રામ જન્મભૂમિ વિવાદ : કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું 'જેના પર વિવાદ નથી તે જમીન પરત આપો'

નરેન્દ્ર મોદી Image copyright Getty Images

રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદમાં સરકારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

સરકારે અદાલતમાં અરજી આપતા કહ્યું છે કે તે જમીનના વિવાદિત ભાગ સિવાયની બાકી જમીન રામ જન્મભૂમિ ન્યાસ (મંદિર ટ્રસ્ટ)ને આપી દે, જેથી મંદિરની યોજના ઉપર કામ કરી શકાય.

વિવાદિત જમીનની આસપાસની 67 એકર જમીન સરકારની છે, જેમાંથી 2.7 એકર જમીન ઉપર અલાહાબાદ હાઈકોર્ટે વર્ષ 2010માં ચુકાદાની સુનાવણી કરી હતી અને ફક્ત 0.313 એકર જમીન ઉપર વિવાદ છે.

સુપ્રીમ કોર્ટે આ આખી જમીન યથાવત રાખવાનું કહ્યું છે, પરંતુ હવે સરકારે કોર્ટમાં અરજી આપી છે કે જે જમીન ઉપર વિવાદ નથી એ જમીન યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ હટાવી લેવામાં આવે.

આજે (મંગળવારે) સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર-બાબરી વિવાદ ઉપર સુનાવણી થવાની હતી.

જોકે, નવી બંધારણીય બૅન્ચના જસ્ટિસ એસ. એ. બોબડે હાજર નહીં હોવાને કારણે આજની સુનાવણી ટાળી દેવામાં આવી છે.

રામ મંદિરના મુદ્દે શિવસેના અને વિશ્વ હિંદુ પરિષદ મોદી સરકારને સતત ઘેરતી રહી છે આ સ્થિતિમાં ચૂંટણીના વર્ષમાં સરકારનું આ પગલું અગત્યનું સાબિત થઈ શકે છે.

2010નો ચુકાદો શું છે

વર્ષ 2010ના અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે.

અલાહાબાદ હાઈકોર્ટે પોતાના 2010ના ચુકાદામાં અયોધ્યાની 2.77 એકર જમીન સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલાની વચ્ચે એક સરખી વહેંચવાનો ચુકાદો આપ્યો હતો.


અયોધ્યામાં શું થયું હતું?

અયોધ્યા વિવાદ ભારતમાં એક રાજકીય મુદ્દો બની ગયો છે. ઘણાં હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓએ છ ડિસેમ્બર, 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડી હતી.

ભારતીય જનતા પાર્ટી અને વિશ્વ હિંદુ પરિષદ સહીત ઘણાં હિંદુ સંગઠનોનો દાવો છે કે હિંદુઓના આરાધ્યદેવ રામનો જન્મ બરાબર અહીં જ થયો હતો, જ્યાં બાબરી મસ્જિદ હતી.

તેમનો દાવો છે કે બાબરી મસ્જિદ હકીકતમાં, એક મંદિરને તોડીને બનાવવામાં આવી હતી.

બાબરી મસ્જિદ તોડી પાડ્યા બાદ દેશમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં અને સર્વોચ્ચ અદાલતમાં મંદિર નિર્માણ માટે વિવાદિત ભૂમિના હસ્તાંતરણની જોરશોરથી માંગણી કરવામાં આવી.

વિવાદિત જમીનના માલિકી હક્કનો આ કેસ દેશની અદાલતોમાં 1949થી જ ચાલી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો