થાય છે. હું એ લોકોમાંનો નથી કે જે માત્ર સપનાં દેખાડે છે, હું જે કહું છું એ કરું છું."

જેમ લોકસભાની 2019ની ચૂંટણીઓ નજીક આવતી જાય છે એમ નીતિન ગડકરીની ચર્ચા વધતી જાય છે.

અગાઉ નીતિન ગડકરી "બેરોજગારીની સમસ્યા", "વિજય માલ્યા", "ભાજપના નેતાઓ" અને "હારની જવાબદારી" જેવા પક્ષથી વિપરીત નિવેદનો આપી ચૂક્યા છે જે આપ આગળ વાંચી શકશો.

નીતિન ગડકરીના આ નિવેદનોનો અર્થ શો છે અને આ ખાલી નિશાનેબાજી છે કે એની આસપાસ પણ કંઈક છે એ જાણવું રસપ્રદ છે.


શું આંતરિક અસંતોષ બહાર આવી રહ્યો છે?

Image copyright Getty Images

નીતિન ગડકરીએ આપેલા નિવેદનના સૂચિતાર્થ સમજવા માટે બીબીસીએ વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ સાથે વાત કરી.

ઘનશ્યામ ભાઈના મતે આ છેલ્લા એકાદ મહિનામાં ત્રીજું એવું નિવેદન છે જેમાં નીતિન ગડકરી પોતાને સીધું કહેવાને બદલે, આડકતરી રીતે વડા પ્રધાન પદના દાવેદાર તરીકે રજૂ કરી રહ્યા છે.

ઘનશ્યામ ભાઈ કહે છે કે નીતિન ગડકરીના સ્વરુપે પક્ષની અંદર 2014માં આપેલાં વચનો પૂરાં નહીં થવાનો અણગમો કે અસંતોષ છે તે બહાર આવી રહ્યો છે અને તેઓ ચોક્કસ આ વાત 2014ના સંદર્ભમાં જ કહી રહ્યા છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ગુજરાત ભાજપના પ્રવકતા ભરત પંડ્યાએ નીતિન ગડકરીના નિવેદનને કૉંગ્રેસ સાથે જોડતા કહ્યું, "અગાઉ કૉંગ્રેસના 10 વર્ષના શાસનમાં લોકોને બતાવવામાં આવેલા સપનાંઓ પૂરા નથી થયા અને એટલે લોકોએ કૉંગ્રેસને સજા કરી. નરેન્દ્ર ભાઈની સરકારમાં એ સપનાંઓ પૂરાં થયાં."

"એ સાથે એમણે સરકારમાં એમના વિભાગે કરેલી કામગીરીની પણ લોકો સમક્ષ રજૂઆત કરી હતી."

જોકે, ભરતભાઈની વાત સાથે ઘનશ્યામ શાહ સહમત નથી.

તેઓ કહે છે અગાઉ તેમણે મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં હાર બાદ ટોચની નેતાગીરીએ જવાબદારી લેવી જોઈએ એવું પણ કહ્યું હતુ. તેમના આગળના નિવેદનો અને હાલના નિવેદનો ઇશારો તો એ તરફ જ કરે છે કે તેમને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે.

તો શું નીતિન ગડકરી આરએસએસનો પ્લાન બી છે? એ સવાલના જવાબમાં ઘનશ્યામ ભાઈ શક્યતાઓ નકારી કાઢતા નથી પણ શું ખરેખર એવું છે?

આપને આ પણ વાંચવું ગમશે


નીતિન ગડકરી પ્લાન બીછે?

Image copyright Getty Images

એક તરફ, મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવ સેના વચ્ચે લોકસભાની ચૂંટણીમાં જોડાણનો મુદ્દો હજી યથાવત છે.

બીજી તરફ, અગાઉ મહારાષ્ટ્રના નેતાઓએ નીતિન ગડકરીને આગામી વડા પ્રધાન બનાવવા માટે આરએસએસના વડા મોહન ભાગવત સાથે મુલાકાત કરી હોવાનો પણ મીડિયામાં અહેવાલ હતો.

તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ એવો દાવો કર્યો હતો કે 2050 સુધીમાં એકથી વધારે મરાઠી વડા પ્રધાન બનશે.

વરિષ્ઠ પત્રકાર પ્રકાશ ન. શાહ નીતિન ગડકરીના તાજેતરના નિવેદન અંગે કહે છે કે આનો અર્થ એ થાય કે સંઘ પરિવારે નરેન્દ્ર મોદી સિવાયના વિકલ્પો ખૂલ્લા રાખ્યા છે.

તેઓ ઉમેરે છે કે જો 2019માં ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળે તો ભાજપને અને સંઘ પરિવારને એક સર્વસમાવેશી ચહેરાની જરુર છે અને નીતિન ગડકરી એ ચહેરો બની શકે છે.

પ્રકાશ ન. શાહની વાત સાથે મુંબઈ સ્થિત વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા સહમતી દાખવે છે. તેઓ સ્પષ્ટ રીતે માને છે કે નીતિન ગડકરી આરએસએસનો પ્લાન બી છે.

તેઓ કહે છે કે નરેન્દ્ર મોદીના પક્ષની અંદરના શક્તિ પ્રદર્શનથી નીતિન ગડકરીને ફરક નથી પડતો. આરએસએસ પોતાના સરવે મુજબ નક્કી કરતું હોય છે અને છેલ્લા કેટલાક સમયથી તે નીતિન ગડકરીને આગળ કરી રહ્યું છે તે સ્પષ્ટ છે.

ચાર મહિના અગાઉ એટલે કે રાજસ્થાન-મધ્યપ્રદેશ-છત્તીસગઢની સહિત પાંચ રાજ્યોની વિધાનસબાની ચૂંટણીનાં પરિણામો 11 ડિસેમ્બર 2018ના રોજ આવ્યાં તેનાથી પણ પહેલાં 22 સપ્ટેમ્બરના રોજ તેઓ કૉલમમાં એવું લખી ચૂક્યા છે કે સંઘ પરિવારે નરેન્દ્ર મોદીના વિકલ્પની કવાયત શરું કરી દીધી છે.

આ કૉલમ એમણે સંઘના વડા મોહન ભાગવતે નવી દિલ્હીમાં ત્રણ દિવસ જે ભાષણો કર્યા ત્યારબાદ લખી હતી.

ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યોની ગત વિધાન સભાની ચૂંટણી પૂર્વે આરએસએસનો સંવાદ નામનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભવિષ્ય કા ભારત - આરએસએસનો દૃષ્ટિકોણ એ વિષય પર અનેક મુદ્દે ઉદાર વિચારો રજૂ કર્યા હતા.

રમેશ ઓઝા કહે છે કે 2019માં જો ભાજપને બહુમતી ન મળી અને સાથી પક્ષો સાથે મળીને સરકાર બનાવવાની નોબત આવી તો નીતિન ગડકરી વડા પ્રધાન તરીકે સંઘ જુએ છે કેમ કે તેઓ બધાને સાથે લઈને ચાલવાની આવડત ધરાવે છે.


આ તો ચાના પ્યાલામાં તોફાન જેવું છે

Image copyright Getty Images

નીતિન ગડકરી પ્લાન બી છે એ વાત સાથે નાગપુરના વરિષ્ઠ પત્રકાર અવિનાશ પાઠક અલગ મત ધરાવે છે. અવિનાશ પાઠક સંઘ અને ભાજપ બેઉને નજીકથી જાણનાર વ્યકિત ગણાય છે.

અવિનાશ પાઠક કહે છે કે સંઘ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં નથી લેતું એટલે ગડકરીના નિવેદનો પાછળ સંઘનો દોરીસંચાર છે એમ કહેવું યોગ્ય નથી. નીતિન ગડકરીનાં નિવેદનોને જે તે સમયની રાજકીય સ્થિતિને આધારે છે પણ ગડકરી પ્લાન બી છે કે તેમની પાછળ સંઘ છે એ માત્ર પત્રકારોનો તર્ક છે.

જોકે, આ તર્ક ફક્ત પત્રકારો કે રાજકીય વિશ્લેષકો જ નથી કરી રહ્યા રાજકીય પક્ષો પણ કરી રહ્યા છે. નીતિન ગડકરીના નિવેદન પર કૉંગ્રેસની પ્રતિક્રિયામાં એ જોવા મળ્યું હતું.

નીતિન ગડકરીએ નિવેદનમાં કોઈ પક્ષ કે નેતાનું નામ નહોતું લીધું પરંતુ કૉંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું કે કહીં પે નિગાહે કહીં પે નિશાના એ જૂની કહેવત છે, પણ અહીં એમની આંખો વડા પ્રધાનની ખુરશી પર હતી અને નિશાના ઉપર પણ વડા પ્રધાન જ હતા. આ સાથે એમણે નીતિન ગડકરીનાં અગાઉનાં નિવેદનો પણ યાદ કરાવ્યા હતા.

અસીઉદ્દીન ઓવૈસીએ પીએમઓના ટ્વિટરને ટાંકીને ટ્વીટ કરીને કહ્યું કે નીતિન ગડકરીજી આપને ચતુરાઈથી રસ્તો બતાવી રહ્યા છે.

અલબત્ત 2019માં ઓછી બહુમતી મળે તો નીતિન ગડકરી સંઘની પસંદ બની શકે છે એ વાત સાથે અવિનાશ પાઠક પૂર્ણ રીતે સહમત નથી.

તેઓ કહે છે કે જો લોકસભા ચૂંટણીનાં પરિણામોથી પરિસ્થિતિ બદલાય અને સંઘ તેમને સર્વસમાવેશી ભૂમિકા અદા કરવાનું કહે તો પણ ગડકરી વડા પ્રધાન બનાવશો તો જ એ કરીશ એમ નહીં કહે.

નીતિન ગડકરીનાં નિવેદનોને વરિષ્ઠ પત્રકાર અને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના પ્રમુખ વિષ્ણુ પંડ્યા ચાના પ્યાલામાં તોફાન જેવું ગણાવે છે.

વિષ્ણુ પંડ્યા કહે છે કે આમાં બગાવત કે વિદ્રોહ જેવું કઈ નથી. નીતિન ગડકરી આરએસએસના જૂના માણસ છે એ પક્ષને નુકસાન થાય એવું કંઈ ન કરે. અગાઉ પણ તેઓ આવી અનેક વાતો કહી ચૂક્યા છે પણ એમાં કંઈ ખાસ નથી.

આપને આ પણ વાંચવું ગમશે


નીતિન ગડકરીની આઝાદી અને ભાજપનું મૌન

Image copyright Getty Images

2019ની લોકસભાની ચૂંટણી પહેલાં એક તરફ નરેન્દ્ર મોદી દેશભરમાં યોજનાઓની શરુઆત કે લોકાર્પણ માટે ફરી રહ્યા છે, ત્યારે નીતિન ગડકરી જ કદાચ એવા પ્રધાન છે કે જેમના વિભાગની નાનીમોટી લગભગ તમામ યોજનાઓનાં લોકાર્પણ કે શરુઆતમાં તેઓ કેન્દ્રમાં હોય છે.

તાજેતરમાં એમણે 5,300 કરોડ રુપિયાની હાઈ-વે યોજનાઓનું રાજસ્થાનમાં લોકાર્પણ કર્યુ છે.

નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિને 2820 કરોડનો ઇસ્ટર્ન પેરિફેરલ ઍક્સપ્રેસ વે ખૂલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે એમણે નવી દિલ્હીને જળ અને વાયુ પ્રદુષણથી તેમજ ટ્રાફિકની સમસ્યાથી મુક્ત કરવા 50,000 કરોડ રુપિયા સરકાર વાપરશે એમ કહ્યું હતું.

આ રીતે જોઈએ તો, કવચિત નીતિન ગડકરી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના સૌથી આઝાદ મંત્રી છે. વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા નીતિન ગડકરીની આઝાદી પાછળનું મુખ્ય કારણ આરએસએસને ગણાવે છે.


કાર્યકર્તાઓમાં લોકપ્રિયતા અને મોદી-શાહ સાથેના સંબંધો

Image copyright Getty Images

પોતાના નિવેદનો થકી અનેક વાર પક્ષને કફોડી સ્થિતિમાં મૂકવા છતાં નીતિન ગડકરીનું કદી સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ નથી થતું.

આ વિશે ભાજપ પર નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદી કહે છે, "આનું કારણ એ છે કે નીતિન ગડકરી વર્તમાન સમયમાં કાર્યકર્તાઓમાં ખૂબ લોકપ્રિય નેતા છે."

"આજે જ્યારે અનેક નેતાઓના દરવાજા કાર્યકર્તાઓ માટે ખૂલ્લા નથી હોતા ત્યારે નીતિન ગડકરી મોડી રાત સુધી કાર્યકર્તાઓને મળતા દેખાતા હોય છે."

નીતિન ગડકરી અને મોદી વચ્ચેના સંબંધો અંગે અનેક અટકળો છે. એવી જ રીતે નીતિન ગડકરીના શાહ સાથેના સંબંધોનો પણ ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે.

ભાજપ પર નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહ બીબીસી હિંદી માટે લખેલા એક લેખમાં કહે કે "જ્યારે નીતિન ગડકરી ભાજપના અધ્યક્ષ હતા અને એ વખતે અમિત શાહને અદાલતના આદેશથી ગુજરાત છોડવું પડ્યું હતું ત્યારે ગડકરીને મળવા માટે અમિત શાહને કલાકો રાહ જોવી પડતી હતી."

પ્રદીપ કુમાર કહે છે કે "નરેન્દ્ર મોદી અને નીતિન ગડકરીના સંબંધોની વાત કરીએ તો 2009માં સંઘ પ્રમુખ મોહન ભાગવતે અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, વૈંકેયા નાયડૂ અને અનંત કુમારને પાછળ ધકેલી મરાઠી બ્રાહ્મણ નીતિન ગડકરીને ભાજપ પ્રમુખ બનાવ્યા હતા."

"એ વખતે નરેન્દ્ર મોદી એક માત્ર એવા મુખ્ય મંત્રી હતા જે શુભેચ્છાઓ આપવા નહોતા ગયા."

"ભાજપ અધ્યક્ષ બન્યા પછી નીતિન ગડકરી સંજય જોષીને પાછા લઈ આવ્યા હતા. એક જમાનામાં પ્રચારક તરીકે મોદી અને સંજય જોષી દોસ્તો હતા જે પાછળથી રાજકીય દુશ્મની બની ગયા."

"2012માં ગડકરીએ સંજય જોષીને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સંયોજક બનાવ્યા તે મોદીને નહોતું ગમ્યું અને તેઓ પ્રચાર માટે નહોતા ગયા."

એના પછી મોદીએ મુંબઈ અધિવેશનમાં સંજય જોષીના રાજીનામાની માગણી કરી.

આ અધિવેશનની વાત કરતા વિજય ત્રિવેદી કહે છે, "સંજય જોષી દિલ્હીથી ટ્રેન પકડી મુંબઈ પહોંચી ગયા હતા, ગડકરીને પણ એમ હતું કે મોદી આ વાત પર અડી નહીં પડે પણ મોદી અમદાવાદથી મુંબઈને બદલે ઉદયપુર પહોંચી ગયા."

"આખરે ગડકરીને ના છૂટકે સંજય જોષીનું રાજીનામું લેવું પડ્યું હતું. એ પછી મોદી અધિવેશનમાં ભાગ લેવા મુંબઈ પહોંચ્યા હતા."

નીતિન ગડકરીનાં અગાઉનાં વિવાદસ્પદ નિવેદનો

Image copyright Getty Images

અગાઉ પાંચ રાજ્યોનાં વિધાનસભાનાં પરિણામો બાદ એમણે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું હતું કે સફળતાના સૌ સગા હોય છે પણ નિષ્ફળતા અનાથ હોય છે. નેતૃત્વમાં નિષ્ફળતાની જવાબદારી લેવાની વૃત્તિ હોવી જોઈએ.

ભાજપમાં કેટલાક લોકોને ઓછું બોલવાની જરુર છે.

બે કરોડ રોજગારીનું ભાજપ સરકારનું વચન હતું. સરકાર અનેક દાવાઓ વચ્ચે નીતિન ગડકરી અગાઉ નોકરી છે જ કયાં એવું બોલી ચૂક્યા છે.

કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ વિજય માલ્યાને ભાગેડું ચોર તરીકે ઓળખાવ્યો એના બીજા જ દિવસે ગડકરીએ કહ્યું હતું કે જે માણસ ચાર દાયકાથી બૅન્કો પાસેથી ધિરાણ લેતા આવ્યા હોય, મુદ્દલ અને વ્યાજ ચૂકવતા આવ્યા છે એમને એકવાર ધંધામાં નિષ્ફળતા મળી અને ધિરાણ અને વ્યાજ ચૂકવવા નિષ્ફળતા મળી એનો અર્થ એવો ન થાય કે તે જન્મજાત ચોર છે.


2014ના નીતિન ગડકરી અને 2019ના નીતિન ગડકરી

Image copyright Getty Images

એ નોંધવા જેવું છે કે વડા પ્રધાન તરીકેની નરેન્દ્ર મોદીની પસંદગી અને 2014ની લોકસભાની ચૂંટણીની ભાજપની જે મુખ્ય 12 નેતાઓની સમિતિ હતી તેમાં નીતિન ગડકરી પણ હતા.

રાજનાથ સિંહે રાજીનામું આપ્યું હતું અને એ પણ બીમાર વાજપેયી તેમજ નારાજ અડવાણીની સાથે મૅન્ટરની ભૂમિકામાં આવી ગયા હતા.

લોકસભાની 2019ની ચૂંટણી માટે ભાજપની જે સમિતિ બની છે તેમાં પણ સામાજિક સંગઠનો અને સ્વયંસેવી સંસ્થાઓ સાથે સંકલનની જવાબદારી નીતિન ગડકરીને સોંપવામાં આવી છે.

એ સ્વાભાવિક છે કે ભાજપનું સૌથી મહત્ત્વનું સંકલન સંઘ પરિવાર અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે રહેવાનું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો